Get The App

વર-વધૂનાં આકર્ષક પરિધાન .

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
વર-વધૂનાં આકર્ષક પરિધાન                          . 1 - image

લગ્નની વેળા નજીકમાં છે અને મામેરિયાતની રાહ જોતું આ લગ્ન ગીત આપણી લગ્ન પરંપરાના દર્પણ સમું છે. મામા તથા અન્ય મામેરિયાત મામેરામાં કપડા, દાગીના તથા ચૂડલો લઈને આવી પહોંચે ત્યારે જ લગ્નમાં રહેલા વિવિધ પ્રસંગોની શરૂઆત થાય છે. પ્રત્યેક મામાને પોતાના ભાણેજનું પોતાના સંતાનો કરતા પણ વિશેષ મહત્વ હોય છે, અને તેથી જ લગ્નપ્રસંગે તેઓ ભાણેજની પ્રત્યેક ઈચ્છા પૂરી કરવા તત્પર હોય છે. ભાણેજની પસંદગીના કપડા, દાગીના તથા અન્ય વસ્તુઓ આપવામાં આવે છે. તેમ છતાં પ્રત્યેક નવવધૂ તથા વરરાજાને કંઈક આગવું કંઈક વિશેષ તથા કંઈક નોંખું પહેરવાની ઈચ્છા હોય છે. તેથી તેઓ મામા પાસેથી તો મનપસંદ મંગાવે જ છે. તે ઉપરાંત લગ્નના દિવસે પહેરવાના વસ્ત્રો માટે નવી ફેશન અને નવતર ડિઝાઈનના કપડા બનાવવા માટે આકાશ પાતાળ એક કરે છે.

પરિતાના લગ્નને બે મહિના બાકી છે. પરંતુ છેલ્લા છ મહિનાથી તે મુંબઈની બધી જ માર્કેટમાં દુલ્હનના પરિધાન માટે ફરી ચૂકી છે અને હજી તેણે કયો રંગ પહેરવો છે કે, કયાં પ્રકારનો ડ્રેસ લેવો છે તે નક્કી નથી કરી શકી. બસ, તેની એક જ ઈચ્છા છે. આજસુધી કોઈએ પહેર્યા ન હોય એવાં સુંદર પોષાકો મારે પહેરવા છે. પરંતુ આ સુંદર વસ્ત્રોની ખરેખરી વ્યાખ્યા તેને પણ નથી ખબર.

લહેંગાના કપડામાં વિવિધતા જોવા મળે છે. જેમ કે-કેમોઈસ સિલ્ક, નરમ સાટીન, વેલવેટ ટફેટા, જેકાર્ડ સિલ્ક, ટીશ્યુ, ક્રેપ, નેટ વગેરે. લગ્ન જેવા શુભ પ્રસંગમાં પહેરવા માટે મોટેભાગે, લાલ, મરુન, રાણી, તથા સોનેરી જેવા ઘેરા રંગો જ ચાલે છે. આમ પણ આપણે ત્યાં શુભ પ્રસંગે લાલ તથા મરુન અને કેસરી રંગનું જ ચલણ વધારે છે. મોટેભાગે નવવધૂઓ તે દિવસ માટે અન્ય રંગના અખતરા કરવાનું ટાળે છે. તેથી જ તેઓ આ ચીલાચાલુ રંગ જ પસંદ કરે છે.

જેજેના મત પ્રમાણે ચાલુ રંગ તો શુભ પ્રસંગમાં સારા લાગે જ પરંતુ જો કોઈને નવા કોઈ રંગનો અખતરો કરવો હોય તો ફોરોઝી રંગ પસંદ કરવો જોઈએ. જોકે, રંગની પસંદગી કરતી વખતે હંમેશા યાદ રાખવું જોઈએ કે જો તમે ગોરી ત્વચા ધરાવતા હોય તો તમને બધાજ રંગ સારા લાગશે. પરંતુ લાલ અને મરુન તમારા ઉપર વધુ ખીલી ઉઠશે. જો તમે શ્યામ કે ઘઉંવર્ણા હો તો તમારા શરીરને અનુરૂપ જ રંગની પસંદગી કરશો.

આ તો થઈ દુલ્હનના પરિધાનની પસંદગી. પરંતુ દુલ્હાનું શું? આજના જમાનામાં દુલ્હન જેટલું જ દુલ્હાના પોષાકનું પણ મહત્વ છે. પ્રત્યેક વરરાજાને પણ પોતે કંઈક જુદો છ તે દેખાડવાના ઓરતા હોય છે એટલે તેઓ પણ વિવિધ પ્રકારના કપડાની પસંદગી કરે છે જેમ કે ચુડીદાર, કુર્તા પાયજામા તથા ધોતી કુર્તા. પરંતુ આ બધા નવા ટ્રેન્ડમાં અંગ્રેજી સુટે પોતાનું સ્થાન હજી ટકાવી રાખ્યું છે. આ ઉપરાંત શેરવાનીનું પણ એક આગવું મહત્વ છે.

