Get The App

એરેન્જ્ડ મેરેજ : તમારા ભાવિ જીવનસાથીને બરાબર પારખો નહીં તો આકાશ ભરાય એટલો પસ્તાવો થશે

Updated: May 25th, 2026

GS TEAM

Google News
Google News
એરેન્જ્ડ મેરેજ :  તમારા ભાવિ જીવનસાથીને બરાબર પારખો નહીં તો આકાશ ભરાય એટલો પસ્તાવો થશે 1 - image

- ઘણાં યુવકો તેમનું ભણતર, નોકરી -વ્યવસાય, આવક, સ્વભાવ,દેખાવ, વ્યસન વગેરેની ખોટી માહિતી આપે છે : સામા પક્ષે યુવતી પણ તેના ભૂતકાળ વિશે ગેરમાર્ગે દોરે છે : પરિણામે લગ્ન બાદ એકબીજાંને વિશ્વાસઘાત થયો હોવાનો આઘાત લાગે છે

ભારતીય સંસ્કૃતિમાં  લગ્નજીવનનું પરમ પવિત્ર મહત્વ છે. સનાતન સંસ્કૃતિમાં તો પતિ પત્નીના યુગલ  શિવ -પાર્વતી, લક્ષ્મી-વિષ્ણુના દૈવી સ્વરૂપ સાથે સરખાવવામાં  આવે છે.  હિન્દુ  ધર્મમાં   લગ્નની વેદિક  વિધિ દરમિયાન  પતિ -પત્ની બંને અગ્નિ દેવની સાક્ષીએ ચાર ફેરા ફરીને લગનજીવનના પવિત્ર બંધનનો સ્વીકાર કરે છે. સાથોસાથ વર -કન્યા બંને   પતિ -પત્નીના યુગલ સ્વરૂપમાં અમુક વચનપાલનની પ્રતિજ્ઞાા પણ લે છે. પતિ પત્ની બંને એકબીજાંને આદર -સન્માન આપશે. પરિવારના  મહત્વના નિર્ણય પતિ પત્ની બંને સાથે મળીને કરશે.  

બીજીબાજુ આજના આધુનિક યુગનાં યુવક -યુવતીઓ વધુ ભણેલાં અને વધુ જાગૃત હોય છે. ખાસ કરીને પોતાના અંગત સંબંધો  અને  મહત્વના નિર્ણયો વિશે બહુ સજાગ હોય છે. પરિવારમાં દીકરા -દીકરીનાં લગ્ન વિશે  ચર્ચા થાય   ત્યારે ઘણાં પાસાં ધ્યાનમમાં લેવાય છે.  ભારતમાં  ઘરનાં  પુત્ર કે   પુત્રી  માતા પિતાના , દાદા-દાદીના આશીર્વાદ દ્વારા થતા લગ્ન(જેને એરેન્જ  મેરેજ કહેવાય છે) ને વધુ પસંદ કરે છે. બે કુટુંબના રાજીપા, આદર -સન્માન, સામાજિક  જવાબદારી  સાથે શરૂ થયેલા લગ્નથી દીકરા -દીકરીને વધુ વિશ્વાસ અને સંતોષ હોય છે. 

જોકે સમયના પ્રવાહ સાથે આજનાં યુવક - યુવતીઓ  તેમના ભાવિ લગ્ન વિશે ઘણાં સભાન થઇ ગયાં છે. અમુક  કિસ્સામાં યુવકે પોતાના ભણતર, નોકરી, આવક વગેરે  બાબતો વિશે  સામેના પરિવારને અને યુવતીને ખોટી માહિતી આપી હોય છે. યુવકે    પોતાના  કુટુંબ,  શિક્ષણ, નોકરી, આવક વગેરે વિશે  બહુ મોટી અને આકર્ષક વાતો  કહી હોય છે.  ખરેખર તો  યુવક બહુ ભણેલો નથી હોતો.આછી પાતળી નોકરી કરતો હોય છે. તેના ઘરની આર્થિક પરિસ્થિતિ પણ પ્રમાણમાં નબળી હોય છે. આવા જ કિસ્સા યુવતી અને તેના કુટુંબ વિશે પણ થતા હોય છે. યુવતીનો ઉગ્ર સ્વભાવ, લગ્ન પહેલાંના પ્રેમ સંબંધ વગેરે બાબતોની જાણ થાય ત્યારે પતિને અને તેનાં માવતરને ઘેરો આઘાત લાગે છે. 

