ચીનાબ ચોપરા (નામ પ્રતીકરૂપ છે) બેંગલુરુની એક પ્રતિષ્ઠિત ખાનગી કંપનીમાં મેનેજરના ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવે છે. દેખાવમાં રૂપકડી, સ્વભાવે સભ્ય -સુસંસ્કૃત, સંગીત અને નૃત્ય કલામાં પારંગત ચીનાબ ચોપરા તેની નોકરી પૂરી નિષ્ઠાથી કરે છે. આમ પણ ચીનાબ ભણવામાં તો બાળપણથી જ તેજસ્વી હોવાથી તેની શૈક્ષણિક કારકિર્દી પણ ઉજળી રહી છે.
ચીનાબ ચોપરાએ પહેલાં સાયન્સ એન્ડ ટેકનોલોજીના ઉચ્ચ શિક્ષણ માટે અને પછી પોતાની વ્યવસાયિક કારકિર્દી શિસ્તબદ્ધ અને સફળ બનાવવા માટે ઘણી મહેનત કરી છે. આ સફળતા મેળવવામાં ચીનાબની ઉંમર ૨૫ વર્ષ કરતાં વધુ થઇ ગઇ છે. દીકરીની વધતી વય જોઇને ચીનાબનાં માતા પિતા તેને અવારનવાર લગ્ન કરવા કહે છે. સમજાવે પણ છે. દીકરી જોકે બહુ સમજદાર હોવાથી અને મમ્મી-પાપા પ્રત્યે ભરપૂર આદર હોવાથી ક્યારેય પણ સામે દલીલ કે વાદવિવાદ નથી કરતી.આમ છતાં લગ્ન માટે હા પણ નથી કહેતી. દીકરીના આવા અકળ વલણથી ચીનાબના પરિવારમાં થોડીક ચિંતા પણ છે.
સાચી વાત છે. આજના નવા અને આધુનિક બની રહેલા ભારતમાં મોટાભાગનાં ઘરમાં આવી ઘણી ઘણી ચીનાબ છે.અથવા હશે પણ ખરી. ફોડ પાડીને કહીએ તો આજની એકવીસમી સદીમાં મોટાભાગનાં માવતરને તેમની ભણેલી અને નોકરી કરતી પુત્રીના લગ્નની ચિંતા હોય છે.
ચીનાબ ચોપરાની માતા ચિંતા કરતાં કહે છે, હું પણ સંસ્કૃત સાથે ડબલ ગ્રેજ્યુએટ છું. ડિગ્રી બાદ હું થોડો સમય બેંગલુરુની એક કોલેજમાં લેક્ચરચર પણ રહી છું. જોકે મારી ઉંમર ૨૩ વર્ષની થઇ એટલે મારાં મમ્મી પાપાએ મારાં લગ્ન વિશે વાત કરી હતી. મેં તરત જ હા કહી હતી. હું આજે મારા બિઝનેસમેન પતિ અને મારાં બંને સંતાનો સાથે ભરપૂર રાજી છું. એમ કહો કે અમારું લગ્નજીવન લીલુંછમ છે અને અમારો નાનકડો પરિવાર પણ સુખી છે.
ઉચ્ચ શિક્ષણ સાથે ઝળહળતી કારકિર્દી
આ તબક્કે સહજ સવાલ થાય કે આજના નવા અને સાયન્સ--ટેકનોલોજીના યુગમાં યુવતી માટે લગ્ની ઉંમર કેટલી હોવી જોઇએ ? એટલે કે યુવતીએ કેટલી ઉંમરે મેરેજ કરવાં જોઇએ ? ૨૦ --૨૨ની નાની ઉંમરે કે ૨૮ -૩૦ ની મોટી વયે ? છોકરીનાં મેરેજ નાની ઉંમરે થાય તો અથવા મોટી વયે થાય તો તેને કેવી કેવી શારીરિક, માનસિક, સમાજિક, પારિવારીક સમસ્યાઓનો સામનો કરવો પડે ? વગેરે પાસાં પણ બહુ મહત્વનાં બની રહે.
બીજીબાજુ આજના નવા જમાનાની યુવતીઓને લગ્નની બહુ ઉતાવળ ન હોય કે મેરેજ માટે પોતે જ યોગ્ય સમયે તૈયાર થશે એવું ચિત્ર ઉપસી રહ્યું છે. આજની નવી, ઉગતી,સુશિક્ષિત પેઢીની યુવતીઓ સારું અને ઉપયોગી કહી શકાય તેવું શિક્ષણ પ્રાપ્ત કરીને કાં તો સરકારી નોકરીમાં અથવા ખાનગી કંપનીમાં સફળ થવા ઇચ્છે છે. એક ડગલું આગળ વધીને કહીએ તો યુવતીઓ મેરેજ બાદ પણ પોતાની સફળ અને પ્રતિષ્ઠિત કારકિર્દી ચાલુ રહે તેવો આગ્રહ પણ રાખે છે.
