mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

અશ્મરી અને આયુર્વેદ .

Updated: Feb 12th, 2024

અશ્મરી અને આયુર્વેદ                                    . 1 - image


- આરોગ્ય સંજીવની

''અશ્મરી''ને આપણે સાદી ભાષામાં ''પથરી'' તરીકે ઓળખીએ છીએ. અતિશય પીડાજાયક આ રોગ વ્યક્તિને મુશ્કેલીભરી પરિસ્થિતિમાં મૂકી દે છે. કીડની કે મૂત્રાશયમાં પથરી હોય તો ઘણીવાર અસહ્ય વેદના કરે છે. સાંપ્રત સમયમાં આ રોગના દર્દીઓની સંખ્યા ઘણી વધી રહી છે. પથરીનાં કારણે ઘણી વખત પેશાબમાં બળતરા, પડખામાં દુઃખાવો, પેશાબનું અટકવું, પાતળી ધારે પેશાબ આવવો અથવા બે ધારમાં વહેંચાઈને પેશાબનું આવવું એવી કાંઈને કાંઈ ફરિયાદ થાય તો સમજવું કે પથરીની તકલીફ હોઈ શકે છે.

ગાયનાં પિતાશયમાં વાયુનાં કારણે સૂકાયેલું પિત્ત જેવી રીતે ''ગોરોચન'' રૂપ બને છે. તેવી જ રીતે મનુષ્યનાં શરીરમાં પણ વાયુ જ્યારે મૂત્રાશયગત પિત કે કફને સુકવી નાખે છે, ત્યારે અશ્મરી, પથરી ઉત્પન્ન થાય છે. આયુર્વેદમાં પથરીનાં ૪ પ્રકાર બતાવ્યાં છે. વાયુથી થનાર પિત્તથી થનાર, કફથી થનાર અને શુક્રથી થનાર પથરી પથરી થવાનાં કારણોની ચર્ચા કરીએ તો, મુખ્યત્વે જે વ્યક્તિઓ ને પેશાબ રોકવાની કુટેવ હોય તેમને મુત્રવેગનાં રોકવાથી પથરી થવાની શક્યતાઓ રહેલી હોય છે. આ ઉપરાંત વધુ કેલ્શિયમયુક્ત ખોરાક આહારમાં લેવાથી પણ પથરી થઈ શકે છે. આ ઉપરાંત વધારે ક્ષારવાળું પાણી, વાતાવરણનું પ્રદુષણ, જંકફુડનું અતિસેવન કોલ્ડડ્રીંકસનો અતિ ઉપયોગ પણ પથરી માટે જવાબદાર છે. આ ઉપરાંત જે વ્યક્તિઓ ઓછું પાણી પીતાં હોય તેમના શરીરમાં ડીહાઈડ્રેશનનાં કારણે પેશાબ ઘાટો તેમજ ક્ષારવાળો થવાથી પણ પથરી થતી જોવા મળતી હોય છે. ઘણીવાર મૂત્રમાં ફોસ્ફેટ અને યુરિક એસિડ વગેરે પદાર્થોની વૃધ્ધિનાં કારણે તેનાં કણ સંચય પામીને અંતે 'પથરી'નું રૂપ ધારણ કરે છે. મોર્ડન સાયન્સમાં આ 'અશ્મરી' 'પથરી' ને 'ર્જાહી' કે 'ીચનબેિેજ' નાં નામે પણ ઓળખવામાં આવે છે. અશ્મરી કે પથરીની પીડા તેના આકાર, સ્થાન અને મૂત્રમાર્ગ તથા મૂત્રાશયની શ્લૈષ્મિક કલા ઉપર આધાર રાખે છે. કદમાં મોટી પથરી કરતાં નાની પથરી અધિક પીડા કરે છે. કારણ કે તે નાની હોવાથી ચારેય બાજુ ફરતી રહે છે, અને જેમ-જેમ તે ફરે તેમ તેમ પીડા અધિક થાય છે. જ્યારે કદમાં મોટી પથરી મૂત્રાશયમાં અધિક ફરી શકતી નથી. એવી જ રીતે ફોસ્ફેટયુક્ત પથરી કરતાં ઓક્ઝેલેટયુક્ત પથરી અધિક કષ્ટદાયક હોય છે. કારણ કે તેમાં પ્રવર્ધન નીકળેલા હોય છે. જેથી પીડામાં વધારો થાય છે. સામાન્ય રીતે બાળક અને યુવાનોની અપેક્ષા ઘરડા માણસોને પથરીની પીડા ઓછી થાય છે. કારણ કે વૃધ્ધોમાં મૂત્રાશયગત શ્લેષ્મકલા કઠણ બની ગયેલ હોવાથી પીડાનોં અનુભવ પણ ઓછો થાય છે.

