અમે રે ચંપો ને તમે કેળ
અંતર - રક્ષા શુક્લ
અમે રે ચંપો ને તમે કેળ
ભેદ આવો તો ના રખાય પ્રભુ,
આ તરફ પણ નજર નખાય પ્રભુ.
સાંભળ્યું છે કે તેં બોર ચાખ્યાદતા,
એવડા આંસુ પણ ચખાય પ્રભુ.
મારી દીકરી જુવારા વાવે છે,
ક્યાંક મારા સમી ન થાય પ્રભુ !
તો થયું શું કે હું નથી પથ્થર?
માણસાઈને ના અડાય પ્રભુ?
વેણ કર્કશ જણાશે મારા પણ,
વાંસળીથી ચૂલો ફૂંકાય પ્રભુ?
- પ્રણવ પંડયા
ચંપાના ફૂલનો એક અલગ પ્રકારનો ઉલ્લેખ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારમાં જોવા મળે છે. તળાજાના એભલવાળાનો વીર પુત્ર ચાંપરાજ વાળો યુદ્ધમાં બહાદુરીપૂર્વક ખપી ગયો. જેની ખાંભી લાઠીના ટીંબે આજે પણ ઊભી છે. દિલ્હીના પાદાશાહના કટક સામે લડતા ચાંપરાજ વાળાના હાથ કપાઈ ગયા પછી જાણે છાતી પર આંખો ફૂટી નીકળી હોય તેમ એનું ધડ પણ લડતું રહ્યું હતું.
પાદશાહના હૈયે એટલો બધો ફડકો બેસી ગયો કે પ્રભાતે માલણ ફૂલછાબ લઈને ફૂલો દેવા ગઈ ત્યારે પાદશાહે પૂછયું કે 'શેના ફૂલો છે ?' માલણે કહ્યું કે 'ચંપો' ત્યારે પાદશાહ ચમકીને બોલી ઉઠે છે કે 'અરરર, ચંપો ?!' એને થયું ચાંપો છાબડીમાંથી ઉઠીને ક્યાંક સામે ન આવે. 'પતશાહે પતગરીયાં નૈ, પોહપ પાછાં જાય, ચાંપો છાબાંમાંય, ઊઠે એભલરૌત'. પછી તો માલણ ફૂલોની છાબડી લઈને પાછી જતી રહે છે.
કોઈ રૂપાળી લલનાએ જ્યારે રેશમી ઓઢણી અત્યંત નજાકતથી અંગો પર વીંટી હોય ત્યારે કોઈ કવિને ચંપાના છોડને નાગરવેલ વીંટળાયેલી હોય એવું લાગે છે. ચંપાનો ઉલ્લેખ પદ્ય સાહિત્યમાં એટલો બધો જોવા મળે છે કે ચંપા પર કવિઓના ચાર હાર હાથ છે એવું લાગે. કવયિત્રી પન્ના નાયક એના એક અછાંદસમાં કહે છે કે 'દમને જોઈએ તારો ખભો, ચૂંટવા ચંપાનું ફૂલ' જુહૃદય નારી ચંપાનું ફૂલ ચૂંટવા માટે પ્રિયપાત્રનો ખભો ઝંખે છે. 'મારી વેણીમાં ચાર ચાર ફૂલ'ગીતમાં અવિનાશ વ્યાસ મસ્તીમાં મ્હાલતી નાની નણંદને ખીલ્યા ખીલ્યા રહેતા ચંપાના ફૂલ સાથે સરખાવે છે. એકબીજામાં તદ્પ એવા પતિ-પત્નીના પ્રસન્ન દામ્પત્યની વાત કરતા કવિ બાલમુકુન્દ દવે લખે છે કે ...
સંગનો ઉમંગ માણી,
જિંદગીંને જીવી જાણીત
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ
હો રુદિયાના રાજા !
