Get The App

નવા વર્ષની પાર્ટીમાં ખાણીપીણી પર સંયમ રાખજો

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
નવા વર્ષની પાર્ટીમાં ખાણીપીણી પર સંયમ રાખજો 1 - image

નવા વર્ષની ઉજવણી ઉમંગભેર કરવી હોય તો મદ્યપાનનો અતિરેક ટાળવાની ડોક્ટરોએ સલાહ આપી છે. સામાન્યપણે પાર્ટી અને તેમાં પણ નવા વર્ષની પાર્ટીનો વિચાર આવતાં જ ખાણીપીણી અને શરાબની છોળો ઊડાવવાની કલ્પના તરત મનમાં સ્ફૂરી ઊઠે છે, પરંતુ ડોક્ટરોએ ભાન ભૂલીને શરાબ ગટગટાવવા સામે લાલ બત્તી ધરી છે.

બેફામ મદ્યપાન અને અકરાંતિયાની જેમ ખાદ્યપદાર્થો પર તૂટી પડવાની બાબતમાં સંયમ જાળવવો ખૂબ જ મહત્ત્વનો છે એમ જસલોક હોસ્પિટલના કન્સલ્ટન્ટ ફિઝિશિયન હેમંત ઠાકર કહે છે. મોટા ભાગે નવા વર્ષની પાર્ટીઓમાં ખાસ કરીને યુવાવર્ગ બેફામ દારૂ ઢીંચે છે અને નશાની હાલતમાં વાહન ચલાવી ગંભીર અકસ્માત કરી બેસે છે. જેમાં ઘણા જાન ગુમાવે છે અને અન્યને જફા પહોંચાડે છે. આવા સંજોગોમાં ડ્રિન્ક્સ કરીને સ્ટીયરિંગ વ્હીલથી દૂર રહેવું જ સલાહભર્યું છે.

શરાબ તમારા જ્ઞાાનતંતુઓને કામચલાઉ રાહત આપે છે, પરંતુ હકીકતમાં તેનાથી મગજની કામગીરી પર વિપરીત અસર પડે છે. પાર્ટીની સિઝન પૂરબહારમાં ભલે ખીલી હોય અને નાચગાન, વાઇન અને મસ્તીમાં આખી રાત ઝૂમનારાઓને ભલે નવા વર્ષના આગમનને વધાવવા જલસો કરવાનો મોકો મળતો હોય, પરંતુ આવા મોટા ભાગા પાર્ટીપ્રેમીઓને ભાન ભૂલીને મદિરાપાન કરવાનું તથા મસ્ત બની નાચવાનું બીજા દિવસે કપરું પુરવાર થાય છે. સતત નાચી તેમના પગ બીજા દિવસે દુખવા લાગે છે અને રાતના નશાનું હેંગઓવર સુદ્ધાં હોય છે એવું જનરલ પ્રેક્ટિશનર્સ એસોસિયેશનના અધ્યક્ષ સુહાસ પિંગલેનું કહેવું છે. ભાન ભૂલીને ઢીંચનારાએ પાર્ટી બાદ મધરાત્રે ડ્રાઇવિંગ કરવું પણ અત્યંત ખતરનાક છે. પાર્ટીમાં આરોગવામાં આવતું 'જંક ફૂડ' ભલે સ્વાદિષ્ટ લાગતું હોય પરંતુ તેમાંના વધુપડતા મરીમસાલા શરીરને પાછળથી ભયંકર નુકસાન કરે  છે. વધુ ચરબી ધરાવતા પદાર્થો ખાવાથી પેટ પણ બગડે છે. તંદુપરાંત મોટા ભાગની હોટેલોમાં ખાદ્યદાર્થો બનાવવામાં હલકા પ્રકારનું તેલ, સડેલી શાકભાજી અને પ્રાણીજ ચરબી ધરાવતું માખણ તેમ જ પનીર વાપરવામાં આવતું હોવાથી પેટની તકલીફો અને ઝાડા પણ થઈ જાય છે એવી ચેતવણી તેમણે ઉચ્ચારી હતી.

આહાર નિષ્ણાત નૈની સેતલવાડના જણાવવા મુજબ પાર્ટીના બીજા દિવસે પાણી વધુ પીવું જોઈએ, તેમ જ શક્ય હોય ત્યાં સુધી ફળાહાર જ કરવો હિતકારક છે. લીંબુંનું શરબત પીવાથી પણ ફાયદો થાય છે. આમ પાર્ટીની મોજ માણનારા માટે સોનેરી સલાહ એ જ છે કે શક્ય હોય ત્યાં સુધી તળેલા પદાર્થો અને જંક ફૂડ ન ખાવ તેમ જ મદ્યપાન કરવામાં સંયમ રાખો. આવી રીતે ધ્યાન રાખવાથી તમે પાર્ટીની ભરપૂર મજા માણી શકશો.