- ગાદલાં-ઓશિકાં-પડદાં-કાર્પેટમાં રહેલાં અતિસૂક્ષ્મ રેષાં સ્વાસ્થ્ય માટે હાનિકારક
જો તમે નિયમિત રીતે તમારું ઘર સાફ નથી કરતાં, તમારી બેડશીટ, ઓશિકાંની ખોળ, પડદાં, કાર્પેટ ઇત્યાદિ નિયમિત રીતે ધોઈને ઉપયોગમાં નથી લેતાં તો અજાણ્યે જ માઇક્રોફાઇબર્સ (અતિસૂક્ષ્મ રેષાં) શ્વસો છો. આઇઆઈટી મદ્રાસ દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં જણાઈ આવ્યું હતું કે શહેરમાં આવેલા નિવાસસ્થાનો, કાર્યાલયો અને હૉસ્ટોલોમાં મલબખ પ્રમાણમાં માનવસર્જિત માઇક્રોફાઇબર્સ મોજૂદ છે જે ત્યાં રહેતા લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની રહે છે.
સંશોધનમાં નોંધવામાં આવ્યું હતું કે બેડરૂમમાં સૌથી વધુ, દર ચોરસ મીટરે લગભગ ૧૬,૭૩૬ માઇક્રોફાઇબર્સ હતાં, ત્યાર બાદ હોસ્ટેલના ઓરડાઓમાં ૫,૫૭૨ જેટલાં માઇક્રોફાઇબર્સ હતાં. આમાંના ૭૨ ટકા ફાઇબર્સનું કદ ૫૦૦ માઇક્રોન્સથી પણ ઓછું હતું, જ્યારે કેટલાંક તો ૨.૦૨ માઇક્રોન્સ જેટલાં સૂક્ષ્મ હતાં. આટલાં સૂક્ષ્મ માઇક્રોન્સ શ્વાસ વાટે સહેલાઈથી ફેફસાંમાં છેક અંદર ઊંડે સુધી પહોંચી જઈને માનવીના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે છે. ખાસ કરીને બાળકો લાંબો સમય બેડરૂમમાં ગાળતાં હોવાથી તેમના માટે આ માઇક્રોન્સ વધુ જોખમી બની જાય છે.
આ ફાઈબર્સમાંથી ૪૮.૨ ટકા સેમી-સિન્થેટિક, ૨૯.૩ ટકા કુદરતી અને ૨૨.૫ ટકા સિન્થેટિક હોય છે. બેડરૂમમાં બિછાના પર પાથરેલી ચાદરો, ઓશિકાંની ખોળો, પડદાં, ગાલીચાં અને ટુવાલ પર રેયોન, કોટન તેમ જ પાળતૂઓની રૃંવાટી જેવા માઇક્રોફાઇબર્સની મોજૂદગી સાવ સામાન્ય છે.
'એટમોસ્ફિયરિક પૉલ્યુશન રીસર્ચ'માં રજૂ થયેલા 'ધ સ્ટડી ફર્સ્ટ'ના લેખક એ એંજલ જેસ્સીલીનાએ જણાવ્યું હતું કે જ્યાં લોકો રહેતાં ન હોય એવા સ્થાનોની તુલનામાં નિવાસસ્થાનોમાં વધારે પ્રમાણમાં અસ્વચ્છતા દેખાઈ આવી હતી જેને પગલે એમ માનવામાં આવે છે કે ઘરોની અંદર ઉપયોગમાં લેવાતી કાપડમાંથી બનેલી વસ્તુઓમાં સૌથી વધુ પ્રમાણમાં માઇક્રોફાઇબર્સ પેદા થાય છે.
અભ્યાસમાં સડકો પરથી ઉડતી ધૂળ તેમ જ ઘરની અંદર રબર કે લેટેક્સમાંથી પેદા થતાં માઇક્રોફાઇબર્સનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ માટે લેબોરેટરીઓ, કાર્યાલયો અને આઇઆઈટી મદ્રાસ સ્થિત હૉસ્ટેલો ઉપરાંત વેલાચેરી તેમ જ પલ્લિકારાનાઈ ખાતે આવેલા નિવાસસ્થાનોમાંતી નમૂના એકઠાં કરવામાં આવ્યાં હતાં. સ્નાનાગરોમાંથી લગભગ ૯,૪૯૬ માઇક્રોફાઇબર્સ, જ્યારે બેઠકખંડોમાં ૯,૩૪૦ અને રસોડાઓમાંથી ૩,૯૦૫ જેટલાં માઇક્રોફાઇબર્સ મળી આવ્યાં હતાં. આ ફાઇબર્સમાં ટાઈટેનિયમ ડાયોક્સાઈડ હોવાનું પણ જણાયું હતું.
સંશોધકોએ નોંધ્યું હતું કે સ્વચ્છતા અને હવાની યોગ્ય અવરજવર સંબંધિત ફાઇબર્સના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, આમ છતાં રોડને અડીને, ખાસ કરીને વ્યસ્ત સડકોના કિનારે આવેલા મકાનોમાં ઉડીને આવતી ધૂળ ફરીથી આ હાનિકારક ફાઇબર્સના સ્તરમાં વૃધ્ધ કરતી રહે છે. ચિંતાની વાત એ છે કે મોટેરાઓના શરીરમાં દરરોજ તેમના શારીરિક વજનની તુલનામાં એક કિ.ગ્રામ દીઠ ૧,૮૩૫/કિ.ગ્રામ માઇક્રોફાઇબર્સના સંપર્કમાં આવતાં હતાં, જ્યારે બાળકો ૭,૧૦૦ માઇક્રોફાઇબર્સ/કિ.ગ્રામના.
શ્વસન તજજ્ઞાોએ આ સમસ્યા પર અંકુશ રાખવા બેડરૂમો સ્વચ્છ રાખવાની, સુતરાઉ કાપડમાંથી બનાવેલાં પડદાં, બેડશીટ, ઓશિકાંની ખોળો ઇત્યાદિનો ઉપયોગ કરવાની તેમ જ એરકંડિશનરના ફિલ્ટર નિયમિત રીતે સાફ કરવાની સલાહ આપી હતી જેથી માનવીના શરીરમાં શ્વાસ વાટે જતાં અતિસૂક્ષ્મ રેષાઓનું પ્રમાણ ઘટાડી શકાય.
- વૈશાલી ઠક્કર