એવા રે મળેલા મનના મેળ ! -
એક જ ક્યારામાં જાણે ચમ્પો-કેળ ઊગ્યાં હોય એમ રોજબરોજની નાની-મોટી ઘટનાઓમાં પણ પ્રિયજન સાથે છે એટલે જ દામ્પત્યમાં દરેક પળનું સાર્થક્ય છે અને એનો સરવાળો પ્રસન્નતામાં થાય છે. દામ્પત્ય એટલે બેકલતાની બોલબાલા. એકલાનો કોઈ અર્થ હોતો નથી. કવિ મનોજ ખંડેરિયાને લાગે છે કે... 'ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ ઝૂલવા છતાં ન કૂલ ઊગ્યું'. મીરાંબાઈ ભમરાને વિનંતી કરે છે કે 'મારી વાડીમાં વહાલા, ચંપો ને મરવો, વાસ લેજે તું, ફૂલ તોડીશ મા. જ્યારે સુધીર પટેલ લખે છે...
બાગ જાણે એક કોરો પત્ર છે,
- ને ફૂલો તેમાં સુગંધી અક્ષરો !
એક બસ ખુશ્બૂ સનાતન છે 'સુધીર',
હો ભલે ચંપો, જૂઈ કે મોગરો !
પ્રવાસ લેખિકા પ્રીતિ સેન ગુપ્તા જ્યારે કોલેજમાં પ્રાધ્યાપક હતા ત્યારે તેમની એક વિદ્યાર્થીની ખુબ સારા માર્ક્સથી પાસ થઈ અને તેણે પ્રીતિબહેનને સફેદ ફૂલ આપીને પોતાનો ગુરુ પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો. ત્યારથી તેઓ પોતાના વાળમાં હંમેશા સફેદ ફૂલ પરોવે છે. એમાં ચંપા પરનો એમનો પક્ષપાત દેખાઈ આવે છે. એમના એક નિબંધસંગ્રહનું નામ પણ 'મન તો ચંપાનું ફૂલદ છે. સાહિત્યમાં અન્ય વાર્તાઓના શીર્ષકોમાં જોવા મળતી ચંપાની હાજરી જુઓ. 'મારી ચંપાનો વર' એ ઉમાશંકર જોષીની એક વિશિષ્ટ પ્રકારની વાર્તા છે. ચુનીલાલ મડિયાની 'ચંપો અને કેળ' વાર્તામાં ગીર પંથકના નેસડાવાસી દંપતીઓમાં જીવાતું લગ્નજીવન આલેખાયેલું છે.
ઉષા મંગેશકર અને પ્રફુલ દવેએ ગાયેલા 'અમે રે ચંપો ને તમે કેળ, એક રે ક્યારામાં દોનો રોપિયા' ગીતને યાદ કરતા જ મન એ ચંપઈ ગીત ગણગણવા લાગે છે. માર્ચ મહિનો શરુ થાય અને જડવત્ ઉભેલા ચંપામાં જીવ આવે.. કુણા પાન ફૂટે. ચંપાના ફૂલો ગોળ કિનારીવાળા અને અણીદાર કિનારીવાળા એમ બે પ્રકારના હોય છે. બંને પ્રકાર સરખા જ દેખાય છે. સુગંધ પણ સરખી જ હોય છે પરંતુ ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવે છે કે એકમાં ફૂલની પાંદડી છેક સુધી છુટ્ટી છુટ્ટી હોય છે. જ્યારે બીજામાં ફૂલની કિનારી એકમેક પર ગોઠવાયેલી હોય છે જેનાથી પ્યાલા જેવો આકાર બને છે. ચંપાના ફૂલમાં પરાગરજ હોતી નથી, તેના પુષ્પ પર મધમાખી ક્યારેય બેસતી નથી.
