Get The App

ઓનલાઇન વ્યવહાર કરતાં પહેલાં સાયબર ઠગોથી ચેતીને ચાલજો

Updated: Jan 19th, 2026

GS TEAM

Google News
Google News
ઓનલાઇન વ્યવહાર કરતાં પહેલાં સાયબર ઠગોથી ચેતીને ચાલજો 1 - image

- ઓનલાઇન નાણાંકીય વ્યવહાર સરળ બનવા સાથે બેન્ક એકાઉન્ટમાંથી નાણાં ગાયબ થવાની ઘટનાઓ વધી નવી સુવિધાઓની સાથે નાણાંકીય જોખમો પણ વધી રહ્યા છે

બેન્કિંગ ક્ષેત્રમાં ટેકનોલોજીના આગમન સાથે નાણાંકીય છેતરપિંડીના કિસ્સા પણ વધી રહ્યા છે. ડિજિટલ પેમેન્ટ કરવાનું સરળ બન્યું છે તે સાથે લોકોને પટાવી તેમની મહત્વની માહિતી મેળવી તેમને ઓનલાઇન ચૂનો લગાવવાનો ધંધો પણ ફૂલ્યો ફાલ્યો છે. જે ઝડપે ટેકનોલોજી આગળ વધી રહી છે તે ઝડપે લોકોની જાણકારી અને સજ્જતામાં વધારો થઇ રહ્યો નથી. વળી ટેકનોલોજી કંપનીઓ  દ્વારા બધી જ વિગતો માંગી લેવાની રસમ અને ગ્રાહકોને બધી જ વિગતો આપી દેવાની ફરજ પડાવાને કારણે એક પ્રકારની તરકટી વ્યવસ્થા ઉભી થઇ છે જેમાં બાપડો ગ્રાહક નાહક વધેરાઇ જાય છે. કંપનીઓને ગ્રાહકોની વિગતો વેચી નાણાં રળવામાં રસ હોય છે તો સાયબર ઠગોને આ માહિતીને આધારે માણસોના નાણાં ચાંઉ કરી જવામાં રસ હોય છે. ટૂંકમાં કહીએ તો ગ્રાહકે હવે જાતે તેની પ્રાઇવસી જાળવવાનો જમાનો આવ્યો છે. જો તમે ઓનલાઇન વ્યવહારો કરતાં હો તો કોઇને પણ મહત્વની માહિતી આપી કે તમારા નાણાં જોખમમાંઆવી પડયા સમજો. આજકાલ સાયબર ગઠિયા વિવિધ પ્રકારની તરકીબો વાપરી તમારા નાણાં પડાવી લેવા તૈયાર જ બેઠાં હોય છે. આવા સંજોગોમાં આપણે શું સાવચેતી રાખવી તે પણ સમજી લેવું પડે. 

એટીએમ મશીન: 

આજ સુધી આપણે જેને સૌથી સલામત રસ્તો માનતા હતા તે એટીએમ કાર્ડમાં પણ તમે ધ્યાન ન રાખો તો તમારી સાથે છેતરપિંડીનું કારણ બની શકે છે. સાયબર ઠગો એટીએમ કાર્ડના ડેટા ચોરી તેના આધારે તમારાં તમામ નાણાં ચાંઉ કરી શકે છે. એટીએમ કાર્ડમાંથી ડેટા તફડાવવા માટે સાયબર ઠગો એટીએમ મશીનોમાં સ્કિમિંગ ડિવાઇસ લગાવતાં થઇ ગયા છે. આવા એટીએમમાં તમે ગાફેલ રહી વ્યવહાર કરો એટલે તમારો ડેટા અને પછી તમારાં નાણાં પણ સાયબર ઠગોના હાથમાં પહોંચી જાય છે. તમારો ડેટા હાથમાં આવી ગયા બાદ ગઠિયાઓ ક્લોન કાર્ડ બનાવી તેનો ઉપયોગ કરી તમને જાણ થાય તે પહેલાં તમારા નાણાં પડાવી લે છે. કોઇપણ એટીએમનો ઉપયોગ કરો ત્યારે તેમાં કોઇ પ્રકારના ઉપકરણો જોડેલાં ન હોય તે ચકાસી લેવું આપના હિતમાં છે. શરૂઆતમાં સુરક્ષા ચોકિયાતો એટીએમ મશીન પર તહેનાત કરાતાં હતા. પણ હવે એટીએમ મશીનો રામભરોસે રેઢાં પડયા હોય છે અને તોફાની તત્વો તો આખેઆખાં એટીએમ મશીનો જ તફડાવવા માંડયા છે. 

અજાણી લિન્ક્સ, સ્ક્રિન શેરીંગ એપ અને ઓટીપી સાથે સંકળાયેલાં જોખમો : 

