- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ
- મેં મારા ડ્રાઈવરને કહ્યું, બ્રધર ધીસ ઈઝ નોટ ગુડ ફોર હેલ્થ. ડોન્ટ સ્મોક સો મચ. આ વખતે મારા ડ્રાઈવરે જવાબ આપ્યો, બાલી પીપલ સ્મોક, બટ ઈટ ઈઝ બેટર ધેન યોર માવા બ્રધર. માય મેની ઈન્ડિયન એન્ડ સ્પેશિયલી ગુજરાતી ક્લાયન્ટ્સ આર ઈટિંગ માવા એન્ડ સ્પીટિંગ એવીરવ્હેર. ધેટ ઈઝ રીયલી શેઈમફુલ.
ગુજરાત સ્થાપના દિવસે હું અને મારો મિત્ર પરિવાર સાથે બાલીના પ્રવાસે જવા નીકળ્યા. લગભગ દસ દિવસના પ્રવાસ દરમિયાન જે અનુભવો થયા તે જાણીને તમને કેટલો આઘાત લાગશે તે મને ખબર નથી પણ મને એક ગુજરાતી તરીકે, એક ભારતીય તરીકે ખૂબ જ આઘાત લાગ્યો હતો. એક તરફ વિદેશમાં ભારતના વખાણ થતા હોય છે, ભારતમાં થયેલા વિકાસની વાતો થતી હોય છે અને બીજી તરફ અસભ્ય ભારતીયો દ્વારા થતી કરતૂતોના કારણે સાંભળવાનું પણ આવતું હોય છે. મારો આ કોઈ નવો નવાઈનો કે પહેલો અનુભવ નથી છતાં આપણા જ લોકો દ્વારા આપણી જ સંસ્કૃતિનું, આપણા જ દેશનું જે અપમાન થઈ રહ્યું છે તે આઘાતજનક છે.
ભારતીય, ગુજરાતી અને તેમાંય અમદાવાદની પ્રજા કોઈ નિયમ કે આયોજનમાં માનતી જ નથી. જો ખરેખર માનતી હોય તો આવો અવિચારી ટ્રાફિક જામ થતો જ ન હોત. ખેર ટ્રાફિક વિશે આગળ વાત કરીશ પણ પહેલાં પ્લેનની સફરની વાત કરું. અમારી મલેશિયન એલાઈન્સની ફ્લાઈટમાં લગભગ ૯૦ ટકા ગુજરાતીઓ જ હતા. મોટાભાગના બાલી આવતા હતા અને કેટલાક ઓસ્ટ્રેલિયા જવાના હતા. વાત એવી છે કે ફ્લાઈટ જેવી ટેક ઓફ થઈ અને કેબિન ક્રૂ દ્વારા લોકોની વચ્ચે પસાર થવાનું શરૂ કરાયું એટલે અસ્સલ દેશી, દેખાવમાં ધનાઢય અને મનોવિકૃત બે યુવાનો ઊભા થઈને તેમના કેટલાક સગા પાસે આવ્યા. તેમણે ફ્લાઈટ એટેન્ડન્ટને આંતરીને કહ્યું, બેન દારૂબારૂ પિવડાવો... પેલી યુવતી કશું જ સમજી શકી નહીં પણ તે પંદર-સત્તર લોકો જેમાં મહિલાઓ પણ હતી તે તમામ હસવા લાગ્યા.
