Get The App

રાઈડ શેરિંગ એપ્સ સાથે સંકળાયેલા જોખમોથી બચી શકાય

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
રાઈડ શેરિંગ એપ્સ સાથે સંકળાયેલા જોખમોથી બચી શકાય 1 - image

- સલામતીના ફીચરોથી માહિતગાર રહીને

અદ્વિતીય સુવિધા અને સુલભતા આપીને રાઈડ  શેરિંગ એપ્સએ શહેરી પરિવહનમાં ભારે પરિવર્તન કર્યું છે. માત્ર એપથી પ્રવાસીઓ વાહન બોલાવી શકે છે, તેના આગમનનો સમય ટ્રેક કરી શકે છે અને તેમના સ્માર્ટફોન દ્વારા ચૂકવણી પણ કરી શકે છે. જો કે આ સુવિધા સાથે અંગત સલામતિની ગંભીર ચિંતા પણ સામેલ થઈ છે.

કેટલાક પ્રવાસીઓ તો નિયમિત રીતે વાહનમાં બેસવા અગાઉ વાહનચાલકની પ્રોફાઈલ અથવા લાયસન્સ પ્લેટ ચેક કરે છે, પણ અહેવાલો મુજબ અસ્વસ્થ કરનારા અને અસુરક્ષિત કરનારા સંજોગો પણ ઘણા બન્યા છે. પરિણામે નિષ્ણાંતો અને કાયદાવિદોએ પ્રવાસીઓને જોખમો ઓછા કરવા એપ આધારીત વિશિષ્ટતાનો કેવી રીતે ઉપયોગ કરવો અને કેવી આદતો કેળવવી તેની સલાહ આપી છે.

નિષ્ણાંતોના મતે પરંપરાગત સલામતી નિયમો હજી પણ એટલા જ સુસંગત છે, છતાં આધુનિક એપએ પ્રવાસીઓને સુરક્ષિત કરવા કેટલાક નવા સાધનો ઉમેર્યા છે. લાઈવ ટ્રિપ શેરિંગથી ગુપ્ત ઈમરજન્સી બટનો જેવા સલામતિ ફીચરો મહત્વના સાબિત થઈ શકે, જો કે પ્રવાસીઓને તેનો ઉપયોગ કરવાની ફાવટ હોવી જોઈએ. આથી પ્રત્યેક શેર રાઈડનો ઉપયોગ કરતા પ્રવાસીએ પોતાની સલામતી માટે આવી મહત્વની જાણકારી રાખવી જોઈએ.

૧. ચાલકની જવાબદાર નક્કી કરવા ટ્રિપ શેર કરવી

ચાલકના અસુરક્ષિત વર્તન સામે સૌથી અસરકારક તરકીબ છે તેની જવાબદારી નક્કી કરવી. કેટલીક રાઈડ શેરિંગ એપ હવે પ્રવાસીઓને તેમના પ્રવાસની વિગત તેમના મિત્રો અથવા પરિવાર સાથે શેર કરવાની જોગવાઈ આપે છે. નિષ્ણાંતો આ આદત ફરજિયાત કેળવવાની સલાહ આપે છે. દાખલા તરીકે ચાલક સમક્ષ સહજતાથી ઉલ્લેખ કરી શકાય કે તમારા પરિવારનો કોઈ સભ્ય આ પ્રવાસ ટ્રેક કરી રહ્યો છે જેનાથી તેને ગેરવર્તન કરવામાં ખચકાટ થશે. વધુમાં ટ્રિપની વિગતોનો સ્ક્રીનશોટ પણ બેકઅપ તરીકે મોકલી શકાય. જો ડ્રાઈવર અધવચ્ચે રાઈડ રદ કરે અને એપમાંથી ગાયબ થઈ જાય, તો સ્ક્રીનશોટ પુરાવો બની જશે. આ સાધારણ કૃત્ય સુનિશ્ચિત કરશે કે વાહનની બહાર પણ કોઈને તમારા સ્થળ વિશે જાણકારી છે, જેનાથી સુરક્ષાનું વધારાનું સ્તર મળશે.

