Get The App

'અંગગ્રહ' અને આયુર્વેદ .

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
'અંગગ્રહ' અને આયુર્વેદ                                             . 1 - image


- આરોગ્ય સંજીવની

રોજબરોજની જીંદગીમાં આપણે એવા ઘણા માણસોને મળીએ છીએ કે, જેઓ ફરિયાદ કરતાં હોય છે કે મારું જે તે અંગ જકડાઈ ગયું છે. સામાન્ય રીતે ઘરકામ કરતી સ્ત્રીઓ, કોમ્પ્યુટર ઉપર લાંબા સમય સુધી બેસી રહેતી વ્યક્તિઓ, સતત ઉભા ઉભા કામ કરતી ગૃહિણીઓ વગેરેને આ ફરિયાદ મોટાભાગે રહેલી હોય છે. શરીરનું કોઈ એક અંગ જકડાઈ જાય ત્યારે શરીરનું હલન-ચલન પણ મુશ્કેલ બની જાય છે. જકડાઈ ગયેલા અંગને જકડાહટથી મુક્ત કરવું ઘણીવાર કઠિન બની જાય છે. અહિંયા આજે આપણે આયુર્વેદના કેટલાંક સરળ અને ઘરગથ્થુ ઉપચારો જોઇશું કે જેનાથી શરીરના કોઈપણ અંગને સરળતાથી જકડાહટથી મુક્ત કરી શકાય છે. જેના માટે નીચેનામાંથી અનુકૂળ કોઈપણ પ્રયોગ કરી શકાશે જેમાં,

(૧) જે કોઈ અંગ જકડાઈ ગયુ હોય તેને જકડાહટથી મુક્ત કરવા માટે રાઈને પાણીની સાથે પથ્થર પર પીસીને તેનું મલમ જેવું મિશ્રણ બનાવી લેવું અને તેને જકડાઈ ગયેલાં અંગ ઉપર લગાવવું જેનાથી તુરંત આરામ મળશે.

(૨) જો ડોકની જકડાહટ થઇ ગઇ હોય અને સાથે સાથે અન્ય સાંધાઓ પણ પકડાઈ ગયા હોય તો સરસીયાનાં તેલમાં કપૂરને નાખી તેમાં થોડું મીઠું નાખી તે તેલને સુખોષ્ણ કરી લેવું અને ત્યારબાદ તેમાંથી માલિશ કરવી જેથી ઉપરોક્ત તકલીફમાં ખુબ રાહત મળશે.

(૩) શરીરનાં જકડાઈ ગયેલા તમામ અંગો માટે તથા સાંધાના કે હાડકાના દુખાવા માટે એક સચોટ ઉપાય બનાવું છું. જેમાં, ધતૂરાના પાનનો રસ ૮૦૦ ગ્રામ લેવો, અને સરસીયાનું તેલ ૧૫૦ ગ્રામ લેવું. તેમાં ૧૦ ગ્રામ હળદર મેળવી ધીમા તાપે ઉકાળવું. બધો ધતુરાનો રસ બળી જાય ત્યારે આ તેલને ઠંડુ કરી ગાળી લેવું. આ તેલની માલિશથી તમામ પ્રકારના અંગગ્રહમાં ફાયદો થાય છે.

(૪) શરીરનું જકડાઈ જવું, કમરનું પકડાઈ જવું, નાના-મોટા સાંધાઓમાં દુ:ખાવો થવો વગેરે તમામ ફરિયાદોમાં તલનાં તેલમાં સૂઠ અને હિંગ નાખી સહેજ ગરમ કરી માલિશ કરવી.

(૫) ઘણીવાર બહેનોને પગની એડીનો ભાગ ખૂબ દુ:ખતો હોય તેવા ઘણા કેસ મેં જોયા છે. એડીનાં દુ:ખાવા ઉપર ખૂબ જ સરળ અને અનુભૂત પ્રયોગ બતાવું છું. આકડાના દૂધમાં રૂ પલાળી રાખી દઇ દુ:ખતી એડીનાં ભાગ ઉપર તેં પલાળેલું દૂધ રાખી દઇ ઉપર પાટો બાંધી દેવો. આ પ્રયોગ સતત ૧૫ દિવસ સુધી કરવો. એડીનો દુ:ખાવો, નસ પકડાઈ ગયેલ હોય કે સાંધા દુ:ખતા હોય તે માટે પણ આ સારો પ્રયોગ છે. પરંતુ આકડાનુ દૂધ ફક્ત બહ્યપ્રયોગાર્થે જ વપરાય તેની ખાસ સાવધાની રાખવી. આ પ્રયોગ કર્યા બાદ હાથ બરાબર ધોઈ નાખવા.