ફ્લાઈટ ઉડવા લાગી હતી, સમય પસાર થતો હતો. લગભગ કલાક પછી બધાને ફૂડ સર્વ થવા લાગ્યું. આ વચ્ચે આ પ્રજાએ થેપલા, ખાખરા, વેફર, સેવ મમરા જેવા નાસ્તા ખાવાના શરૂ કરી દીધા હતા. પ્લેનમાં બધું ઢોળવા પણ માંડયા હતા. તેમનો ભોજન સમારંભ પૂરો થયો ત્યાં સુધીમાં તો ઘણા બધાએ પીવાની ડિમાન્ડ શરૂ કરી દીધી. જે મળ્યું તે, આંકડો-ધતૂરો બધું જ પીવા લાગ્યા. તેની સાથે સૌથી ભયાનક કામગીરી શરૂ થઈ. બે-ચાર લોકો માવા ખાવા લાગ્યા અને બાકીના પાંચ-સાત ગુટકા ખાવા લાગ્યા. તેઓ ગર્વ સાથે કહેતા હતા કે, બાલી માટે ૭૦ માવા લાયો છું. કોઈ કહેતું હતું કે, અમારા પાંચ વચ્ચે અમે દસ પેકેટ ગુટકા લીધા છે. ત્રીજાએ કહ્યું કે, મેં માવા અને ગુટકા બંને લીધા છે. મારા કેટલાક મિત્રો સિંગાપુર થઈને આવવાના છે તેમની બેગમાં પણ વધારાના માવા મુકાવ્યા છે. આપણી પાસે દસ દિવસનો ભરપૂર સ્ટોક છે. ત્યારબાદ તેમણે પાણીની બોટલો અને પ્લાસ્ટિકના ગ્લાસમાં થુકવાનું શરૂ કર્યું. આ સ્પિટિંગ કોબરા વચ્ચે રીતસરની હરિફાઈ શરૂ થઈ કે કોણ કેટલી બોટલ ભરે છે. વચ્ચે વચ્ચે તેઓ પ્લેનના ટોઈલેટમાં જઈને પણ થુંકી આવતા હતા અને ગર્વ કરતા હતા.
આ લાલ પિચકારીઓ મારતા સ્પિટિંગ કોબરાની કરતૂતોથી ફ્લાઈટ અટેન્ડન્ટ કંટાળી ગયા હતા. સદ્ધર પરિવારના અને સુખી ઘરના લોકો આવી કરતૂતો કરતા હતા. તેમની પત્નીઓ પણ મજા લેતી હતી. આવા સમયે લાગે કે ખરેખર આપણે એ ગુજરાતી અને ભારતીય છીએ જેમના સંસ્કારો અને સંવેદનાની વાતો થતી હોય છે. તેનાથી આગળ જઈએ તો ફ્લાઈટ મલેશિયા પહોંચી. ત્યાં એરપોર્ટ ઉપર એક ટમલનમાંથી બીજા ટમનલમાં જવા માટે અંડરગ્રાઉન્ડ ટ્રેન છે. આ ટ્રેનમાં ચડવા માટે અને અંદર જવા માટે આ લોકોએ રીતસર ધક્કામુક્કી કરી. આપણે ત્યાં મેટ્રો અને બીઆરટીએસમાં જવા જેવું કરતા હોય છે તેવું કર્યું. એક વ્યક્તિએ તો જગ્યા રોકવા માટે પોતાનું જેકેટ ખુરશી ઉપર ફેંક્યું અને બધા જ તેમની સામે જોવા લાગ્યા.
ફ્લાઈટ જ્યારે બાલી પહોંચી ત્યારે ઘણા લોકો ઈમિગ્રેશન ક્લીયર કરવાની લાઈનમાં ધક્કા-મુક્કી કરતા હતા. લાઈન તોડીને પટ્ટા કુદીને આગળ જતા હતા. દુનિયાભમાંથી આવેલા પ્રવાસીઓ તેમને જોતા હતા. એક બહેન તો ઈમિગ્રેશન ક્લીયર કરવા માટે તેમની વારો આવે ત્યાં સુધી પણ રાહ જોઈ ન શક્યા અને ખાલી કાઉન્ટર જોઈને ઓફિસર પાસે દોડી ગયા. પેલા અધિકારીએ એ બહેનને ધધડાવી નાખ્યા.
