સૌંદર્યની મહત્તા છે પણ સુંદરતા જ કેવળ જીવનનું એકમાત્ર લક્ષ નથી
- વર્તમાન પરિસ્થિતિમાં સૌંદર્યનાં માપદંડ બદલાયા હોવા છતાં ભારતીય સમાજમાં મોટા ભાગે સુંદરતાની વ્યાખ્યામાં ગોરો રંગ જ માનવામાં છે. તેથી જ તો શ્યામળી યુવતીને કોઈ સુંદર ગણવા તૈયાર નથી.
આજે દરેક યુવતી સુંદરતા મેળવવા માટે બ્યુટિપાર્લરમાં કે જિમમાં જવાનો વિચાર કરે છે, પરંતુ આકર્ષક વ્યક્તિત્વ માટે ફિગર અને બ્યુટીની સાથોસાથ આત્મવિશ્વાસ અને શિષ્ટાચાર પણ એટલા જ જરૂરી છે. કેટલીક યુવતીઓને એવો આત્મવિશ્વાસ હોય છે કે તેઓ સુંદર છે. તેઓ જીવનની અન્ય સમસ્યાઓને સાધારણ સમજીને ભૂલી જઈ શકે છે, પરંતુ તેનાથી શું તેઓ વ્યવહારિક જીવનમાં પોતાનું સ્ટેટસ ગુમાવી શકશે? છોકરીઓ પર થતાં અત્યાચાર જોઈને સૌ દુ:ખી થાય છે, પરંતુ જો છોકરી સુંદર હોય તો હંમેશાં સાંભળવા મળે છે કે કેટલી સુંદર હતી, તેની સાથે આવું કેમ થયુ?
કેટલાંક બુદ્ધિશાળીઓનું માનવું છે કે સૌંદર્યનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. જો કોઈ મહિલા દેખાવમાં સુંદર હશે, પરંતુ ભણેલી નહીં હોય તો તેની સુંદરતા ઝાંખી પડી જાય છે. દેશ-પ્રદેશની સાથોસાથ સુંદરતાની વ્યાખ્યા પણ બદલાતી રહે છે. વર્તમાન પરિસ્થિતિમાં સૌંદર્યનાં માપદંડ બદલાયા હોવા છતાં ભારતીય સમાજમાં મોટા ભાગે સુંદરતાની વ્યાખ્યામાં ગોરો રંગ જ માનવામાં છે. તેથી જ તો શ્યામળી યુવતીને કોઈ સુંદર ગણવા તૈયાર નથી. આજે પણ લગ્નના બજારમાં અભ્યાસની સાથેસાથે વિશિષ્ટ નાકનકશાવાળી યુવતીઓને જ પસંદ કરવામાં આવે છે. પહેલાંના જમાના તરફ નજર માંડીએ તો જાણવા મળશે કે એ સમયમાં આ બધું આટલું જરૂરી નહોતું. આજે પણ એવાં ઘણાં વૃદ્ધ દંપતિ જોવા મળે છે જેમની વચ્ચે ખૂબ અસમાનતા હોય છે, પરંતુ આજના યુવાનોમાં આ અસમાનતા ભાગ્યે જ જોવા મળે છે. જોકે આજે લગ્ન એકબીજાને જોઈને, મળીને કરવામાં આવે છે. પતિ-પત્ની વચ્ચે મતભેદ થતા રહે છે. જ્યારે પહેલાંના જમાનાની અશિક્ષિત મહિલાઓ કે જેમનાં લગ્ન નાની ઉંમરે થઈ જતાં હતાં અને તેઓ ખાસ પરિપક્વ નહોતી તો પણ તેમનું લગ્નજીવન કેટલું સુખી અને શાંતિથી વિતાવતી હતી. આજે 'શું હું સુંદર છું?' પ્રશ્ન વધારે મહત્ત્વપૂર્ણ બની ગયો છે. આજનાં યુવક-યુવતી પોતાના જીવનસાથી પસંદગી પણ આ દ્રષ્ટિથી જ કરે છે.
આ વિશે એક મનોવૈજ્ઞાાનિકનું કહેવું છે કે ચહેરોમહોરો એ વ્યક્તિએ પોતે બનાવેલી કલાકૃતિ નથી. જો કોઈ કહે કે સુંદરતામાં એવી કોઈ ખાસ વાત છે જ કે જેનાથી ઉત્સાહિત થઈને કવિઓએ ઘણી કવિતાઓ લખી નાખી તો કદાચ એ પણ સાચું છે કે જ્યારે કવિ સૌંદર્યનાં વખાણ કરીને થાકી ગયા તો તેમની કલમે આસપાસ બનતા શોષણ અને અત્યાચારના બનાવો વિશે પણ લખ્યું.
કોઈ વસ્તુ ત્યાં સુધી સુંદર છે જ્યાં સુધી તમે તેને અનુભવી શકો. સુંદરતા એ કોઈ શસ્ત્ર નથી. આજે દોડાદોડી કરતા લોકો કામના ભારણ નીચે એવી રીતે દબાઈ ગયા છે કે તેઓ શું ઈચ્છે છે એવું વિચારવાનો પણ તેમની પાસે સમય નથી. આ તો બરાબર એ રીતે જ થયું કે લોકો ચોકલેટ ખાય છે કારણ કે તે સ્વાદમાં સારી લાગે છે અને તેનું પેકિંગ પણ આકર્ષક હોય છે. પરંતુ જો એનાથી પણ સારી ક્વોલિટીની ચોકલેટ કોઈ છાપાના કાગળમાં લપેટીને આપવામાં આવે તો કોઈ તેને ખાશે તો નહીં પણ તેને ખોલીને જોવાનું પણ નહીં વિચારે કે આ ચોકલેટ કેવી છે. મોટા ભાગના લોકો કદાચ કોઈ કામ એટલા માટે કરે છે કારણ કે તેનો ક્રેઝ છે, તેની ફેશન છે. દાચ સુંદરતા સાથે જોડાયેલ ગ્લેમર પણ આ ક્રેઝનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. આમ સુંદરતાના પૂજારી સૌ કોઈ છે અને સૌંદર્યપિપાસુ બનવું એમાં કંઈ ખોટું પણ નથી.