આવા સંજોગોમાં નવી વહુ બનેલી પેલી યુવતીને જબરો આઘાત લાગે છે.  પતિએ  પોતાની સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું માને છે. તો પતિને પણ પત્નીએ છૂપાવેલી બાબતોથી ભારે નારાજી થાય છે. આવા નાજુક સંજોગોમાં લગ્ન જીવન નામની નૈયા હાલકડોકલ થાય છે. પરિણામે એ આવે છે કે કાં તો બંનેના છૂટાછેડા થઇ જાય છે અથવા તો એકબીજાંની ખરા હૃદયથી માફી માગીને નવી જિંદગી શરૂ કરવાનું વચન આપે છે. 

આવી  ચિંતાજનક  અને આઘાતજનક પરિસ્થિતિ ન સર્જાય અને દીકરા -દીકરીનું લગ્નજીવન સુખરૂપ અને લીલુંછમ રહે તેની આગોતરી કાળજી લેવી જરૂરી છે. 

એટલે જ લગ્નનો અતિ મહત્વનો નિર્ણય લેતાં પહેલાં યુવક - યુવતીએ બંનેએ એકબીજાનાં  પરિવાર, શિક્ષણ, નોકરી, આવક,  કોઇ રોગ કે બીમારી,  શોખ,  મિત્ર વર્તુળ,  વ્યસન -- આદતથી લઇને એકબીજાં પ્રત્યેની અપેક્ષા, સંતાન પ્રાપ્તિ  વગેરે પાસાંની સાવ સાચુકલી માહિતી મેળવવી જરૂરી છે. 

 હ ભણતર  કેટલું  છે  ?  પૈસે ટકે  સુખી  છે?   લગ્ન પહેલાં યુવક -યુવતીએ એકબીજાનાં ભણતર વિશે સાચી માહિતી મેળવવી જરૂરી છે. ઘણા કિસ્સામાં યુવક - યુવતી બંનેએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોય છે. સાથોસાથ બંને નોકરી પણ કરતાં હોય છે.  અમુક કિસ્સામાં યુવક તેના શિક્ષણની અને આવકની ખોટી માહિતી આપે છે. લગ્ન બાદ યુવતીને સાચી માહિતી મળે છે ત્યારે તેને ઘેરો આઘાત લાગે છે. વિશ્વાસઘાત થયો હોવાથી ભારે રોષ થાય છે.  અમુક  કિસ્સામાં  યુવતી વધુ ભણેલી હોય જ્યારે યુવકનું શિક્ષણ ઓછું હોય પણ  વેપારી હોવાથી  પૈસાદાર હોય.  આવા કિસ્સામાં યુવતી  માટે  ભણતર બહુ મહત્વનું  હોવાથી  તે  પેલા યુવક સાથે લગ્ન કરવાની ના પણ કહે.

લગ્નજીવન તો જીવનભરનું હોવાથી ભાવિ પતિની આવક કે આર્થિક સ્થિતિ પણ મહત્વની બની રહે. પતિની આવક સારી હોય તો ભવિષ્યની ઘણી જરૂરિયાતો સારી અને સરળ રીત પૂરી થઇ શકે. યુવક -યુવતી બંને નોકરી કરતાં હોય તો બંનેની આવકની વ્યવસ્થા કઇ રીતે કરવી  તેની ચર્ચા  અને નિર્ણય  પણ મહત્વનાં  ગણાય. પતિની  કમાણીથી ઘરનું સંચાલન થાય જ્યારે  પત્નીની  આવકની બચત કર ી શકાય.  લગ્ન બાદ યુવકનાં માતાપિતા, ભાઇ, બહેન વગેરેનું પણ પૂરતું ધ્યાન રાખવું જરૂરી ગણાય. 

અમુક કિસ્સામાં યુવકના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે. કુટુંબ પર દેવું થઇ ગયું હોય છે. આમ છતાં યુવક  આ માહિતી પેલી યુવતીથી છૂપાવે તો લગ્ન બાદ પત્નીને કરજનો બોજો ઓછો કરવા  નોકરી કે કોઇ વ્યવસાય કરવી પડે છે. જોકે યુવતી માટે તો આ બાબત વિશ્વાસઘાત જેવી બની રહે છે.સમય જતાં યુવતી તેના પતિથી છૂટાછેડા પણ લઇ શકે છે. 

હ રોગ કે બીમારી વિશેની માહિતી : ભારતીય પરંપરામાં લગ્ન પહેલાં વર -કન્યાની જન્મ કુંડળીમાંના ગ્રહો  એકબીજા માટે  કેટલા  સાનુકુળ છે, કેટલા ગુણ મળે છે તેનો આગ્રહ રાખવામાં આવે છે.  જોકે  આજના આધુનિક યુગમાં તો જન્મ કુંડળીને બદલે વર -કન્યાની તબીબી કુંડળી મેળવવાની નવી  અને ઉપયોગી પરંપરા શરૂ થઇ છે. સરળ રીતે સમજીએ તો ભાવિ પતિએ   તેની  ડાયાબિટીસ, હાઇ બ્લડપ્રેશર, મગજની બીમારી વગેરેની માહિતી છૂપાવી હોય તો લગ્ન બાદ પત્નીને ઘણું સહન કરવું પડે. 

