છેલ્લા ઘણા સમયથી આપણે ત્યાં પશ્ચિમના દેશોની જેમ ડિઝાઇનર ડ્રેસનો વ્યાપ વધતો ચાલ્યો છે. આંગળીના વેઢે ગણી શકાય એટલા ફેશન ડિઝાઇનરોના સ્થાને તેની એક આખી જમાત ઊભી ગઈ છે. યુવા પેઢી ફેશન ડિઝાઇનિંગને કારકિર્દી તરીકે અપનાવી રહી છે. આમ છતાં મઝાની વાત એ છે કે આ ફેશન ડિઝાઇરો પણ પરંપરાગત સાડીને જ સૌથી વધુ સેક્સી માને છે. બોલીવૂડના કલાકારો માટે તેઓ સંખ્યાબંધ જાતની સાડીઓ ડિઝાઇન કરે છે. હિન્દી ફિલ્મો પર નજર નાખીએ તો એક વાત દિવા જેવી સ્પષ્ટ દેખાય છે કે કોઇ પણ અભિનેત્રી સાડીમાં જેટલી આકર્ષક દેખાય છે એટલી અન્ય કોઇ ડ્રેસમાં નથી દેખાતી. હિન્દી ફિલ્મ સર્જકો પણ પોતાની ફિલ્મની હીરોઈનોને સાડી પહેરાવવામાં અગ્રેસર રહ્યાં છે.
સાંઇઠના દશકની નરગીસથી લઈને એકવીસમી સદીની 'પરિણીતા'ની વિદ્યા બાલન અને લેટેસ્ટ ફિલ્મ 'દબંગ'ની અભિનેત્રી સોનાક્ષી સિંહા સુદ્ધાંએ ફિલ્મમાં સાડી પહેરીને પોતાની કાયાના કામણ પાથર્યાં છે. રાજ કપૂર સાથે એક છત્રી હેઠળ સાડી પહેરીને ઊભેલી 'પ્યાર હુઆ ઇકરાર હુઆ'ની સીધીસાદી નરગીસને કોઇ ભૂલી શકે ખરું? 'એક લડકી ભીગી ભાગી સી...'માં વરસાદના પાણીથી નીતરતી મધુબાલાની છબિ આજે પણ લોકોના દિલોદિમાગમાંઅંકિત થયેલી છે. જ્યારે 'ના જાઓ સૈંયા...' ગીતમાં સાડીમાં અત્યંત સુંદર લાગતી મીનાકુમારીને આપણે રિયલ બ્યુટી અથવા ઓલ ટાઇમ બ્યુટી કહી શકીએ. અભિનેત્રી કિરણ ખેર કહે છે કે ભારતમાં જન્મેલી સ્ત્રી જો આ અત્યંત સુંદર પોશાક ધારણ ન કરે તો તેનું જીવન એળે ગયું કહેવાય.
આધુનિક ફેશન ડિઝાઇનરો ભલે પીઠ ખુલ્લી દેખાય એવી ચોલી ડિઝાઇન કરતાં હશે, પણ ઘણા ડિઝાઇનરો દ્રઢપણે માને છે કે સાડીનો પાલવ વ્યવસ્થિત રીતે ઢાંકેલો હોવો જોઈએ. આજે ધણી અભિનેત્રીઓ ઓન સ્ક્રીન અથવા ઓફ સ્ક્રીન સાડીનો પલ્લુ એવી રીતે રાખે છેકે તેમનું વક્ષઃસ્થળ પૂરેપૂરું ખુલ્લું દેખાય. તેઓ કહે છે કે આ રીતે રાખેલો પાલવ એકદમ ગંદો લાગે છે.
