Get The App

ભજન ક્લબિંગ : ઈ-જનરેશન દ્વારા ઈશ્વરની ઈ-આરાધના

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
ભજન ક્લબિંગ : ઈ-જનરેશન દ્વારા ઈશ્વરની ઈ-આરાધના 1 - image

નવી પેઢીની ભક્તિ અને તેની અનુભૂતી જુદા છે. તેઓ પોતાને અલગ સ્તરે લઈ જવા માગે છે. તેઓ રોક સ્ટાઈલમાં પણ ભક્તિનો આનંદ લેવા માગે છે અને તેમની લાગણીઓ તેની સાથે જોડાયેલી છે તો તેમના ઉપર ખોટું દબાણ ન કરવું જોઈએ. આપણે તેમની લાગણીઓ સમજવી જોઈએ, અભિવ્યક્તિ અને અનુભૂતિની રીતને પણ સમજવી જોઈએ. 

વર્ષોથી આપણા સમાજમાં જનરેશન ગેપની વાતો થતી આવી છે. આપણે આ ગેપ જોતા આવ્યા છીએ, અનુભવતા આવ્યા છીએ અને કદાચ આગળના સમયમાં અનુભવીશું પણ ખરા. જેમ જેમ પેઢી બદલાય છે તેમ તેમ તેના આચાર-વિચાર અને વાણી-વર્તનમાં પણ ફેરફાર જોવા મળે છે. તેમાંય જેનઝી અને ત્યારબાદની જે પેઢી આવી તેને સમજવી ખરેખર અઘરી છે. તેમની માનસિકતા, તેમના વિચારો, તેમના ગમા-અણગમા, તેમના તર્કો અને તેમની કામગીરીઓ બધું જ કંઈક અલગ સ્તરે જ ચાલે છે. 

આ એક એવી પેઢી છે જેમને માતા-પિતાને દરરોજ પગે લાગવું ગમતું નથી પણ વારતહેવારે માતા-પિતાને પગે લાગતા સ્ટેટસ મુકવા ગમે છે. એઆઈની મદદથી વર્ચ્યુઅલ ફેમિલી બનાવવું ગમે છે પણ પરિવાર ભેગો થયો હોય તો તેમની સાથે કલાક બેસવામાં કાંટા વાગે છે. તેમને દરરોજ મંદિર જવામાં, ઘરમાં દિવા-બત્તી કરવામાં કે માળા કરવામાં અથવા તો ભજન કરવામાં પેટમાં દુ:ખે છે. બીજી તરફ આ જ પેઢીને ભગવાનના મોટા મોટા ટેટૂ શરીર ઉપર ચિરાવવા ગમે છે. તેમને વિવિધ તહેવારો અને ઉત્સવો દરમિયાન જે-તે ભગવાન, માતાજી અને ધર્મગુરુઓના સ્ટેટસ મુકવાના ફાવે છે. તેમને ભગવત ગીતા વાંચવાનું નહીં ફાવે પણ ઈન્સ્ટાગ્રામ ઉપર ગીતાના શ્લોકની રીલ બનાવીને મુકવાનો આનંદ આવશે. 

નવી પેઢીના મૂજ અને મિજાજ સાવ અલગ જ છે. તેમને સમજવા ખરેખર મુશ્કેલ છે. ઘણી વખત બહારથી સાવ ઉછાંછળી, બેદરકાર અને બેફામ લાગતી આ પેઢી ખરેખર આંતરિક રીતે કેટલી ઉંડી ઉતરેલી છે તે સમજવું પણ અઘરું જ છે. આ એવી પેઢી છે જેમને માખણ ખાતો કે માટી ખાતો લાલો કદાચ કનેક્ટ થતો નથી. તેઓ તો પોતાની જે જ પોતાના લાલાને વહાલ કરીને લાટે પીવડાવે અથવા તો માખણની જગ્યાએ માચા પીવડાવે તેવા છે. તેમનો આનંદ અને એમ કહીએ કે નિજાનંદ જ જુદો છે. 