ચંપાને કામદેવના ફૂલ તરીકે માનવામાં આવે છે. સોનચંપો, નાગચંપો, કનકચંપો, પીળો ચંપો, રાયચંપો, ખેરચંપો, ભૂચંપો, સુલતાનચંપો વગેરે ચંપાની જાત છે. કોઈ હોર્ટીકલ્ચરીસ્ટ ચાઇનીઝ ચંપો પણ ઉગાડે છે. ચંપાના સુંદર, મંદ, હળવા સુંગધિત સફેદ અને પીળા ફૂલ પૂજાના ઉપયોગમાં લેવામાં આવે છે. તેની માદક સુગંધ વાતાવરણને મઘમઘાવે છે. ચંપાના વૃક્ષને મંદિરના પરિસરમાં લગાવવાથી ત્યાંનું વાતાવરણ શુદ્ધ થાય છે. ચંપાના વૃક્ષનો ઉપયોગ ઘરઆંગણે, પાર્ક, પાકગ વિસ્તાર અને જાહેર માર્ગોની સજાવટ માટે કરવામાં આવે છે. શહેરોમાં ડીવાઈડર પાસે કે માર્ગની બંને તરફ ઉગેલા ચંપાના લેલુમ ફૂલો દિલને બાગબાગ કરતા રહે છે. ચંપાનું વૃક્ષ વાસ્તુની દ્રષ્ટિથી સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં ચંપાના ફૂલ રાખવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
સુરેશ દલાલના કાવ્યમાં ચંપકવર્ણી ચતુરા હોય તો ઇન્દુલાલ ગાંધીના એક કાવ્યમાં ચંપકવર્ણી ચરકલડી હોય..ચંપાનાં રંગ-રૂપ સૌને પ્રિય છે. સવારે ખીલતી ઉષા પણ ચંપકવર્ણી હોય છે. માતા યશોદા કાનુડાની કાયાને ચંપકવર્ણા ચીરથી લૂછે છે. બાળ કનૈયાનું એ મનોહર રૂપ કેટલું મનભાવન હશે ! અથર્વવેદ, શ્રીમદ ભાગવત, વરાહ પુરાણથી લઇ વિક્રમ ચરિત અને ચરક સંહિતા જેવા આપણા ધર્મગ્રંથોમાં વૃક્ષોનું ખૂબ મહત્વ દર્શાવેલ છે અને તેનું જતન કરવાના આદેશો પણ જોવા મળે છે. જૈવિક સૃષ્ટિના આવા અમૂલ્ય અંગ એવા વૃક્ષો માટે તેમાં સુંદર પ્રાર્થના છે.
મૂલ બ્રહ્મા ત્વચા વિષ્ણુ શાખે રૂદ્ર મહેશવ: ।
પત્રે પત્રે તુ દેવામ્ વૃક્ષરાજ નમસ્તુભ્યમ્ ।।
જેના મૂળમાં જગત પિતા બ્રહ્માનો વાસ છે, શરીરમાં વિષ્ણુ ભગવાન, ડાળીઓમાં શંકર ભગવાનનો વાસ છે અને દરેક પર્ણમાં દેવતાઓને ધારણ કર્યા છે તેવા વૃક્ષને હું નમસ્કાર કરું છું. આ વૃક્ષો જ આપણને જીવાડે છે. એના ફૂલો ધરતીનું સાચું સૌદર્ય છે. રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે The First flower that bloomed on this earth was an invitation to an unborn song.
'ચંપાકલી...'...નામ કાને પ ડતા જૂની ફિલ્મનું કોઈ રમુજી પાત્ર કિચનમાં કામ કરતી એની પ્રેમિકાને પ્રેમપૂર્વક મનાવતો હોય એવું યાદ આવે કે ન હીં ? 'અલી ચંપલીઈઈ'...સાંભળતા કોઈ નટખટ નવયૌવના 'ચંપા' નામની એની કોઈ સખીને મેળે જવા સાદ દેતી હોય એવું લાગે. એક લોકગીતમાં ચંપાની કળીનો થયેલો આ ઉલ્લેખ તો કાબીલેદાદ છે. દક્ષિણ ગુજરાતના 'ખાયણા' કે સૌરાષ્ટ્રના 'ટીપ્પણી' ગીતો ખેતરમાં લણણી કે અન્ય સમયે ગવાતા લોકગીતો છે. આ તાલબદ્ધ ગીતો શ્રમના થાકને હરી લે છે. એમાંનું આ ગીત દેરાણી- જેઠાણી વચ્ચે ધાન ખાંડતા ખાંડતા થતા સંવાદને રજુ કરે છે જે સંવાદને તેઓએ શ્રમ કરતી કન્યાઓ પાસેથી કાનોકાન સાંભળ્યો છે. જેમાં એ બંને નારીઅંગોની નાજુકાઈ અદભુત રીતે અભિવ્યક્ત કરે છે...
