Get The App

ડિજીટલ યુગમાં 'નેટિકેટ્સ'થી તમે અવગત છો ને...? .

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
ડિજીટલ યુગમાં 'નેટિકેટ્સ'થી તમે અવગત છો ને...?                           . 1 - image

ડિજીટલાઈઝેશનની સાથે જ પૃથ્વી નાનકડું વર્તુળ બની ગઈ છે અને સ્માર્ટફોન, લેપટોપ, કોમ્પ્યુટર જેવા ઉપકરણોથી દેશોનું અંતર પણ ઘટયું છે પરંતુ આ આધુનિકિકરણની સાથે જ આપણા દિવસના વધારેમાં વધારે  કલાકો ઓનલાઈન જ પસાર થઈ જતા હોય છે. તાજા અભ્યાસ પ્રમાણે લોકો દિવસના સાડા છ કલાક ડિજીટલ સ્ક્રીનની સામે વિતાવે છે. આના ચેટિંગ, ગેમિંગ, ફોટો પાડવા. ઈમેલ ચકાસવા જેવા અનેક કામ આપણે કરતા હોઈએ છીએ. તેનો સીધો અર્થ એણે આપણે ઓફલાઈન કરતા વધુ સમય ઓનલાઈન વિતાવીએ છીએ. તેવામા નેટીકેટ્સથી વધારે નેટિકેટ હોય તે અગત્યનું છે. ઓનલાઈન ચેટિંગ કરતી વખતે જેમ આપણે મોટા મોટા વાક્યોનો પ્રયોગ કરવાને બદલે ઈમોજી વાપરીએ છીએ તે જ પ્રકારે નેટિકેટ્સ માટે પણ કેટલીક મહત્ત્વપૂર્ણ જાણકારી હોવી આવશ્યક છે. નેટીકેટ્સ અર્થાત ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતનો શિષ્ટાચાર. આવા જ કેટલાક અતિઆવશ્યક શિષ્ટાચાર વિશે આજે જાણીએ.

(૧) ઓનલાઈન વાતચીતમાં શિષ્ટાચાર જાળવો

જ્યારે તમે ઓનલાઈન વાતચીત કરતા હોવ ત્યારે તમે અભદ્ર કે ઉદ્ધતાઈપૂર્ણ વર્તન ન કરો. તમારાથી મોટા હોય તેમનું નામ ન લેવું. તમે જ્યારે વર્ચ્યુઅલી વાતચીત કરી રહ્યા હોય ત્યારે ઘણીવાર અજાણ્યા માણસો સાથે પણ વાતચીત થતી હોય છે તેમની સાથે સભ્યતાપૂર્ણ વર્તન કરો.

(૨) ચોખવટ રાખો

ગોળગોળ ફરાવીને વાત કરવી એ આજના ઓનલાઈન ડિજીટલ યુગમાં સૌથી મોટા માથાનો દુ:ખાવો બને છે. વારંવાર એકની એક વાત કહેવી કે પછી એક જ વાક્યને પાંચ અલગ અલગ રીતે કહેવું કે પછી મોટું મોટું લખાણ લખવું અને વાતને લંબાવવાનું ટાળો. શક્ય હોય ત્યાંસુધી ટૂંકમાં વાતચીત પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો.

(૩) જે લખ્યું છે તે ફરીવાર વાંચીને પછી જ 'સેન્ડ' કરો

ઘણીવાર આપણે ન લખવાની વાતો પણ સામેવાળી વ્યક્તિને મોકલી દેતા હોઈએ છીએ તો ઘણી  વાર બીજા કોઈને મોકલવાનો મેસેજ ભૂલથી બીજી વ્યક્તિને મોકલાઈ જતો હોય છે. વળી ઘણીવાર ઉતાવળમાં આપણે ખોટા મેલ પણ મોકલી દઈએ છીએ આવી ભૂલોને ટાળવા માટે જે મેસેજ મળ્યો છે તેને ફરી એક વાર વાંચી જાઓ અને ત્યાર બાદ જ સેન્ડનું બટન દબાવો તેનાથી તમારે પાછળથી પસ્તાવું નહીં પડે.