આ નિજાનંદને માણવાનું માધ્યમ પણ હવે તેમણે તેમની રીતે વિકસાવેલું છે. તેમને પરંપરાગત ભજનો, આખ્યાનો કે પછી અન્ય કોઈ પારંપરિક પદ્ધતિથી ભગવાનની ભક્તિ ફાવતી નથી. તેમણે હવે ઈશ્વરની આરાધના માટેના પણ પોતાના રસ્તા શોધી કાઢયા છે. આજની આ ઈ-જનરેશન હવે પોતાના ભજનો, પોતાની પ્રસ્તુતી, પોતાના શબ્દો અને પોતાની લાગણી સાથે ઈ-આરાધના કરી રહી છે. તેઓ નાઈટકલ્બોમાં તો જઈને ગીત-સંગીત ઉપર ઢેકડા મારે જ છે પણ હવે તેઓ ભજન ક્લબિંગ અને ભજન જેમિંગના રસ્તે આગળ વધી રહ્યા છે. તેઓ નવી રીતે ગવાતા અને નવા શબ્દો તથા સંગીતના તાલ ધરાવતા ભજનોની ધૂન ઉપર નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે અને નિજાનંદ માણી રહ્યા છે.

ભક્તિ સંગીતનું જે આ નવું વર્ઝન આવ્યું છે તે નવી પેઢીની સાથે સાથે નવી પેઢીના માતા-પિતાને પણ પસંદ આવી રહ્યું છે. બંને પેઢી ભેગી થઈને ભજનના આ નવા ફોર્મેટની સ્વીકારતી અને આનંદ માણતી થઈ છે. માતા-પિતાને એક વાતનો આનંદ એ આવે છે કે, તેમના સંતાનો નાઈટક્લબોમાં જઈને નશા કરવાના બદલે ભજન ક્લબિંગ કરીને ઈશ્વરની ભક્તિ તો કરે છે. તેઓ ભક્તિ સંગીતમાં લીન થઈ રહ્યા છે. બીજી આનંદની વાત એ છે કે, આવા ભક્તિ સંગીત સાંભળવા માટે કે તેમાં જોડાવા માટે આ પેઢીને દબાણ પણ કરવું પડતું નથી. તેઓ સ્વેચ્છાએ આવા સત્સંગો અને કાર્યક્રમોમાં જવા લાગ્યા છે.

ભજન ક્લબિંગ અથવા તો ભજન જેમિંગની વાત કરીએ તો લગભગ છેલ્લાં બે વર્ષમાં આ ટ્રેન્ટની શરૂઆત થઈ છે. સામાન્ય રીતે ભજનના લાઈવ પર્ફોર્મન્સ થતા હોય તેવું ખાસ બનતું નથી. મોટાભાગે મંદિરોમાં કે જાહેર સમારંભોમાં ભજન સંધ્યા થતી હોય છે પણ જેમિંગ અને ક્લબિંગ એક નવો જ કોન્સેપ્ટ છે. એક ડિવોશનલ રોકબેન્ડ બનીને પર્ફોર્મન્સ આપવામાં આવે છે. વિદેશમાં કેટલીક ધામક સંસ્થાઓ દ્વારા આવા કાર્યક્રમો કરવામાં આવતા રહેતા હોય છે. તેના અનુસંધાનમાં જ નવી પેઢીના ગાયકો દ્વારા હવે ભજન જેમિંગ અને ભજન ક્લબિંગનો ટ્રેન્ડ ભારતમાં પણ શરૂ કરવામાં આવ્યો છે. 