૨. એપના સલામતી ફીચરોથી માહિતગાર રહેવું

રાઈડ એપ્સ સતત તેમના સલામતી ફંકશન અપગ્રેડ કરતી રહેતી હોવા છતાં  ઘણા પ્રવાસીઓ તેનાથી અજાણ્યા રહે છે. કેટલીક એપએ સલામતી એજન્સીઓ સાથે ઈમરજન્સી સહાયતા માટે સંકલન કર્યું હોય છે, જ્યારે કેટલીક એપ તેમના પ્રવાસની વિગતો શેર કરતા પ્રવાસીઓને સતત સહાય કરે છે અને જરૂર પડે ત્યારે પ્રશાસનને મદદ માટે બોલાવે છે. વધુમાં કેટલીક એપ પાસે ઈમરજન્સી બટનોની જોગવાઈ હોય છે જે પ્રવાસીને સીધા પોલીસ અથવા ઈમરજન્સી એજન્સીઓ સાથે જોડી આપે છે. આવી સુવિધાઓ સહેલાઈથી ઉપયોગમાં લઈ શકાતી હોવાથી જીવ બચાવનારી સાબિત થાય છે. પ્રવાસીઓ તેમની પ્રથમ રાઈડ કરવા અગાઉ પોતાને લોકેશન તેમજ આવા બટનો વિશે જાણકારી મેળવવી જોઈએ. ઈમરજન્સી થાય ત્યાં સુધી રાહ જોવાથી ઘણીવાર બહુ મોડુ થઈ જાય છે.

૩. અંગત માહિતી સુરક્ષિત રાખવી

સૌથી વધુ ઉપેક્ષિત કોઈ સલામતી પ્રથા હોય તો તે છે અંગત માહિતી પર નિયંત્રણ રાખવું. રાઈડ એપની રચના એવી રીતે કરાઈ હોય છે જેમાં ડ્રાઈવરો અને પ્રવાસી માત્ર એપની મેસેજિંગ સીસ્ટમ દ્વારા જ વાર્તાલાપ કરી શકે. એનાથી અંગત ફોન નંબરો ગોપનીય જ રહે છે. આથી જ નિષ્ણાંતો એપ દ્વારા જ સંપર્ક સીમિત રાખવાની સલાહ આપે છે.

સંપર્ક માહિતી ઉપરાંત પ્રવાસીઓએ સાહજિક વાર્તાલાપ દરમ્યાન તેમના કાર્યસ્થળ, દૈનિક દિનચર્યા અથવા ઘરના સરનામા જેવી સંવેદનશીલ માહિતી ઉજાગર કરવાનું પણ ટાળવું  જોઈએ. ક્યારેક મિત્રતા દાખવનારો ચાલક પણ આવી વિગતોનો દુરુપયોગ કરી શકે છે.

૪. ડ્રાઈવરના રેન્કિંગ ચકાસી લેવા

એપમાં રહેલી રેટિંગ સીસ્ટમ માત્ર ફીડબેક સાધન નથી, પણ સાથે તે સલામતી ફિલ્ટર પણ છે. સતત ઊંચા રેન્કિંગ મેળવનાર ડ્રાઈવર મોટાભાગ વિશ્વનીય અને વિવેકી હોય છે. ઓછા રેટિંગ મેળવનાર ડ્રાઈવરને ટાળવાથી, ખાસ કરીને વધુ વિકલ્પ ઉપલબ્ધ હોય ત્યારે આવી આદત લાભકારક સાબિત થાય છે.

પરંપરાગત ટેક્સીથી વિપરીત એપ આધારીત ટેક્સીઓ પ્રવાસીને પસંદગી કરવાની સત્તા આપે છે. ત્રણ તારકની બદલે પાંચ તારક મેળવેલા ડ્રાઈવરને પસંદ કરવાનો નિર્ણય સરળ, સલામત અને સ્વસ્થ પ્રવાસ તેમજ અસ્વસ્થ કરનારા અનુભવનો તફાવત બની  જાય છે. વધુમાં તમારા અનુભવ વિશે પ્રમાણિક ફીડબેક આપવાથી ભાવિ પ્રવાસીઓને મદદરૂપ થઈ શકે છે. કંઈક ખટકો થાય તો તે અનુસાર રેટિંગ આપવું અને વિગતવાર નિવેદનો રજૂ કરવા. સંયુક્ત તકેદારી એકંદર ઈકોસીસ્ટમને મજબૂત બનાવશે.

