Get The App

આહારમાં સાકર અને મીઠુંનું પ્રમાણભાન રાખો

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
આહારમાં સાકર અને મીઠુંનું પ્રમાણભાન રાખો 1 - image

- છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણા ખોરાકમાં ખાંડ, મીઠું અને મસાલાનું સેવન કેટલાંય ગણું વધ્યું છે. આજે આપણી દિનચર્યા જ એવી થઈ ગઈ છે કે આપણા ખોરાકમાં આ ત્રણેય વસ્તુને ઘટાડવી ખરેખર મુશ્કેલ કામ બન્યું છે. તેનું એક કારણ પેકિંગ ખોરાક છે..

વરસાદની શરૂઆત થતાં જ આપણું મન ગરમગરમ ચા સાથે તળેલા અને  મસાલેદાર ભજિયાં ખાવા માટે લલચાઈ  ેજાય છે. એકદમ ખારાં ભજિયાં પર ભભરાવેલા મસાલાની તીખાશ જ્યારે ચાની મીઠાશમાં ભળે છે, ત્યારે મીઠી ચા તીખી, પણ ફિક્કી લાગે છે. આપણે સમજ્યા-વિચાર્યા વગર ચાનો સ્વાદ વધારવા માટે ચામાં એક શુગર ક્યૂબ કે પછી ૧ ચમચી ખાંડ વધારે નાખી દઈએ છીએ. માત્ર એટલું જ નહીં, ઉનાળામાં કેટલીય વાર ગળ્યું અને ખારું મસાલેદાર શરબત શિકંજી પી લઈએ છીએ. કોલ્ડ ડ્રિન્ક અને આઈસક્રીમમાં તો જાણે આપણા બધાનો જીવ હોય જ છે.

આ રીતે આપણને અણસાર પણ નથી આવતો કે સમયાંતરે ખાવાપીવાની થતી તલપ  શાંત  કરવા અને આપણી 'જીભના સ્વાદ' વધારવા માટે આપણે અજાણતાં જ આપણાં ખોરાકમાં મીઠું, મરચું-મસાલા અને ખાંડનું પ્રમાણ કારણ વિના વધારતા રહીએ છીએ. ખાંડ, મીઠું અને મસાલા નાખવાથી તે સમયે તો ખોરાકનો સ્વાદ ચોક્કસપણે અનેકગણો વધી જાય છે, પણ તેની ખરાબ અસરની પાછળથી ખબર પડે છે, જે ઘણી તકલીફદાયક હોય છે કારણ કે તે ગંભીર, શારીરિક અને માનસિક રોગોનું કારણ બને છે.

આમ જોઈએ તો શારીરિક અને માનાસિક વિકાસ માટે ખાંડ, મીઠું અને મસાલાનું ખારા મહત્ત્વ હોય છે, પરંતુ એક મર્યાદિત પ્રમાણ સુધી જ ઉપયોગ કરવાથી તેનો લાભ થાય છે. તેમનો જરૂર કરતાં વધારે ઉપયોગ આપણા શરીરને લાભની જગ્યાએ નુકસાન કરે છે. અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણા ખોરાકમાં ખાંડ, મીઠું અને મસાલાનું સેવન કેટલાંય ગણું વધ્યું છે. આજે આપણી દિનચર્યા જ એવી થઈ ગઈ છે કે આપણા ખોરાકમાં આ ત્રણેય વસ્તુને ઘટાડવી ખરેખર મુશ્કેલ કામ બન્યું છે. તેનું એક કારણ પેકિંગ ખોરાક છે, ૩- ૪ દાયકા પહેલાં પેકિંગ ખોરાકનું ચલણ લગભગ નહીંવત હતું એટલે આટલી સમસ્યાઓ નહોતી. હકીકતમાં પેકિંગ ખોરાકને લાંબા સમય સુધી સાચવવા અને ફ્રેશ રાખવા માટે તેમાં સોડિયમ અને ખાંડ વધુ પ્રમાણમાં નાખવામાં આવે છે, પરંતુ આજકાલ પેકિંગ ખોરાકનું ચલણ જે રીતે વધ્યું છે, તેનું જ પરિણામ છે, હાઈ બ્લડપ્રેશર, દમ, સ્થૂળતા અને જાડી કમર જેવી સમસ્યાઓ.

