શિયાળાએ ધીરે ધીરે રંગ જમાવવા માંડતા લોકોની ખાણીપીણીમાં પરિવર્તન આવવા લાગ્યું છે. બજારમાં શક્કરિયાંના ઢગલાં દેખાવા માંડયા છે. ફેરીવાળાઓ પણ સગડી પર શક્કરિયા શેકીને તેને ચટાકેદાર બનાવીને વેંચી રહ્યાં છે.
અંગ્રેજીમાં સ્વીટ પોટેટો નામે ઓળખાતાં આ ગળ્યાં બટેટાંની છાલનો રંગજ એટલો મોહક હોય છે કે તે ખરીદવાની ઇચ્છા થઈ આવે. અલબત્ત, શક્કરિયાંમાં પોષક તત્વોનો પણ ભંડાર ભર્યો છે. મઝાની વાત એ છે કે શક્કરિયાં બટેટાંની તુલનામાં ગળ્યા હોવા છતાં તે ખાવા પછી પણ મધુપ્રમેહના દરદીઓના શરીરમાં શર્કરા નથી વધતી. તજજ્ઞાો કહે છે કે જો શક્કરિયાં પ્રમાણભાન જાળવીને ખાવામાં આવે તો ડાયાબિટિસના દરદીઓ પણ નચિંત બનીને તેનું સેવન કરી શકે છે. આનું કારણ આપતાં તેઓ કહે છે કે બટેટાંની સરખામણીમાં શક્કરિયાંમાં ગ્લાઈસિમિક ઇન્ડેક્સ (શરીરમાં શર્કરા વધવાની ગતિ) ખાસ્સું ધીમું હોય છે. જેથી જ્યારે ડાયાબિટિસના દરદીઓ શક્કરિયાંનું સેવન કરે ત્યારે પેટમાં શુગર ધીમે ધીમે વધે છે. પરિણામે શરીરમાં શર્કરાનું પ્રમાણ જળવાઈ રહે છે. વળી શક્કરિયાં ખાધા પછી લાંબા કલાકો સુધી ભૂખ નથી લાગતી. તેનું પાચન ધીમી ગતિએ થતું હોવાથી તે ડાયાબિટિસના દરદીઓને નડતું નથી. શક્કરિયાનું ગ્લાઇસિમિક લોડ ઓછું હોવાથી તે શર્કરાનું પ્રમાણ ઓછું વધારે છે. તેમાં ફાઇબર, ફેટ અને પ્રોટીનની માત્રા પણ લગભગ એક્સમાન હોય છે.
હા, શક્કરિયાંમાં વિટામીન-એ બટેટાં કરતાં ઘણું વધારે હોય છે. તેથી દિવસભરમાં ફક્ત ૫૦થી ૧૦૦ ગ્રામ જેટલાં શક્કરિયાંનું સેવન કરવામાં આવે તોય જે તે વ્યક્તિની વિટામીન-એની આવશ્યકતા પૂરી થઈ જઈ શકે છે. તેના સિવાય શક્કરિયાંમાં એન્ટિઓક્સિડન્ટ (બીટા કેરોટીન, એંથોસાઇનિન ઇત્યાદિ) પણ પ્રચૂર પ્રમાણમાં મોજૂદ હોય છે જે શરીરમાં રહેલાં ફ્રી રેડિકલ્સ ઘટાડીને સોજામાં રાહત આપે છે.
આપણા આયુર્વેદના ગ્રંથોમાં જણાવ્યાનુસાર શક્કરિયાં શક્તિવર્ધક, ત્વચા અને આંખોની રોશની માટે શ્રેષ્ઠ તેમ જ રોગપ્રતિકારક શક્તિમાં વૃધ્ધિ કરનારા હોય છે. વાસ્તવમાં શક્કરિયાં આપણા સમગ્ર શરીર માટે ફાયદાકારક ગણાય છે. તે પેટમાં રહેલા લાભકારક બેકટેરિયા માટે ઉત્તમ લેખાય છે. તે પાચન, લિવર, ત્વચા, આંખો, માંસપેશીઓ, હાડકાં અને કિડની (જો કિડનીની કોઈ સમસ્યા ન હોય તો) માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
જોકે શક્કરિયાં ખાતી વખતે સિક્કાની બીજી બાજુ પણ ધ્યાનમાં લેવી રહી. સૌથી પહેલા તો તે પ્રમાણસર ખાવા. જેમ કે યુવાવર્ગ અઠવાડિયામાં ત્રણથી ચાર વખત ૧૦૦થી ૧૨૫ ગ્રામ, બાળકો ૫૦થી ૧૦૦ ગ્રામ, વયસ્કો ૫૦થી ૮૦ ગ્રામ (અઠવાડિયામાં બેથી ત્રણ વખત) અને મધુપ્રમેહના દરદીઓ પણ અઠવાડિયામાં બેથી ત્રણ વખત ૫૦થી ૮૦ ગ્રામ જેટલાં શક્કરિયાં ખાઈ શકે. પરંતુ નીચે જણાવેલા લોકોએ શક્કરિયાં અલ્પ પ્રમાણમાં જ લેવાં. જેમ કે..,
જેમનું શુગર લેવલ ૨૦૦-૨૫૦થી વધુ હોય તો શક્કરિયાં તેમનું શુગરનું સ્તર વધારી મૂકે છે. તેનું કારણ એ છે કે શક્કરિયાં જીઆઈ/જીએલ (ગ્લાયસેમિક ઈન્ડેક્સ) ઓછું હોય છે. પરંતુ તેમાં સ્ટાર્ચ અને કાર્બોહાઈડ્રેટ ખાસ્સી માત્રામાં હોય છે. બહેતર છે કે ડાયાબિટિસના મરીજોએ શુગર કંટ્રોલ કર્યા પછી જ શક્કરિયાં ખાવા જોઈએ. શક્કરિયાં, એટલે કે રતાળુમાં પોટેશિયમ પ્રચૂર પ્રમાણમાં હોવાથી કિડનીની સમસ્યા ધરાવતા મરીજો માટે તે નુકસાનકારક બની રહે છે. ખાસ કરીને જેમનું ડાયાલિસિસ ચાલી રહ્યું હોય તેમણે રતાળુ ખાવાનું ટાળવું. આવા રોગીઓના રક્તમાં અગાઉથી જ પોટેશિયમનું સ્તર વધુ હોવાથી રતાળુ તેમના માટે નુકસાનકારક બને છે. જેઓ ગેસ્ટ્રિક કે એસિડ રિફલક્સથી પીડાતા હોય તેમણે પણ શક્કરિયાંથી દૂર રહેવું. વાસ્તવમાં રતાળુમાં રહેલા સ્ટાર્ચ અને રેષા પેટ ફૂલવાના કારણો બની શકે છે.
- વૈશાલી ઠક્કર


