Get The App

સાયટીકામાં શ્રેષ્ઠ આયુર્વેદ .

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
સાયટીકામાં શ્રેષ્ઠ આયુર્વેદ                                  . 1 - image

- આરોગ્ય સંજીવની

'સાયટીકા' શબ્દથી ઘણાં બધાં વાચક મિત્રો પરિચિત જ હશે. ઘણાં ડૉક્ટરો દર્દીને કહેતા પણ સાંભળ્યા હશે કે, 'સાયટીકા ની શરૂઆત હોય તેવું લાગે છે' તો આજે આપણે એ જ સાયટીકા વિશે વાત કરવા જઈ રહ્યા છે.

સાયટીકાને આયુર્વેદમાં 'ગૃહસી' અને સામાન્ય ભાષામાં 'રાંઝણ' તરીકે ઓળખવામાં આવે છે. આ રોગમાં વાતદોષને કારણે માનવામાં આવે છે.

વાયુથી ઉત્પન્ન થતો આ રોગ આમ તો સ્ત્રી અને પુરુષ બંનેમાં જોવા મળતો હોય છે, પરંતુ સ્ત્રીઓમાં અને તેમાં પણ ૩૫ વર્ષની ઉંમર પછી આ રોગ સ્ત્રીઓમાં વધુ જોવા મળતો હોય છે.

મોર્ડન સાયન્સ મુજબ કરોડરજ્જુનાં અંતિમ ભાગમાં આવેલા ૫ મણકામાંથી તથા તેની નીચેથી નીકળતી નાડીઓ ભેગી મળીને સાયટીકા નાડી બનાવે છે. જ્યારે કોઈ પણ કારણસર અંતિમ પાંચમો મણકો પાછળથી બાજુ ખસે છે, ત્યારે આ નાડી પર ખૂબ જ દબાણ આવે છે. તેનાથી નાડીમાં તેમજ કમરનાં ભાગમાં ખૂબ જ દુ:ખાવો થાય છે અને આ દુ:ખાવો પગની એડી સુધી જાય છે. ઘણીવાર દર્દીને પગ ખેંચાતા હોય તેવી તીવ્ર વેદના થાય છે.

ગ્રહસી તરીકે ઓળખાતા આ રોગમાં વેદના એટલી તીવ્ર હોય છે કે, રોગીની ચાલ ગીધ જેવી થઈ જાય છે. તેથી જ આ રોગને ગૃધસી તરીકે આયુર્વેદમાં ઓળખવામાં આવે છે. ગૃધસી રોગ સતત ઊભા રહેવાથી કે ઊંચી હિલના સેન્ડલ પહેરવાથી કે સતત ખૂબ ચાલવાથી વગેરે કારણોસર થતો જોવામાં આવ્યો છે. આ રોગમાં રોગીને જાંઘ, ઘૂંટણ, પગની એડી અને આંગળીઓ સુધી જાણે વીજળીનો કરંટ પસાર થતો હોય તેવી વેદના થાય છે. તેમ છતાં આ રોગનાં મુખ્ય કારણોમાં વાયુનો પ્રકોપ જ મહત્વનો માનવામાં આવે છે. આ ઉપરાંત કમરમાંથી આંચકો લાગવો, ખૂબ વજન ખસેડવું, મણકો ખસી જવો, વાયુનો પ્રકોપ થાય તેવાં વાસી, વાયડા, તીખા, રૂક્ષ, લૂખા આહાર-વિહારનું સેવન વગેરે મુખ્ય કારણો છે.

આ રોગનાં સામાન્ય લક્ષણોમાં કમરથી લઈને પગનાં તળિયા સુધી દુ:ખાવો થવો બે સામાન્ય લક્ષણ છે. આ દુ:ખાવો કેટલાંક રોગીઓમાં એક પગમાં તો કેટલાંક રોગીઓમાં બંને પગમાં જોવા મળે છે.

સામાન્ય તંદુરસ્ત વ્યક્તિ સુતાં સુતાં પોતાનાં પગને ઘૂંટણેથી વળ્યાં વિના ૯૦ અંશના ખૂણા સુધી ઊંચો કરી શકે છે, જ્યારે સાયટીકાનાં દર્દ વાળા રોગીને આ રીતે પગ વાળવામાં તકલીફ થાય છે.

