સૌંદર્ય અને આયુર્વેદ .
- આરોગ્ય સંજીવની
આ સંસારમાં દરેક વ્યક્તિને સુંદર દેખાવું ગમે છે. સુંદરતા તો ખરેખર કુદરતી દેન છે. હા, તેને વધારી કે નિખારી અવશ્ય શકાય છે તથા આયુર્વેદના સૌંદર્યને લગતા ઔષધોનો ઉપયોગ કરીને તેને અવશ્ય ચાર ચાંદ લગાવી શકાય છે.
સુંદરતા માટે કોઈ જાદુની લાકડી નથી કે નથી તો કોઈ બ્યુટી પાર્લરની દેન. સુંદરતા એ કુદરતી દેન ઉપરાંત સ્વસ્થ શરીર અને પ્રસન્ન મન માટે લેવાયેલ યોગ્ય માવજત છે.
દરેક મનુષ્ય સુંદરતા ઈચ્છે છે. ખૂબસુરત ચહેરો, લાંબા-ઘના રેશમી વાળ, ખીલ કે ડાઘા વગરનો ફેસ એ નારીનાં સૌંદર્યમાં ચાર ચાંદ લગાવવા પૂરતા છે. સુંદર ચહેરો હંમેશા આકર્ષણનું કેન્દ્ર બનતો આવ્યો છે. ત્વચા સૌંદર્ય અને કેશ સૌંદર્ય માટે આપણા આયુર્વેદમાં અણમોલ જડીબુટ્ટીઓને અદભુત ગુણોથી ભરપુર વર્ણવેલ છે. આયુર્વેદીક સૌંદર્ય પ્રસાધનોના ઉપયોગથી આપની ત્વચા લાવણ્યસભર અને તેજસ્વી-ઓજમય બની રહે છે. જેમાં,
(૧) દૂધમાં મસુર વાટીને તેમાં ઘી મેળવીને સાત દિવસ સુધી લેપ કરવાથી ચહેરો કમળના પાનની જેમ સુંદર અને કોમળ બને છે.
(૨) જાયફળ, ચારોળી, કઠ, ઉપલેટ મીક્સ કરી ટામેટાના રસ સાથે લગાવવાથી ત્વચાના ડાઘા દુર થઈને લાવણ્યસભર બની જાય છે.
(૩) જવનો લોટ અને મધ મીક્સ કરી ૧૫ મીનીટ રાખીને ચહેરો ધોઈ લેવો.
(૪) લોધ્ર-કોથમીર તથા ત્વચાને વાટીને મોઢા પર લગાવવાથી ખીલનો નાશ થાય છે.
(૫) મસૂરની દાળ, જાવંત્રી, ચારોળી, બદામ, કઠ, ઉપલેટ અને હળદર મિક્સ કરી નિયમિત લેપન કરવાથી ખીલ, ખીલના ડાઘા, ખાડા દૂર થઈને ત્વચા તેજસ્વી, ગોરી અને ડાઘા સહિત અને પ્રતિભા સંપન્ન થઈ જાય છે. આ ફેસપેકને નિયમિત દૂધ, ટમેટાનો રસ, કાકડીનો રસ, લીંબુ અથવા મધ કોઈ એકની સાથે મિક્સ કરી ૧૫ મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો, ત્યાર પછી સાદા પાણીથી ચહેરો સાફ કરી લો ચહેરામાં આપોઆપ ચમક વધી જશે.
આ ઉપરાંત ત્વચા સિવાય સ્ત્રી સૌંદર્યનું એક અવિભાજય પાસુ એટલે સુંવાળા, સ્વચ્છ, ઘાટા-કાળા વાળ કેશ સૌંદર્ય માટે પણ આયુર્વેદીક જડીબુટ્ટીઓથી બનાવેલ તેલ-શેમ્પુ અને મહેંદીનો નિયમિત ઉપયોગ, ઉચીત આહાર, નિયમિત અને પુરતા પ્રમાણમાં લીધેલી ઊંઘ તથા તનાવ રહીત પ્રસન્ન મન ખુબ જ ભાગ ભજવે છે. લીલા શાકભાજી, મગ, ફળોના રસ, લીલા નારિયેળનું પાણી, લીંબુ વગેરેનો ઉપયોગ કરવાથી ત્વચા અને કેશ સૌંદર્ય બંનેનું રક્ષણ અને પોષણ બંને થાય છે.