(૬) અંગગ્રહ ખૂબ થઇ ગયો હોય તો, પકડાઈ ગયેલ જકડાહટ છૂટી કરવા એક સરળ ઘરગથ્થુ પ્રયોગ બતાવું છું. જેમા બે નંગ નાળિયેર લેવાં. તેમાંથી ટોપરુ કાઢી તેના ટુકડા કરવા પછી તે ટુકડા ને ખાંડી નાખવા. ખાંડેલા આ કોપરાને વાસણમાં લઇ ધીમા તાપે ગરમ કરવું. ગરમ થતાં તેમાંથી તેલ છૂટું પડશે. પછી તે તેલ ગાળી લઇ બીજા વાસણમાં લઇ લેવું. પછી આ તેલમાં ૩ નંગ લસણની કળી વાટીને નાખવી. અને સાથે સાથે મરીનું ચૂર્ણ ૪ ગ્રામ જેટલું લઇ તેમાં મેળવવું. અને ત્યારબાદ બધુ હલાવી એકરસ કરી આ તેલથી જકડાઈ ગયેલ શરીરનાં અંગ ઉપર માલિશ કરવી. ત્યારબાદ રેતીને ગરમ કરી તેની પોટલી બનાવી તેનાથી જકડાઈ ગયેલાં શરીરનાં અંગ ઉપર માલિશ કરવી. ત્યારબાદ તેનાથી જકડાઈ ગયેલાં જે તે ભાગ ઉપર શેક કરવો. સવાર સાંજ આ પ્રમાણે કરવાથી જકડાઈ ગયેલ અંગ સીધું જ જકડાહટથી મુક્ત થાય છે.

(૭) શરીરમાં આમ અને વાયુ ખૂબ હોય અને સાથે સાથે સાંધાનાં 'વા'ના કારણે પણ ખૂબ દુખાવો રહેતો હોય તથા દર્દીઓ માટે એક સરળ ઉપાય સૂચવું છું. રાત્રે ૧ તોલો મેથી ૧ કપ પાણીમાં પલાળવી. સવારે તેમાં ૨થી ૩ ગ્રામ સૂંઠ અને ૧૦ ગ્રામ જેટલો ગોળ નાખી તેને ઉકાળવી. મેથી બરાબર બફાઈ જાય પછી ઉતારી ગાળી લેવું. અને આ ઉકાળો સુખોષ્ણ (સહી શકાય તેટલો ગરમ) હોય ત્યારે જ તેનો ઉકાળો પી લેવો. જેનાથી શરીરનો આમ ઝાડા વાટે નીકળી જશે. સાંધાનો વા પણ આનાથી મટે છે. ઉપરોક્ત પ્રયોગોમાંથી જે પ્રયોગ સરળ જણાય અને માફક આવે તે કરવાથી અંગગ્રહ જકડાહટમા ખૂબ જ ફાયદો જણાશે.

ઘણીવાર ખાંડ કે સાકર વધારે પડતી ખાવાથી શરીરનાં સાંધાઓમાં કળતર થાય છે. તે જ રીતે ડાયાબીટીસના દર્દીઓને પણ શરીરનો દુ:ખાવો પગની પીંડીઓમાં કળતર વગેરે થતું હોય છે આ દુ:ખાવો મટાડવા કેટલાક ખૂબ સરળ ઉપાયો સૂચવું છું :

* ગંઠોડા (પીપરીમૂળ)નું ચૂરણ ૧ ચમચી અને મીઠું ૧ ચમચી મિક્સ કરી રાત્રે સૂતી વખતે પાણી સાથે લેવું.

* ૧ તોલા જેટલી મેથી, ૫ ગ્રામ સૂંઠ સાથે ૧ ગ્લાસ પાણીમા ઉકાળવી. ૧/૪ ભાગ પાણી બાકી રહે ત્યારે ગાળી તે પી જવું. ડાયાબીટીસ ન હોય તો થોડો ગોળ નાખી શકાય છે. આ (ક્વાથ) ઉકાળો રાત્રે અથવા વહેલી સવારે પીવાથી શરીરનું કળતર અને સાંધાના દુખાવા મટે છે. કબજિયાત રહેલી હોય તો તેમાં ૧ ચમચી દિવેલ મેળવીને પીવું.

જે સ્ત્રીઓને કમરનો દુ:ખાવો ખૂબ રહેતો હોય તેમણે અશ્વગંધા અને શતાવરીનું ચૂર્ણ સમભાગ (૧ તોલા જેટલું) લેવું. ત્યારબાદ ૨૦૦ ગ્રામ દૂધને ૨૦૦ ગ્રામ પાણીમાં મિક્સ કરી ઉપરોક્ત ચૂર્ણ તેમાં નાખી ધીમા તાપે ઉકાળવું. પાણી બળી જાય ત્યારે ઉતારી ઠંડુ કરી આ 'ક્ષીરપાક' પીવો તેમાં જરૂર પ્રમાણે સાકર મેળવી શકાય છે. ઉપરોક્ત પ્રયોગો ખૂબ જ સરળ હોવા છતાં અંગગ્રહ અને શરીરની કળતર ઉપર ખૂબ જ ફાયદાકારક પરિણામ આપે છે.

- જ્હાનવીબેન ભટ્ટ

Tags :