- આરોગ્ય સંજીવની
''સાયટીકા'' શબ્દથી ઘણાં બધાં વાચકમિત્રો પરિચિત જ હશે. ઘણાં ડૉક્ટરો દર્દીને કહેતા પણ સાંભળ્યા હશે કે, ''સાયટીકા''ની શરૂઆત હોય તેવું લાગે છે. તો આજે આપણે એ જ સાયટીકા વિશે વાત કરવા જઈ રહ્યા છે.
સાયટીકાને આયુવૈદમાં 'ગૃદ્રસી' અને સામાન્ય ભાષામાં ''રાંઝણ'' તરીકે ઓળખવામાં આવે છે. આ રોગમાં વાતદોષને કારણભૂત માનવામાં આવે છે.
વાયુથી ઉત્પન્ન થતો આ માડી રોગ આમ તો સ્ત્રી અને પુરુષ બંનેમાં જોવા મળતો હોય છે. પરંતુ સ્ત્રીઓમાં અને તેમાં પણ ૩૫ વર્ષની ઉમર પછી આ રોગ સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.
મોર્ડન સાયન્સ મુજબ કરોડરજ્જુનાં અંતિમ ભાગમાં આવેલાં ૫ મણકામાંથી તથા તેની નીચેથી નીકળતી નાડીઓ ભેગી મળીને સાયટીકા નાડી બનાવે છે. હવે જ્યારે કોઈ પણ કારણોસર અંતિમ પાંચમો મણકો પાછળની બાજુ ખસે છે. ત્યારે આ નાડી પર ખૂબ જ દબાણ આવે છે. તેનાથી નાડીમાં તેમજ કમરનાં ભાગમાં ખૂબ જ દુઃખાવો થાય છે. અને આ દુઃખાવો પગની એડી સુધી જાય છે. ઘણીવાર દર્દીને પગ ખેચાતો હોય તેની તીવ્ર વેદના થાય છે. વેદના એટલી તીવ્ર હોય છે કે રોગીની ચાલ ગીધ જેવી થઈ જાય છે. તેથી જ આ રોગને ગૃદ્રસી તરીકે આયુર્વેદમાં ઓળખવામાં આવે છે. ગૃડ્ડસી રોગ સતત ઉભા રહેવાથી કે ઊંચી હીલના સેન્ડલ પહેરવાથી કે સતત ખૂબ ચાલવાથી વગેરે કારણોસર થતો જોવામાં આવ્યો છે. આ રોગમાં રોગીને જાંઘ, ઘૂંટણ પગની એડી અને આંગળી ઓ સુધી જાણે વીજળીનો કરંટ પસાર થતો હોય તેવી વેદના થાય છે. તેમ છતાં આ રોગનાં મુખ્ય કારણોમાં વાયુનો પ્રકોપ જ મહત્ત્વનો માનવામાં આવે છે. આ ઉપરાંત કમરમાંથી આંચકો લાગવો. ખૂબ વજન ખસેડવું. માણકો ખશી જવો, વાયુનો પ્રકોપ થાય તેવાં વાસી, વાયડા, તીખા, રૂક્ષ, લૂખા આહાર-વિહારનું સેવન વગેરે મુખ્ય કારણો છે.
આ રોગનાં સામાન્ય લક્ષણોમાં કમરથી લઈને પગનાં તળિયા સુધી દુઃખાવો થવો એ સામાન્ય લક્ષણ છે. આ દુઃખાવો કેટલાંક રોગીઓમાં એક પગમાં તો કેટલાંક રોગીઓમાં બંને પગમાં જોવા મળે છે.
સામાન્ય તંદુરસ્ત વ્યક્તિ સૂતાં-સૂતાં પોતાના પગને ઘૂંટણેથી વાળ્યા વિના ૯૦ અંશનાં ખૂણાં સુધી ઊંચો કરી શકે છે, જ્યારે સાયટીકાનાં દર્દવાળા રોગીને આ રીતે પગ વાળવામાં તકલીફ થાય છે.