'દેરાણી જેઠાણી ખાંડે ધાન, મેં તો સાંભળ્યું' તું કાનોકાન
મેં ચૂંટી ચંપાની કળી, તો દસ મહિને પેચૂટી ટળી,
મારા પીયુજીને પૂછું એમ કે ખડ વાઢે ઈ
જીવે કેમ ?'
ચંપાની કળીનો ય ભાર સહન ન કરી શકતી કે થાક અનુભવતી યુવતીની વાત આ નારીઓ ધાન ખાંડતા ખાંડતા કરે છે. કેવો વિરોધાભાસ !
અકબર બાદશાહ બાગબગીચા અને ફૂલોના ખૂબ જ શોખીન હતા. તેમના શાસનકાળમાં 'અકબરનામા' અને 'આઇને-અકબરીદ નામના ગ્રંથોમાં એકવીસ ફૂલછોડના રંગ અને તેના ખીલવાની મોસમ વિશે લખાયું છે. એમાં ચમેલી, મોગરા, ચંપા, જૂઇ જેવા અનેક ફૂલોનું વર્ણન છે. એકવાર વૈશાખી ગરમીમાં રાહત પામવા સાંજના સમયે અકબર અને બીરબલ ઠંડી હવા ખાવા માટે બાગમાં ફરવા નીકળ્યા. એટલામાં બાદશાહની નજર ફુલના ઝાડો ઉપર ગંજારવ કરી રહેલા ભમરાઓ પર પડી. જે ચંપાના ફુલ ઉપર ન બેસતાં બીજી બધી જાતના ફુલો ઉપર બેસતા હતા. ખુશ્બોદાર અને સુંદર ચંપાની પાસે પણ ન ફરકતા ભમરાને જોઈ અકબર બીરબલને પ્રશ્ન પૂછે છે ત્ યારે બીરબલ એક કવિત કહે છે કે...
'ચંપા તુજમેં તીન ગુણ, રૂપ રંગ ઓર બાસ,
એક બડો અવગુણ હે કે, ભમર ન આવત પાસ.'
વળી બીજા કવિતમાં એનું કારણ પણ રાજાને કહે છે કે...
'ચંપક વરણી રાધિકા, ઓર ભમર હરિકો દાસત
ઇસ કારણ આવત નહીં, ભમર ચંપા પાસ.
એટલે કે, રાધાના શરીરનો રંગ ચંપાના જેવો છે અને ભમર હરિનો દાસ છે. તેથી ભમરાઓ ચંપાના ફુલ પાસે આવતા નથી. અહીં જલન માતરી યાદ આવે...'શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર ?' ખરેખર તો એવું કહેવાય છે કે ચંપાની વાસ તેજ છે તેથી ભમરા તે સહન કરી શકતા નથી અને ચંપાથી દુર રહે છે. પીછવાઈ ચિત્રકલામાં રાધા-કૃષ્ણ, વિવિધ પશુ-પક્ષીઓ, વૃક્ષ-વેલીઓ સાથે ચંપાના વૃક્ષનું આલેખન સુંદર રીતે કરાયું હોય છે. આ સર્વે પ્રતિકોના સાંકેતિક અર્થો પણ હોય છે. જે કોઈ પૌરાણિક કથા કહે છે. પવિત્ર ગણાતી વ્રજભૂમિમાં ચંપાના ફૂલને રાધાજીના વર્ણ સાથે સરખાવાય છે. અહીં ચંપાના ફૂલોની મહેકને રાધાજીના અંગની સુગંધ માનવામાં આવે છે. વ્રજમાં લાલ ચંપો એ પ્રભુના ભક્તોની યાદ છે. આમ ચંપાનો ઈતિહાસ ભવ્ય છે. આટલા વર્ષો પછી પણ એની સુગંધ બરકરાર અને બેકરાર કરનારી છે. એની ડાળે ડાળે ઇતિહાસને અજવાળતી દીવી છે અને પાને પાને પ્રીત્યું પાંગરીને પાળિયા બની છે.