આ   જ રીતે કન્યાને  કદાચ પણ કોઇ  બીમારી હોય તો લગ્ન બાદ  ઘણી  સમસ્યા સર્જાઇ શકે છે. સાથોસાથ,   તે રોગની અસર ભાવિ સંતાનોને  પણ થવાનું  જોખમ રહે. કહેવાનો અર્થ એ છે કે દરેક  માતાપિતાએ  અને વર -કન્યાએ  લગ્ન  પહેલાં એકબીજાનાં આરોગ્ય વિશે પૂરતી  અને સાચી માહિતી મેળવવી જરૂરી છે. 

હ વ્યસન, કુટેવ,   ક્રોધી સ્વભાવ  : કેટલાક યુવકોને શરાબ,તમાકુ, કેફી દ્રવ્યોની લત હોય છે. વળી, પોતાના ભાઇબંધો   સાથે કોઇ પર્યટન સ્થળ પર જઇને નાચગાન, શરાબ પાટી કરવાનો પણ  જબરો ચસકો હોય છે. તો કેટલાક છોકરાનો સ્વભાવ પણ ભારે ક્રોધી હોય છે. નાની નાની વાતમાં ઉશ્કરાઇ જઇને ગેર વર્તન કરે. જ્યારે કેટલીક છોકરીઓ પણ જબરી શંકાશીલ કે ગુસ્સાવાળી હોય છે. હવે આવાં લક્ષણોવાળાં છોકરા- છોકરીનાં કદાચ પણ લગ્ન થઇ  જાય તો પરિણામ શું આવે તે સમજી શકાય તેમ છે.   

હવે યુવકની આ બધી કુટેવ  લગ્ન બાદ પણ ચાલુ રહે તો પેલી યુવતીનું જીવન તો ઝેર જેવું થઇ જાય. તો  વળી, અમુક છોકરીઓને પણ તેના શાળા-કોલેજના મિત્ર વર્તુળ સાથે મોજ મસ્તી કરવાની આદત હોય  છે. 

હવે લગ્ન બાદ પણ બંને પક્ષે આવો  મોજશોખ કે કુટેવ ચાલુ રહે તો અંગત લગ્ન જીવનમાં અને પરિવારમાં ગંભીર સમસ્યા સર્જાઇ શકે. ભવિષ્યમાં બાળકોના સંસ્કાર પર પણ ખરાબ અસર પડે. 

 કહેવાનો અર્થ એ છે ક લગ્નના ફેરા ફરતાં પહેલાં વર -કન્યા બંનેએ આ મુદ્દા વિશે સ્પષ્ટતા કરવી જરૂરી છે. 

હ પારિવારિક સંસ્કાર : જીવનનો ધ્યેય :  માતાપિતાને હંમેશાં વ્હાલના દરિયા જેવી દીકરી પ્રત્યે બેહદ સંવેદના હોય   છે. પુત્રીને ઉજળા સંસ્કાર,  જીવન ઉપયોગી શિક્ષણ આપે છે.  સમય જતાં દીકરીના લગ્ન પહેલાં સામા પરિવારના દીકરાના  સંસ્કાર અને    તેના જીવનના ધ્યેય વિશે પણ ચર્ચા અને નિર્ણય જરૂરી  ગણાય. આજના સાયન્સ -- ટેકનોલોજીના  યુગમાં યુવતીઓ ઉચ્ચ શિક્ષણ   લે છે. પ્રોફસર, ડોક્ટર, વકીલ, કલેક્ટર,  વિજ્ઞાાનીથી લઇને  ન્યાયતંત્ર અને  લશ્કરમાં ઉચ્ચ  અધિકારી પણ બને છે. 

