Get The App

અર્શનું સમાધાન આયુર્વેદથી

- આરોગ્ય સંજીવની - જહાનવીબેન ભટ્ટ

Updated: Mar 1st, 2021

GS TEAM


Google News
Google News
અર્શનું સમાધાન આયુર્વેદથી 1 - image


આજે એવા રોગ ઉપર ચર્ચા કરવા જઈ રહ્યાં છીએ કે, જે સમાજમાં ઘણાં બધાં લોકોમાં સહજ રીતે જોવા મળતો હોય છે, અને બરાબર ધ્યાન ન આપવામાં આવે તો, આ રોગનાં નિવારણ માટે ઓપરેશન સુધી દર્દીને જઈ શકવું પડે છે. આ રોગનું નામ છે હરસ-મસા અને ભગંદર કબજિયાત વધારે જે વ્યક્તિઓને સતત રહેતી હોય તેવા દર્દીઓને આ રોગ થવાની સંભાવના સૌથી વધારે રહે છે.

આયુર્વેદમાં આ રોગને 'અર્શ' તરીકે ઓળખવામાં આવે છે. ગુંદામાં ત્રણ વળીઓ આવેલી છે. પ્રવાહણી, વિસર્જની અને સંવરણી. આ ત્રણેય વળીઓની અંદર બારીક શિરાઓનાં જાળાં ફૂલીને વધવાથી જે મસા જેવું થાય છે, તેને જ હરસ-અર્શ કહે છે. આ વ્યાધિ-રોગ ખૂબ જ કષ્ટદાયક હોય છે. આયુર્વેદમાં અર્શના છ પ્રકાર કહેલા છે. (૧) વાતજ (૨) પિત્તજ (૩) કફજ (૪) ત્રિદોષજ (૫) રક્તજ (૬) સહજ.

કાયમી કબજિયાત, સતત કઠણ આસન પર બેસી રહેવાથી, વાયુવર્ધક આહારનું અતિશય સેવન, ખૂબ ગરમ તેમજ ખૂબ ઠંડા પદાર્થોનું સેવન, અતિશય તીખી, તળેલી અને મીઠી ચીજોનું વધુ પડતું સેવન, મેંદાના લોટની વાનગીઓનું વધારે પ્રમાણમાં સેવન વાત, પિત્ત અને કફને કોપાવનાર મિથ્યા આહાર-વિહાર કરવાથી ત્રણેય દોષો કૂપિત થઈ ગુદાની ત્રણ વળીઓમાં ત્વચા, માંસ અને મેદને બગાડીને વિવિધ પ્રકારનાં માંસનાં અંકુરને મસાનાં આકારમાં ઉત્પન્ન કરે છે. ટૂંકમાં જઠરાગ્નિ મંદ પડવાથી અને પાચનક્રિયા બગડવાથી હરસનાં રોગની ઉત્પત્તિ થાય છે.

* આ રોગનાં લક્ષણો:- ની વાત કરીએ તો, મળદ્વારની કિનારી ઉપર ખીલ જેવા કઠીન મસા કદમાં ક્યારેક નાના તેમજ મોટા પણ થાય છે. બેસતી વખતે ખૂબ જ દુઃખાવો થાય છે. મળોત્સર્જન વખતે ભયંકર પીડા થવી, ક્યારેક લોહી પણ નીકળે છે. કબજિયાત રહેવી, કમરમાં, પેંઢુમાં અને પગમાં કળતર થવી, વારંવાર લોહી પડવાથી દર્દીને અશક્તિ જણાય છે. ચહેરો ફીકો પડી જાય છે. મંદાગ્નિ, માથામાં-પડખાઓમાં દરદ થવું, મળ ગંઠાઈને આવે તે વખતે દર્દી બૂમો પાડવા માંડે તેવું દરદ થાય છે. આમ આ હરસ વ્યાધિ ન કહેવાય ન સહેવાય એવી ભારે પીડા આપનાર વ્યાધિ છે.

સારવારઃ- જે કારણથી હરસની ઉત્પતિ થઈ હોય તે કારણ રોકવાનો ઉપાય કરવો જોઈએ. ખોરાક પચે અને ઝાડો નરમ તથા સાફ આવે તે હરસનો સર્વથી અગત્યનો ઉપાય છે. હરસને દૂર કરવા માટે ઔષધ, ક્ષાર, અગ્નિ અને શસ્ત્રકર્મ આ ચાર ઉપાયો બતાવ્યા છે.

- ઔષધોમાં અર્શકુઠાર રસની ૨-૨ ગોળી બે વખત પાણી સાથે લેવી. આ ઉપરાંત આરોગ્યવર્ધિની વટી, અભયાદિ કવાથ, વિજયચૂર્ણ, લઘુવસંતમાલતી, કુટજાવલેહ વગેરેનું આયુર્વેદ નિષ્ણાંત વૈધની સલાહ મુજબ સેવન કરવું.