એરપોર્ટથી હોટેલ પહોંચ્યા ત્યાં સુધી જોયું તો મોટાભાગના વિદેશીઓ અને બાલીના સ્થાનિક યુવાનો સિગારેટ સખત પીતા હતા. ત્યાં વેપ એટલે કે ઈસિગારેટની પણ અધધ ડિમાન્ડ હતી. ત્યાં દુકાનો પણ મોટી મોટી હતી. ત્યાં જોઈને એમ લાગ્યું કે, અહીંયા સ્મોકિંગનું ચલણ સખત છે. અમારો ડ્રાઈવર પણ જેવો સમય મળ્યો નથી કે સિગારેટ પીધી નથી. અમે કરન્સી એક્સચેન્જ કરાવી ત્યાં સુધીમાં તેણે બે સિગારેટ પી નાખી. બીજા દિવસે સાઈટ સિઈંગ દરમિયાન પણ મેં સતત જોયું કે, પંદર સત્તર વર્ષના છોકરાઓથી માંડીને વૃદ્ધ પુરુષો સિગારેટ પીતા જ હોય છે. ડ્રાઈવરને મેં જ્યારે આ વિશે પૂછયું તો તેણે કહ્યું કે, અમારે ત્યાં લગભગ ૮૦ ટકા પુરુષો સિગારેટ પીતા જ હશે. મને જાણીને થોડી નવાઈ લાગી. બાલીની જ નહીં તેની આસપાસ નુસા પેનેડા આઈલેન્ડ કે ગિલિ આઈલેન્ડ કે અન્ય બે નાના આઈલેન્ડ ઉપર પણ આવી જ સ્થિતિ છે. ત્યાં સિગારેટનું ચલણ ભયાનક છે. ચારે તરફ ધુમાડા જ કાઢતા લોકો જોવા મળે.
આ બધા વચ્ચે મેં મારા ડ્રાઈવરને કહ્યું, બ્રધર ધીસ ઈઝ નોટ ગુડ ફોર હેલ્થ. ડોન્ટ સ્મોક મચ. આ વખતે મારા ડ્રાઈવરે જવાબ આપ્યો, બાલી પીપલ સ્મોક, બટ ઈટ ઈઝ બેટર ધેન યોર માવા બ્રધર. માય મેની ઈન્ડિયન એન્ડ સ્પેશિયલી ગુજરાતી ક્લાયન્ટ્સ આર ઈટિંગ માવા એન્ડ સ્પીટિંગ એવીરવ્હેર. ધેટ ઈઝ રીયલી શેઈમફુલ. તેના આ જવાબથી ગાડીમાં હાજર અમે બધા જ ડઘાઈ ગયા. અમારી પાસે બચાવ માટે કોઈ શબ્દો જ નહોતા. ત્યારબાદ સ્થિતિ એવી થઈ કે જ્યાં જ્યાં તે અમને લઈ ગયો ત્યાં ત્યાં તેણે લોકોને માવા અને ગુટકા ખાતા બતાવ્યા. તેઓ જ્યાં થુકતા હતા તેના ફોટા પણ બતાવ્યા. અમે પોતે પણ કેટલીક જગ્યાએ લાઈવ દ્રશ્યો પણ જોયા.
બીજો મને થોડો ફોમો પણ થયો હતો. હું મારા અમદાવાદને, ટ્રાફિકજામને, ઘોંઘાટને, ટ્રાફિકના નિયમો તોડવાની ઘટનાઓને, બેફામ ચાલતી બસોને, પગ બતાવીને વળી જતા રીક્ષાવાળાઓને, સિગ્નલ ઉપર ઊભા રહીને થુંકતા લોકોને, બેફામ વાહન ચલાવતા લબરમુંછીયાઓને ખૂબ જ મિસ કરતો હતો. અહીંયા દસ દિવસના પ્રવાસમાં મેં માત્ર બે જ વખત અમારી ગાડીના ડ્રાઈવરને હોર્ન વગાડતા જોયો અને સાંભળ્યો હતો. આ ઉપરાંત બાલીના અનેક રસ્તા ઉપર ફરવા દરમિયાન મેં ક્યારેય કોઈ ગાડીના હોર્ન સાંભળ્યા નથી. આ લોકોની સિવિક સેન્સ ગજબની છે. ટૂવ્હીલરને રસ્તો આપવો, રસ્તો ક્રોસ કરતા લોકો માટે વાહનો ઊભા રાખી દેવા, કારણ વગર હોર્ન મારવા નહીં કે બિનજરૂરી ઓવરટેક ન કરવું.