સામા પક્ષે   યુવકને પણ તેની ભાવિ પત્ની તરફથી આશા -અપેક્ષા હોય છે. લગ્ન બાદ તો યુવતીએ પત્ની તરીકે પોતાની અને   કુટુંબની અમુક અપેક્ષા પૂરી કરવાની હોય છે.   સાથોસાથ, પોતાના જીવનનો ચોક્કસ ધ્યેય પણ હોય છે. એટલે યુવતી  અને યુવક  એકબીજાં  પાસે પણ અપેક્ષા રાખે તે સ્વાભાવિક છે.    યુવકને    સાહિત્ય, સંગીત,   નૃત્ય જેવી   કલાનો શોખ  ચ છે  ?   યુવક પોતાના જીવનમાં કોઇ સર્જનાત્મક, સમાજ ઉપયોગી, કુટુંબ ઉપયોગી કાર્ય કરવા ઇચ્છે છે કે   કેમ ? અથવા તો યુવતીને સંગીતનો, નૃત્યનો, અંતરિક્ષ સંશોધનનો શોખ હોય કે પ્રતિભા હોય તો લગ્ન બાદ પણ તેને આ ક્ષેત્રમાં આગળ વધવાની ઇચ્છા રાખે તે સ્વાભાવિક છે. કહેવાનો અર્થ એ છે કે યુવક -યુવતીએ લગ્ન પહેલાં આ બધાં પાસાં વિશે સ્પષ્ટતા કરવી જરૂરી છે.

હ કુટુંબ નિયોજન : આજના ચંદ્ર યુગમાં તો દરેક દંપતિ પોતાનો પરિવાર નાનો અને  સુખી હોવાનું ઇચ્છે  છે. લગ્નના તબક્કે વર -કન્યાની ઉંમર લગભગ ૨૪ -૨૫ વર્ષની હોય છે. હવે લગ્ન બાદ બહુ ઓછા  સમયમાં જ સંતાન થાય ત્યારે પત્નીની વય પણ ઓછી જ હોય. આવા સંજોગોમાં બાળકના ઉછેરમાં  નાની ઉંમરની પત્નીની જબરી કસોટી  થાય. એટલે જ લગ્ન પહેલાં કુટુંબ નિયોજન વિશે પણ એકબીજાં સાથે મુક્ત મને વાત કરવી હિતાવહ  છે.

કુટુંબ  નાનું એટલે કે પતિ -પત્ની, દીકરો -દીકરી એમ ચાર સભ્યો હોય તો બધી જરૂરિયાતનું અને જવાબદારીનું   આયોજન વ્યવસ્થિત રીતે થઇ શકે. વળી, મોટાભાગનાં દંપતિ લગ્નનાં પહેલાં ચાર -પાંચ વર્ષ સુધી સંતાન નથી ઇચ્છતાં. તેઓ  તેમના   ક્ષેત્રમાં સ્થિર અને સલામત થઇ જવા ઇચ્છે  છે. પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવા ઇચ્છે  છે. 

હ મેટ્રિમોનિયલ સાઇટ્સ પર નિર્ણય લેતાં પહેલાં વિચારો : આજના આધુનિક ઓન લાઇન સર્વિસની જબરી બોલબાલા છે.આ જ  રીતે લગ્ન માટે પણ જુદી જુદી મેટ્રિમોનિયલ સાઇટ્સ પર યુવક -યુવતીઓની ભરપૂર માહિતી હોય છે.  ઘણાં  કુટુંબો તેમનાં દીકરા -દીકરીના લગ્ન માટે આવી મેટ્રિમોનિયલ સાઇટ્સ  દ્વારા માહિતી મેળવતાં હોય છે. 

જોકે  અમુક મેટ્રિમોનિયલ સાઇટ્સ સાવ જ ખોટી અને ગેરમાર્ગે દોરનારી હોય છે. તો વળી, ઘણા યુવકો આવી   સાઇટ્સ પર પોતાના પરિવારની, ભણતરની, આવકની, ઉંમરની, દેખાવની , છૂટાછેડા  વગેરેની સાવ જ   ખોટી  વિગતો રજૂ કરતા હોય છે.   તો યુવતીઓ પણ અભ્યાસ, શોખ, આવડત, છૂટાછેડા અને સંતાન વગેરેની  માહિતી   છૂપાવતી હોય છે.  હવે  કોઇ  પરિવાર કે યુવક -યુવતી  કદાચ પણ  આવી મેટ્રિમોનિયલ સાઇટ્સ પર ભરોસો કરીને જીવનસાથીની પસંદગી કરે તો પહાડ જેવડી ભૂલ થઇ જાય. 

લગ્ન જીવન  પતિ -પત્નીનીપરમ પવિત્ર પ્રેમ યાત્રા છે. સાત પગલાંનું  સખ્ય  છે. આજીવન સાથે   રહેવાનો - જીવવાનો વિશ્વાસ છે. પતિ પત્ની એકબીજાંનાં જીવનસાથી છે. એટલે જ  જીવનસાથી માટેનો આ વિશ્વાસ અખંડ રહે તે જરૂરી છે. 

- જગદીશચંદ્ર  ભટ્ટ