Get The App

નાની વરિયાળીના મોટા ગુણ .

Updated: Aug 7th, 2023

GS TEAM


Google News
Google News
નાની વરિયાળીના મોટા ગુણ                                . 1 - image


વરિયાળી ખાસ કરીને ઘરે ઘેર મુખવાસ તરીકે અને પાનમાં નાખવાના મસાલા તરીકે વપરાતી હોઈ ખૂબ જાણીતી છે. સારા નિતારવાળી અને હલકી રેતાળ જમીન તેને વધુ માફક આવે છે. ભારતમાં એ સર્વત્ર થાય છે. ઉત્તર ગુજરાતમાં તેનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે, તેમાંયે ઊંઝા તો વરિયાળીના વેપારનું  મોટું મથક ગણાય છે.   તેના છોડ બેથી  ત્રણ ફૂટ ઊંચા અને સુગંધી દાર હોય છે તેમ જ સુવાના છોડ જેવા જ હોય છે. તેના પાન કોથમીરના પાન જેવા પણ બારીક હોય છે. તેના છોડને રૂપાળાં છોેગલા (તોરા)  આવે છે. એ તોરામાં શરૂઆતમાં  પીળા રંગના ફૂલ દેખાય અને પછી એ ફૂલોમાં વરિયાળીના દાણા  બેસે છે. જેમ જેમ  છોગલાં  પાકે તેમ તેમ તે ઉતારી લેવામાં આવે છે. ધરુ રોપીને  શિયાળામાં  વરિયાળીનું વાવેતર કરવામાં આવે છે.

કુમળી લીલી સુગંધીદાર વરિયાળી સ્વાદિષ્ટ અને અત્યંત રુચિકર લાગે છે. વરિયાળીની મોસમમાં લીલી વરિયાળીને લોકો હોંશભેર ખાય છે. સૂકી વરિયાળી શ્લૈષ્મિક કલા અને પાચનતંત્ર પર  પ્રભાવશાળી  અસર કરે છે. એ મહાસ્રોતોમાં દીપન-પાચન, શામક, અનુલોમન તથા ગ્રાહી અસર કરે છે. ફેફસાં અને વૃક્કો દ્વારા જ્યારે એ બહાર નીકળે છે ત્યારે એ સ્થાનોને એ ખાસ ફાયદો કરે છે, તેનાથી સૂકી ખાંસી અને શરીરની ગરમી શાંત થાય છે. વરિયાળીના આ ગુણોને લીધે જ ગામડામાં ઉનાળામાં લગ્ન જેવાં માંગલિક પ્રસંગે વરિયાળી અને શિંગોડા એકત્ર કરીને વહેંચવામાં આવે છે.

ઉનાળામાં  ઘણાને  અરુચિ અને અગ્નિમાંદ્ય થાય છે. પરિણામે  ખોરાક  લેવાની  રુચિ થતી નથી અને ભૂખ લાગતી નથી. વળી કેટલાકને તૃપ્તિનો અનુભવ થતો નથી. આં ઉપદ્રવો વરિયાળીનું  નિયમિત શરબત લેવાથી શાંત થાય છે. જે સ્ત્રીઓએનો કોઠો ગરમ હોય તેમને માટે વરિયાળીનું શરબત આશીર્વાદ સમાન છે. સ્ત્રીઓના કોઠાની ગરમીને કારણે ઘણીવાર  બાળકોને ખૂબ સહન કરવું પડે છે. જો નાનાં બાળકોની માતાઓ વરિયાળીના શરબતનો ઉપયોગ કરે તો બાળકોને પરેશાન થવું ન પડે અને માનું ધાવણ વધે છે.  વરિયાળીાના મધુર ગુણને  લીધે જ સંસ્કૃતમાં  તેમનું 'મધુરી' નામ પડયું હશે. ઘણા પ્રાચીન સમયથી વરિયાળી મુખવાસ અને ઔષધોમાં  ઉપયોગમાં લેવામાં આવે છે. વરિયાળીમાંથી અર્ક કાઢવામાં આવે છે. વરિયાળીની માત્રા બેથી છ માસની છે. તેના અર્કની માત્રા એકઍથી બે ઓંસનીૈ છે. શતપુષ્પા, શતાહ્વા, મધુરા, કારવી, મિસિ, અતિલંબી સિતછત્રા, સંહિતા, છત્રિકા, છત્રા, શાલેય અને શાલીન અ ેવરિયાળીના સંસ્કૃત નામો છે. વરિયાળી હલકી, તીક્ષ્ણ, પિત્ત કરનાર, અગ્નિને  પ્રદીપ્ત કરનાર, તીખી અને ગરમ છે.  એ જ્વર  વાયુ, કફ, વ્રણ, શૂળ અને નેત્રના  રોગોનો મટાડે છે. વરિયાળી રસમાં મધુર, વિપાકમાં  તૂરી, સારક, હૃદ્ય, સ્નિગ્ધ, રુચિકર, વૃષ્ય, ગર્ભપ્રદ અને બલ્ય છે.વળી એ દાહ, અર્શ, રક્તપિત્ત,  તરસ, વ્રણ, ઊલટી, અતિસાર અને આમપ્રકોપને દૂર કરનાર છે. વરિયાળી ગરમ ગણાય છે. પરંતુ રાત્રે  પાણીમાં  રાખી તે પાણી સવારે પીવાથી કોઠાની  ગરમી દૂર કરે છે એ રીતે  પીવાથી ઉનાળાની ગરમીમાં  પણ શાન્તિ મળે છે.

