For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઊની વસ્ત્રોની ખરીદીમાં ચીવટ રાખો .

Updated: Nov 21st, 2022

Article Content Image

ફૂલ ગુલાબી કે કડકડતી ઠંડી હોય. ગરમ અને ઊની કપડા પહેરવાનો તે એક અનોખો અવસર હોય છે, શિયાળાની ઋતુ બેસતાં  જ બજાર જાત જાતના અને રંગબેરંગી આકર્ષક ગરમ કપડાઓથી છલકાવા માંડે છે. પરંતુ સાવધાન, અંજાઈ જતા નહીં. ઠંડીમાં ગરમ રહેવા માટેના વસ્ત્રો ખરીદતાં પહેલાં તેના વિશે પાયાની જાણકારી અચૂક મેળવી લો.

પ્રથમ આપણે ઊન વિશે ચર્ચા કરીશું. મોટે ભાગે ઘેટાની ત્વચા પરના રેષામાંથી ઊન બનાવવામાં આવે છે, પરંતુ તેની ગુણવત્તાનો આધાર ઘેટાનું પ્રજનન, ઉછેર  અને શરીરના કયા ભાગમાંથી ઊન ઊતારવામાં આવ્યું છે, તેના પર હોય છે. ઓસ્ટ્રેલિયાના મેરીનો નામના ઘેટાનું ઊન ઉચ્ચ કોટીનું ગણાય છે. અલબત્ત ઘેટાના પગ પરથી ઉતારેલા ઊનને લેમ્બ્સવુલ કહેવામાં આવે છે, તે એકદમ સુંવાળું અને સુંદર હોય છે. સ્કોટલેન્ડના શેટલેન્ડ ઘેટાનું ઊન અને અમેરિકાના   આંગોરા બકરાનું ઊન પણ વખણાય છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકા, તુર્કી અને કાશ્મીરનાં ઘેટા-બકરામાંથી પણ સારી એવી ગુણવત્તાનું ઊન પ્રાપ્ત થાય છે. મધ્ય એશિયા, મોંગોલિયા, કાશ્મીર અને તિબેટમાં હિમાલયની,  14,500 ફૂટની ઊંચાઈએ દેખાતાં બકરાઓ પણ ઊચ્ચ ગુણવત્તાનું ઊન પૂરું પાડે છે. આ ઊન એકદમ હલકું સુંવાળુ અને  ગરમ હોય છે. કારપેટ, સ્વેટર તથા નિટીંગ કરેલા તૈયાર વસ્ત્રો બનાવવા માટે આંગોરા સસલા તેમ જ ચોક્કસ વંશના ઊંટના રેસાઓનો પણ ઉપયોગ કરવામા આવે છે.

ઊન અને વિશેષ કરીને ગરમ કપડાંની ખરીદી વખતે છાશવારે 'વસ્ટેર્ડ વુલ' એવા છપાયેલા શબ્દો તરફ ધ્યાન દોરવામાં આવે છે, પરંતુ તેના મતલબનો ખ્યાલ હોતો નથી. સામાન્ય રીતે ઊનના લાંબા રેસા બનાવવામાં આવે છે અને તેમાંથી બનેલા વસ્ત્રોની સપાટી એકદમ સુંવાળી હોય છે  જ્યારે વુલનમાં ટૂંકા રેસા  વપરાય છે અને વાળ જેવી તેની સપાટી હોય છે. 

ઊન સ્થિતિસ્થાપક હોય છે, તે અંદરની હવાને બહાર અને બહારની હવાને અંદર જવા દેતું નથી. આ રીતે ઊની વસ્ત્રો પહેરનારને ગરમ ગરમ રાખે છે. ઊનની બીજી વિશેષતા એ છે કે તેની બાહ્ય સપાટી પાણીને દૂર રાખે છે. જ્યારે અંદરનો ભાગ ભેજને શોષી લેતો હોય છે. આમ તે પાણીને ધીમે ધીમે શોષે છે. જ્યારે મોટા પ્રમાણે ભેજનો શોષી લેવા છતાં ઊની વસ્ત્રો પહેરનારને ભીનાશની પ્રતિતિ થતી નથી. વધુમાં ઊન ઓછા પ્રમાણમાં કડક હોવાથી તે ઝટ મેલું પણ થતું નથી. ઊનના જોકે ચોક્કસ ગેરલાભ પણ છે. તે ઝડપથી સંકોચાઈ જાય છે અને સંકોેચન અટકાવવા ખાસ, પ્રોસેસ કરવાની જરૂર છે. તે જીવાતનો ઝડપથી શિકાર બની જાય છે. આથી ઈયળ મુક્ત રાખવા માટે વિશેષ સાવચેતી રાખવાની પણ જરૂર પડે છે.

બીજી બાજુ, માનવ સર્જિત ફાયબર ધોવામાં સરળ અને ઓછું ખર્ચાળ હોય છે, જોકે ઊનની જેમ તે સ્થિતિ સ્થાપક હોતું નથી, તેને સુંવાળુ બનાવવામાં ન આવે તો ખંજવાળ પણ આવે છે. આ કારણે ટુ-ઈન-વન એટલે કે કુદરતી ઊન અને કૃત્રિમ ફાયબરમાંથી બનેલા વસ્ત્રો વધારે લોકપ્રિય બન્યા છે.  આજકાલ તો અનેક પ્રકારે કુદરતી અને કૃત્રિમ ઊન તથા રેષાઓના મિશ્રણથી વસ્ત્રો બનાવીને તેને વધુ ટકાઉ  અને જાળવણી માટે સરળ બનાવી દેવાય છે. આ જ પ્રમાણે ટેક્નોલોજીમાં સમાયેલી ક્રાંતિને કારણે પણ પોલિયેસ્ટર સ્ટેપલ અને એક્રેલિક વધુ સારા પુરવાર થયા છે, તેમ જ ગરમ કપડાંઓમાં ઊનને હંફાવી રહ્યા છે. 

