Get The App

વજન ઘટાડવા ભોજનમાં માત્ર સલાડ લો છો? તો ચેતી જજો .

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
વજન ઘટાડવા ભોજનમાં માત્ર સલાડ લો છો? તો ચેતી જજો            . 1 - image


શરીર પર ચરબીના થર જામી જાય તોય મહિલાઓના પેટનું પાણીય ન હલે એ સમય વિતી ગયો. આજની તારીખમાં માત્ર જુવાનજોધ કન્યાઓ કે યુવતીઓ જ નહીં, પ્રૌઢાઓ સુધ્ધાં પોતાના ફિગર પ્રત્યે જાગૃત બની છે. તેને માટે તેઓ આહારમાં કડક પરેજી પાળવા પણ તૈયાર હોય છે. જીભના ચટાકાને કોરણે મૂકીને માત્ર સલાડ ખાઈને દિવસો કાઢી નાખે છે. પરંતુ આહાર નિષ્ણાતો આવા કોઈપણ પ્રકારના ડાયટિંગ સામે લાલ બત્તી ધરે છે. તેઓ કહે છે કે આહાર નિયોજન સમજીવિચારીને, યોગ્ય રીતે કરવું રહ્યું. ક્રેશ ડાયટિંગ તમારા શરીરને અનેક રીતે હાનિ પહોંચાડે છે. જ્યારે તમે વજન ઘટાડવા ડાયટિંગ કરી રહ્યાં હો ત્યારે તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે એવું આહાર નિયોજન કરવું જોઈએ. તેમાં ચોક્કસ પ્રકારના ભોજન સાથે સલાડ લેવું સલાહભર્યું ગણાય, દિવસભરમાં ફળો લેવા પણ યોગ્ય લેખાય. પરંતુ ભોજનમાં માત્ર અને માત્ર સલાડ લેવું બિલકુલ સલાહભર્યું નથી. વળી તમે સલાડમાં શું શું લો છો તે પણ અગત્યનું છે.

પોષણક્ષમ સલાડ શી રીતે બનાવવું તેની જાણકારી આપતાં આહાર નિષ્ણાતો કહે છે..,

* જો તમે વજન ઘટાડવા ચોક્કસ પ્રકારનો આહાર લેવા માગતા હો તો તમારા ભોજનમાં સલાડ અચૂક લો. ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકભાજી સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ બની રહેશે.

* સલાડમાં કેલરી હોય છે એ વાત સર્વવિદિત છે. પરંતુ તમારા રોજિંદા આહારમાં પોષક તત્વોથી ભરપૂર સલાડ પર પસંદગી ઉતારો. તમે વજન ઓછું કરવા ફક્ત સલાડ પર રહો તો વજન ચોક્કસપણે ઘટશે. પણ તમારો ચહેરો સાવ ફિક્કો પડી જશે.

* તમારા સલાડમાં પાલક અચૂક સામેલ કરો. તેમાં કેલરી ઓછી હોય છે, પણ પોષક તત્વો પ્રચૂર પ્રમાણમાં હોય છે.

* આઇસબર્ગ લેટયૂસ લેવાનું ટાળો.

* જો તમારા આહારમાં મુખ્યત્વે સલાડ હોય તો બેથી ત્રણ કપ જેટલાં ગ્રીન સલાડ લો. પરંતુ જો સલાડ સાઇડ ડિશ હોય તો એક કપ ગ્રીન સલાડ પૂરતું થઈ રહેશે.

* તમારા સલાડમાં કાલે લેટયૂસ અચૂક સામેલ કરો. તેમાં પ્રચૂર પ્રમાણમાં વિટામીન 'એ', 'સી', 'કે' અને એન્ટિઑક્સિડન્ટ્સ હોય છે. તેમાં કેલ્શિયમ અને ફાઇબર હોવાથી ડાયટિંગ દરમિયાન હાડકાં નબળાં પડતાં અટકે છે, સાથે સાથે પેટ ભરેલું હોવાની અનુભૂતિ થાય છે. જોકે તેમાં પણ પ્રમાણભાન જાળવવું જરૂરી છે. આનું કારણ એ છે કે વધારે પડતું વિટામીન 'કે' રક્તમાં ગાંઠા પેદા કરે છે.

સલાડને સંતોષકારક ભોજનમાં શી રીતે તબદીલ કરી શકાય તેની સમજ આપતાં આહાર નિષ્ણાતો કહે છે..,

* માત્ર પાંદડાવાળા શાકભાજી તેમ જ ગ્રીન સલાડ ખાવાથી પેટ નથી ભરાતું. ભોજન પછી સંતોષનો ઓડકાર લેવા સલાડ પર ગ્રિલ્ડ કૉટેજ ચીઝનું ટૉપિંગ કરો.

* ઝીણાં સમારેલા ગાજર, બ્રોકોલી, ટામેટાં, એવૉકેડો સાથે ફણગાવેલા મગ, મઠ, ચણા ઇત્યાદિ નાખી શકાય. ફણગાવેલાં કઠોળ તમારા શરીરમાં પ્રોટીનની આપૂર્તિ પણ કરશે અને સલાડ સાથે તેનું સેવન કરવાથી પેટ પણ ભરાશે.

* સલાડ પરનું ટોપિંગ અવારનવાર બદલતા રહો. જેથી એક જ પ્રકારનું સલાડ ખાઈને કંટાળી ન જવાય.

તેના સિવાય રોજિંદા ભોજનમાં એકાદ રોટલી થોડો ભાત ખાતા હો તો એકાંતરે રોટલીના સ્થાને બાજરા-જુવાન-નાચણીના રોટલા જ્યારે ભાતના સ્થાને સામો લઈ શકાય. તમે ચાહો તો બ્રાઉન રાઇસ પણ લઈ શકો.

રોજિંદા આહારમાં રોટલી અને ભાતનું પ્રમાણ ઘટાડીને તેના સ્થાને દાળ-શાક વધુ લેવાથી તેમ જ ચોક્કસ માત્રામાં ગ્રીન સલાડ લેવાથી વજન ભલે સહેજ ધીમી ગતિએ ઘટે, પણ શરીરમાં પોષક તત્વો જળવાઈ રહેવાથી રોગપ્રતિકારક શક્તિ પણ જળવાઈ રહે છે. વજન ઘટાડવાનો શ્રેષ્ઠ ઉપાય એ પણ છે કે ભરપેટ ન જમવું. પેટ ભરાય તેનાથી બે-ત્રણ કોળિયા ઓછા ખાવા.

- વૈશાલી ઠક્કર

Tags :