Get The App

સાર્વજનિક સ્થળોએ ઉપકરણોના ઉપયોગમાં શાલિનતા વર્તીએ

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News
Google News
સાર્વજનિક સ્થળોએ ઉપકરણોના ઉપયોગમાં શાલિનતા વર્તીએ 1 - image

- જાહેર સ્થળોએ ડિજિટલ શિષ્ટાચાર

આજના અત્યાધિક જોડાયેલા વિશ્વમાં સ્માર્ટફોન, ટેબલેટ અને વ્યક્તિગત ગેજેટો આપણા દૈનિક જીવનનો લગભગ એક અભિન્ન હિસ્સો બની ગયા છે. આપણે તેનો ઉપયોગ કામ કરવા, મનોરંજન માટે તેમજ આપણી આસપાસની દુનિયાને સમજવા માટે કરતા  હોઈએ છીએ. બસ, ટ્રેન, કેફે, એરપોર્ટ અને પ્રતિક્ષાલયો જેવા જાહેર સ્થળોમાં હવે સ્ક્રીન પર સ્ક્રોલ કરતા, કોલ પર વાત કરતા અથવા કન્ટેન્ટ સ્ટ્રીમ કરતા લોકો નજરે પડતા હોય છે. ટેકનોલોજી ભલે જીવનને સુવિધાજનક બનાવતી હોય, પણ તેની નિરંતર હાજરી એક મહત્વપૂર્ણ સવાલ પણ ઉપસ્થિત કરે છે, આપણે અન્યોને અસુવિધા પહોંચાડયા વિના આપણા અંગત ઉપકરણોનો ઉપયોગ કેવી રીતે કરીએ? જાહેર સ્થળોમાં મૂળભૂત ડિજિટલ શિષ્ટાચારનું પાલન સ્વતંત્રતા સીમિત કરવા બાબત નથી, પણ પારસ્પરિક સન્માન, સહજતા અને સામંજસ્યને પ્રોત્સાહન આપવાની બાબતમાં છે. થોડી સજાગતા રાખવાથી તમામ લોકો જાહેર સ્થળોએ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે અને આનંદ માણી શકે તે સુનિશ્ચિત કરી શકાય છે.

૧. અવાજ ઓછો રાખવા અથવા હેડફોનનો ઉપોગ કરવો

જાહેર સ્થળો, ખાસ કરીને બસ અથવા ટ્રેન જેવા જાહેર પરિવહનમાં મુસાફરી કરતી વખતે ધ્વનિ પ્રબંધન મહત્વનું છે. મોટા અવાજે સંગીત, વીડિયો, ગેમ અથવા સ્પીકરફોન પર વાત કરવાથી જાહેર વાતાવરણમાં અવરોધ ઉત્પન્ન થાય છે. જે બાબત એક વ્યક્તિ માટે મનોરંજન અથવા ઉપયોગી હોય, તે આસપાસના લોકો માટે અનિચ્છિત હસ્તક્ષેપ બની શકે છે. હેડફોન અથવા ઈયરબડ્સનો ઉપયોગ સરળ પણ અસરકારક ઉપાય છે, જેનાથી તમે તમારો કન્ટેન્ટનો આનંદ  ખાનગી રીતે માણી શકો છો. હેડફોનના ઉપયોગ વખતે પણ અવાજનું સ્તર સંતુલિત રાખવું જરૂરી છે, કારણ કે વધુ મોટો અવાજ અન્યોને સંભળાઈ શકે છે. જાહેર પરિવહન, પુસ્તકાલયો અથવા પ્રતીક્ષાલયો જેવા સ્થાનોમાં શાંતિ અથવા ઓછો અવાજની  અપેક્ષા હોય છે. ઓડિયો ઉપયોગમાં સજાગતા દેખાડવાની બાબત જે લોકો આરામ કરી રહ્યા  હોય, વાંચી રહ્યા હોય, કામ કરી રહ્યા હોય અથવા બસ શાંતિથી પ્રવાસ કરવા ઈચ્છતા હોય તેમના પ્રત્યેની વિચારશીલતા દર્શાવે છે.

૨.આસપાસના વાતાવરણ પ્રત્યે સજાગ રહેવું

સ્ક્રીનમાં ઓતપ્રોત થઈ જવું અને આસપાસ શું બની રહ્યું છે તેનું ધ્યાન ખોઈ નાખવું આસાન છે. પણ જાહેર સ્થળોએ તમામની સલામતિ અને સુવિધા માટે સ્થાનિક સજાગતા જરૂરી બની જાય છે. સમય-સમય પર ઉપકરણમાંથી નજર હટાવીને આસપાસ જોવાથી રસ્તાને અવરોધવા, દરવાજાની વચ્ચે ઊભા રહેવા અથવા અન્યો સાથે ટકરાઈ જવાથી બચી શકાય છે. આ બાબત રેલવે સ્ટેશનો, બજારો તેમજ ફૂટપાથ જેવા ભીડયુક્ત સ્થળોેએ વિશેષ રૂપથી મહત્વની છે. સજાગ રહીને તમે  જાહેરાતો, સંકેતો અથવા પરિસરમાં થઈ રહેલા બદલાવો પ્રત્યે તુરંત પ્રતિક્રિયા આપી શકો છો. ફોન જોવા પહેલા એક બાજુએ થઈ જવું અથવા ચાલતી વખતે સ્ક્રીનનો ઉપયોગ અટકાવી દેવા જેવા સરળ ઉપાય દુર્ઘટનાઓ રોકી શકે છે અને જાહેર સ્થળોમાં હાજર રહેલા અન્ય લોકોની મુશ્કેલી ઓછી કરી શકે છે.