(૪) કેપિટલ લેટર્સનો વપરાશ ટાળો

ઘણા લોકોને તેમનું લખાણ માત્ર કેપિટલ લીપીમાં જ લખવાની  આદત હોય છે. પરંતુ તે ખૂબ જ અગત્યની માહિતી હોય કાં તો તમને ખૂબ જ અભિમાન હોય એવું દર્શાવે છે. તેથી જ્યાર સુધી તમે મોકલેલી વિગત ખૂબ  જ મહત્ત્વની ન હોય ત્યાર સુધી કેપિટલ લીપીમાં લખાણ ટાળો.

(૫) વિષયની લાઈન

ઈમેઈલ મોકલતી વખતે ઘણા લોકો સબજેક્ટ લાઈન લખ્યા વગર જ ઈમેલ મોકલી દેતા હોય છે. સબજેક્ટ લાઈન ન હોવાથી તે મહત્ત્વપૂર્ણ હોવા છતાં સામેની વ્યક્તિનું ધ્યાન તેના તરફ ઝડપથી દોરાતું નથી. આવું ન બને તે માટે યોગ્ય વિષયનો ઉલ્લેખ કર્યા બાદ જ મેલ કરો.

(૬) આડેધડ ફોર્વડ ન કરો

ઘણી વ્યક્તિને મેસેજ વાચીને તેને આડેધડ ફોરવર્ડ કરવાની આદત હોય છે તેને કારણે ઘણી વાર તેઓ અસામાજિક તત્ત્વોએ ફસાયેલી અફવાને પણ હવા આપવામાં કારણભૂત બની જતા હોય છે. તેથી જો તમે કોઈ મેસેજ વાંચો તો તેની સત્યતા અને તથ્ય તપાસ્યા બાદ જ આગળ મોકલો. નહીંતર બીજીવાર લોકો  સાચા મેસેજો પર પણ વિશ્વાસ નહીં મૂકે.

(૭) કોઈની ખાનગી વાતો ઊજાગર ન કરો

કોઈ પણ વ્યક્તિના ખાનગી ફોટા કે ખાનગી વાતો જાહેરમાં ન કરો અર્થાત તેને સોશિયલ મિડિયા પર ન રાખો કારણ તેને કારણે તેમની સાથે તમારે પણ ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકાવું પડી શકે છે. એટલું જ નહીં તમારા સંબંધો પણ હંમેશા માટે ખતમ થઈ શકે છે.

(૮) ઝડપથી રિપ્લાય આપો

ઓનલાઈન વિશ્વમાં તમારી ઝડપ એ જ તમારી સકારાત્મક બાજુ છે. તમને જેના પણ મેસેજ આવે તે ઈમેલથી હોય કે પછી બીજી સોશ્યલ નેટવર્કિંગ સાઈટથી બને એટલા ઝડપથી તેના જવાબ આપો. જો તમે તેના ઝડપથી જવાબ ન આપી શકો તો ઓછામાં ઓછા એક સપ્તાહની અંદર જરૂર જવાબ આપો.

(૯) બીજાને વારંવાર મેસેજ ન કરો

તમને ભલે એવું લાગતું હોય કે તમારે  સામેવાળાને વારંવાર મેસેજ કરવા જરૂરી છે. પરંતુ સામેવાળી વ્યક્તિ જો તમારી સાથે વાત કરવામાં રસ ન દાખવે તો વારંવાર મેસેજ ન કરો તેનાથી સામેની વ્યક્તિને  હેરાનગતિ થઈ શકે છે.

(૧૦) શેર કરો પરંતુ ઓવરશેરથી બચો

હાલમાં સોશિયલ મિડિયા પર સ્ટેટસ શેરિંગની વાત પ્રચલિત છે અને લોકો તેમના જીવનની દરેક ગતિવિધિ સોશિયલ મિડિયા પર દેખાડતા હોય છે. પરંતુ તેનો અતિરેક થવો એ ઘણીવાર તમારા સર્કલમાં માથાનો દુ:ખાવો બની શકે છે. માટે તેને શેર કરો પરંતુ તેનો અતિરેક ટાળો.

આમ સોશિયલ મિડિયા અને ઓનલાઈન રહેતી વખતે કેટલાક શિષ્ટાચાર જાળવો અને સોશ્યલ સમાજમાં આદરભર્યું સ્થાન મેળવો.