વાળ સાફ કરવા માટે હંમેશા હર્બલ એટલે કે આયુર્વેદિક શેમ્પુનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. આ હર્બલ શેમ્પુથી વાળ અઠવાડિયામાં બે વાર સ્વચ્છ રાખવા. ગંદા અને મેલા વાળ જલદી ખરે છે. આયુ. તેલથી અઠવાડિયામાં બે વખત નિયમિત માથામાં મસાજ કરવું જોઈએ.
આયુર્વેદિક ઔષધસિદ્ધ તેલથી હળવા હાથે આંગળીના ટેરવાથી કરેલું મસાજ વાળનાં મૂળ સુધી ઉતરી વાળને યોગ્ય રક્ષણ અને કેશ રંજક પોષણદ્રવ્ય પણ પુરું પાડે છે.
આ ઉપરાંત વાળની દરેક સમસ્યામાં આયુર્વેદિક ઔષધો તેમજ શિરોધારા પણ ખૂબ પ્રભાવી માનવામાં આવે છે. જેમ વાહનને ૩-૪ મહિને સર્વિસ કરાવવી જરૂરી છે, તેજ રીતે શિરોધારા એ આપણા વાળને ઘના અને સુંવાળા રાખવા માટેની (જથ્થાદાર) એક સર્વિસ જ છે. વર્ષમાં ઓછામાં ઓછું ૧ થી ૨ વાર શિરોધારા અવશ્ય કરાવવી જોઈએ. જેથી વાળની સુંદરતા જળવાઈ રહે છે, વાળ અકાળે સફેદ થતાં નથી તથા વાળમાં ખોડો, ઊંદરી વગેરે સમસ્યા પણ થતી અટકે છે.
વાળની કોઈ સમસ્યા હોય કે ના હોય દરેક મનુષ્યે વાળની માવજત તો અવશ્ય કરવી જ જોઈએ.
આ ઉપરાંત સુંદરતા માટે શરીરનું વજન કંટ્રોલમાં રાખવું પણ ખૂબ જરૂરી છે. કસરત, યોગ્ય આહાર-વિહાર, પાણીનું યોગ્ય પ્રમાણમાં સેવન તથા નિયમિત ચાલવાની આદત વજનને કંટ્રોલમાં રાખવા માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.
આ ઉપરાંત આયુર્વેદમાં ઔષધો જેવા કે મેદોહર ગુગળ, આરોગ્યવર્ધીની વટી, ત્રિફલા, જવનો લોટ વગેરે પણ નિષ્ણાંતની સલાહ મુજબ જો લેવામાં આવે તો વજન કાબુમાં રાખવા માટે બહુ મહેનત કરવી પડતી નથી.
આ ઉપરાંત ચહેરાને વિવિધ ફળો અને તેના રસના ઉપયોગથી પણ તરોતાજા રાખી શકાય છે. જેમ કે, શુષ્ક-કોરી ત્વચા માટે કેળાનો ઉપયોગ અસરકારક છે. ઓઈલી સ્કીન માટે સંતરા, મોસંબી વગેરેનું પરિણામ સારું મળે છે. જ્યારે નિસ્તેજ ત્વચા માટે સ્ટ્રોબેરીનો ઉપયોગ કરવાથી ચહેરામાં ચમક વધે છે. ડાઘાવાળા ચહેરા માટે પપૈયું ખૂબ લાભદાયી છે.
આમ આયુર્વેદ અને પ્રકૃતિના દ્રવ્યોનો ઉપયોગ કરીને તેમજ પૂરતી નિંદ્રા, સમતોલ આહાર અને ચિંતામુક્ત જીવનશૈલી એ સુંદરતાને લાંબો સમય સુધી ટકાવવામાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે.
- જહાનવીબેન ભટ્ટ