૩. ભીડયુક્ત સ્થાનોમાં સ્ક્રીન સમય સીમિત રાખવો

ભીડ હોય તેવા વાતાવરણમાં લાંબો સમય ડિવાઈસનો ઉપયોગ અજાણપણે ગીચતા અને વિલંબનું કારણ બની શકે છે. મેસેજ જોવા, સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવા અથવા વીડિયો જોવા માટે અચાનક અટકી જવાથી રસ્તામાં અવરોધરૂપ બનવાની સંભાવના રહે છે અને આવાગમનની ગતિ પ્રભાવિત થાય છે. આવી સ્થિતિમાં સ્ક્રીન સમય સીમિત રાખીને સ્થાનના સુચારુ સંચાલનમાં મદદ કરી શકાય છે. આ નજીવો ફેરફાર સામૂહિક આવાગમન પ્રત્યે સજાગતા અને સન્માનની ભાવના દર્શાવે છે જેનાથી જાહેર સ્થળોએ અન્ય લોકો માટે અડચણ બનવાથી બચી શકાય છે.

૪. ખાનગી સ્થળોનું સન્માન કરવું

ખાનગી  સ્થળો આરામ અને ગરિમા માટે એક મહત્વપૂર્ણ જગ્યા છે, ખાસ કરીને એવા સ્થળો જ્યાં લોકો એકબીજાની ખૂબ નજીક હોય છે. ગેજેટનો ઉપયોગ કરતી વખતે અન્યોના ખાનગી અવકાશમાં દખલગીરી ન થાય તે જરૂરી છે, પછી તે શારીરિક હોય કે દ્રશ્ય રૂપથી હોય. કોઈના ખભા ઉપરથી તેના સ્ક્રીન પર જોવું, ફોટો લેવા માટે તેમની ઉપર ઝૂકી જવું અથવા ગેજેટ તેમની ખૂબ નજીક રાખવાથી અસહજતા સર્જાય છે. સન્માનપૂર્વક અંતર જાળવી રાખવાથી લોકો સુરક્ષિત અને સહજ મહેસૂસ કરે છે. આ બાબત કેમેરાના ઉપયોગ માટે પણ લાગુ પડે છે. ગેજેટને ક્યાં અને કેવી રીતે ફેરવવામાં આવે છે તેના પર ધ્યાન આપવું જરૂરી છે. અન્યોની ગોપનીયતામાં દખલગીરી ન થાય અથવા તેમને અસહજ મહેસૂસ ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

૫. જાહેર સ્થળોએ નોટિફિકેશન મ્યુટ  રાખવા

વારંવાર આવતા નોટિફિકેશનોના અવાજ, ખાસ કરીને કાર્યાલયો, હોસ્પિટલો, મીટિંગો અથવા પૂજા સ્થળો જેવા શાંત અથવા ઔપચારિક વાતાવરણમાં અત્યંત બાધક બની શકે છે. 

નોટિફિકેશન સાયલન્ટ અથવા વાયબ્રેશન મોડ પર રાખીને વાતાવરણ શાંત રાખવામાં મદદરૂપ બની શકાય છે અને અનાવશ્યક ધ્યાન ભંગથી બચી શકાય છે. એનાથી તમે નોટિફિકેશન પર તુરંત પ્રતિક્રિયા આપવાની બદલે પોતાની આસપાસ અથવા સંવાદ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. આ નાનકડો શિષ્ટાચાર અન્યોની એકાગ્રતા અને માનસિક શાંતિ પ્રતિ સન્માનનો સંકેત આપે છે. આવી આદતો જાહેર સ્થળોમાં પારસ્પરિક સમજદારી અને સહિયારી જવાબદારીની સંસ્કૃતિને મજબૂત બનાવે છે.

વ્યાપક તસવીર : ટેકનીક સાથે સમજદારી

આખરે, જાહેર સ્થળોમાં ડિજિટલ શિષ્ટાચારનો અર્થ છે વ્યક્તિગત સુવિધા અને સામાજિક જવાબદારી વચ્ચે સંતુલન બનાવવું. ટેકનીકનો હેતુ આપણા જીવનને બહેતર બનાવવાનો છે, આસપાસના લોકો માટે અસુવિધા અથવા તણાવ સર્જવાનો નથી. ધ્વનિ નિયંત્રણ, સજાગતા, ખાનગી સ્થાનનું સન્માન અને અવાજ ઓછો કરવા જેવી આદતો અપનાવીને આપણે વધુ સુખદ, સમાવેશી અને સન્માનજનક સહિયારુ વાતાવરણ બનાવી શકીએ છીએ. આવા નાના પગલા ભલે વ્યક્તિગત રૂપથી મામૂલી લાગે, પણ સાથે મળીને તે જાહેર જીવનની ગુણવત્તાને નવો આકાર આપી શકે. એવા સમયમાં જ્યારે સ્ક્રીન આપણું ધ્યાન આકર્ષિત કરતું હોય, ત્યારે સહાનુભૂતિ અને જાગરુકતા પસંદ કરીને ટેકનોલોજીનો ઉપયોગ વ્યક્તિ ઉપરાંત સમુદાય બંનેને સમાન રીતે ઉપયોગી થાય તે સુનિશ્ચિત કરી શકાય. 

- ઉમેશ ઠક્કર