શિયાળામાં દેખાવ બ્યુટીફુલ .
શિયાળામાં સૌંદર્ય અંગે તમારી ચિંતા વધી જાય છે, કારણ કે ઠંડી તમારી સુંદરતાને નુકસાન પહોંચાડે છે. મોટાભાગની મહિલાઓ અને યુવતીઓમાં જે સામાન્ય સમસ્યાઓ હોય છે, તેમાં એડીમાં ચીરા પડી જવા, ચામડી અને વાળ રૂક્ષ થવા વગેરે જેવી બાબતો સામેલ છે. આ સમસ્યાઓમાંથી બચવા માટે જરૂરી કેટલીક બાબતો અચૂક ધ્યાનમાં રાખો, જેનાથી તમારી સુંદરતા જળવાઈ રહે.
ફાઈન લાઈન્સ અને ટેનિંગ
શિયાળામાં દિવસમાં ૨ વાર ટામેટાનો રસ પીવો જોઈએ. કાચું ટામેટું વિટામિન સીની ઊણપ દૂર કરે છે અને તે રોજિંદા ડાયટમાં ખૂબ જરૂરી છે. ટામેટું ચામડીની ફાઈન લાઈન્સને ઘટાડવામાં મદદ કરે છે. તે સિવાય નારંગી પણ ફાઈન લાઈન્સને ઘટાડે છે. જો તમારી ઉંમર ૩૫ વર્ષથી વધારે છે, તો ફ્રૂટી ફેસપેકના ઉપયોગથી સ્કિનની શુષ્કતા દૂર થાય છે. પાકેલું પપૈયું, મધ, વિટામિન ઈ કેપ્સ્યૂલ, મલાઈ અને થોડાંક ટીપાં ગ્લિસરીન ભેળવીને પેસ્ટ બનાવી લો. પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો. તે સુકાય ત્યાં સુધી રહેવા દો. પછી જુઓ, તમારી સ્કિન ગુલાબની જેમ ખીલી ઊઠશે.
ફાટી ગયેલા હોઠ
ફાટી ગયેલા હોઠ માટે મધ, લીંબુનો રસ, જેતૂન ઓઈલ અને ગ્લિસરીનનું મિશ્રણ બનાવો. તેને નિયમિત હોઠ પર લગાવો અથવા તો પછી સ્ટ્રોબેરી, મલાઈ અને મધને ભેળવીને લગાવો.
ફ્રેશ રહેવા માટે
કેટલી પણ ઠંડી કેમ ન હોય, નહાવાનું બંધ ન કરો. ગુલાબ અને તુલસીના પાનને નવશેકા પાણીમાં નાખીને નહાઓ. સ્કિનને ચમકદાર બનાવવાનો ઉત્તમ ઉપાય છે.
મલાઈમાં લોટ મિક્સ કરીને સ્ક્રબ બનાવી લો. તેનાથી સ્કિન સાફ કરો. સ્ક્રબથી સ્કિનના મૃત કોષો અને ધૂળ સાફ થઈ જાય છે. જો તમને સવારમાં સમય ન હોય તો થોડાં ટીપાં જેતૂન ઓઈલ કે નાળિયેર તેલ, અડધો મગ પાણીમાં નાખીને નહાયા પછી તમારા શરીર પર સ્પ્રે કરો. વિટામિન એ અને સી આ મોસમમાં ખૂબ લાભદાયક સાબિત થાય છે.
વાળની રૂક્ષતા
વાળની રૂક્ષતા દૂર કરવા માટે આટલું કરો-મેથીદાણા રાત્રો પલાળી રાખો. સવારમાં તેમાં દહીં ઉમેરો. આ મિશ્રણને વાળમાં વ્યવસ્થિત લગાવો. થોડીકવાર લગાવી રાખ્યા પછી વાળને બરાબર ધોઈ લો. માત્ર મેથીદાણાનું પાણી પણ વાળ માટે લાભદાયી પુરવાર થાય છે.
રૂક્ષ કોણી અને ઘૂંટણ
ઘણીવાર રૂક્ષ કોણીઓ અને ઘૂંટણ ચિંતાના કારણ બને છે. પાકેલા કેળાને મસળી લો અને તેમાં ખાંડ નાખો. આ મિશ્રણને કોણી અને ઘૂંટણ પર ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ઘસો. નિયમિત રીતે પ્રયોગ કરવાથી ટૂંક સમયમાં સારું પરિણામ મળશે. તે સિવાય લીંબુના અડધા ટુકડામાં મીઠું લગાવીને પણ કોણી પર ઘસવાથી કોણી સાફ થઈ જાય છે.
એડીની સમસ્યા
ચીરા પડી ગયેલી એડીઓ ઠંડીના દિવસોની મુખ્ય સમસ્યા છે. તે સ્કિનના ચેપનો સ્ત્રોત બની જાય છે. તે માટે સાબુથી એડીઓને બરાબર ધોઈ લો અને ટુવાલથી ઘસીને લૂછો. ઉકાળેલી પાલકનું પાણી કાઢો. તેમાં તમારી એડીઓ ડુબાડો અને પરિણામ જુઓ. બહાર જાઓ તો પગનાં મોજાં પહેરો. પગની એડીઓ દરરોજ રાત્રે સાફ કરો. વેસેલિન અને ગ્લિસરીનને સરખી માત્રામાં મિક્સ કરીને એડીઓ પર લગાવો. સૂતાં પહેલાં સુતરાઉ મોજાં પહેરો.