Get The App

ખજૂર દૂધમાં પલાળીને ખાવાના લાભ

Updated: Aug 29th, 2022

GS TEAM


Google News
Google News
ખજૂર દૂધમાં પલાળીને ખાવાના લાભ 1 - image


કેટલાક ખાદ્ય સંયોજનો અત્યંત લોકપ્રિય થયા છે અને અમુક સંયોજનોના અદ્ભુત લાભ પણ જોવા મળે છે.  આવા ખાદ્ય સંયોજનોમાં ખાસ કરીને દૂધમાં ખજૂર પલાળીને ખાવાના લાભના પૂરાવા અનેક અભ્યાસમાં જણાયા છે.

ખજૂર એવા ડ્રાય ફ્રુટ છે જેમાં ફેનોલીક્સ અને કેરોટેનોઈડ્સ જેવા મહત્વના એન્ટીઓક્સીડન્ટ્સ પ્રચુર માત્રામાં છે. ઉપરાંત ખજૂરમાં લોહ, પોટેશિયમ, સેલેનિયમ, મેગ્નેશિયમ, કોપર, વિટામીન બી-કોમ્પ્લેક્સ, વિટામીન સી, ફાઈબર, પ્રોટીન તેમજ તાત્કાલિક ઊર્જા આપતા ફ્રુકટોઝ અને ગ્લુકોઝ પણ પુષ્કળ માત્રામાં છે. બીજી તરફ દૂધ કેલ્શિયમ, રિબોફ્લેવીન, લોહ, વિટામીન બી૧૨, ઝિન્ક, ફોસફરસ, પોટેશિયમ, વિટામીન એ, મેગ્નેશિયમ અને વિટામીન ડીથી ભરપૂર છે. એક અભ્યાસ મુજબ દૂધમાં ૪૪ પોષક તત્વો છે જેમાં ૧૮ એમિનો એસિડ્સ, ૯ ખનિજ, ૧૦ વિટામીન, સ્વાસ્થ્ય વર્ધક ફેટ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ સામેલ છે. આથી દૂધ અને ખજૂર ભેગા કરીને સેવન કરવાથી બંનેના લાભ મળે છે.

હેમોગ્લોબીનમાં વધારો કરે છે

ખજૂરમાં મળતુ લોહ એક મહત્વનું ઘટક છે. લાલ રક્તકણોમાં હાજર રહેલા પ્રોટીન, હેમોગ્લોબીનના ઉત્પાદન માટે લોહ મહત્વનું છે. એક અભ્યાસમાં જણાયું હતું કે ખજૂર દૂધમાં પલાળીને અને તેને ઉકાળીને ૧૮ વર્ષથી વધુ અને ૫૫થી ઓછી વયના સ્વસ્થ લોકોને ખાલી પેટે આપવામાં આવતા માત્ર ૧૦ દિવસમાં જ તેમના હેમોગ્લોબીન સ્તરમાં વધારો નોંધાયો હતો. આ સંયોજન એનેમિયા જેવી સમસ્યા માટે કારગત સાબિત થઈ શકે છે.

સગર્ભાવસ્થા દરમ્યાન લાભ

એક અભ્યાસ મુજબ ગાયના દૂધમાં પલાળેલી ખજૂર સગર્ભા મહિલાઓ માટે સ્વાસ્થ્ય વર્ધક સાબિત થઈ શકે છે અને તેમને તેમજ તેમના ગર્ભને અનેક પ્રકારે લાભદાયક સાબિત થાય છે. અભ્યાસમાં જણાવાયું હતું કે ખજૂર અને દૂધના મિશ્રણનું નિયમિત સેવન કરવાથી ગર્ભમાં હાડકા અને લોહી બને  છે. એના માટે રાત્રે ૫થી ૬ ખજૂર દૂધમાં પલાળી દેવા. ત્યાર બાદ બીજા દિવસે સવારે આ મિશ્રણ પીસી નાખવું અને તેમાં ચપટીભર એલચી પાવડર અને એક ચમચી મધ નાખવું.

કરચલી થતી અટકાવે છે

ખજૂર અને દૂધમાં કરચલી જેવી વય સંબંધિત નિશાની દૂર કરવામાં સહાયરૂપ થતા એન્ટીઓક્સીડન્ટ ઘટકો પ્રચૂર માત્રામાં છે. ખાસ કરીને ખજૂરમાં વૃદ્ધત્વ વિરોધી, શાતાદાયક અને પુનર્જીવિત ગુણધર્મો છે જે ત્વચા માટે ઉત્તમ છે. અભ્યાસ મુજબ વૃદ્ધત્વ માટે વાયુ પ્રકોપ મુખ્ય કારણ છે. દૂધમાં પલાળેલા ખજૂરના સેવનથી વાયુ પ્રકોપ શાંત થતો હોવાથી શરીરમાં વાયુનું સંતુલન જળવાઈ રહે છે જે વૃદ્ધત્વની નિશાનીઓને દૂર  રાખે છે. જો કે સુકા ખજૂર ખાવાનું ટાળવું જોઈએ કારણ કે એનાથી વિપરીત અસર થાય છે. થોડા ખજૂર દૂધમાં પલાળી રાખવા જોઈએ. સવારે તેનો પેસ્ટ બનાવી તેમાં મધ ઉમેરીને આ પેસ્ટ ચહેરા પર ૧૫થી ૨૦ મિનિટ માટે લગાવવું. ત્યાર બાદ ચહેરો ધોઈ અને સુકો કરી નાખવો. આ પ્રયોગ અઠવાડિયામાં એકવાર કરી શકાય.

