કડવા લીમડાનાં મીઠામધ જેવા હેલ્થ બેનિફિટ્સ!
સ્વાદમાં કડવો લીમડો આરોગ્ય માટે બહુ ગુણકારી છે. આયુર્વેદ કહે છે કે લિમડો વિવિધ રોગ મટાડતું ચમત્કારી ઓસડ છે. ભારતમાં લગભગ પાંચ હજાર વરસથી લિમડાનો વિવિધ બીમારીઓના ઈલાજ તરીકે ઉપયોગ થતો આવ્યો છે. આયુર્વેદ મુખ્યત્વે શરીરમાં 'વાત'ના દોષ માટે લીમડાના પાનનો ઉપયોગ સૂચવે છે, પણ એ હકીકતમાં એના આરોગ્ય માટે બીજા ઘણાં ફાયદા છે. જાણીને નવાઈ લાગે કે હિન્દીમાં નીમ તરીકે જાણીતા લીમડાના પાન લોહી શુદ્ધ કરે છે, શરીરમાંથી વિવિધ પ્રકારના વિષનું ઉત્સર્જન કરે ચે, કીડા-મકોડાના ડંખ અને અલ્સર પણ મટાડે છે. એ દાઝવા અને વાગવાથી થતા ઘામાં રુઝ લાવે છે અને ત્વચાની બીમારીઓનો ઈલાજ પણ કરે છે. લીમડો ઇન્ફેક્શન ફેલાવતા લેક્ટીરિયાનો ખાતમો બોલાવે છે અને રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) પણ સુધારે છે. સ્વાસ્થ્ય માટે લિમડાના લાભ જાણી લીધા બાદ એકંદરે હેલ્થ અને શરીરની સુખાકારી માટે એનો રોજિંદો ઉપયોગ કઈ રીતે કરવો એ વિશે માહિતગાર થઈએ :
હાર્ટને હેલ્ધી રાખે :
નીમના પત્તા બ્લડ સરક્યુલેશનનું નિયમન કરી, બેડ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડી અને હૃદયની ધમનીઓમાં ફેટ વગેરેનો ગઠ્ઠો જામતો રોકી કાર્ડિયો-વેસ્ક્યુલર હેલ્થ જાળવવામાં ઉપયોગી બને છે. લીમડો હૃદયરોગને આમંત્રણ આપતું ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડવામાં મદદરૂપ થાય છે. એમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ એ કામગિરી બજાવે છે એટલે રોજ લીમડાના પાનની ચાપીને અથવા તો એમાંથી બનતા વિવિધ સપ્લીમેન્ટ્સનું સેવન કરી હાર્ટની હેલ્થ જાળવી શકવા ઉપરાંત હાયપરટેન્શનનું જોખમ પણ ઓછું કરી શકાય.
સંધિવાનો ઉપચાર કરે :
લીમડાના એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો સંધિવાની સારવારમાં આશીર્વાદરૂપ બની રહે છે. વાનો દુખાવો ઓછો કરવા અને અસુખમાં રાહત મેળવવા નીમની પેસ્ટ અથવા એનું ઓઈલ હાડકાના દુખતા જોઈન્ટ્સ પર લગાડી શકાય.
પાચનતંત્રના ભાગને સ્વસ્થ રાખે :
લિમડો પાચનતંત્રના માર્ગનો દાહ ઓછો કરે છે. એ ઉપરાંત આ ચમત્કારી ઓસડ શરીરમાં અલ્સર્સ, પેટમાં ભરાવો, ગોટલા ચડવા અને કબજિયાત રોકવા સિવાય પેટમાં ઇન્ફેક્શન પણ થવા નથી દેતું. એ પાચન અને મળ-મૂત્રના વિસર્જનની એકંદર પ્રોસેસમાં પણ સુધારો કરે છે એટલે રોજ લીમડાના થોડાક તાજા પત્તા ચાવી જવાથી પણ ઘણો બધો લાભ મેળવી શકાય.
