- આરોગ્ય સંજીવની
જ્યારે પણ ખભામાં વાયુ ભરાઈને બ્લોક થઈ જાય છે, ત્યારે ખભો આપો-આપ થોડી-થોડી વારે ઊંચક્યા કરે છે, અને તેથી ખભો અને સાથે આખો હાથ ખેંચયા કરતો હોય એવું લાગે છે. આવું થાય ત્યારે માણસનું સમગ્ર ધ્યાન સતત ત્યાં જ રહે છે. ખભા અને હાથની નસો ખેંચાઈને દુ:ખવા માંડે છે. કેટલીક વાર આ ખેંચાણ છેક છાતીની નસો અને મસલ્સ સુધી પણ થતું જોવા મળે છે. ઘણીવાર તો છાતીમાં પણ દુ:ખાવો થાય છે આને રોગને આયુર્વેદમાં 'અવબાહુક' તરીકે ઓળખવામાં આવે છે. જેમ-જેમ ઉંમર વધતી જાય છે. તેમ તેમ શરીરમાં થતાં ઘણાં બધાં ફેરફારો પૈકીનું એક કારણ 'અવબાહુક' માનવામાં આવે છે.
ખૂબ જ સરળ ભાષામાં સમજાવવું હોય તો કહી શકાય કે, પ્રકુપિત વાયુ ખભાની અંસસાંધેમાં ભરાઈ જાય છે. વળી કફનું સ્થાન પણ સંધિઓ હોવાથી કફ અંસસંધિમાં પણ રહેલો હોય છે. જેથી 'અવબાહુક' રોગમાં વાત અને કફ બંને દોષો રહેલાં છે. આયુર્વેદમાં દર્શાવેલ 'વિશ્વાયી' નામનાં રોગમાં પણ હાથની પેશીઓ ખેંચાય છે. પરંતુ 'અવબાહુક' અને 'વિશ્વાયી' માં ઘણો જ ફરક છે. 'વિશ્વાયી' રોગ માત્ર વાતજન્ય હોય છે. અને તેમાં પીડા અંગુલિતલથી ઉપરની તરફ જાય છે. અને અગ્રબાહુ સુધી આ પીડા સીમિત રહે છે જ્યારે આથી વિપરીત અવબાહુકમાં વાત અને કફ બંને દોષો રહેલાં છે અને પીડા ખભાના મૂળ અંસસંધિથી શરૂ થઈને અધોગામી હોય છે તથા સંપૂર્ણ હાથ પર આ પીડા પ્રભાવ પાડે છે.
આધુનિક દ્રષ્ટિએ - Paralysis of The Brachiar Plexus થી અવબાહુકનું સામ્ય જોવા મળે છે.
અવબાહુક થવાનાં કારણો જોઈએ તો ગ્રીવા કે ડોક પર વાગવું, અક્ષકાસ્થિ કોઈ પણ કારણોસર તૂટલું અંસસંધિ વિશ્લેષ કે કાયરેક ખભાનાં મૂળમાં અર્બુદ કે ગાંઠ થયેલ હોય તો તેનાં દબાણથી ઉક્ત નાડીમલ પર આઘાતને કારણે પણ આ રોગની ઉત્પત્તિ થતી માનવામાં આવે છે.
આ રોગમાં ખભાનાં મૂળ પાસેથી માંસપેશીઓની ક્રિયા ખૂબ ઘટવા લાગે છે. જેથી, હાથનાં હલન-ચલનની ક્રિયામાં ખૂબ તકલીફ ઊભી થાય છે. ઘણી વખત હાથ સીધો કરવામાં કે હાથને પાછળની તરફ લઈ જવામાં પણ ખૂબ કષ્ટ અનુભવાય છે. ઘણી વખત હાથને માથા તરફ ઊંચો લઈ જઈ શકાતો નથી અને ખભાથી હાથ જાણે જકડાઈ ગયો હોય એવો અનુભવ થાય છે. આ ઉપરાંત ઘરનાં નાનાં-મોટાં કાર્યો જેવાં કે, રોટલી વણવી, કપડાં સુકવવા, માથું ઓળવું આવા સામાન્ય કામો કરવામાં પણ ખૂબ જ કષ્ટતા અનુભવાય છે. કેટલીકવાર દર્દીને ખભાના મૂળમાં ખૂબ તકલીફ અનુભવાતી હોઈ તે પડખું ફરીને સૂઈ પણ શકતો નથી. તેણે બીજા પડખે કે પછી ચત્તા જ સૂવું પડે છે. ઘણી વખત દર્દીને નાની અમથી વસ્તુ ઉચકવામાં પણ અસમર્થતા લાગે છે.
અવબાહુક રોગ માટે આયુર્વેદમાં ઘણાં જ ઉપચારો બતાવવામાં આવ્યા છે જે વિશે ચર્ચા કરીએ તો,
- કપૂરકાચલીનું ચૂર્ણ બનાવી પાણી સાથે ખૂબ લસોટવું. પછી તેની ચણા જેવડી ગોળીઓ બનાવી સૂકવી લેવી. આ ગોળી એક-એક સવાર-સાંજ લેવી. જો ખભાનું ખેંચાણ કે પીડા ખૂબ વધારે હોય તો વૈદ્યની સલાહ મુજબ તે વધારી પણ શકાય છે.
આ ઉપરાંત મહારાસ્નાદી ક્વાથમાં ૧ ચમચી કેસ્ટર ઓઈલ મેળવીને દર્દીને આપવું અભિયાંતર ઔષધોપચાર વૈદ્યની સલાહ મુજબ જ કરવો. અભ્યંતર ઔષધોપચારમાં બૃહદવલચિંતામણી, યોગેન્દ્ર રસ, એકાંગવીર રસ જેવા ઔષધો નિષ્ણાતની સલાહ મુજબ આપી શકાય છે.
આ ઉપરાંત સિંહનાદ ગુગળ અને યોગરાજ ગુગળ પણ અવબાહુકમાં સારું પરિણામ આપે છે.
'અવબાહુક'માં સરળ કસરતો, યોગના આસનો કે હાથ અને ખભાની ફિઝીયોથેરાપી પણ આ રોગમાં સારું પરિણામ ખૂબ જ મદદરૂપ બને છે.
આ ઉપરાંત બીજો એક ઉપાય સૂચવું છું. રાત્રે ૧ તોલો મેથી ૧ કપ પાણીમાં પલાળવી સવારે તેમાં ૨ થી ૩ ગ્રામ સૂંઠ અને ૧૦ ગ્રામ ગોળ નાખી ઉકાળવી. મેથી બરાબર બફાઈ જાય પછી ઉતારી, ગાળી, નવશેકી ગરમ-ગરમ હોય ત્યારે તેનો ઉકાળો પીવાથી શરીરનો બધો જ આમ ઝાડા વાટે નીકળી જશે અને પકડાઈ ગયેલ હાથ એકદમ છૂટો થઈ જશે. અવબાહુક રોગમાં દર્દીએ ખોરાકમાં મગ, ભાત, ખીચડી જેવો સાદો ખોરાક જ લેવો. લસણ, આદુ વગેરેનું સેવન લાભદાયી છે.
યોગ્ય ઔષધ અને આહારની સાવધાની આ રોગમાંથી ચોક્કસ મુક્તિ અપાવે છે.
- જહાનવીબેન ભટ્ટ


