સવારના પહોરમાં કે રાત્રે સુતી વખતે સ્નાન કરવા માત્રથી કેટલી તાજગી વરતાતી હોય છે. નોકરી-વ્યવસાય પરથી દિવસના અંતે ઘરેપરત ફર્યા પછી સ્નાન કરી લેવાથી જાણે કે બધો થાક દૂર થઇ જાય છે. પણ પ્રશ્ન એ છે કે જે બાથરૂમમાં નાહવા માત્રથી આપણે આટલી તાજગી અનુભવીએ છીએ તેને આપણે કેટલું સ્વચ્છ રાખીએ છીએ. વાસ્તવમાં બહુ ઓછા લોકો બાથરૂમની સફાઇ પ્રત્યે પૂરતું ધ્યાન આપતાં હોય છે.જ્યારે ઘણાંને સ્નાનગૃહ ચોક્ખુચણાંક રાખવું જોઇએ એવો વિચાર જ નથી આવતો. પરંતુ નિષ્ણાતો કહે છે કે વૉશરૂમની સફાઇ પણ ઘરના અન્ય કોઇ ભાગ જેટલી જ આવશ્યક છે.અને તેની જાળવણી પણ આપણે ધારીએ એટલી મુશ્કેલ નથી. તેના વિશે માહિતી આપતાં તેઓ કહે છે....,
બાથરૂમ સૌથી વધુ ભીની રહેતી જગ્યા હોવાથી અહીં બેક્ટેરિયા બહુ ઝડપથી વિકસે છે. અને જ્યારે તેની યોગ્ય સફાઇ કરવામાં ન આવે ત્યારે એ બેક્ટેરિયા આપણી બીમારીનું કારણ બને છે. બહેતર છે ક ે જ ે સ્થળે આપણે પોતે સ્વચ્છ-સુઘડ થતાં હોઇએ એ જગ્યાને સાફસુથરી રાખવામાં આવે. તેઓ બાથરૂમને શી રીતે ચોક્ખું રાખવું તેના વિશે જાણકારી આપતાં કહે છેકે સૌથી પહેલા તો ટૉયલેટ બાઉલ ડિસઇન્ફેક્ટ ક્લીનરથી સાફ કરો.તે સાફ કરવાના બ્રશનો ઉપયોગ કર્યા પછી તે પણ સારી રીતે ધોઇને મૂકો.શક્ય હોય તો થોડીવાર માટે તે તડકામાં મૂકો જેથી તેના ઉપર ચોંટેલા કિટાણુ નાશ પામે.
બાથરૂમના શાવર, સિંક ઇત્યાદિને પણ નિયમિત રીતે ધોતાં રહો. શાવરમાં પણ બેક્ટેરિયા પેદા થઇને વૃધ્ધિ પામે છે. તેથી જો તમે નિયમિત રીતે તેનો ઉપયોગ ન કરતાં હો તોય વચ્ચે વચ્ચે તે ચાલુ કરી દો જેથી તેમાં રહેલા જીવાણુઓ બહાર ફેંકાઇ જાય.
વૉશરૂમમાં સૌથી વધુ વિષારી કેમિકલ્સ અને જર્મ્સ હોય છે. તેવી જ રીતે તેની દિવાલોમાંથી કે છત પરથી પાણીનું લિકેજ થતું હોય તો તે બેહિસાબ બેક્ટેરિયા પેદા કરે છે. અને તેમાંથી નીકળતાં રસાયણો અસ્થમા જેવી વ્યાધિ નોંતરે છે. બહેતર છે કે જો તમારા બાથરૂમમાં આવી કોઇ સમસ્યા હોય તો તેનું સમારકામ સમયસર કરાવી લો.
શક્ય હોય તેટલીવાર બાથરૂમને કોરું રાખો. બાથરૂમના સઘળાં કામો આટોપાઇ જાય ત્યાર પછી તેમાં મૉપ ફેરવીને એક્ઝોસ્ટ ફેન ચાલુ કરી દો. થોડીવારમાં તે કોરું થઇજશે.આ રીતે તેમાં કિટાણું વિકાસ પામવાની શક્યતા આપોઆપ ઓછી થઇ જશે. શાવર કર્ટનમાં પુષ્કળ બેક્ટેરિયા જમા થાય છે. તેથી તેનો ઉપયોગ ટાળો.તેવી જ રીતે સોપ ડીશમાં પણ અગણિત બેક્ટેરિયા પનપે છે. બહેતર છે કે તે અવારનવાર ગરમ પાણીથી ધોઇને સાફ કરતાં રહો.
બાથરૂમના નળ સમયાંતરે ગરમ પાણીમાં બેકિંગ સોડા નાખીને ધોતાં રહેવાથી તેની ચમક જળવાઇ રહે છે.તેવી જ રીતે ફરસ પર પણ રોજ એકાદ બાલદી ગરમ પાણી રેડી દેવાથી તેની ચીકાશ પણ દૂર થાય છે અને બેક્ટેરિયાનો સફાયો પણ થઇ જાય છે.
વૉશરૂમમાંથી દુર્ગંધ ન આવે એટલા માટે તેમાં એક ખિલ્લી લગાવડાવીને તેના ઉપર એરફ્રેશનર ટીંગાડી રાખો.
ઘણાં લોકોને બાથરૂમમાં જ ભીનો ટુવાલ ટીંગાડી દેવાની ટેવ હોય છે. પણ તેને કારણે ટુવાલ પર બાથરૂમમાં રહેલા બેક્ટેરિયા ચોંટે છે. વળી તે સારી રીતે સુકાતો પણ નથી અને બાથરૂમમાં દુર્ગંધ આવવા લાગે છે.બહેતર છે કે ટુવાલ બાથરૂમની બહાર સુકવવામાં આવે.
જો તમારું વૉશબેસિન પણ બાથરૂમમાં હશે તો સ્વાભાવિક રીતે જ તમે ટૂથ બ્રશ પણ ત્યાં જ રાખશો.પરંતુ તેમાં પણ બાથરૂમમાં રહેલા કિટાણુ ચોંટવાની ભીતિ રહે જ છે. બહેતર છે કે બ્રશ કરી લીધા પછી તેને કોરું કરીને કવર કરી દો અથવા યુનિટમાં મૂકી દો.
બાથરૂમના દરવાજા અને તેના હેંડલને પણ નિયમિત રીતે ડિસઇન્ફેક્ટ કરતાં રહો