આવો, અમે તમને જણાવીએ કે આપણે મીઠું, ખાંડ અને મસાલા કેટલાં અને કેવી રીતે ખાવા જોઈએ?

વધારે ખાંડ જોખમની ચેતવણી

મીઠાશ આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. તેનાથી આપણને શક્તિ અને ઊર્જા મળે છે, પરંતુ જરૂર કરતાં વધારે ગળ્યું ખાવાથી વજન વધી શકે છે. ખાંડમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે.

જોકે ખાંડમાં કોઈ વિટામિન, મિનરલ કે પૌષ્ટિક તત્ત્વો નથી હોતાં, તે માનવશરીરને માત્ર ઊર્જા પૂરી પાડે છે અને તે પણ ૧ ગ્રામમાં ૪ કેલરીના દરે. આ રીતે વધારે મીઠાઈઓ, ઠંડાં પીણાં, બિસ્કિટ અને ચોકલેટ લેવાથી ખોરાકનું સમતોલન બગડે છે અને ખોરાકની પૌષ્ટિકતા નાશ પામે છે

નિષ્ણાતોના  મતે દરરોજ, ૧૬૦૦ કેલરીયુક્ત ખોરાક લેનાર યુવાન અને સ્વસ્થ વ્યક્તિ કુદરતી પદાર્થોમાંથી પ્રાપ્ત થતી ખાંડ ઉપરાંત ૬ નાનો ચમચી એટલે કે ૨૪ ગ્રામ ખાંડ કોઈપણ જાતના જોખમ વગર લઈ શકે છે.

 આ જ રીતે ૨,૨૦૦ કેલરીયુક્ત ખોરાક લેનારી વ્યક્તિ ૧૨ ચમચી એટલે કે ૪૮ ગ્રામ ખાંડ લઈ શકે છે, મીઠાશના નામે આપણે વધારે કોલ્ડ ડ્રિંક્સ અને આઇસક્રીમ વગેરે લઇએ છીએ, જે માત્ર કેલરી વધારે છે, શરીરને કોઈપણ પ્રકારનું પોષણ નથી આપતા. કોલ્ડ ડ્રિંક્સના બદલે સાદું ઠંડું પાણી, કિંગ ફૂટ જ્યૂસની જગ્યાએ અડધો કપ ૧૦૦% તાજાં ફળોનો રસ અને જમ્યા પછી કંઇક ગળ્યું લેવાની ઈચ્છા થાય તો ખીર કે હલવાની જગ્યાએ તાજાં ફળો લેવાં જોઈએ.

શરીરમાં જરૂર કરતાં વધારે કે ઓછી ખાંડ હોય તો તમારા શરીરમાં જોખમની સમસ્યા ઊભી થવાની ચેતવણી મળવા લાગે છે. લોહીમાં ખાંડનું પ્રમાણ વધવાથી તરસ અને ભૂખ વધે છે અને પેશાબ પણ વારંવાર આવે છે. બીજી બાજુ જો તમે ખાવાના સમયમાં જરૂ૨ ક૨તાં વધારે સમયગાળો રાખો છો, ઓછું ખાઓ છો, કસરત વધારે કરો છો કે પછી ખાલી પેટ આલ્કોહોલ લો છો, તો લોહીમાં ખાંડનું પ્રમાણ ઘટી જવાથી તમે કમજોરી અનુભવો છો.