આજના નવા જમાનાની યુવતીઓ પોતાના મિત્ર વર્તુળમાં રહીને મન ભરીને આનંદ માણવા ઇચ્છે છે. સુંદર-- આકર્ષક વસ્ત્રો, આધુનિક ટેકનોલોજીની રિસ્ટ વોચ, સારી-મજેદાર ડિઝાઇનવાળાં પણ અનુકુળ સેન્ડલ, પ્રતિષ્ઠિત બ્રાન્ડનાં શેમ્પુ, સાબુ, પર્ફ્યુમ, પર્સ વગેરેનો શોખ પણ રાખે છે.
સાથોસાથ, પોતે પોતાના નિર્ણય કરવા સક્ષમ છે. પોતે સફળ થઇને માતાપિતાને અને નાનાં ભાઇ-બહેનને આકાશ ભરાય તેટલાં સુખ-સુવિધાનો આનંદ આપવા ઇચ્છે છે. હા, તેઓ શાદી કરીને પોતાની સુંદર અને ગમતીલી દુનિયા જરૂર વસાવવા ઇચ્છે છે, પણ મેરેજનો નિર્ણય અને પસંદગી પોતાનાં હશે એવો આગ્રહ પણ રાખે છે.
ચીનાબ ચોપરાએ એક રવિવારે તેના ઘરમાં મમ્મી પાપા અને નાના ભાઇ સાથે બેસીને પોતાના લગ્ન વિશે ચર્ચા કરી. દીકરીએ કહ્યું, જુઓ, તમને મારાં મેરેજની ચિંતા હોય તે સ્વાભાવિક છે. આમ છતાં હું બહુ નમ્રભાવે કહું છું કે મારે લગ્નની જરાય ઉતાવળ નથી કરવી. કારણ એ છે કે મારા મતે મેરેજ બહુ સંવેદનશીલ અને જવાબદારીભર્યો સંબંધ છે. વળી,મારા ભાવિ પતિ સાથે આખી જિંદગી મારે જ રહેવાનું છે. તો મારો હસબન્ડ એક માનવી એટલે કે પુરુષ તરીકે કેવો છે, તેના લગ્નજીવન અને ભાવિ પત્ની વિશે કેવા વિચાર છે, ઉચ્ચ શિક્ષણ પામેલી પત્નીને પણ તેની કારકિર્દી હોય તે સમજવા અને સ્વીકારવા તૈયાર છે કે કેમ, તેના વિચારોમાં અને કાર્યોમાં શિસ્ત,જવાબદારી, સર્જનશીલતા છે કે કેમ, તેનો ભવિષ્યનો પ્લાન કેવો છે વગેરે પાસાં બહુ મહત્વનાં છે. મારે ઉતાવળિયો કે લાગણીભર્યો નિર્ણય કરીને પસ્તાવું પડે એવું તો નથી જ કરવું. ખરું કહું તો હું તમને મારાં માતાપિતા તરીકે અને નાના ભાઇને ગૌરવ અને સંતોષ થાય એ રીતે જ મેરેજ કરવા ઇચ્છું છું.
ચીનાબ ચોપરાના શબ્દોમાં ભારોભાર આત્મવિશ્વાસ છલકતો હતો. સાથોસાથ પોતાના કુટુંબ પ્રત્યેનો પ્રેમ પણ હતો. ઉચ્ચ શિક્ષણ અને મેનેજરની પ્રતિષ્ઠિત જોબથી તે જવાબદાર અને પાકટ બની ગઇ હતી.
દીકરીની આવી સમજદારીભરી વાત સાંભળીને ચીનાબનાં માતા પિતા અને નાનો ભાઇ ખરેખર ખુશ થયાં. સાથોસાથ પુત્રી સાથે સંમત પણ થયાં.
આજના આધુનિક યુગની યુવતીએ કઇ ઉંમરે લગ્ન કરવાં જોઇએ ?
ભારતના કાયદાની દ્રષ્ટિએ તો ૨૧ વર્ષનો યુવક અને ૧૮ વર્ષની યુવતી મેરેજ કરી શકે છે. જોકે ઘણા કિસ્સામાં યુવક અને યુવતી બંને મોટી વયે એટલે કે ૩૦ --૩૨ વર્ષે પણ લગ્ન કરતાં હોય છે.નવા જમાનાના પ્રવાહ સાથે નવી પેઢીના વિચારોમાં,પસંદગી--નાપસંદગીમાં પરિવર્તન પણ થઇ રહ્યું છે.આ જ પરિવર્તન સાથે મા-બાપ પોતાની દીકરીનાં લગ્ન ૧૯ --૨૦ વર્ષની નાની ઉંમરે થાય તેવું નથી ઇચ્છતાં. તેઓ કહે છે, અમારી વહાલી દીકરીનાં લગ્ન આટલી નાની વયે થાય તો તેનો શારીરિક અને માનસિક વિકાસ રૃંધાઇ જાય. પુત્રીનાં આશા,અરમાન, ઇચ્છાઓ, અસ્તિત્વ, ઉચ્ચ શિક્ષણ, ઉજળી કારકિર્દી બધું વેરવિખેર થઇ જાય.
