પોશાકમાં આવતી નીતનવી ફેશન ભલે આંખે ઉડીને વળગતી હોય, પણ એક્સેસરીઝના ટ્રેન્ડને અવગણી ન શકાય. ચાહે તે અલંકારો હોય, પગરખાં હોય કે હેન્ડબેગ. વર્તમાન સમયમાં હાઈલાઇટ થઈ રહેલી એક્સેસરીની વાત કરીએ તો તેમાં કાનના ઝૂમખાં, લટકણિયાં, ડૂલ મોખરે છે. નેકલેસના પેન્ડન્ટને પણ સાવ નાના કહેવડાવે એવા વિવિધ ડિઝાઈનના બુટિયાં હમણાં સેલિબ્રિટી માનુનીઓમાં પ્રિય થઈ પડયાં છે. ખાસ કરીને બોલિવુડ અદાકારાઓમાં.
તાજેતરમાં અભિનેત્રી કૃતિ સેનને તેના ગ્રીન ડ્રેસ સાથે એન્ટિક ગોલ્ડમાં પન્ના જડેલાં મસમોટા રાઉન્ડ ઈયર રિંગ્સમાં પાપારાઝીઓને પોઝ આપ્યાં ત્યારે તેની તસવીરો જોતજોતામાં વાઇરલ થઈ ગઈ હતી. તેના રાઉન્ડ શેપના લટકણિયામાં નીચેના ભાગમાં લટકતાં નાના નાના ઝૂમખાં નોખી ભાત રચતાં હતાં.
દીપિકા પાદુકોણની વાત કરીએ તો તેના સોના-ચાંદીનો બખૂબી ઉપયોગ કરીને ડિઝાઈન કરવામાં આવેલા માણેક જડેલાં વિક્ટોરિયન ડિઝાઈનના લટકણિયાંએ ગજબનું આકર્ષણ પેદા કર્યું હતું. મહત્વની વાત એ છે કે આદિવાસીઓની પરંપરાગત ડિઝાઈનને મિક્સ એન્ડ મેચ કરીને બનાવવામાં આવેલાં દીપિકાના લટકણિયાં ઉપરથી કાનની બૂટ જેટલાં નાનાં હતાં. પણ વચ્ચે આગવી ભાત પાડતી ચેનથી નીચેની વિશાળ ગોળાકાર ડિઝાઈનને જોડી દેવામાં આવી હતી. છેક ખભાને અડતાં આ લટકણિયાંને હાઇલાઇટ કરવા અભિનેત્રીએ વાળને ચપોચપ બાંધી રાખ્યું હતાં અને કપાળે ટકા જેટલો ચાંદલો કર્યો હતો.
અનન્યા પાંડેએ આપણાં નોરતાં સ્પેશ્યલ બુટિયાં હમણાં સેન્ટર સ્ટેજ પર લાવીને મૂકી દીધાં છે.
કહેવાનો અર્થ એ છે કે તેણે ઓક્સિડાઈઝ સિલ્વરના ગરદન સુધી લટકતાં બુટિયાંને વર્તમાન સમયમાં હાઈલાઈટ કર્યાં હતાં. અલબત્ત, કાંઈક નોખું તારવા તેના ફ્લોરલ ડિઝાઈનના લટકણિયાંમાં રાતા રંગની હળવી ડિઝાઈન બનાવવામાં આવી હતી. ગરદન સુધી આવતું આ કાનનું ઘરેણું તેના સમગ્ર લુક પર છવાઈ જાય એટલા માટે અદાકારાએ સ્લીવલેસ બ્લાઉઝ સાથે હળવા રંગની સાડી પહેરવા સાથે વાળને ચપોચપ ઓળીને અંબોડો વાળી લીધો હતો.
સોનમ કપૂરની ગણના જગતભરની ટોચની ફેશનિસ્ટાઓમાં થાય છે. તેના વસ્ત્રાલંકારોની નકલ કરવામાં સેલિબ્રિટીઓથી લઈને સામાન્ય યુવતીઓ પણ ગર્વ અનુભવે છે. તાજેતરમાં તેણે તેના કલરફુલ અને લેયર્ડ ડ્રેસ સાથે કોતરકામ કરેલાં, મોરપિચ્છ રત્નોથી શોભતાં લટકણિયાં પહેરીને બતાવી આપ્યું હતું કે જો તમારા બુટિયાં સિમ્પ્લી બ્યુટીફુલ હોય તો આવા પરિધાનમાં પણ તુરંત નજરે ચડે.
મોટાભાગે સાદગીનું સૌંદર્ય દર્શાવતી અભિનેત્રી ભૂમિ પેડણેકરે થોડાં દિવસ પહેલા ઈયર કફ સાથે જોડાયેલાં ડૂલ ધારણ કરીને નેટિઝનોની આંખો પહોળી કરી દીધી હતી. ૨૦ રૂપિયાના અને ૧૦ રૂપિયાના સિક્કાથી પણ મોટા ઉપર-નીચે જોડાયેલા ઈયર સાથે નીચેની તરફ ડૂલ લટકાવીને બનાવેલાં આ સોનના ઝૂમખાંમાં કુંદનની જેમ જડેલાં રતનો શોભી રહ્યાં હતાં. ભૂમિએ આ નોખી ડિઝાઈનના કાનના અલંકારને ધ્યાનાકર્ષક બનાવવા સાવ હળવો મેકઅપ કર્યો હતો.
આ છે વર્તમાન ઈયર રિંગ્સની કમાલ.
- વૈશાલી ઠક્કર