મોટાભાગના યુવકો લગ્ન નિમિત્તે એક સુટ તો સીવડાવે જ છે. પરંતુ કોટ તથા શર્ટના કપડાની ડિઝાઈનમાં વિવિધતા શોધે છે. ઘણા લોકો સુટ માટે નેવી બ્લુ કે બ્રાઉનને જ શ્રેષ્ઠ રંગ માને છે. જ્યારે ઘણા યુવાનો રસ્ટ, મોસ, મીટ્ટી રંગના વિવિધ શેડ પણ પસંદ કરે છે. ઝેગ્ના ખાતે તમે ઈટાલીથી તમારો મનપસંદ સુટ સીવડાવી કે મંગાવી શકો છો. આ દ્વારા તમે અન્ય દુલ્હાઓની સરખામણીએ જુદા તરી આવશો. ઈટાલીથી મંગાવાતા આ એક સુટની ઓછામાં ઓછી કિંમત રૃા. ૫૦ હજારની મૂકાય છે.

સુટની સાથે અન્ય જરૂરી વસ્તુ પણ આર્કષક હોવી જરૂરી છે. પ્યોર સિલ્ક અથવા બ્રોકેડની ટાઈ લેવી. પરંતુ અહીં ધ્યાનમાં રાખવું કે ટાઈનો રંગ બહુ ડાર્ક ન થઈ જાય. શૂઝ, ટાઈ અને ક્રેવેટ એકમેક સાથે મેળ ખાતા રંગના હોવા જોઈએ. કોટ ઉપર એવા પ્રકારના બટન લગાડો કે જોનારની આંખો ચાર થઈ જાય.

જો તમે ધોતી, કુર્તા જેવો ડ્રેસ પસંદ કરો તો તેની સાથે રાખવામાં આવતી શાલને ભડક રંગમાં ન પસંદ કરો. કારણકે ઘેરા રંગથી તમે વરરાજાને બદલે બેન્ડવાજાવાળા લાગશો.

સુટમાં કફલીંગ સારી ગુણવતા ધરાવતા અને બને તો તે હીરાજડિત મૂકાવવાથી અને રુમાલ ઉપર દુલ્હાના નામનો અક્ષર ભરતકામ વાળો રાખવાથી સુટની ચમક આગવી બની રહેશે. ઉપરાંત સુટ ઉપર પ્યોર લેધરનો બેલ્ટ પહેરો. બેલ્ટના ચમકતા બકલ હનીમૂન માટે રાખો. લગ્નના દિવસ માટે સાદુ પણ આર્કષક બકલ પસંદ કરો. આની સાથે મનમોહક ઘડિયાળ પહેરો. જરૂરી ઘડિયાળ સોનાની કે હીરાની જ હોવી જોઈએ. બસ, એટલું ધ્યાનમાં રાખવું કે મોંઘા સુટની સામે ચીલાચાલુ ઘડિયાળ સારું નહિ લાગે.

તમારા રીસેપ્શનમાં સામાન્ય કક્ષાના શૂઝ પહેરવાને બદલે ખાસ સારી કંપનીના અને બને તો કાળા અથવા બ્રાઉન રંગનો જ આગ્રહ રાખવો. જો તમે સુટ પહેરીને લગ્ન કરવા ન ઈચ્છતા હો તો તમે પરંપરાગત પરિધાનો જેવા કે બંધગલા, અંગરખા, કુર્તા-પાયજામા, શેરવાનીની પસંદગી પણ કરી શકો છે. મોટા 

ભાગના દુલ્હાઓની ઈચ્છા એવી હોય છે કે લગ્નને દિવસે તેમનો દેખાવ કોઈ રજવાડાના રાજકુંવર જેવો લાગે.  અજય ખત્રીના સ્ટોરમાં બંધ ગળા વાળા કુર્તાની  પસંદગી માટેનું આગવું કલેકશન છે. જેમાં આગળના ભાગમાં ગળાની નીચે આકર્ષક ભરતકામ જોવા મળે છે. આ ઉપરાંત પરંપરાગત વસ્ત્રોના પરિધાન સાથે શોભે એવા વધારાના પરિધાનોમાં જામેવાર, શાલ, સુશોભિત ટર્બન, બાંધણી સ્કાર્ફ અથવા પરંપરાગત શૈલીનો સ્કાર્ફ આકર્ષણ બની રહે છે. આ વસ્ત્રો સાથે પગરખાનું પણ એટલું જ મહત્વ છે. લગ્નના પરંપરાગત પોષાકની સાથે ગમે તેવા પગરખા ન ચાલે એ માટે દુલ્હા રાજાએ ભરતકામ કરેલી આકર્ષક મોજડી પહેરી હોય અને માથા ઉપર આકર્ષક સાફો તથા કપાળ ઉપર સુંદર તિલક અંકિત કર્યું હોય ત્યારે તેની ખરેખર રજવાડાના પ્રિન્સ જેવા દેખાવાની ઈચ્છા પૂરી થાય.

