Get The App

બની જાઓ 'પરફ્યૂમ ક્વીન' .

Updated: May 25th, 2026

GS TEAM

Google News
Google News
બની જાઓ 'પરફ્યૂમ ક્વીન'                                 . 1 - image

- પ્રસંગને મહેકાવી દો, પાર્ટીમાં છવાઈ જાઓ!

પરફ્યૂમ... સરસ મઝાનો શબ્દ છે, જે આપણા કાને પડે એની ખબર આપણા નાકને પડે... ઘ્રાણેન્દ્રિય ડૂબી જાય તરતબતર સુવાસોનાં સ્મરણોમાં... અને મનનો ખૂણેખૂણો મહેકી ઊઠે ત્યારે આપણા મુનિ જેવા કવિ મકરંદ દવેની ગીતપંક્તિ હૃદયમાં સહેજે રણકી ઊઠે : 'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા, રસદાર...'

ખરેખર તો, તમે સુંદર દેહ પર સવાયાં કીમતી વસ્ત્રો ધારણ કર્યાં હોય અને, સોનામાં સુગંધની જેમ જ્યારે સાથે મન હરી લે એવું પરફ્યૂમ ભળે ત્યારે તો કહેવું જ શું! તમારા એ અસબાબ માટે એ પરફ્યૂમ એક શુભકામના છે અને શુભપ્રસંગે આ પરફ્યૂમ સહુને તમારી તરફ ખેંચે છે.

આ પરફ્યૂમ ખરેખર છે શું?

પરફ્યૂમમાં મુખ્યત્વે છે તેલ (ઓઈલ). આ તેલ એક રસરૂપે વિવિધ પ્રકારનાં ફૂલ અગર તો વૃ૭ની ડાળીઓમાંથી બનાવવામાં જેમ કે, સુખડનું પરફ્યૂમ.

પરફ્યૂમની ભારતીય તેમજ વિદેશી અનેક બ્રાન્ડ અસ્તિત્વમાં છે અને એ દરેકનો રોમાંચ અલગઅલગ છે. વળી એ પણ એક હકીકત છે કે, વ્યક્તિ જે પ્રકારનું પરફ્યૂમ પસંદ કરે છે એ પરફ્યૂમ વ્યક્તિના વ્યક્તિત્વ ઉપરાંત એના અંતરતલનો પણ સંકેત આપે છે.

તો જુઓ મહેકભરી અપીલ કરનારા તમારા આ પરફ્યૂમની એક બોટલમાં શું હોય છે...

* આ પરફ્યૂમ ૭૮ ટકાથી ૯૫ ટકા સુધી ઈથિલ આલ્કોહોલ તથા શેષ તેલના ભાગને વિશિષ્ટરૂપે મદ્યાર્કમાં ફેરવ્યા બાદ તૈયાર થઈ શકે છે.

* પરફ્યૂમ એ ૨૨ ટકા જેટલું જરૂરી તેલ (ઓઈલ) ધરાવનારી મહેક (ફ્રેગરન્સ)નું સૌથી મોંઘુ સ્વરૂપ છે.

* યુડી પરફ્યૂમ (ઈડીપી)એ ૧૫થી ૨૨ ટકા વચ્ચેના પ્રમાણમાં જરૂરી તેલ (ઓઈલ) ધરાવવા સાથે પરફ્યૂમ પછીના સ્થાને આવે છે.

* જેમાંથી યુડી ટોઈલટી (ઈડીટી)નું નિર્માણ થાય છે, જે તેલ (ઓઈલ)ની ૮થી ૧૦ ટકા જેટલી માત્રા ધરાવે છે.

* જ્યારે યુડી કોલોન એ ચાર ટકા જેટલા તેલ (ઓઈલ)ની માત્રા સાથેનું સૌથી મંદ સુગઠિત સ્વરૂપ છે.

* જેઓ યુડી ફ્રેન્ચના અત્યંત સૂક્ષ્મ સ્વરૂપના આગ્રહી છે તેમને માટે એકથી ત્રણ ટકા જેટલા તેલ (ઓઈલ)નો ભાગ હોય છે, જે ફ્રેગરન્સનું સૌથી લાઈટ (આછી આછી મહકવાળું) સ્વરૂપ છે.

કેટલીક મુખ્ય પરફ્યૂમ કેટેગરીઝમાં ફ્લોરલ, ઓરિએન્ટલ, ફ્લોરિએન્ટન, શીપ્રે, ગ્રીન મરીન અને ફ્રુટનો સમાવેશ થાય છે. જ્યારે વિશિષ્ટ પ્લાન્ટ (છોડ) - પ્રોડકટ્સમાં અનીસ, બે લીફ, બર્ગમોટ, કાર્ડામોમ, સેડર વૂડ, યુકેલિપ્ટ્સ, ફેન્કીન્સેન્સ, ગાર્ડેનિઆ, ગરનીઅમ, ઈરીઝ, જાસ્મિ, લવંડર, લેમન, લીલેક, લીલી, લીલી ઓફ ધ વેલી, મેગ્નોલિઆ, મોસ, નેરોલી, ઓરેન્જ, ઓરિસ, પેચૌલી, પાઈન, રાસ્પબેરી, રોઝ, સેંગ, સેન્ડલવૂડ, ટબરરોઝ, વેનિલા, વાયોલેટ અને યલ્ન્ગ-યલ્ગનો સમાવેશ થાય છે. તાજેતરમાં ભારતીય બજારમાં પેરિસના નીના રિસ્સી દ્વારા મુકાયેલા લવઈન પેરિસ તથા મેક્સમારા બ્રાન્ડના પ્રવેશથી પરફ્યૂમ બજાર ફરી મધમધતું થયું છે.