અહીંયાની બીજી બાબત જેનું વર્ણન કરવાનું થાય તે છે અહીંયાની સનાતન સંસ્કૃતિ અને સભ્યતા તથા તેમની હોસ્પિટાલિટી. તેઓ સાચા અર્થમાં અતિથિ દેવો ભવ:ની ઉક્તિને સાર્થક કરે છે. તમારા નામ, તમારી આદતો, તમારી ખાવા-પિવાની પદ્ધતિ બધું જ પૂછી લે છે અને ત્યારબાદ તે પ્રમાણે આયોજન કરી આપે છે. સતત તમારું ધ્યાન રાખે છે. દરેક વાતમાં તમારો આભાર માને છે, તમને કોઈ સમસ્યા ન આવે તેની પૂરતી તકેદારી રાખે છે. હવે વાત કરવી છે અહીંયાના ધર્મ વિશે.
બાલીમાં ૮૦ ટકા કરતા ઉપરની વસતી હિન્દુઓની છે. અહીંયા ખૂબ જ સારા સારા અને મોટા મંદિરો છે. તે ઉપરાંત અહીંયા દરેક ગામનું પોતાનું મંદિર છે, દરેક સોસાયટીનું એક નાનું મંદિર છે અને દરેક ઘરમાં પોતાનું એક મંદિર છે. અહીંયા કોઈપણ મંદિરમાં પ્રવાસીઓને ગર્ભગૃહમાં જવા દેવામાં આવતા નથી. અહીંયા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રિદેવની પૂજા થાય છે. તે ઉપરાંત કેટલીક દેવીઓની પૂજા થાય છે. અહીંયા પાંડવો અને મહાભારતની અસર છે. અહીંયા રામાયણ ભજવાય છે. અહીંયા રામ વનવાસના સોનેરી મૃગને સીતા માતા પામવા માગે છે ત્યાંથી લંકા યુદ્ધ અને રાવણ વધ જેવા પ્રસંગો ઉપર કેચક ડાન્સ યોજાય છે. અહીંયા મોટાભાગના લોકોના ઘરમાં ત્રિસંઘ્યા થાય છે. દરરોજ સવારે ઘરની દરેક વ્યક્તિ પૂજાપાઠ કર્યા વગર કોઈ કામ શરૂ કરતી નથી. અહીંયા હિન્દુ ધર્મની સાથે સાથે સ્વધર્મને પણ મહત્ત્વ આપવામાં આવે છે. તેઓ સ્વસ્તિ અસ્તુ કહીને એકબીજાનું અભિવાદન કરે છે.
આ એક નાનકડો ટાપુ દેશ છે જ્યાં બેફામ દારૂ પીવાય છે, બેફામ સ્મોકિંગ થાય છે, બેફામ નોનવેજ ફૂડ ખવાય છે પણ અહીંયા ક્યારેય કોઈને નુકસાન પહોંચાડાતું નથી. તેઓ આતિથ્યને સારી રીતે સમજે છે અને તેને નિભાવે છે. તેમના દેશમાં આવનારા એકપણ પ્રવાસીને કોઈ મુશ્કેલી ન પડે તેની તેઓ તકેદારી રાખે છે. તેમના નિયમો, તેમના કાયદા, તેમની વ્યવસ્થાઓનું તેઓ કડકાઈથી પાલન કરે છે અને ત્યાં પ્રવાસે આવેલા લોકોને પણ કરાવે છે. તેઓ મોદીના ચાહક છે, તેઓ અમિતાભ બચ્ચનના ચાહક છે, તેઓ શાહરુખ ખાનના ચાહક છે પણ સાથે તેઓ ભારતીયોની કુટેવોથી પણ વ્યથિત છે. દુનિયાભરમાં આતિથ્યના સંસ્કાર આપનારી ભારતીય સંસ્કૃતિ જો આપણા વાણી, વર્તન અને વ્યવહારથી લજવાતી હોય તો તેના વિશે ચોક્કસ વિચાર કરવો જોઈએ. આપણે તો ફરીને, તોફાન કરીને કે ઉદ્ધતાઈ કરીને પાછા આવી જઈશું પણ જે-તે પ્રદેશની પ્રજાના માનસ ઉપર આપણી આ છાપ આજીવન પડી જશે અને તે બાકીના દેશવાસીઓ વિશે પણ તેવું જ વિચારશે. તેથી પ્રવાસ દરમિયાન સંસ્કૃતિ અને ભારતીયતાને જાળવી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.
સ્વસ્તિ અસ્તુ.