ચરક વરિયાળીને ગર્ભસ્થાપન અને શૂલપ્રશમન કરનારી ગણે છે. સુશ્રુત તેને કફસંશમન ગણે છે.

વરિયાળીનાં પાન સુગંધિત અને મૂત્રલ છે. તેના પાનની ભાજી મધુર, અગ્નિપ્રદીપક, ધાવણ વધારનારી, વૃષ્ય, રુચિ આપનારી ઉષ્ણ અને પથ્થકારક છે તેમ જ તેની ભાજી  વાયુ, જ્વર, ગોળો અને શૂળની નાશક છે. વરિયાળીના મૂળમાં સારક ગુણ છે.

યુનાની હકીમો વરિયાળીને પાચન અને જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર તેમ જ સ્ત્રીઓના કષ્ટાર્તવ પર તેને ફાયદાકારક ગણે છે. તેના પાનનો ક્વાથ સુવાવડી સ્ત્રીઓની રક્તશુદ્ધિ માટે તથા ગર્ભાશયની શુદ્ધિ માટે અપાય છે. હકીમો તેના પાનને ગરમ માને છે. તેમના મત પ્રમાણે વરિયાળીનાં પાન ચક્ષુષ્ય-નેત્રજ્યોતિ વધારનારાં છે.

પાંચસો ગ્રામ વરિયાળી લઈ તેને બારીક ખાંડી, અર્ધા લિટર પાણીમાં ત્રણ-ચાર કલાક પલાળી રાખી, પછી સ્ટીલની તપેલીમાં લઈ થોડીવાર ઉકાળીને કપડાથી ગાળી લો. પછી તેમાં ત્રણસોથી ચારસો  ગ્રામ ખાંડ નાખી ફરીથી ઉકાળી ઘટ્ટ શરબત બનાવવું. ઉનાળાની ગરમીની ઋતુમાં  વરિયાળીનું આ શરબત પીવાથી ઠંડક મળે છે.

વરિયાળી, જેઠીમધ, આમલસારો ગંધક પાંચ-પાંચ તોલા, મીંઢીઆવળ પંદર તોલા અને સાકર ત્રીસ તોલા લઈ, બધી ચીજોને અલગ અલગ ખાંડી ચૂર્ણ  કરી,કપડાથી ગાળી લેવી. પછી ખરલમાં  ગંધક અને મીંઢીઆવળનું ચૂર્ણ ઘૂંટવું. તેમાં બાકીની ચીજોના ચૂર્ણ મેળવવા અને સારી રીતે મળી જાય ત્યાં સુધી ઘૂંટવા. આ ચૂર્ણને સ્વાદિષ્ટ વિરેચન ચુર્ણ કહે છે. રાત્રે સૂતી વખતે ગરમ પાણી સાથે  ત્રણથી છ માસા જેટલું આ ચૂર્ણ  લેવાથી લોહીવિકાર, કબજિયાત, મરડો,  ખોટી ગરમી વગેરે  રોગોમાં  ફાયદો કરે છે. તેનાથી સવારે એકથી બે દસ્ત થાય છે. ઉદરશુદ્ધિ માટે આ ચૂર્ણ ખાસ  વપરાય છે.

વરિયાળીના ઉકાળામાં સાકર મેળવીને પીવાથી  પિત્તજ્વર મટે છે.

વરિયાળી અને સાકરનું ચૂર્ણ મોમાં રાખી વારંવાર તેનો રસ ગળવાથી ગરમીથી થતી ઉધરસ મટે છે.

વરિયાળીની પોટલી બાંધી પાણીમાં મૂકી રાખી તે પાણી માંદા માણસને -રોગીને પીવા આપવું અત્યંત ગુણકારી છે.

વરિયાળીનો  ઉકાળો કરીને પીવાથી અથવા સૂંઠ અને વરિયાળીને ઘીમાં શેકી, ખાંડી, તેને ફાંકી લેવાથી આમનું  પાચન થાય છે તેમ જ આમાતિસારમાં  ફાયદો થાય છે.

વરિયાળીને  ચાવીને ખાવાથી અને તેનો રસ ઉતારતા  રહેવાથી ઉદરશૂળ અને આફરો શાંત થાય છે. વરિયાળીનું ચારથી છ માસ ચૂર્ણ  ગરમ પાણી  સાથે લેવાથી પણ આફરો મટે છે.

વરિયાળીને શેકીને તેમાં જરૂર પ્રમાણે મીઠું અને લીંબુનો રસ મેળવી એક શીશીમાં ભરી રાખી, ભોજન કર્યા બાદ મુખવાસ તરીકે ખાવાથી મુખશુદ્ધિ  થાય છે અને ખોરાકનું પાચન  કરે છે.

વરિયાળીનો અર્ક આપવાથી આમનું પાચન થાય છે તેમ જ તાવની ઊલટી અને તરસ  દૂર થાય છે.

Tags :