આમ પસંદગી અમર્યાદિત હોવા છતાં  ગ્રાહકને લેબલ વિષયક કેટલીક મહત્ત્વની વિગતો પૂરી પાડવામાં આવતી નથી. મોટા ભાગના શિયાળુ વસ્ત્રોમાં ફાયબર વિશે કોઈ માહિતી દર્શાવાતી નથી. આ માટે કેન્દ્ર ટેક્સટાઈલ મંત્રાલયે જ તમામ વસ્ત્રોમાં વપરાયેલા ફાયબર તેમ જ મિશ્રણ અંગે માહિતી દર્શાવવી ફરજિયાત બનાવવું જોઈએ.

આ ઉપરાંત ધોતી વખતે રાખવાની કાળજી તથા સૂકવવા અંગેની વિગતો પણ અચૂક દર્શાવવાની જોગવાઈ કરવી જોઈએ.

શુદ્ધ ઊનને વોશિંગ મશીનમાં ધોવામાં આવે ત્યારે તે સંકોચાઈ જાય છે. આથી સંકોચન નિવારણ માટે તેના પર કોઈ પ્રોસેસ કરવામાં આવી છે કે કેમ? તેની વિગતો પણ દર્શાવવાની જોગવાઈ કરી શકાય. ઊની વસ્ત્રોને ઘરમાં જ ધોવામાં આવે તો વોશિંગ મશીનમાં કે હાથથી તેને ધોવા જોઈએ. તેને સામાન્ય ઠંડા પાણીથી અને ખાસ પ્રકારના ડિટર્જન્ટ અથવા સાબુથી ધોવા જોઈએ. તેની વિગતો પણ ગ્રાહકને પૂરી પાડવી જોેઈએ. તેને ઈસ્ત્રી કરી શકાય? જો હા હોય તો કયા તાપમાને આમ થઈ શકે, આ તમામ માહિતી આવશ્યક હોવાથી ગ્રાહકને તેનાથી વાકેફ કરવો જોઈએ.

ફાયબરના મિશ્રણ અને ધોવાને લગતી સૂચનાઓ ઉપરાંત ઉત્પાદકનું નામ, સરનામું તથા મહત્તમ કિંમત અને ઉત્પાદનની તારીખના લેબલથી ઉત્પાદક જૂનો માલ પધરાવતો નથી ને? તેનોે ખ્યાલ ગ્રાહક મેળવી શકશે. ગ્રાહકે પણ લેબલની પૂરતી વિગતોનો આગ્રહ  કરવો જોઈએ. આ માહિતી માગવાનો-જાણવાનો તેને પૂરેપૂરો અધિકાર છે, અંતે, વુલમાર્કનું સીલ ગુણવત્તાનું પ્રતીક છે, વુલમાર્ક વિશ્વભરમાં સર્ટિફિકેશનની કામગીરી બજાવે છે, જે ઊનની શુદ્ધતા અને કામગીરીના આકરા માપદંડને ધ્યાનમાં લઈ આપવામાં  આવે છે.

ઊન ખરીદતી વખતે શું કાળજી રાખશો?

સ્વેટર કે શાલ બનાવતી વખતે ઊન ખરીદતા પહેલા અમુક  વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે જો ઊન સારી ક્વૉલિટીનું નહિ હોય તો સ્વેટર કે શાલ બનાવતા કરેલી મહેનત પાણીમાં જશે.

સસ્તા ભાવમાં તોલથી ખરીદેલા ઊનથી બનાવેલું સ્વેટર કે શાલ થોડાક જ દિવસમાં વાળના બ્રશ જેવું થઈ જશે.

ઊન ખરીદતા પહેલા ઊન કઈ ક્વૉલિટીનું છે, એ જાણવું ખૂબ જ જરૂરી  હોય છે. ઊનના પેકેટ પર અથવા ઊનના ડબ્બા પર અને ઊન પર લગાડેલા કાગળ પર સરકારની ક્વૉલિટી, ઊત્પાદનની છાપ લાગેલી હોય એ જ ઊન ખરીદવું જોઈએ. આવી છાપવાળું ઊન થોડું મોઘું હોય છે, પરંતુ ઊંચી  ક્વૉલિટી હોવાને કારણે પાછળથી રડવાનો વારો નથી આવતો.

બે મોઢાવાળા વાળ જેવું ઊન પણ ન ખરીદવું જોઈએ. આવા ઊનમાંથી રેષા જલદીથી નીકળી જતા હોય છે. આવા ઊનમાંથી બનાવેલા સ્વેટર અને શાલ ખરાબ થઈ જતા એનો ઉપયોગ પાછળથી બૂટ સાફ કરવા માટે જ થાય છે.

આમ ઉપર આપેલ અમુક સૂચનોને ધ્યાનમાં રાખીને ઊનની ખરીદી કરવામાં આવશે તો તમે છેતરાશો નહિ અને તમારી મહેનત નકામી નહિ જાય.

Gujarat