- હરસમાંથી લોહી પડતું હોય તો વૈદકીય સલાહ મુજબ શોણીતાર્ગલરસ, બોલલધ્ધ રસ, ચંદ્રકલારસ, અકીકપિષ્ટી, પ્રવાલપિષ્ટી વગેરેનું વિધિવત્ સેવન કરવાથી હરસમાંથી લોહી પડતું બંધ થાય છે.

- હરસ માટે છાસનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તાજી-ઘાટી છાશમાં મીઠું કે સિંધાલૂણ નાંખીને તે ખોરાકની સાથે લેવી જેનાથી વાયુ તથા મળની વ્યવસ્થિત ગતિ થાય છે અને બળ વર્ણ તથા અગ્નિ વધે છે.

- સમજપૂર્વક કરવામાં આવતું સુરણનું સેવન હરસ રોગને મટાડે છે. સુરણનું શાક, સુરણની પુરી, લઘુસુરણમોદક, બૃહનસુરણમોદક વગેરેનું સેવન કરવું.

સુરણમાં હરસને મટાડવાનો મહાન ગુણ છે. સુરણનું બીજું નામ અર્શોદન છે. એટલે સુરણમાં રહેલાં તત્ત્વો હરસને નાબુદ કરવાનો મોટો ગુણ ધરાવે છે. હરસના દર્દીએ એકલું સુરણ ઘી અથવા તેલમાં પાણી વિના પકવી માત્ર સુરણ ઉપર જ રહેવામાં આવે તેની સાથે દહીંની મોળી છાશનો ઉપયોગ કરી નવ દિવસ સુધી પાણી અને સુરણ સિવાય બીજો કોઈ ખોરાક લેવામાં ન આવે તો ગમે તેવા હરસમાં પણ ફાયદો થાય છે. 

સુરણ ઘી કે તેલમાં ધીમી આંચે, વરાળ ના જાય એવું ઢાંકણું ઢાંકી ચઢાવવાથી જલ્દી ચઢી જઈ મખમલ જેવું બને છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું-જીરૂં નાખી શકાય. સુરણને પાણીથી ચઢાવવામાં આવે તો તે ખાવામાં ભારે થાય છે, અને પચતું નથી. આથી ઘી કે તેલમાં તૈયાર કરીને સુરણનો ઉપયોગ કરવો.

- જે મસા-હરસમાંથી લોહી પડતું હોય તો તેને અટકાવવા નાગકેસરનું ચૂર્ણ, હરડે તથા સાકર સાથે માખણમાં આપવાથી સારો ફાયદો થાય છે. મળવિસર્જન સમયે મળ વધારે પડતો સૂકો-કઠણ આવે અને વધારે પડતું બળ કરવું પડે તેને કારણે લાંબે ગાળે ચીરા પડે છે અને મસા પણ થઈ શકે છે. આથી કબજિયાત ન થાય એવા ઉપાયો યોજવા જોઈએ. પુષ્કળ પાણી પીવું અને પેટ સાફ આવે એ માટે રાત્રે ઈસબગુલ, ત્રિફલાચૂર્ણ, અથવા હરડે કોઈ પણ એક લેવું. ગરમ પાણીનાં ટબમાં બેસી શેક કરવો જેનાથી દુઃખાવામાં રાહત થાય છે.

હરસમાં હરડેનું સેવન પણ ફાયદાકારક છે. દસ્તને તે સાફ લાવે છે. હરડેનું ચૂર્ણ જૂના ગોળ સાથે લેવું. હરસનાં રોગીને દહીંની મોળી છાશ અને સુરણનું શાક પરમ ઉપકારક છે. હલકું ભોજન, દૂધ, ચોખા-ઘી, તુરીયાનું શાક, માખણ, આમળા અને અગ્નિ પ્રદીપ્ત થાય એવો લઘુ - આહાર હિતકારી છે.

હરસનાં દર્દીને હરસનાં દુઃખાવામાં રાહત માટે કબજીયાતથી દૂર રહેવું. ગરમ તથા દાહ કરનાર ખોરાક ન લેવો. લાલ મરચાં, રાઈ, બાજરી, ગવાર, રીંગણ, ભારે અનાજ, અડદ, અતિશય શ્રમ, મેંદાની વસ્તુઓ, ઉભડક બેસવું, મિથ્યા આહાર-વિહાર, આ સર્વે હરસનાં દર્દી માટે અહિતકારી છે.

હરસનાં દર્દીને દુઃખાવામાં રાહત માટે કરજનાં પાનની લુગદી બનાવીને નવશેકી લુગદી મુકવાથી ફાયદો થાય છે.

આમ, સમજપૂર્વક થયેલો આહાર અને ઔષધનો ઉપયોગ આ રોગમાંથી કાયમી મુક્તિ અપાવે છે તેમાં બે મત નથી.

Tags :