ભક્તિ ગીતેનો જ રોક સ્ટાઈલમાં કે પછી રેપ સોંગ બનાવીને અથવા તો તેમાં નવા સ્લેંગ શબ્દો ઊમેરીને તેને અનોખી રીતે રજૂ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ હવે લગ્નો, મોટા શુભ પ્રસંગો દરમિયાન આવા ટ્રેન્ડી ભજન જેમિંગનો શો રાખવામાં આવે છે. તેમાં તમામ ઉંમરના અને પેઢીના લોકો આનંદથી ભાગ લઈ શકે છે. તેમાં પારંપરિક ભજન અને ગીતોથી માંડીને નવી પેઢીને આનંદ આવે તેવા રોક સ્ટાઈલના ગીત અને ભજનો પણ હોય છે. તેમાં જોડાવામાં કોઈપણ પેઢીના લોકોને વાંધો આવતો નથી. તેમાં કોઈ જોખમ નથી અને ઈશ્વરની ભક્તિ કરવાનો માત્ર એક નવો રસ્તો બની રહ્યો છે કદાચ તેવું માની શકાય.

ભજન ક્લબિંગ એક નવો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ટ્રેન્ડ બનીને વિકસી રહ્યું છે જે ખાસ કરીને જેન ઝી અને યુવાન પેઢીમાં વધારે પોપ્યુલર છે. તેમાં લોકો અડધી રાત સુધી વિદેશી ગીતો કે કઢંગા ગીતોના સ્થાને ભજનો અને કિર્તનોની ધૂન ઉપર નાચે છે અને આનંદ માણે છે. તેમને આ સંગીત માત્ર આનંદ અને મનોરંજન આપવાની સાથે સાથે માનસિક અને આધ્યાત્મિક ફાયદો પણ આપે છે. આ નવા ટ્રેન્ડમાં યુવાનો ક્લબમાં જઈને ઈડીએમ બીટ્સના તાલે નાચવાના બદલે ભજનના સ્વરો અને લય ઉપર નાચે છે અને મ્યુઝિકલ મેડિટેશન કરે છે.

સરળ રીતે કહીએ તો ભજન ક્લબિંગ ભક્તિ સંગીત, ધ્યાન અને સામુહિક ઊર્જાનો એક અનોખો સંગમ છે. અહીંયા પોઝિટિવ વાઈબ્સની સાથે સાથે શાંતિ અને સ્વાનુભૂતિનો પણ અનુભવ થાય છે. દરેક ટ્રેન્ડમાં એવું હોય છે કે, તેના ફાયદા અને નુકસાન બંને હોય છે પણ કદાચ એવું માની શકાય કે આ ટ્રેન્ડમાં થોડું નુકસાન ઓછું છે. તેમાં સંગીત, નૃત્યની સાથે સાથે ભજન અને આધ્યાત્મનો જે અનુભવ મળે છે તે નવી પેઢી માટે અદ્વિતિય છે. તેઓ પારંપરિક રીતે પૂજા-પાઠ કે ભજનમાં જોડાવાના નથી ત્યારે આવી રીતે પણ પોતાની પરંપરાઓ અને ધામક આસ્થાઓને પરિપૂર્ણ કરે તે જરૂરી છે.

જેન ઝી અને નવી પેઢી માને છે કે, સામાજિક અને પારિવારિક પરંપરાઓ તેમને બોરિંગ લાગે છે. તેની સામે અહીંયા મોટી મોટી લાઈટો, ડીજે, વાઈબ્રન્ટ માહોલ, મોટું મ્યુઝિક અને સાથે સાથે મિત્રોની સંગતમાં ડાન્સ કરવા મળે તો પછી ઈશ્વરની અલગ રીતે આરાધના કરવામાં વાંધો શું છે. આ એક નવો જ અનુભવ છે. બીજી બાજુ જોઈએ તો અહીંયા કોઈ નશો થતો નથી, કોઈ ખોટી આદતોનું કે પદાર્થોનું વેચાણ કે ચલણ નથી. તેની કોઈ નેગેટિવ અસર નથી. આ બધાના સ્થાને પોઝિટિવ એનર્જી, મંત્રો, ભજનો અને શ્લોકના ઉચ્ચારણ, જાપ અને માનસિક શાંતિ છે. તેના કારણે સ્ટ્રેસ ઓછો થાય છે અને મન વધારે શાંત અને નિર્મળ બને છે.