મીઠાનો ઉપયોગ

મીઠું આપણા ખોરાકનો એક અનિવાર્ય ભાગ છે. ભારતમાં વ્યક્તિદીઠ મીઠાનો વપરાશ ૧૫ ગ્રામ પ્રતિદિવસ છે. 'ધ સાયન્ટિફિક કમિટી ઓન ન્યુટ્રિશન્સદ દરેક વ્યક્તિને પ્રતિદિવસ ૪ ગ્રામ મીઠું લેવાની સલાહ આપે છે. સોડિયમ આપણા શરીરના વિકાસ માટે ખૂબ મહત્ત્વનું તત્ત્વ છે, પરંતુ સોડિયમનો જરૂર કરતાં વધારે ઉપયોગ એક નહીં અનેક સમસ્યાઓને જન્મ આપે છે, જેમ કે દમ, છાતીમાં બળતરા, અસ્થિ રોગ, સોજો, હાઈ બ્લડપ્રેશર વગેરે. આ બધા રોગોથી બચવા માટે આપણે મીઠાનો ઉપયોગ ખૂબ સમજીવિચારીને કરવો જોઈએ.

શરીરમાં મીઠાની ઊણપથી માંસપેશીઓ જકડાઈ જવી, ચક્કર આવવા અને પગમાં સોજા  જેવી સમસ્યાઓ ઉદભવી શકે છે, જે સમયાંતરે ગંભીર સ્નાયુ રોગનું રૂપ ધારણ કરી શકે છે. આહાર નિષ્ણાત જણાવે છે કે ઓછું મીઠું ખાનારી વ્યક્તિ વધારે પાણી પી લે છે, તો  તે  વોટર  ઈટોક્સિકેશનનો  ભોગ  બની  શકે છે.

મીઠું વિવિધ પ્રકારોનું હોય છે, પરંતુ મોટા ભાગનાં ઘરોમાં પેડ આયોડિનયુક્ત મીઠું જ ઉપયોગમાં લેવાય છે. બજારમાં વિવિધ પ્રકારનું મીઠું મળે છે, પરંતુ કોઈપણ પ્રકારનું મીઠું ઉપયોગમાં લેતાં પહેલાં તેની વિશેષતા વિશે જાણી લેવું જોઈએ.

મીઠા-મીઠામાં તફાવત

દરિયાઈ મીઠું : આ મીઠું સામાન્ય મીઠા જેવું જ પોષક હોય છે. આ મીઠામાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયોડિન જેવાં તત્ત્વો કુદરતી રીતે હોય છે. તે દેખાવે અને સ્વાદમાં બીજા મીઠાથી જુદું હોય છે. દરિયાઈ મીઠામાં સામાન્ય મીઠાની સરખામણીએ ખનિજોનું પ્રમાણ વધારે હોય છે અને તેમાં દરિયાઈ સુગંધનો અહેસાસ કરી શકાય છે.

અશુદ્ધ પહાડી મીઠું : આ મીઠામાં વિભિન્ન પ્રકારના ૮૪ થી વધારે ખનિજ હોય છે, પરંતુ તેનો ઉપયોગ ખાદ્ય પદાર્થોમાં સ્વાદ અથવા સુગંધ માટે નથી કરવામાં આવતો. સામાન્ય રીતે બાફેલા બટાટા, મીટ, સી ફૂડ કે પોલ્ટ્રી ફૂડમાંથી બનેલી વાનગીમાં તેનો ઉપયોગ કરી શકાય છે.

સંચળ : તેનો ઉપયોગ મુખ્યત્વે સ્વાદ અને સુગંધ માટે કરવામાં આવે છે, પરંતુ ધ્યાન રહે કે તેના વધારે ઉપયોગથી સાંધાનો દુખાવો, લોહીની

મસાલાની ખૂબીઓ

લવિંગ :  દાંતના દુખાવામાં રાહત આપે છે તે ખૂબ સારા માઉથ ફ્રેશનરનું   કામ કરે છે. 

આદું કે સૂંઠ  :  કોલેસ્ટ્રોલ ઘટાડવાથી લઈને બ્લડપ્રેશર કંટ્રોલ કરવા અને થકાવટ દૂર કરવામાં મદદરૂપ છે. 

હળદર :  હળદર સ્વાદમાં કડવી અને ગુણમાં ગરમ હોય છે. તે કફ અને પિત્તને દૂર કરે છે. કપાયા, છોલાયા અને દાઝયા પર હળદરનો ઉપયોગ એન્ટિસેપ્ટિક તરીકે પણ કરવામાં આવે છે. આ જ ગુણના લીધે હળદરનો ઉપયોગ આરોગ્ય અને સુંદરતા વધારવા માટે પણ થાય છે.