આવાં લક્ષણવાળાં રોગીઓમાં ઘણીવાર પગમાં ઝણ-ઝણાટી થવી, બળતરા થવી અને સાથે-સાથે ઝાડા-પેશાબમાં પણ તકલીફ જોવા મળે છે. ઊભા-ઊભા વાસણ ધોવા વગેરે કામ કરવાવાળી સ્ત્રીઓમાં પણ આ દર્દનો અનુભવ અચાનક થવા માંડે છે.
આ રોગની ચોકસાઈ માટે એકસ-રે સીટી સ્કેન અને એમ.આર.આઈ. ઘણાં ઉપયોગી થઈ શકે છે.
સારવાર :- આ રોગમાં રોગીને સંપૂર્ણ આરામ કરાવવો રોગીએ બને તો સમતળ જગ્યામાં પથારી પર પોચી ગાદી પાથરી સુવાની ટેવ રાખવી.
ઘરગથ્થુ સારવારમાં અડદ, લસણ, સૂંઠ વગેરેનો વધુ ઉપયોગ કરવો અને કબજિયાતથી દૂર રહેવું.
જો કબજિયાત રહેતી હોય તો રાત્રે ૧ ચમચી એરંડભ્રષ્ટ હરડેનું ચૂર્ણ સુખોષણ પાણી સાથે લઈ લેવું હિતાવહ છે.
આ રોગમાં પંચકર્મ ચિકિત્સા પણ ખૂબ જ સારું પરિણામ આપે છે. રોગીને પંચગુણ તેલ કે દશમૂલ તેલથી માલિશ કરી નિર્ગુડી જેવા વાયઘ્ન ઔષધોથી સ્વદેન કરાવવું જોઈએ. 'કટિબસ્તિ' એ રોગમાં ચિકિત્સાનો સારો વિકલ્પ બની શકે છે. કટિબસ્તિમાં કરોડરજ્જુનાં છેલ્લાં મણકાં પાસે અડદનાં લોટની પાળ બાંધી તેમાં સુખોષણ ઔષધ-દ્રવ્યોનો સ્વરસ અને વાતઘ્નતેલ દ્વારા આ બસ્તિ આપવાથી પીડામાં તાત્કાલિક ઘણી જ રાહત થાય છે. કટિબસ્તિમાં કમરનાં મણકાઓમાં તૈલેપૂર્ણ કરવાથી બે માણકાઓ વચ્ચેની ગાદીને પોષણ મળે છે. અને તે મજબુત બને છે. આ ઉપરાંત ગુદબસ્તિ આપવાથી ગુદમાર્ગેથી ગયેલ ઔષધસિધ્ધ તેલ વાયુનાં મુખ્યસ્થાન પકવાશયમાં સ્નેહન કરી પ્રકુપિત વાયુનું સમગ્ર શરીરમાંથી શમન કરે છે. જેથી વાયુ શાંત થતાં દુઃખાવો આપોઆપ ઓછો થઈ જાય છે.
આ ઉપરાંત આભ્યાંતર ઔષધપ્રયોગમાં મહાયોગરાજ ગુગળ ૨-૨ ગોળી સવાર-સાંજ ભૂકો કરીને લેવી, આ ઉપરાંત પથ્યાદિ ગુગળ, દશમૂલ કવાથ, ત્રિફળા ગુગળ, વાતવિધ્વંસ રસ વગેરેનો પ્રયોગ પણ વૈધની સલાહ મુજબ કરી શકાય છે.
ઔષધ-પ્રયોગની સાથે-સાથે આહાર-વિહારની સાવધાની અનિવાર્ય છે. વાયુ વધારે તેવો આહાર આ રોગમાં અપથ્ય બનાવ્યો છે. જેમાં વાલ, વટાણા, ચોળા, મઠ, વાસી-ઠંડા ખોરાક તેમજ આથાવાળી વસ્તુઓથી પરેજી રાખવી, તેમજ લીલા શાકભાજી, દૂધી, તલ, મેથી, અજમો, સૂંઠનું પાણી વગેરે આ રોગમાં પથ્ય બતાવેલાં છે.
ધીરજપૂર્વક ઉપરોક્ત બતાવેલ આહાર-ઔષધથી સ્ત્રીઓનાં શત્રુસમા આ રોગ પર ચોક્કસ વિજય મેળવાય છે જેમાં બે મત નથી.
- જ્હાનવીબેન ભટ્ટ