અભિનેતા અક્ષયકુમાર કહે છે કે મને માથે પાલવ ઓઢેલી નારી સૌથી આકર્ષક લાગે છે. એક સમય એવો હતો જ્યારે અભિનેત્રીઓ ફિલ્મમાં મોટાભાગે સાડી જ પહેરતી. સાડીનું સૌથી સારું પાસું એ છે કે તેમાં જે તે માનુની પાતળી હોય તો અત્યંત સુંદર દેખાય છે. અને જેનો બાંધો થોડો ભરાવદાર હોય તેના અંગના ભરાવદાર ભાગ સાડી નીચે સારી રીતે ઢંકાઈ જાય છે. દંતકથા સમાન ફિલ્મ સર્જક રાજ કપૂરે સાડીને ફિલ્મોમાં અનોખો વળાંક આપ્યો હતો. 'સત્યમ્ શિવમ્ સુન્દરમ્'માં ઝિન્નત અમાને પહેરેલી સાડી પુરુષોની સાડી ધારણ કરેલી સ્ત્રીની કલ્પનાનું પ્રતિક બની ગઈ. અલબત્ત, આ ફિલ્મમાં અભિનેતા શશી કપૂર તેની નાયિકાની કલ્પના આવી સાડીમાં કરે છે તેવી જ રીતે 'રામ તેરી ગંગા મૈલી'માં સફેદ સાડી વીંટાળેલી મંદાકીની પણ રૂપના કટકા જેવી લાગતી હતી.
આજના ડિઝાઇનર વસ્ત્રોના જમાનામાં પણ જાણીતી અભિનેત્રીઓ પડદા પર કે જાહેર જીવનમાં સાડી જ પહેરવાનું શા માટે પસંદ કરે છે? આનું કારણ એ છે કે સાડીમાં સ્ત્રી જેટલી સુંદર અને સેક્સી દેખાય છે એટલી અન્ય કોઇ પોશાકમાં નથી દેખાતી. હજારો સાડીનું કલેકશન ધરાવતી અભિનેત્રી કિરણ ખેર કહે છે કે આપણા દેશમાં સાડીની જેટલી વિવિધતા જોવા મળે છે એટલી વરાઇટી અન્ય કોઇ ડ્રેસમાં જોવા નથી મળતી. સાંઇઠના દશકથી લઇને અત્યાર સુધીની ફિલ્મી અભિનેત્રીઓ પર નજર નાખો તો ખ્યાલ આવશેકે સાડી ધારણ કરેલી અદાકારાઓ સૌથી વધુ આકર્ષક લાગી છે. 'આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે ...' ગીતમાં મુમતાઝે ડુટી નીચે પહેરેલી નારંગી રંગની, બે વખત વીંટાળેલી સ્કીન ટાઇટ સાડી અને તેમાંથી સ્પષ્ટ દેખાતો તેના પગ અને નિતંબનો આકાર કોણ ભૂલી શકે? આવી હિપસ્ટર સાડી તે વખતે બધી સ્ત્રીઓમાં અત્યંત પ્રિય થઇ પડી હતી.
તે વખતના ફિલ્મ સર્જકો માનતા કે સાદગીનું સૌંદર્ય પ્રગટ કરવાનું શ્રેષ્ઠ પરિધાન માત્ર સાડી જ હોઈ શકે. તેમાંય કોઇ હિરોઇનને એકદમ સમજદાર, રૂઢિવાદી અને આદર્શવાદી બતાવવી હોય તો આ સઘળા ગુણ માત્ર સાડીમાં જ દેખાઈ શકે. ૯૦ના દશકમાં આવેલી કરણ જોહરની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'ની ચુલબુલી કાજોલને જ્યારે પરિપકવ બતાવવાની હતી, ત્યારે તેને સાડી પહેરાવવામાં આવી હતી. જયા ભાદુડીની વાત કરીએ તો 'અભિમાન'ની સાડી ધારણ કરેલી જયા અને 'શોલે'ની સફેદ સાડી પહેરેલી જયાના તદ્દન જુદા જુદા સ્વરૂપ આ પરિધાનમાં રજૂ થાય છે. કહેવાનો અર્થ એ છે કે એકમાત્ર સાડી નારીને અનેક સ્વરૂપોમાં રજૂ કરી શકે છે.