પોતાના સ્ટોરમાં વેચાતા પોશાક વિશે માહિતી આપતાં અજયભાઈ કહે છે કે ''નવજાત શિશુથી લઈ વૃદ્ધ વ્યક્તિ પહેરી શકે તેવા ટ્રેડીશનલ પોશાક તથા સૂટ અમારે ત્યાં મળે છે. મધ્યમ વર્ગને પણ ધ્યાનમાં રાખી અમે ડ્રેસીસ બનાવીએ છીએ. રૂ.૩૫૦૦થી લઈ ૩૫,૦૦૦ સુધીની રેન્જના વરરાજાના પોશાક અમારે ત્યાં ઉપલબ્ધ છે. પોશાકની કિંમત મટિરિયલ તથા એમ્બ્રોઈડરી પર આધારિત હોય છે.

લગ્નની વિવિધ વિધિ જેવી કે સંગીતસંધ્યા, દાંડિયા રાસમાં પહેરવા શેમી સેરવાની, શોર્ટ કુર્તા, 'પહેલી' ફિલ્મમાં શાહરૂખ ખાને પહેરેલા  તેવા ધોતી-ચૂડીદાર પણ મળે છે. તેના પર કોઈન (સિક્કા) મોતી સ્ટોન વર્ક કરેલું હોય છે. આવા શુભ પ્રસંગોમાં ભરતકામની માગ વધુ છે. આ ડ્રેસીસમાં રૂ.૨૫૦૦થી લઈ ૭૦૦૦ સુધીની ચોઈસ મળી રહે છે.

હવે તો વરરાજાના શિરને શોભાવતા સાફામાં પણ વૈવિધ્ય જોવા મળે છે. સાફાને વધુ કળાત્મક બનાવવા અજયભાઈએ એક પગલું આગળ ભર્યું છે. ૨૪ કેરેટ હોલમાર્કના રેણુ ઝવેરી સાથે હાથ મિલાવી સાફાને શોભાવતી કલગી તેઓ બનાવી આપે છે. આ કલગી રત્નજડિત હશે અને વરારાજાના પોશાક સાથે મેળ ખાતી બનાવી આપવામાં આવશે. એટલું જ નહીં, રેણુબહેન તો કહે છે કે, ''અમે કલગી તો વરરાજાને પહેરાવશું, પરંતુ સાથે મોતીની માળા અને મેચિંગ રજવાડી પેન્ડન્ટ તથા બુટ્ટી પણ મળશે. આ પેન્ડન્ટ બુટ્ટીનો ફાયદો એ રહેશે કે લગ્ન બાદ વરરાજાની પત્ની પણ હોંશે હોંશે તે પહેરી શકશે. ૩૦-૩૫ હજારની શેરવાની સાથે મેળ ખાતા કલગી પેન્ડન્ટની ચમક અસલી હીરાથી ઓછી નહીં હોય અને તેની રેન્જ ફક્ત રૂ.૧૫૦૦થી ૫૦૦૦ સુધીની હશે.'' ટૂંકમાં લગ્ન વખતે પુરુષના  ગરદનની માળા  બનીને ચમકતું ઘરેણું લગ્ન પછી પત્નીના હારનું પેન્ડન્ટ બને છે!

પોશાકની સાથે મેળ ખાતી મોજડી તો મળે જ છે, પરંતુ નવવધૂના પોશાક સાથે મેચ થતી શેરવાની પણ અજય ખત્રી ખાસ ઓર્ડરથી બનાવી આપે છે.

શેરવાની સિવાય જાકીટ સાથેના સૂટની વિવિધ ડિઝાઈનનું કલેક્શન છે. સૂટના કોલર તથા હાથની બાંય પર બ્રોચ લગાડવામાં આવે છે. જે રૂ.૧૭૦૦થી ૧૭૦૦૦ સુધીની રેન્જમાં મળે છે.

અજય, વિજય, સંજયની બંધુ ત્રિપુટીએ શૂન્યમાંથી સર્જન કરી દેશ-વિદેશમાં તેમના ઘરાકો બાંધી દીધા છે. વરરાજાને લગ્ન ટાણે ખરા અર્થમાં એક દિવસનો રાજા બનાવી આપવામાં તેમણે સફળતા હાંસલ કરી છે.