પથરીથી મૂત્રમાર્ગ અવરોધાતો હોઈ મૂત્ર તૂટેલી ઘારમાં આવે છે. પથરીનાં કારણે વારંવાર પીડા સાથે ટીપે-ટીપે મૂત્ર આવે છે. ઘણીવાર પેશાબની સાથે લોહી પણ આવે છે, અને ખૂબ બળતરા થાય છે. આ સાથે ઘણાં દર્દીઓને ઉલટી-ઉબકા પણ આવે છે.

જો પથરી નાની હોય તો સામાન્ય રીતે દિવસમાં ૨થી ૩ લિટર જેટલું પાણી પીવાથી પેશાબ વાટે તો નીકળી જાય છે. પરંતુ પથરીનું કદ  જો મોટું હોય અથવા તો નીકળી શકે નહીં તેવી સ્થિતિમાં હોય તો પછી ઓપરેશન કરાવવું પડતું હોય છે. કારણ કે યોગ્ય સમયે જો પથરી મૂત્રમાર્ગે બહાર ન નીકળે તો કીડનીને નુકશાન થવાની સંભાવનાં રહેલી હોય છે. પરંતુ આયુર્વેદમાં એવાં કેટલાંક સચોટ અને સરળ ઉપાયો બતાવ્યા છે કે જેનાથી પથરી કદમાં નાની હોય તો તૂટી શકે અને મૂત્રમાર્ગે બહાર પણ આવી જાય છે. જેથી, દર્દી ઓપરેશનનાં ભય અને મોટા ખર્ચાઓમાંથી બચી જાય છે. આવાં કેટલાંક સરળ ઉપચારો અહીં હું સૂચવું છું ને પથરી થઈ હોય તો, નીચેનામાંથી એક કે તેથી વધારે ઉપાય નિષ્ણાંત વૈદ્યની સલાહ સાથે અજમાવી.

(૧) ગાયનાં દૂધની બનેલી પાતળી છાશમાં સિંઘવ નાખી ઉભા-ઉભા દરરોજ સવારે નરણેકોઠે પીવી આ પ્રયોગ ૩ સપ્તાહ સુધી કરવો.

(૨) કળથીનો કવાથ બનાવી કે સૂપ બનાવી તેમાં સુરોખાર મેળવી પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે અને તેની ભયંકર પીડા મટી જાય છે.

(૩) લીંબુનાં રસમાં સિંધવ મેળવી સવારે નરણે કોઠે ઉભા-ઉભા પીવાથી પણ પથરી ઓગળી જવાની શક્યતાઓ વધી જાય છે.

(૪) જુનો ગોળ અને હળદર છાસમાં મેળવીને પીવાથી 'પથરી'માં ખુબ ફાયદો થાય છે.

આ ઉપરાંત આયુર્વેદીક ઔષધોમાં ગોક્ષૂર ચૂર્ણ, વરુણાદિક્વાથ, અશ્મરીહર ક્વાથ વગેરે ઔષધોનું સેવન લાભપ્રદ છે.

પથરીનાં દર્દીએ પથ્યા-પથ્યનું ખુબ ધ્યાન રાખવું કફકારક  આહાર-વિહાર , લીલી ભાજી, સુરણ, દહીં કેલશ્યમ યુક્ત આહાર-વિહાર વગેરે દર્દી માટે અહિતકર છે. જ્યારે પુષ્કળ પાણી, છાશ, મગ, સિંઘમ, કળથી, જય, જુના ચોખા વગેરેનું સેવન આ રોગનાં દર્દીઓ માટે અત્યંત લાભપ્રદ છે અને જેનાં નિયમિત સેવનથી આ રોગની પીડામાંથી અવશ્ય મુક્તિ મળી છે.

- ડૉ. જ્હાન્વીબેન ભટ્ટ

Gujarat