ફાયદાકારક વરિયાળી .
લીલીછમ વરિયાળીને સામાન્ય રીતે મુખવાસ તરીકે સેવન કરવામાં આવતું હોય છે.તેમજ ભરેલા શાક ઉપરાંત રસોઇમાં મસાલા તરીકે પણ તેનો વપરાશ થતો હોય છે.અથાણાં બનાવામાં પણ વરિયાળી અન્ય મસાલાઓ સાથે ભેળવવામાં આવતી હોય છે. વરિયાળી સ્વાસ્થ્ય માટે ગુણકારી સાબિત થઇ છે. વરિયાળીમાં વિટામિન સી પ્રચૂર માત્રામાં સમાયેલું હોય છે. તેમજ તેનામાં સ્વાસ્થ્યને લાભ પહોંચાડનાર ખનિજ તત્વો જેવા કે કેલ્શિયમ,સોડિયમ, ફોસ્ફોરસ, આર્યન અને પોટેશિયમ પણ સમાયેલા હોય છે.
વરિયાળીની તાસીર ઠંડી હોવાથી મોટા ભાગે તેનો ઉપયોગ ગરમીની ઋતુમાં વધુ થતો હોયછે. વરિયાળીના સેવનનો સૌથી વધુ ફાયદો યાદશક્તિ વધારવાનો તેમજ શરીરની આંતરિક ગરમીથી ઠૅડક આપવાનો છે.
આયુર્વેદ અનુસાર, વરિયાળીને ચાવીને ખાવાથી મુખદુર્ગંધથી રાહત મળે છે. સાથે તે પાચનક્રિયાને પણ સુધારે છે. આ ઉપરાંત પેટમાં ગેસની તકલીફ, એસિડિટી, ખાટા ઓડકાર તથા પાચનની તકલીફને દૂર કરે છે. નિયમિત રીતે યોગ્ય માત્રામાં વરિયાળીનું સેવન કરવાથી સ્વાસ્થયની ઘણી સમસ્યાઓથી રાહત મળે છે.
ફાયદા
સ્મરણશક્તિ વધારે
બદામ, વરિયાળી અને મિશ્રીને સમાન માત્રામાં વાટી લેવી, નિયમિત રીતે બપોરના અને રાતના ભોજન પછી ખાવાથી સ્મરણ શક્તિ વધે છે.
માસિકધર્મ
માસિકધર્મ અનિયમિત આવતુ ંહોય તે મહિલાઓ વરિયાળીનું સેવન કરે તો ફાયદો થાય છે.
આંખની જ્યોતિ
વરિયાળી ખાવાથી આંખની જ્યોતિ વધે છે. તેને મિશ્રી સાથે ભેળવીને પણ ખાઇ શકાય છે.
૧-૨ ગ્રામ વરિયાળીના ચૂરણમાં ૬૫ મિ.ગ્રા. ખસખસ ભેળવીને ખાવાથી આંખની સામાન્ય તકલીફો દૂર થાય છે,તેમજ આંખની રોશની વધે છે.
૪-૫ ગ્રામ વરિયાળીના ચૂરણમાં સપ્રમાણ સાકર ભેળવીને ગાયના દૂધ સાથે ેસેવન કરવાથી આંખની તકલીફમાં ફાયદો થાય છે.
રક્ત સાફ કરે
નયણા કોઠે વરિયાળી ખાવાથી રક્ત સાફ થાય છે અને ત્વચા ચમકીલી બને છે.
મુખ દુર્ગંધ દૂર કરે
મુખ દુર્ગંધ દૂર કરવા માટે દિવસમાં ત્રણ-ચાર વખત અડધી ચમચી ખાવી.
પાચનક્રિયા માટે ગુણકારી
વરિયાળીમાં જીરૂ અને મીઠું ભેળવી ખાવાથી ખાધેલું ભોજન સારી રીતે પાચન થાય છે.આ મિશ્રણ ફાકીને હુંફાળું પાણી પી લેવાથી તે ઉત્તમ પાચક ચૂર્ણ સાબિત થાય છે.
ઊધરસ
વરિયાળીના ૧૦ ગ્રામ અર્ક સાથે મધ ભેળવી પીવાથી ઊધરસમાં રાહત થાય છે.
પેટમાં દુખાવો
પેટમાં ગેસ ભરાઇ જવાને કારણે દુખાવો થતો હોય તો શેકેલી વરિયાળી ચાવી જવાથી રાહત થાય છે.
કેન્સરથી રક્ષણ
વરિયાળીના નિયમિત સેવનથી કેન્સર જેવી ગંભીર પરેશાનીથી રક્ષણ મળે છે. વિવિધ સંશોધનો દ્વારા સ્પષ્ટ થયું છે કે, લીલી વરિયાળીમાં શક્તિશાળી એન્ટી ોક્સીડન્ટ સમાયેલા જોવા મળે છે. જે ફ્રી-રેડિકલ્સના પ્રભાવોને ઓછા કરે છે.
ખાટા ઓડકાર
ખાટા ઓડકારથી રાહત પામવા માટે થોડી વરિયાળીને પાણીમાં ઉકાળી સાકર નાખીને પીવું. દિવસમાં બે-ત્રણ વખત કરવું.
તજા ગરમી
હાથ-પગમાં બળતરા થતા વરિયાળી સાથે સપ્રમાણ કોથમીર વાટી તેમાં સાકર ઉમેરી ગાળી લેવું. આ પ્રવાહી ૫-૬ ગ્રામના પ્રમાણમાં લેવાથી રાહત થાય છે.
કોલેસ્ટ્રોલ
વરિયાળીમાં ફાઇબરપ્રચુર માત્રામાં સમાયેલું હોય છે.જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં લાભદાયી છે. વરિયાળીમાં રહેલું ફાઇબર કોલેસ્ટ્રોલને રક્તમાં ભળતા અટકાવે છે. તેથી હૃદયની બીમારીથી બચાવ થાય છે.
વજન ઘટાડવામાં સહાયક
વરિયાળીમાં ફાઇબર પ્રચૂર માત્રામાં સમાયેલું છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. વાસ્તવમાં વરિયાળીના સેવનથી તેનામાં રહેલું ફાઇબર વારંવાર લાગતી ભૂખને ઓછી કરવામાં મદદ કરે છે. તેમજ તે મેટાબોલિઝમ રેટને વધારે છે.
- મીનાક્ષી