ઓનલાઇન નાણાંકીય વ્યવહાર કરવા માટે જેટલા રસ્તા ઉપલબ્ધ હોય તે તમામ અપનાવતાં પહેલાં તમારે તેની સાથે સંકળાયેલાં જોખમો પણ જાણી લેવા જોઇએ. જે સરળતાથી તેમાં નાણાંકીય વ્યવહાર થાય છે તે જ સરળતાથી તેમાં નાણાંકીય છેતરપિંડી પણ આચરવામાં આવે છે. ઘણીવાર જ્યારે સ્માર્ટ ફોન વાપરતાં ન આવડતો હોય અને વિવિધ પ્રકારની વિગતો માંગવામાં આવતી હોય ત્યારે સાયબર ઠગો ગ્રાહકોને સહાય કરવાના બહાને બીજાશહેરોમાં જ બેઠાં બેઠાં તેમના મોબાઇલ ફોનમાં સ્ક્રિન શેરિંગ એપ નાંખી તેમના મોબાઇલ ફોનનો કબજો મેળવી લેતાં હોય છે. મોબાઇલનો કબજો મળે કે તરત ઠગો તેમાં રહેલી નાણાંકીય વિગતો મેળવી તેના દ્વારા તમારી વતી નાણાંકીય વ્યવહારો કરી તમારાં નાણાંની ઉચાપત કરી લે છે. ઘણીવાર ગ્રાહકને અજાણી લિન્ક મોકલી તેના પર ક્લિક કરવા જણાવાય છે. આમ કદી ન કરવું. કેમ કે લિન્ક પર ક્લિક કરવાની સાથે તમારો ડેટા અને નાણાં પણ સાયબર ઠગોના ખાતામાં પહોંચી જાય છે. ઘણીવાર કોઇ કારણસર કોઇ ઓનલાઇન કામ કરવા માટે ઓટીપી પાસવર્ડ તમારા મોબાઇલ પર મોકલવામાં આવે છે. આ પાસવર્ડ તમારી ગેરહાજરીમાં ઓનલાઇન વપરાય તો તેનાથી તમને નુકશાન થઇ શકે છે. આ પ્રકારની છેતરપિંડીઓથી બચવા માટે અજાણી લિન્ક પર કદી ક્લિક ન કરવું, સ્ક્રિન શેરિંગ એપને તત્કાળ તમારા મોબાઇલ કે લેપટોપમાંથી ડિલિટ કરી નાંખવી અને તમારા ઓટીપી કદી બીજાને જણાવવા નહીંં. ખાટલે મોટી ખોડ એ હોય છે કે ઘણીવાર ગ્રાહકોને અટપટાં ઓનલાઇન વ્યવહારોમાં સમજ ન પડે ત્યારે તેણે  અન્ય કોઇની મદદ લેવી પડે છે અને તે સાથે તેના માથે જોખમ ઉભું થઇ જાય છે. બને તો વોટ્સ એપ કોલ પણ અજાણ્યા નંબર પરથી આવે તો તે ન લેવા. કેમ કે ઘણીવાર ઠગો તેમની કળા કરી લીધાં બાદ તમારો નંબર બ્લોક કરી નાંખે તે પછી તમે કશું કરી શકતાં નથી. 

રિવાર્ડ પોઇન્ટના નામે થતી છેતરપિંડી : 

ઓનલાઇન વ્યવહારોને ઉત્તેજન આપવા માટે કંપનીઓ વિવિધ પ્રકારના રિવોર્ડ પોઇન્ટ આપવાની યોજનાઓ બનાવે છે. આ રિવોર્ડ  પોઇન્ટના નામે સાયબર ઠગો લિન્ક મોકલી ગ્રાહકો પાસેથી મહત્વની માહિતિઓ મેળવી લે છે અને પછી તે માહિતીને આધારે નાણાંની ઉચાપત કરી લેવામાં આવે છે. આવી જ રીતે ઘણીવાર પેટ્રોલ પંપની ડિલરશિપ કે કોઇ કંપનીના નામે મોટી એજન્સી ફાળવવાના બહાને પણ ગ્રાહકો પાસેથી સાયબર ઠગો મહત્વની માહિતી મેળવી તેમને છેતરી કાઢે છે.ઘણીવાર ઓનલાઇન સેલ્સ પ્લેટફોર્મ પર સાયબર ઠગો ખરીદદારના સ્વાંગમાં ફરતાં હોય છે તેઓ તમારીકોઇ વસ્તુ ખરીદવાના બહાને વિશ્વાસ સંપાદન કરી તેમને અનુકૂળ હોય એવી એપ દ્વારા વ્યવહાર કરાવી નાણાં પડાવી લેતાં હોય છે. 

સરકારી કામોના નામે તથા લગ્નવિષયક અને નોકરીની વેબસાઇટ દ્વારા છેતરપિંડી: 

ઘણીવાર સરકારી દસ્તાવેજો  અપડેટ કરાવવાના બહાને પણ છેતરપિંડીઓ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ે આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરવાના બહાને સાયબર ઠગો કોલ કરી તમારી તમામ માહિતી મેળવી લઇ નાણાં પડાવી શકે  છે. એવી જ રીતે નોકરીવાંચ્છુઓ જ્યારે ઓનલાઇન અરજી કરે ત્યારે પણ તેમની તમામ પ્રકારની માહિતી માંગી લેવામાં આવે છે. ઘણીવાર સાયબર ઠગો બનાવટી નોકરીના પોર્ટલ બનાવી તેના દ્વારા માહિતી એકત્ર કરી બકરાં ફસાવતાં હોય છે. આવી જ રીતે લગ્નવિષયક વેબસાઇટ પર બનાવટી નામે નોંધણી કરાવી ઘણાં સાયબર ઠગો સામેના પાત્ર સાથે પરિચય કેળવી તેનો વિશ્વાસ જીતી લીધાં બાદ તેની પાસેથી નાણાં પડાવવાના કારસાં અજમાવે છે. 

આમ, નાણાંની આપ-લે  કરવાની ઓનલાઇન સુવિધાઓ વધવા સાથે તેની સાથે સંકળાયેલાં જોખમો પણ વધ્યા છે જે સમજી લેવા જરૂરી છે. તેમાં ગાફેલ રહો તો સુવિધા તો મળતાં મળશે પણ તમારાં નાણાં સામે તો તત્કાળ જોખમ ઉભું થઇ જાય છે.