Get The App

નબળા અને બરડ નખનો કોઈ હાથવગો ઈલાજ ખરો?

Updated: Mar 27th, 2023

GS TEAM

Google News
Google News
નબળા અને બરડ નખનો કોઈ હાથવગો ઈલાજ ખરો? 1 - image


એક જમાનામાં ઘરના વડીલો હાથ અને પગના નખ જોઈને બિમારીનો અંદાજ લગાવી લેતા. નખ હેલ્થનું બેરોમિટર ગણાતું. એલોપથી પણ કહે છે કે તમારા નખ વારંવાર તૂટે, ફાટે કે વળી જાય તો સમજવું કે શરીરમાં કંઈક ગરબડ છે. નખમાં અવારનવાર તડ પડવાના કે એના તૂટવાના ત્રણ મુખ્ય કારણો છે. પહેલું કારણ છે નેલ પોલિશનો વધુ પડતો ઉપયોગ એ ઉપરાંત પાણી કે કેમિકલ્સના સંપર્ક વ્યક્તિ લાંબા સમય સુધી રહેતી હોય તો પણ નખમાં તડ પડી શકે છે અને વૃદ્ધાવસ્થામાં તો નખ કુદરતી રીતે જ ક્ષીણ થતાં જાય છે.

આ ઉપરાંત વિવિધ મેડિકલ કન્ડિશન્સને કારણે પણ નખ ફાટી અને તૂટી શકે છે. એ સોરાયસિસ, ખરજવું, શરીરના રસોની ક્ષતિઓ, એનિમિયા અથવા ફન્ગલ ઇન્ફેક્શન્સને કારણે પણ હોઈ શકે છે. અલબત્ત, નખ ફાટે, તૂટે કે વળી જાય તો એને વધુ પડતી ગંભીરતાથી લઈ ગભરાઈ જવાની જરૂર નથી. તમે એનો ઈલાજ ઘરગુથ્થી નુસખાઓથી સહેલાઈથી કરી શકો છો.

૧. કોપરેલ તેલ : કોકોનટ ઓઈલમાં એન્ટી બેક્ટિરિયલ, એન્ટિ ઇન્ફલેમેટરી અને એન્ટિસેપ્ટિર્ક ગુણો હોવાથી એ નબળા અને બરડ નખને પુષ્ટ કરવામાં મદદરૂપ થાય છે. ઈલાજ બહુ સરળ છે. કોપરેલ તેલને થોડું ગરમ કરી એનાથી નખ પર મસાજ કરો. ઝડપથી સારુ પરિણામ મેળવવા દિવસમાં બે વાર કોપરેલનો મસાજ કરવાનું રાખો. કોપરેલ તેલમાં લીંબુનો રસ મેળવી એનાથી પણ નખ પર મસાજ કરી શકાય છે.

૨. ઓલિવ ઓઈલ : રોજ ૧૫ મિનિટ સુધી સહેજ ઊના ઓલિવ ઓઈલનો મસાજ કરીને પણ બરડ અને તૂટેલા નખની ટ્રિટમેન્ટ કરી શકાય. આ સોંઘા અને સરળ ઈલાજથી નખને ઉખાડતા અને ફાટતા રોકી શકાય છે. ઓલિવ ઓઈલ ઉપરાંત બીજા કોઈ પણ વેજિટેબલ ઓઈલથી તમારા હાથ અને નખ પર મસાજ કરી એને રાતભર રહેવા દેવાથી પણ ફાયદો થાય છે. નખમાંથી ડ્રાયનેસ (શુષ્કપણું) દૂર કરવા આ પ્રયોગ કમસેકમ એક સપ્તાહ સુધી કરવો.

