- માલિશ તો હવે સામાન્ય થઇ ગયું છે. મોટા ભાગની મહિલાઓ તન-મનને હેલ્ધી રાખવા માટે દરેક ઋતુમાં માલિશ કરે છે. પરંતુ માલિશનો વધુ ફાયદો શિયાળામાં થતો જોવા મળ્યો છે. ઠંડી હવાને કારણે ત્વચા વધુ પડતી રૂક્ષ થઇ જતી હોવાથી તેલ માલિશથી ત્વચા સ્નિગ્ધ થાય છે. ઉપરાંત રક્તસંચાર પણ થાય છે.
માલિશ માટે સામાન્યરીતે તેલને હુંફાળું કરીને ઉપયોગમાં લેવું.માલિશ માટે તલ,સરસવ બન્ને તેલ સારા છે. ત્વચાને જે માફક આવે તે તેલનો ઉપયોગ કરવો.માલિશ ઉપરથી નીચે તરફ લઇ જતા કરવું જોઇએ.જોકે ઘણી મહિલાઓ ઓલિવ ઓઇલ તેમજ કોપરેલનો ઉપયોગ પણ માલિશ માટે કરે છે.
માલિશ માટે સવારનો સમય જ યોગ્ય છે. ભોજન પહેલા અને પછી ૪-૫ કલાક રહીને માલિશ કરી શકાય. સ્નાન બાદ માલિશ કરવું નહીં. સ્નાન પહેલા સવારે માલિશ કરવામાં આવે તો વધુ ફાયદો થાય છે.
માલિશની શરૂઆત પગના પંજાથી કરવી જરૂરી છે. સામાન્ય માલિશવાળી એટલે કે જે પ્રોફેશનલ નથી હોતી તે ફક્ત પગ અને પીઠ પર જ માલિશ કરતી હોય છે. માલિશની શરૂઆત પંજાની આંગળીઓથી શરૂ થઇ જાંઘ સુધી લઇ જવું જોઇએ. તેથી પગની માસંપેશિયોમાં રક્તસંચાર સુવ્યવસ્થિત થાય છે. પંજા બાદ નિતંબ પર માલિશ કરવું. નિતંબ પર ગોળાકારમાં માલિશ ઝડપથી કરવું જોઇએ અને ધીરે ધીરે કમર પર માલિશ કરવું.
પીઠ પર કરોડરજુની આસપાસ ધીરેધીરે હળવાહાથે માલિશ કરવું.કરોડરજ્જુપર વધારે પડતુ ંદબાણ આપવું નહીં.
પેટ પર પણ હળવા હાથે ગોળગોળ જમણી બાજુથી ડાબી બાજુએ માલિશ કરવું.
વક્ષસ્થળનું માલિશ પણ આ જ રીતે કરવું.
હાથના પંજા,આંગળીઓ અને ઉપરના ભાગ પર માલિશ કરવું. એકએક આંગળીઓને હળવા હાથે ફેરવતા જવી.
ચહેરા પર માલિશ કરતી વખતે ગાલને થપથપાવવા. પોપચા પર હળવે હાથે માલિશ કરવું, તેલ આંખમાં જાય નહીં તેનું ધ્યાન રાખવું. ગરદન, હડપચી ે તેમજ કાનની બૂટને પણ માલિશ કરવું.
વાળમાં તેલ નાખી માલિશ કરવાથી ત્વચા રૂક્ષ થતી નથી તેમજ ખોડો થતો નથી.
ઘરમાં પણ બનાવી શકાય બોડીઓઇલ
ફકત્ સરસવના તેલની બદલે તેમાં ચપટી હળદર અને કપૂર ભેલવી શકાય.આ મિશ્રણથી વાન નિખરે છે અને કપૂરની સુવાસ સરસવના તેલની દુર્ગંધને હળવી કરે છે. આ ઉપરાંત એક કપ ઓલિવ ઓઇલમાં ચંદનના તેલના ૨-૩ ટીપાં અને એક મોટો ચમચો બદામનું તેલ ભેળવવા.
મહિલાઓ માટેનું મસાજ તેલ
ચાર કપ તલનું તેલ, ૨ મોટા ચમચા બદામનું તેલ, મોટા ચમચા વીટ જર્મ ઓઈલ અને ૨ મોટા ચમચા જસ્મિન ઓઇલને ભેળવી ઉપયોગમાં લઇ શકાય.
પુરુષો માટેનું મસાજ તેલ
ચારકપ કોપરેલમાં ૨ મોટા ચમચા સરસવનું તેલ,અડધો નાનો ચમચો હીંગ અને હળદર ભેળવી ગરમ કરવું. હંફાળું થયે એક કપ તલનું તેલ ઉમેરી ગરમ કરી હુંફાળું થયે પછી ઉપયોગમાં લેવું.
- જયવિકા આશર


