સાડીની શોભા વધારતાં બ્લાઉઝની ફેશન
આમ તો મહિલાઓમાં અનેક પ્રકારના પહેરવેશ પ્રચલિત છે. પરંતુ ભારતીય સ્ત્રી જેટલી સાડીમાં શોેભી ઊેઠે છે એટલી અન્ય કોઈ પરિધાનમાં નથી શોભતી. સાડી સાથે બ્લાઉઝ વ્યવસ્થિત ફિટિંગનું હોવું જોઈએ. નહીંતર સાડી ગમે તેટલી મોંઘી કેમ ન હોય પણ શોભતી નથી હોતી. પરફેક્ટ ફિટીંગ અને મેચિંગ બ્લાઉઝ સાથે સિમ્પલ સાડીની શોભા બમણી થઈ જાય છે. જોે તમે ઈચ્છતા હો કે તમારી સાડીની બધા પ્રશંસા કરે તો સાડી સાથે બ્લાઉઝ બનાવતી વખતે નીચેનાં સૂચનો પર જરૂર ધ્યાન આપો.
બ્લાઉઝ માટે કાપડ હંમેશા ટુ બાય ટુ રૂબિયાનું જ લો કારણ કે એ ખાસ બ્લાઉઝ માટે જ બનાવવામાં આવે છે. સિલ્ક, ટેરિકોટન અથવા પોલિયેસ્ટર કાપડના બ્લાઉઝ દેખાવે નથી સારા લાગતાં કે નથી એ કાપડ પરસેવો પણ શોષી શકતું. સાથે સુવિધાજનક પણ નથી હોતું.
* ઘણીવાર મહિલાઓ સાડીમાં રહેલા કોઈપણ રંગનું બ્લાઉઝ બનાવી લેતી હોય છે. એના બદલે જ્યાં સુધી શક્ય હોય સાડીના બેસ કલરનો જ બ્લાઉઝ બનાવો જેથી તમારી સાડી ખૂબસૂરતીથી દીપી ઊઠે. જો બસ કલર ન મળે તો જે રંગનો સાડીમાં વધુ ઉપયોગ થયો હોય એ જ રંગનો બ્લાઉઝ બનાવડાવો.
* આજકાલ મોટાભાગની સાડીઓ સાથે જ મેચિંગ બ્લાઉઝ પણ આવતું હોય છે. એ હંમેશા અસ્તર લગાવીને જ સિવડાવો. અસ્તર માટે હંમેશાં સુતરાઉ કાપડ જ પસંદ કરો. કાપડ ટેલરને ધોઈને તથા પ્રેસ કરીને આપો જેથી ધોયા પછી અસ્તર સંકોચાઈ ન જાય. નહીંતર બ્લાઉઝ અને અસ્તરના માપમાં તફાવત પડી જશે.
* ટેલરને માપના યોગ્ય ફિટિંગવાળો બ્લાઉઝ જ આપો. બ્લાઉઝમાં તમારું માપ આપીને સિવડાવો એ જ વધુ યોગ્ય રહેશે.
* ડિઝાઈનવાળું બ્લાઉઝ સિવડાવવું હોય તો એ માટે સિલ્ક અથવા અન્ય કોઈ મોટું કાપડ લો જેથી એની ડિઝાઈન દેખાઈ શકે. કારણ કે રૂબિયા જેવા કાપડ પર ડિઝાઈન બનાવવામાં કામ વ્યવસ્થિત નથી લાગતું અને ફિટિંગ પણ બરાબર આવતું નથી.
* આજકાલ લો બેકના બ્લાઉઝ બહુ ફેશનમાં છે. માટે એ સિવડાવતી વખતે માત્ર ફેશનનો જ નહીં, પરંતુ તમારા ફિગરનો પણ ખ્યાલ રાખો. આ બ્લાઉઝ સ્લિમ ફિગર અને ખાસ કરીને ગોરા રંગની મહિલાઓ પર જ સારા લાગે છે.
* લો બેકનું બ્લાઉઝ પહેરતી વખતે પોતાની પીઠની સુંદરતાનું વિશેષ ધ્યાન રાખો. સ્નાન કરતી વખતે નિયમિત રીતે પીઠ સાબુથી સાફ કરો. જો પીઠ પર વાળ હોય તો અઠવાડિયામાં એક વખત વેક્સિંગ જરૂર કરો અથવા કરાવો.
* ડીપ ગળું અને લો બેકનું બ્લાઉઝ પહેરતી વખતે યોગ્ય સ્ટ્રેપની બ્રા પહેરો નહીંતર ખભા પર બ્લાઉઝની અંદરથી બહાર દેખાતી બ્રાની સ્ટ્રેપ દેખાવમાં ખરાબ લાગશે.
* બેકલેસ પહેરતી વખતે અને સિવડાવતી વખતે એના ફિટિંગનું ખાસ ધ્યાન રાખો જેથી બ્રા વગર પહેરવામાં આવે છતાં તમારું ફિગર યોગ્ય લાગે.
* ડિઝાઈનર બ્લાઉઝ પહેરતી વખતે પ્રસંગનું અવશ્ય ધ્યાન રાખો. વધુ ડિઝાઈનવાળા બ્લાઉઝ વિવાહ-લગ્ન જેવા પ્રસંગોએ જ સારા લાગે છે.
* જો સાડીમાં માત્ર બે અથવા ત્રણ રંગોનો જ ઉપયોગ કરવામાં આવ્યો હોય તો બેસ કલરના બ્લાઉઝમાં બાંય અને ગળા પર બીજા રંગની પાઈપિંગ લગાવડાવો.
* જો બોર્ડરવાળી સાડીમાં મેચિંગ બ્લાઉઝ ન હોય તો સાડી ખોસવાની જગ્યાએથી બાંય અને બેકની લંબાઈ માપીને તેના માપની બોર્ડર કાપી ટેલર પાસે બાંય અને બેકમાં લગાવડાવી મેચિંગ બ્લાઉઝ બનાવો. સાડીનો કાપેલો ભાગ સાધારણ કપડાથી સીવી લો.
* સ્લીવલેસ બ્લાઉઝ પહેરતાં પહેલાં તમારી બગલની સંપૂર્ણ સફાઈ અને વેક્સિંગ જરૂર કરી લો. એ પહેરતી વખતે તમારા ફિગરનું પણ અવશ્ય ધ્યાન રાખો. કારણ કે આવું બ્લાઉઝ વધારે દૂબળી પાતળી મહિલા પર સારું નથી લાગતું.
* યુવતીએ લગ્ન પહેલાં પોતાનું બ્લાઉઝ સિવડાવતી વખતે તેમાં અંદરની બાજુએ લગભગ બેથી અઢી ઈંચની જગ્યા જરૂર રખાવવી જોઈએ જેથી લગ્ન પછી શરીર વધે ત્યારે બ્લાઉઝ ટાઈટ ન થઈ જાય.
* જો તમે બાળકને ફીડ કરાવતા હો તો ટેલરને બ્લાઉઝના હૂક અથવા બટન વધુ મજબૂત લગાવવાનું કહો. જેથી વારંવાર ખોલવા કે બંધ કરવાથી એ તૂટી ન જાય.
- હિમાની