લોહીમાં સુગરનું પ્રમાણ જાળવે :
બહુ ઓછા એ હકીકતથી વાકેફ છે કે બ્લડ સુગર લેવલ્સને સ્થિર રાખવામાં લીમડો અસરકારક પુરવાર થાય છે. આ ઓસડમાં રહેલા કેમિકલ કમ્પોનન્ટસ (રાસાયણિક ઘટકો) ઇન્સ્યુલિન રિસેપ્ટરના કામકાજને ગતિ આપી શરીરને બૉડીને ઇન્સ્યુલિનનો પુરતો ડોઝ મેળવવામાં મદદરૂપ થાય છે એટલે લીમડાનું નિયમિત સેવન કરતા ડાયાબિટીસના દર્દીઓએ ઇન્સ્યુલિન પર ઓછો આધાર રાખવો પડે છે. જો કે ઇન્સ્યુલિનના ડોઝ અને બીજી બાબતો વિશે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
સ્ક્રિન ફ્રેન્ડલી હર્બ :
એક વાટકામાં લીમડાના પાન લઈ એ મુલાયમ અને રંગવિહીન ન થઈ જાય ત્યાં સુધી ગરમ કરો. એ પાણી ઠરી જાય પછી એને ગાળી બોટલમાં ભરી દો. એને નહાવાના પાણીમાં ઉમેરવાથી ખીલ અને ચામડીનું ઇન્ફેક્શન થતા રોકી શકાય અને દેહની દુર્ગંધ પણ દૂર થાય. ખીલ મટાડવા માટે નીમના થોડાક પત્તા પાણીમાં પીસી ચહેરા પર એનો લેપ લગાડવો. લીમડાનું પાણી ત્વચાને નિખાર આપે છે અને દાઝેલા ભાગ પર લગાડવાથી ઝડપથી રુઝ આવી જાય છે. એ સિવાય દાઝેલા અંગને એનાથી ઇન્ફેક્શન અને એલર્જી સામે પણ રક્ષણ મળે છે.
ઓરલ હેલ્થ માટે બેસ્ટ :
મોટાભાગના ઓરલ હેલ્થ પ્રોડક્ટસની સામગ્રીમાં લીમડો અચુક સામેલ હોય છે. નીમના એન્ટીબેક્ટીરિયલ ગુણધર્મો દાંતના રોગો અને મોઢામાં દુર્ગંધ પેદા કરતા બેક્ટીરિયા દૂર કરી મોઢું એકદમ ચોખ્ખુ રાખે છે. નીમના પાણીનો માઉથવોશ તરીકે પણ ઉપયોગ કરી શકાય. ગામડામાં આજેય લિમડાની ડાળખીઓનો ટુથબ્રશ તરીકે ઉપયોગ થાય છે.
લીમડાના ગુણકારી મહોર :
ચૈત્ર મહિનામાં કડવા લીમડામાં સફેદ મહોર આવે છે. એ મહોરનો પણ આયુર્વેદિક ઔષધિઓમાં વ્યાપક ઉપયોગ થાય છે. એ ઉપરાંત લીમડામાં લિંબોળીનું ફળ પણ આવે છે. લિંબોળી કાચી હોય ત્યારે એનો રંગ લીલો હોય છે અને પાકે ત્યારે એ ચળકતો પીળો રંગ ધારણ કરે છે. લીલી લિંબાળી સ્વાદમાં કડવી અને પીળી સ્વાદમાં એકદમ મીઠી હોય છે. એક જમાનામાં ગામડાંના બાળકો માટે લીમડાની લિંબોળી જ નાસ્તાની ગરજ સારતી. લિંબોળી પણ દવાઓમાં વપરાય છે.
ટીબીની ટ્રિટમેન્ટમાં લિમડાનો પવન :
ભાવનગર નજીક અમરગઢમાં જિથરીની બહુ જાણીતી ટીબી હોસ્પિટલ હતી. ઊંચાઈ પર આવેલી એ હોસ્પિટલ લાંબા ખુલા વિસ્તારમાં ફેલાયેલી હતી. અહીંથી ટીબીના સેંકડો દર્દીઓ સાજા થઈને ઘરે જતા. એનું કારણ અકસીર દવાઓ અને યોગ્ય ઈલાજ ઉપરાંત ચોવીસે કલાક એમને મળતી લીમડામાંથી ચળાઈને આવતી તાજી હવા હતી. આખી હોસ્પિટલમાં ઠેરઠેર ઝુલતા લીલાછમ ઘેયુર લીમડાના વૃક્ષો દર્દીઓ માટે ડોક્ટર બનીને ઊભા હતા. એ લીમડામાંથી ચળાઈને આવતો પવન પેશન્ટને જલદી બેઠો કરી દેવામાં અગત્યનો ભાગ ભજવતો મુંબઈ જેવા મેટ્રો શહેરોમાં પર્યાવરણની જાળવણી માટે રોડની બંને બાજુએ શોભાના ગાંઠિયા જેવા તકલાદી વિલાયતી વૃક્ષો વાવવામાં આવે છે. એને બદલે પીપળા અને લીમડાના ઝાડ રોપાય તો શહેરીજનોને ચોખ્ખી હવા મળે અને એમની હેલ્થ પણ ટનાટન રહે. ક્લાઈમેટ ચેન્જને અંકુશમાં રાખવાનો એ પણ એક સચોટ ઉપાય છે.
- રમેશ દવે