નવી પેઢીને એક વાત એવી પણ છે કે, તેઓ પોતાની પરંપરાને અથવા તો પોતાના મૂળને છોડવા માગતા નથી. તેના કારણે તેઓ આ નવી પદ્ધતિ અપનાવી રહ્યા છે. તેમાં ઈશ્વરની આરાધના છે, તેમાં ભજન છે અને તેમાં સાથે સાથે ક્લબિંગની જેમ મોટું અને વાઈબ્રન્ટ સંગીત છે અને નૃત્ય પણ છે. તેમના માટે આનંદનો આ અનોખો સંગમ છે. લોકો અહીંયા પરિવારની જેમ, મિત્રોની જેમ એકબીજા સાથે કનેક્ટ થાય છે, ઈશ્વરનું નામ લે છે અને આનંદ કરે છે. તેમની પોતાની આ આનંદ કરવાની અનોખી સ્ટાઈલ છે. નવા જમાનામાં નવી પેઢીને આ સ્ટાઈલ પસંદ પડી રહી છે.

એક બાબત એવી પણ છે કે, જૂની પેઢીના કેટલાક લોકોને આ ભજન ક્લબિંગ નામ પસંદ પડી રહ્યું નથી. તેઓ કહે છે કે, ભજનને કેવી રીતે ક્લબિંગ સાથે જોડી શકાય. પારંપરિક માનસિકતા પ્રમાણે તેમની વાત બરાબર છે પણ નવી પેઢીને ભક્તિ અને તેની અનુભૂતી જુદા છે. તેઓ પોતાને અલગ સ્તરે લઈ જવા માગે છે. તેઓ રોક સ્ટાઈલમાં પણ ભક્તિનો આનંદ લેવા માગે છે અને તેમની લાગણીઓ તેની સાથે જોડાયેલી છે તો તેમના ઉપર ખોટું દબાણ ન કરવું જોઈએ. આપણે તેમની લાગણીઓ સમજવી જોઈએ, અભિવ્યક્તિ અને અનુભૂતિની રીત સમજવી જોઈએ. તેઓ કોઈપણ રીતે ગેરમાર્ગે દોરાયા વગર ભક્તિના માર્ગે આગળ વધતા હોય તો નવો રસ્તો ખોટો નથી.

મૂળ મુદ્દે જો સમજીએ તો નાઈટક્લબો, પાર્ટીઓ યુવાનોને નશો કરાવે છે, ખોટી સંગત અને ખોટી આદતો તરફ ધકેલે છે. તેની સામે જો ભજન ક્લબિંગના ટ્રેન્ડમાં યુવાનો જોડાય છે તો તેઓ સારી બાબતો શીખે છે, માનસિક શાંતિ મેળવે છે, સારી વ્યક્તિઓ સાથે જોડાય છે. તેઓ ઈશ્વરની આરાધનાનો નવો રસ્તો અપનાવી રહ્યા છે. આવી સ્પિરિચ્યુઅલ પાર્ટીમાં તેઓ પરિવાર સાથે પણ જોડાતા હોય છે. ઘણી વખત એક જ પરિવારના લોકો પણ આવી પાર્ટીઓ થકી કે ભજન જેમિંગ થકી એકબીજાની વધુ નજીક આવે છે. તેઓ ઈશ્વરની આરાધના કરી શકે છે. તેમાં નાચ-ગાનના કારણે શારીરિક એક્ટિવિટી વધી જાય છે પણ યુવાનોને તે પસંદ છે. નવરાત્રીમાં નવ દિવસ ગરબે ઘુમતી પ્રજા હવે આવા જેમિંગ થકી પણ ઈશ્વરની વધુ નજીક જવાનો પોતાનો રસ્તો વિકસાવી રહી છે.