તજ : આ એક વૃક્ષની છાલ હોય છે. જે કફ, ગેસ, ખંજવાળ, હૃદયરોગ, મૂત્રાશયના રોગો, હરસ-મસા, કૃમિ રોગ, સાઈનસ દૂર કરવા અને વીર્ય વધારવામાં મદદરૂપ છે.

 મીઠાનું પ્રમાણ

ફૂડ એજન્સી પ્રમાણે જો ૧૦૦ ગ્રામ ખોરાકમાં ૧.૫ ગ્રામ પ્રમાણે મીઠું નાખવામાં આવ્યું હોય, તો તે મીઠું જરૂર કરતાં વધારે છે અને જો ૦.૩ ગ્રામ પ્રમાણે નાખવામાં આવ્યું હોય, તો તે જરૂર કરતાં ઓછું  છે.

પેક્ડ ખોરાકમાં લેબલ પર લખેલી સોડિયમની માત્રા ૨.૫ સાથે ગુણીને તમે ખોરાકમાં મીઠાનું પ્રમાણ જાણી શકો છો. જો તે ખોરાકમાં સોડિયમ ૩  ગ્રામ હોય, તો મીઠાનું પ્રમાણ ૭.૫ ગ્રામ રહેશે. ઊણપ, થકાવટ અને લોહીની નળીઓમાં અવરોધની તકલીફ થઈ શકે છે. એક અભ્યાસ  પરથી જાણવા મળ્યું છે કે જે મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન સંચળ વધારે લે છે તેમનાં બાળકો કમજોર જન્મે છે અને બીમારી સામે  લડવાની તેમની ક્ષમતા બીજાં બાળકોની સરખામણીમાં ઓછી હોય છે.

મસાલાના ઉપયોગ

મસાલા ખોરાકને સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવવાની સાથે ખોરાકને રિચ લુક પ્રદાન કરે છે. ખાંડ, મીઠું અને ચરબીનો શ્રે વિકલ્પ જડીબુટ્ટીઓ અને મસાલા છે. મસાલાના મહત્ત્વ પર ભાર મૂકતા આહાર નિષ્ણાત જણાવે છે, 'મસાલામાં ફાઈટો ન્યુટ્રિઅન્ટસ હોય છે, જે આપણા શરીરના હેબ્ધિ સેલ્સને કેન્સર સેલ્સમાં પરિવતત થતાં રોકે છે.

મીઠાની જેમ કોઈપણ  ધોરણો કે  માપદંડ મસાલાનો સલામત ઉપયોગ અને ઝેરી તત્ત્વો વિશે સાચી અને સંપૂર્ણ જાણકારી નથી આપતા. એ વાત ૧૦૦ ટકા સાચી છે કે ઓછી માત્રામાં અને નિયમિત સમયગાળામાં ઉપયોગમાં લેવાયેલા મસાલા આપણને રક્ષણ પૂરું પાડે છે. મસાલા આપણને છાતીમાં બળતરા, આંખોમાં બળતરા, વધતું કોલેસ્ટ્રોલ, કેન્સર, ડાયાબિટીસ, સાંધાનો દુખાવો અને અલ્સર જેવા રોગો સામે રક્ષણ આપે છે.

કેટલાંય વર્ષોથી ે મસાલાનો ઉપયોગ તાવ, પેટનો દુખાવો, ચામડીના રોગ, અપચો, ગળામાં ચેપ, શરદી-ખાંસી વગેરેના ઈલાજ માટે થતો આવ્યો છે.

આહાર નિષ્ણાતનું કહેવું છે, મસાલા કોઈપણ રોગને સંપૂર્ણ રીતે દૂર કરી શકતા  નથી, પરંતુ તે રોગની ગંભીરતાને મહદ્ અંશે  ઘટાડી શકે છે અને કામચલાઉ ધોરણે આરામ પણ  આપે  છે.