'સીતા ઔર ગીતા'માં ગભરૂ હેમા માલિની અને તોફાની હેમા માલિનીની છબિઓને સુપેરે રજૂ કરવા ડરપોક હેમાને સાડી પહેરાવવામાં આવી છે. આવું જ કાંઇક 'પૂરબ ઔર પશ્ચિમ'ની સાયરા બાનુમાં પણ જોવા મળે છે. ટૂંકા પશ્ચિમી પોશાકમાં સિગારેટના ધુમાડા ઉડાડતી સાયરા બાનુ 'દેશ કી ધરતી સોના ઉગલે..' ગીતમાં સાડીમાં અત્યંત આકર્ષક દેખાય છે. એમ કહી શકાય કે પરિધાન બદલાવા સાથે તેનું 'મેક ઓવર' થઇ ગયું હતું.
સાદગીના સૌંદર્યને છતી કરતી સાડી પુરુષોને ઉત્તેજિત કરવા જેટલી સેક્સી પણ છે. 'આરાધના' ફિલ્મમાં 'રૂપ તેરા મસ્તાના, પ્યાર મેરા દિવાના...' ગીતમાં ઓરેંજ કલરની એક ખભા પર પહેરાયેલી શર્મિલા ટાગોરની સાડી આ વાતનો પુરાવો છે. 'મિ. ઇન્ડિયા'માં 'કાટે નહીં કટતે...' ગીતમાં ભૂરા રંગની સાડીમાં શ્રીદેવી જેટલી સેક્સી દેખાય છે એટલી મીની સ્કર્ટમાં ન લાગત એ વાત ચોક્કસ. તેવી જ રીતે 'દે ધના ધન'માં કેટરીના કેફનું સાડી વીંટાળેલું ભીનું સૌંદર્ય અક્ષયકુમારને ઘેલો કરી મૂકે છે.
'સાગર' ફિલ્મમાં 'જાને દો ના...' ગીતમાં લાલ રંગની સાડી અને ખુલ્લી પીઠ દેખાતી દોરીવાળી ચોલીમાં ડિમ્પલ કાપડિયા જેટલી સેક્સી દેખાય છે તે હિન્દી ફિલ્મોમાં સીમાચિન્હરૂપ ગણી શકાય.
સાડીની વાત ચાલતી હોય ત્યારે 'હમ આપ કે હૈ કૌન?'ની માધુરી દીક્ષિતની જાંબુડી રંગની સાડી ભૂલી શકાય ખરી? તેવી જ રીતે 'સિલસિલા' ફિલ્મની રેખાની ધુપછાંવ સાડી, 'દેવદાસ'ની ઐશ્વર્યા રાયની સાડી, 'સિંઘ ઇઝ કિંગ'ની કેટરીના કૈફની સાડી શિફોન સાડીઓનું સૌંદર્ય છતું કરે છે.
અત્યંત સુંદર સાડીઓ દ્વારા પોતાના ભરાવદાર સૌંદર્યને સુપેરે રજૂ કરવા જાણીતી કિરણ ખેર કહે છે કે આપણી અભિનેત્રીઓ લાંબી- પાતળી અને એટલી ખૂબસુરત છે કે તેઓ અંગવળાંકોના પ્રદર્શન કરવા જેવી સાડીઓ પહેરવાને બદલે આપણી પરંપરાગત, ટસર ઢાકાઈ, બનારસી જેવી સંખ્યાબંધ જાતની સાડીઓ પહેરે તો વધારે આકર્ષક લાગે. એટલું જ નહીં, સાડી ન પહેરવાની અને ડિઝાઇનર ડ્રેસ પહેરવાની ઘેલછાને કારણે આપણા વણકરો ભૂખે મરી રહ્યાં છે તેમને પણ મદદ મળી રહે.