૩. વિટામિન ઈ ઓઈલ : શરીરમાં વિટામિન્સ અને મોઇશ્ચર (ભીનાશ)ની ઉણપ હોય તો પણ નખ નબળા અને બરડ બની જાય છે. વિટામિન-ઈ ઓઈલ તમારા નખને હાઇડ્રેટેડ અને મોઇશ્ચરાઇઝ રાખવામાં મદદરૂપ થાય છે અને એને લીધે નખને શુષ્ક અને બરડ થતા રોકી શકાય છે. એક વિટામિન-ઈ ટેબ્લેટ લઈ એમાંથી ઓઈલ કાઢો. પછી વિટામિન-ઈના ઓઈલથી નખ ઉપર ૧૦ મિનિટ સુધી મસાજ કરો. આખી રાત એમ જ રહેવા દો. રોજ આ રીતે મસાજ કરવાનું રાખો.

૪. બાયોટિનથી ભરપૂર ફુડ લો : જેમને શુષ્ક, નબળા અને બરડ નખની તકલીફ હોય એવા લોકો માટે બાયોટિન રિચ ફુડનો ડાયટ બેસ્ટ વિકલ્પ છે. ખોરાકમાં આવોકાડો, બાફેલા ઇંડાં, હોલ ગ્રેન ફુડ વગેરે લેવાથી તમારા નખને ભરપૂર પોષણ મળે છે અને એ મજબુત બને છે. બરડ નખની સારવાર માટે રોજિંદા ડાયટમાં બાયોટિન સપ્લિમેન્ટ્સને પણ સામેલ કરવાથી લાભ થાય છે.

૫. ક્યુટિલ ક્રિમ વાપરો : નખને સાજા અને મોઇશ્ચરાઇઝડ રાખવા માટે ક્યુટિકલ ક્રિમ એક મહત્ત્વની પ્રોડક્ટ પુરવાર થાય છે. સારી ક્વોલિટીની ક્યુટિકલ ક્રિમમાં ભરપુર વિટામિન-ઈ ઓઈલ હોય છે, જે દિવસ આખો આપણાં નખને પોચા અને મુલાયમ રાખે છે. રાતે સૂતા પહેલા તમારા નખ પર ક્યુટિકલ ક્રિમથી મસાજ કરી એને આખી રાત રહેવા દો. સામાન્યપણે નખ નીચેની ચામડી વધુ પડતા પરિશ્રમ, અતિશય શુષ્ક ઋતુ અને વોશિંગને લીધે સુકી થઈ જાય છે એટલે તમારા નખને ક્યુટિકલ ક્રિમનું પ્રોટેક્શન આપવાનું તમારા લાભમાં છે.

૬. નેલ પોલિશ રિમુવરનો વધુ પડતો વપરાશ ટાળો : હવે નખની સુરક્ષા માટે શું ન કરવું જોઈએ એની ચર્ચા કરીએ. સૌથી અગત્યની વાત એ છે કે નેલ પોલિશ અને નેલ પોલિશ રિમુવરનો વારંવાર ઉપયોગ કરવાનું ટાળો. 

નેલ પોલિશ અને એના રિમુવરમાં મોટા પ્રમાણમાં આલ્કોહલ ્ને એસટોન હોય છે, જેનાથી તમારા નખ શુષ્ક થઈ જાય છે અને એને નુકસાન થાય છે એટલે નખને સ્વસ્થ રાખવા આ બંને ઉત્પાદનોનો વધુ પડતો ઉપયોગ ટાળવો અનિવાર્ય છે.

૭. હાઇડ્રેશન : અને છેલ્લે, સૌથી વધુ સહેલો અને હાથવગો ઉપાય. રોજ ઘણું બધું પાણી પીવાનો નિયમ બનાવો. આ એક માત્ર એવો કુદરતી ઉપચાર છે, જે તમારા દેહ અને નખને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. પાણી પીવાથી તમારા શરીર અને નખને હાઇડ્રેટ કરવામાં સહાય મળવા ઉપરાંત તમારી ત્વચામાં પણ ચમક આવે છે અને તમારા વાળ હેલ્ધી બને છે.

- રમેશ દવે

Tags :