સ્ટેમિના વધારે છે

૧૦૦ ગ્રામ ખજૂર દિવસની કુલ જરૂરીયાતની ૧૫ ટકા ઊર્જા પૂરી પાડે છે જ્યારે દૂધ લગભગ ૯.૧ ટકા ઊર્જા પૂરી પાડે છે. ખજૂર અને દૂધનું સંયોજન ઉમદા પોષણયુક્ત આહાર છે અને વ્યક્તિમાં શક્તિનો સંચાર કરીને સ્ટેમિના વધારે છે. જો કે એક  અભ્યાસમાં જણાવાયું છે કે જેમને પિત્તની તકલીફ ન હોય તેમણે જ દૂધ સાથે ખજૂરનું સેવન કરવું નહિ તો વિપરીત અસર થઈ શકે છે.

ફળદ્રુપતા વધારે

દૂધમાં પલાળીને ખજૂરનું સેવન કરવાથી મહિલા અને પુરુષ બંનેની ફળદ્રુપતા વધે છે. તેમાં રહેલા ફાઈટોકેમિકલ ઘટકોની હાજરીથી આ લાભ થાય છે. ફાઈટોકેમિકલ ઘટકો પુરુષોમાં વૃષણની ક્રિયાને સંરક્ષણ આપીને શુક્રાણુના ઉત્પાદનમાં વધારો કરે છે. ઉપરાંત મહિલાઓમાં બીજની રચનામાં સહાય કરે છે અને તેની ગુણવત્તા સુધારે છે. આ શક્તિશાળી સંયોજન તમામ વયના પુરુષ અને મહિલા બંનેમાં કામેચ્છાનો વધારો કરે છે. એના માટે બકરીના દૂધમાં થોડા ખજૂર પલાળીને સવારે તેનું મિશ્રણ કરીને એલચી અને મધ ઉમેરીને સેવન કરવું.

ખજૂર અને દૂધના મિશ્રણના બીજા પણ અનેક લાભ છે જેની વૈજ્ઞાાનિક સાબિતી નથી થઈ શકી. આવા લાભ મોટાભાગે લોકો દ્વારા થતા પ્રયોગોમાં જણાયા છે અને કેટલાક લાભ માન્યતાના આધારે છે. આવા કેટલાક લાભ વિશે જાણી લઈએ.

* લાંબા સમયથી કફની સમસ્યા હોય તેેમણે દૂધમાં ખજૂર ઉકાળીને તેનું સેવન કરવું. એનાથી અનિદ્રાના રોગમાં પણ લાભ થાય છે.

* દૂધમાં લગભગ ૩૦ મિનિટ સુધી ખજૂર પલાળી રાખવા. જમ્યા પહેલા તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશરમાં લાભ થતો હોવાની માન્યતા છે.

* સ્તનપાન કરાવતી મહિલાઓ પણ જો દૂધ સાથે ખજૂરનું સેવન કરે તો વધુ દૂધ આવતું હોવાનું માનવામાં આવે છે.

* દૂધ અને ખજૂરના સેવનથી હાડકા મજબૂત બને છે અને હાડકા સંબંધિત સમસ્યા નિવારી શકાતી હોવાની માન્યતા છે.

* ઉપરાંત ખજૂર અને દૂધના સંયોજનના સેવનથી મજ્જાતંત્રને બળ મળતું હોવાની પણ માન્યતા છે.

સેવનની રીત

ચારથી પાંચ નંગ ખજૂર સાફ કરીને નવશેકા દૂધમાં રાત્રે પલાળી દેવા. બીજા દિવસે ખજૂરના બીજ કાઢી લેવા અને મિશ્રણને પીસી નાખવું, તેમાં સ્વાદ માટે એલચી અને મધ ઉમેરી શકાય. દરરોજ સવારે અન્ય કોઈપણ ખોરાક ખાવા અગાઉ તેનું સેવન કરવું.

ખાસ જેમને પિત્તની તકલીફ હોય તેમણે ખજૂરનો પ્રયોગ કરવા અગાઉ ડોકટરની સલાહ લઈ લેવી.

- ઉમેશ ઠક્કર

Tags :