નાની ઉંમરે સંતાનનો જન્મ થાય તો અમારી પુત્રી પણ નાની વયે માતા બની જાય. જરા કલ્પના કરો કે ૨૧ --૨૨ વર્ષની દીકરી માતા બને તો ખરેખર તો તે પોતે પણ નાની જ હોય. તેને પોતાના બાળકનો ઉછેર કરવાની ન તો સમજ હોય, ન આવડત. આવા પડકારરૂપ સંજોગોમાં તો અમારી પ્રાણ વહાલી દીકરી બાપડી શારીરિક અને માનસિક બંને રીતે પારાવાર પરેશાન થઇ જાય. કહેવાનો અર્થ એ છે કે અમારી પુત્રી તે ક્યારેય આત્મનિર્ભર પણ નહીં બની શકે.
ભારતીય સંસ્કૃતિમાં તો લગ્ન પરમ પવિત્ર સંસ્કાર છે. પતિ -પત્નીનો પ્રેમસાગર છે.એમ કહો કે સાત સાત જન્મોનું વહાલસોયું મિલન છે. વળી,મા-બાપ માટે તો દીકરી વહાલનો દરિયો છે.આંગણામાં ઉગેલો તુલસીનો લીલાછમ છોડ છે. સૃષ્ટિનાં પરમ દિવ્ય તત્વોનું સુંદરતમ વરદાન છે. પુત્રીના સ્વરૂપનું આવું વરદાન અખંડ રાખવાની અમારી ફરજ છે.
આ તમામ મુંઝવણનો જવાબ એ હોઇ શકે કે યુવતી લગ્ન માટે માનસિક રીતે રાજી અને તૈયાર હોય ત્યારે જ તેને પરણાવવી જોઇએ.નહીં તો નહીં. જોકે આજના નવા અને આધુનિક યુગન પરિવર્તનને ધ્યાનમાં રાખીએ તો યુવતીનાં મેરેજ ૨૨--૨૫ વર્ષની વયે થાય તે યોગ્ય ગણાય.
૨૮ -- ૩૦ કે તેના કરતાં વધુ ઉંમરે મેરેજ કરવાની ઇચ્છાથી કે નિર્ણયથી ખાસ કરીને યુવતી માટે ઘણી સમસ્યા સર્જાઇ શકે છે.આપણા ભારતીય સમાજમાં લગ્ન માટે ૨૮ -- ૩૦ વર્ષની વય મોટી ગણાય છે. આટલી મોટી ઉંમરે યુવતીને તેની મરજીના, યોગ્ય, સંસ્કારી, ભણેલા, નોકરી કે વ્યવસાય કરતા યુવકની પસંદગીમાં મુશ્કેલી પડે. અમુક પ્રકારનાં સમાધાન પણ કરવાં પડે તેવું પણ બને. અમુક કિસ્સામાં તો મોટી વયે થયેલાં મેરેજથી સંતાન પ્રાપ્તિમાં પણ સમસ્યા સર્જાઇ હોવાનાં ઉદાહરણ પણ મળે છે. વળી, ક્યારેક તો આવાં લગ્નમાં સમય જતાં નાની-મોટી તિરાડ પણ પડવાથી મુશ્કેલીઓ અને વાદ-વિવાદ ઘુમરાવા લાગે છે.
મનોવિજ્ઞાાનીઓના કહેવા મુજબ લગ્ન તો વર -વહુનો જીવનભરનો આનંદ ઉત્સવ છે.પતિ-પત્ની બંને સાથે રહીને અને સાથે જીવીને પ્રેમનો અધ્યાય લખે છે. સમાજનાં જવાબદાર નાગરિક બને છે. પોતાનાં સંતાનોને ઉજળા -- ઉત્તમ સંસ્કારો આપીને ઉછેર કરે છે. લગ્ન પવિત્ર અને જવાબદાર સંબંધ હોવાથી તેને એટલી જ પવિત્રતાથી નિભાવવો જોઇએ.
હા, ભારત સહિત સમગ્ર વિશ્વમાં પુરુષ પ્રધાન સમાજનું વર્ચસ હોવાથી ઘણા કિસ્સામાં પત્નીને પારાવાર પરેશાનીનો સામનો પણ કરવો પડતો હોય છે. એટલે જ લગ્ન માટે યોગ્ય ઉંમર સાથોસાથ ઉચ્ચ શિક્ષા પામેલી અને સંસ્કારી યુવતીનું મન,કર્મ,વચનથી માન -સન્માન રહે એ સૌથી મોટી અને મહત્વનું પાસું છે. ભારતીય સનાતન પરંપરામાં એટલે જ તો પત્નીને ધર્મપત્નીનો સન્માનનીય દરજ્જો આપવામાં આવ્યો છે.
- જગદીશચંદ્ર ભટ્ટ