૫. કાયમ સતર્ક રહો

એપ અને ટેકનોલોજીના પોતાના અને સુરક્ષા જાળા ભલે હોય,પણ માનવીય પાસુ મહત્વનું રહે છે. કંઈ ખોટુ થઈ રહ્યાનો અહેસાસ થાય, પછી તે ડ્રાઈવરનું વર્તન હોય, રૂટ વિશે હોય અથવા વાહનની સ્થિતિ પણ હોઈ શકે, તમારી સ્ફૂર્ણા પર વિશ્વાસ રાખો. જરૂર પડે તો પ્રવાસ સુરક્ષિત અને જાહેર સ્થળે પૂર્ણ કરવાનું નક્કી કરી શકાય. આધુનિક રાઈડ સેવામાં પ્રવાસીઓને અધવચ્ચે તેમનો પ્રવાસ રદ કરવાની અથવા ઈમરજન્સી સેવાનો સીધો સંપર્ક કરવાનો વિકલ્પ મળી રહે છે.

સુરક્ષામાં ટેકનોલોજીની વધતી ભૂમિકા

રાઈડ શેરિંગ સુરક્ષાનો વ્યાપ સતત વિકસતો રહ્યો છે. કંપનીઓ જોખમો ઓછા કરવા વધુને વધુ એઆઈ આધારિત મોનિટરીંગ,વાસ્તવિક સમયના બેકઅપ ચેકિંગ અને લાઈવ ટ્રેકિંગ સંકલિત કરી રહી છે. છતાં આ સાધનોની અસરકારકતા વપરાશકારની સતર્કતા પર નિર્ભર છે. જે ફિચરના અસ્તિત્વની તમને જાણ નહિ હોય તે તમારુ સુરક્ષા નહિ કરી શકે. આથી જ અંગત શિક્ષણ અને સતર્કતા કોર્પોરેટ જવાબદારી જેટલા જ મહત્વના છે.

વધુમાં કાનૂની નિષ્ણાંતોના મતે એપમાં ભલે નોંધપાત્ર સુધારા થયા હોય, પ્રવાસીઓએ તેમની સતર્કતા ઓછી નહિ કરવી જોઈએ. એપ આધારીત પ્રવાસ એવી ગતિશીલ સેવા છે જેમાં અજાણ્યાઓ સાથે સંપર્ક ટાળી નથી શકાતો. આથી સાવચેતીભર્યો, સાવધાનીપૂર્વકનો અભિગમ મોટો તફાવત કરી શકે.

યાદ રહે કે આ યુગ રેડ-શેરિંગ એપનો છે, જે વિશ્વભરના શહેરોમાં લોકોના પ્રવાસને નવો આકાર આપી રહી છે. તેનાથી ભારે સુવિધા મળતી હોવા છતાં દૈનિક પ્રવાસની ધમાલમાં સલામતી જોખમાઈ નહિ તેની કાળજી લેવી પડશે. આથી ટ્રિપ પ્રવાસની વિગતો શેર કરવી, એપના ઈમરજન્સી ફીચરો વિશે જાણકારી રાખવી, અંગત માહિતી જાહેર ન કરવી, વધુ ક્રમાંક ધરાવતા ડ્રાઈવરો પસંદ કરવા અને સ્ફૂર્ણા પર વધુ આધાર રાખવાથી પ્રવાસીઓ સંભવિત જોખમોથી બચી શકે છે.

નિષ્ણાંતોએ સાચું જ કહ્યું છે કે સુરક્ષા એટલે પ્રાચીન બુદ્ધિમતા અને આધુનિક સાધનોનું મિશ્રણ. જવાબદારી માત્ર એપ કંપનીઓની એકલાની નથી, પણ સાથે પ્રવાસીઓની પણ છે. માહિતગાર અને સતર્ક પ્રવાસીઓ પોતાના માટે તેમજ આ સેવા પર આધાર રાખનારા દરેક માટે સુરક્ષિત વાતાવરણ રચી શકે છે 

-ઉમેશ ઠક્કર