આવાં લક્ષણવાળાં રોગીઓમાં ઘણીવાર પગમાં ઝણઝણાટી થવી, બળતરા થવી અને સાથે સાથે ઝાડા-પેશાબમાં પણ તકલીફ જોવા મળે છે. ઊભા-ઊભા વાસણ ધોવા વગેરે કામ કરવાવાળી સ્ત્રીઓમાં પણ આ દર્દનો અનુભવ અચાનક થવા માંડે છે.

આ રોગની ચોકસાઈ માટે એક્સ-રે, સીટી સ્કેન અને એમ.આર.આઈ. ઘણાં ઉપયોગી થઈ શકે છે.

સારવાર :

આ રોગમાં રોગીને સંપૂર્ણ આરામ કરાવવો, રોગીએ બને તો સમતળ જગ્યામાં પથારી પર પોચી ગાદી પાથરી સુવાની ટેવ રાખવી.

ઘરગથ્થુ સારવારમાં અડદ, લસણ, સૂંઠ વગેરેનો વધુ ઉપયોગ કરવો અને કબજિયાતથી દૂર રહેવું.

જો કબજિયાત રહેતી હોય તો રાત્રે ૧ ચમચી એરંડભૃષ્ટ હરડેનું ચૂર્ણ સુખોષણ પાણી સાથે લઈ લેવું હિતાવહ છે.

આ રોગમાં પંચકર્મ ચિકિત્સા પણ ખૂબ જ સારું પરિણામ આપે છે. રોગીને પંચગુણ તેલ કે દશમૂલ તેલથી માલિશ કરી નિર્ગુડી જેવા વાયંદન ઔષધોથી સ્વદેન કરાવવું જોઈએ. કટિબસ્તિ એ આ રોગમાં ચિકિત્સાનો સારો વિકલ્પ બની શકે છે. કટિબસ્તિમાં કરોડરજ્જુનાં છેલ્લાં મણકા પાસે અડદનો લોટની પાળ બાંધી તેમાં સુખોષ્ણ ઔષધ-દ્રવ્યોનો સ્વરસ અને વાતદન તેલ દ્વારા આ બસ્તિ આપવાથી પીડામાં તાત્કાલિક ઘણી જ રાહત થાય છે. કટિબસ્તિમાં કમરનાં મણકાઓમાં તૈલેપૂર્ણ કરવાથી બે મણકાઓ વચ્ચેની ગાદીને પોષણ મળે છે અને તે મજબૂત બને છે. આ ઉપરાંત ગુદબસ્તિ આપવાથી ગુદામાર્ગે થઈ ગયેલ ઔષધસિદ્ધિ તેલ વાયુનાં મુખ્યસ્થાન થડવાચયમાં સ્નેહન કરી પ્રકુપિત વાયુનું સમગ્ર શરીરમાંથી શમન કરે છે. જેથી વાયુ શાંત થતાં દુ:ખાવો આપોઆપ ઓછો થઈ જાય છે.

આ ઉપરાંત અભ્યાંતર ઔષધ પ્રયોગમાં મહાયોગરાજ ગુગળ ૨-૨ ગોળી સવાર-સાંજ ભૂકો કરીને લેવી, આ ઉપરાંત પથ્યાદિ ગુગળ, દશમૂલ ક્વાથ, ત્રિફળા ગુગળ, વાતવિધ્વંસ રસ વગેરેનો પ્રયોગ પણ વૈદ્યની સલાહ મુજબ કરી શકાય છે.

ઔષધ-પ્રયોગની સાથે-સાથે આહાર-વિહારની સાવધાની અનિવાર્ય છે. વાયુ વધારે તેવો આહાર આ રોગમાં અપથ્ય બતાવ્યો છે. જેમાં વાલ, વટાણા, ચોળા, મઠ, વાસી-ઠંડા ખોરાક તેમજ આથાવાળી વસ્તુઓથી પરેજી રાખવી તેમજ લીલા શાકભાજી, દૂધી, તલ, મેથી, અજમો, સૂંઠનું પાણી વગેરે આ રોગમાં પથ્ય બતાવેલાં છે.

ધીરજપૂર્વક ઉપરોક્ત બતાવેલા આહાર-ઔષધોથી સ્ત્રીઓના શત્રુસમા આ રોગ પર ચોક્કસ વિજય મેળવાય છે, જેમાં બેમત નથી.

- જ્હાનવીબેન ભટ્ટ