પરફ્યૂમ બિઝનેસ ૪૦ બિલિયન ડોલરનું માર્કેટ ધરાવે છે. એટલે ડિઓર, લેન્કોમ અને ગુર્લિઅન જેવા મોટા બિઝનેસ હાઉસ થોડાંક મહિનાઓ માટે મર્યાદિત ફ્રેગરન્સ માર્કેટમાં મૂકતાં હોય છે.

કેટલાંક સુગંધિત સૂચનો

* સામાન્ય રીતે તમારા શરીરના કોણીના વળાંકવાળા ભાગ પર, ઢીંચણના પાછળના ભાગ પર, કાંડા પર, ગળા પર તેમ જ બે સ્તન વચ્ચેની ફાંટ જેવા ભાગો પર પરફ્યૂમ કરો.

* બંને કાંડાને એકબીજા સાથે ઘસશો નહીં, નહિતર એના પરનું પરફ્યૂમ ઊડી જશે.

* તમે બહાર નીકળો ત્યારે શરીરના ભાગો ઉપરાંત હવામં પણ થોડું પરફ્યૂમ કરો, આનાથી તમારા શરીર પર પરફ્યૂમનો પ્રભાવ છવાયેલો રહેશે.

* તબક્કાવાર પણ તમે પરફ્યૂમ કરી શકો. શોવર કે બાથ જેલથી શરૂ કરો અને એ પછી બોડી લોશન શરીર પર ચોળો અને ત્યારબાદ આફ્ટર-બાથસ્પ્રે કરો, પણ આ સેન્ટસ્પ્રે પરફ્યૂમ કે ઈડીપી સાથે મેળ ખાતો હોય તેવો પસંદ કરો. આનાથી તમને પોતાને તમારા કમનીય સુંદર દેહ માટે સોજ્જી સોજ્જી અનુભૂતિ થશે.

* બોટલને ચુસ્તપણે બંધ રાખો અને સીધી ગરમી કે સૂર્યપ્રકાશથી દૂર રાખો. કેટલાંક પરફ્યૂમ બ્લુ કે ઓપેક બોટલોમાં આવે છે અને આને કારણે પરફ્યૂમ લાંબા સમય સુધી સારું રહે છે.

* તમને તમારી ત્વચાને અનુકૂળ આવે તેવાં જ પરફ્યૂમ પસંદ કરો. પસંદગીમાં બહુ ચીવટ રાખો. તમારી બહેનપણી કે પરિવારની અન્ય મહિલાઓ જે પરફ્યૂમ પસંદ કરે એ જ તમારે પણ કરવું એવું વલણ ન રાખો. સ્ટોરમાં જ પરફ્યૂમનો ટેસ્ટ લો અને ત્યાં જ દસેક મિનિટ સુધી આમ-તેમ હરોફરો. કેટલાંક પરફ્યૂમ એવાં પણ હોય છે કે જેની અસર અડધા કલાક કે કલાક પછી અનુભવાય છે.

ઉચ્ચ દરજ્જાવાળા કેટલાક સ્ટોરમાં તો પરફ્યૂમ સેક્સનમાં કેટલાંક પરફ્યૂમની રિપ્રેઝન્ટેટિવ પણ હોય છે. જે તમને તાજાં કોફી બીન્સ સૂંઘવા માટે આગ્રહ કરશે. આનું કારણ એ છે કે તમે એક પરફ્યૂમની મહેક લઈ લો એ પછી બીજા નવા પરફ્યૂમની મહેક લેવા માટે આ ક્રિયા તમારા નાકની આંતરિક ત્વચાને અગાઉના પરફ્યૂમની મહેકથી મુક્ત કરવામાં મદદ કરશે. જેથી તમે નવા પરફ્યૂમની નવી જુદી મહેક એના પૂર્ણરૂપે અનુભવી શકશો. મુંબઈમાં બકારોઝના સ્ટોરમાં ઊચ્ચ ક્વોલિટીના તમામ પરફ્યૂમ એક જ સ્થળે મળી રહે છે.

 તહેવાર હોય ત્યારે તેલ ભરીને પ્રગટાવેલા દીવડાંના તેલમાં પરફ્યૂમનું એકાદ ટીપું ભેળવી દો...

વાતાવરણમાં મહેક પ્રસરી જશે. સુગંધિત ઇન્સેન્સ સર્ટીક્સ કે મીણબત્તીના સ્વરૂપમાં રૂમમાં મસ્કી ઓરિએન્ટલ રૂમ ફ્રેગરન્સ પણ તમે પ્રસરાવીને માણી શકો.

પરફ્યૂમની કેટલીક વિશ્વપ્રસિદ્ધ બ્રાન્ડ્સને પણ જાણી લો. એ છે એલિઝાબેથ અરડેન, બૌરજોઈસ, જેક્યૂસ બોગાર્ટ, સેન્ટ ડુપોન્ટ, ડોલ્સ એન્ડ ગબ્બાના, ક્રિસ્ટિઅન ડિઓર, મોસ્ચિનો, પિએર કાર્ડિન, થીએરે મુગ્લ, ઈઝે, મિયાકે, કેલ્વિન ક્લેઈન, ફેરારી, બર્બેરીઝ, નીના રીક્કી, ડેવિડ ઓફ, કેન્ઝો, જોવેન મસ્ક અને માયરુગિઆ.

તો પસંદ કરો તમારી બ્રાન્ડ અને બની રહો શુભપ્રસંગ કે પાર્ટીમાં પરફ્યૂમ ક્વીન!

- ઈશિતા