Get The App

લાલચટક ટમેટાંનો અતિરેક આફત નોતરી શકે

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
લાલચટક ટમેટાંનો અતિરેક આફત નોતરી શકે 1 - image

કોઈ પણ બાબતનો અતિરેક નુકસાનકારક છે. એ વાત આપણાં ખોરાકને પણ લાગું પડે. સાવ નિર્દોષ લાગતા ટમેટાં પણ એમાંથી બાકાત નથી. લાલચટક ટમેટાં હકીકતમાં એક ફળ છે, પણ આપણએ એનો શાક તરીકે વધુ ઉપયોગ કરીએ છીએ. ટમેટાં સૌને પ્રિય છે. જેને ટમેટાં ન ભાવતા હોય એવી વ્યક્તિ મળવી મુશ્કેલ છે, પરંતુ હદ બહાર ટમેટાં ખાઈને આપણે શરીરમાં નુકસાન નોતરીએ છીએ. સામાન્યપણે આ વાત માન્યામાં ન આવે એવી છે, પણ એ એક રિસર્ચ આધારિત હકીકત છે.

ટમેટાં આપણાં ભારતીયોના ભોજનનું એક અભિન્ન અંગ છે. આપણે દાળ-શાકમાં  તો સ્વાદ લાવવા ટમેટાં નાખીએ જ છીએ, પણ એ સિવાય એનો સુપ અને સલાડરૂપે પણ ઉપયોગ થાય છે. ટમેટાંના ઘણાં લાભ છે એની ના નહિ, પણ એની સાથોસાથ એની આડ અસરો વિશે પણ જાણી લેવું જરૂરી છે. વધુ પડતા ટમેટાં ખાવાથી શું નુકસાન થાય એ વિશે સામાન્યપણે બહુ ઓછા જાણે છે એટલે અહીં આપણે ટમેટાંના ઓવરડોઝની સ્વાસ્થ્ય પર થતી બુરી અસરો વિશે જાણી લઈ સાવચેતી રાખીએ :

પેટ બગાડે : ટમેટાં માપમાં ખવાય તો એ શરીરના પાચનતંત્ર માટે આશીર્વાદ સમાન છે, પણ ખોરાકમાં એનું વધુ પડતું પ્રમાણ એનાથી બિલકુલ વિપરીત અસર કરે છે. ખાસ કરીને જેમને પેટની તકલીફ રહેતી હોય એમણે ધ્યાનમાં રાખવું કે વધુ પડતા ટમેટાં ખાવાથી એમને ઝાડા થઈ શકે છે અને પેટ પણ ફુલેલું લાગે છે.

એસિડિટી વધી જાય : ટમેટાં બહુ જ એસિડિક ફળ છે એટલે જે લોકોને એસિડિટી (પિત્ત) અથવા છાતીમાં બળતરાની તકલીફ રહેતી હોય એમણે ટમેટાં ખાવામાં બહુ કાળજી રાખવી જોઈએ. ટમેટાંના સેવનમાં અતિરેક કરવાથી શરીરમાં વધુ એસિડ પેદા થાય છે, જે જઠરતંત્રના માર્ગમાં મોટી ઉથલપાથલ સર્જે છે. ટમેટાંમાં મેલિક અને સાઇટ્રિક એસિડસ હોય છે બૉડીમાં એસિડનું ઉત્પાદન વધારવામાં કારણરૂપ બને છે. એને પગલે ગેસ ઉપર તરફ ગતિ કરી અસુખ પેદા કરે છે.

કિડનીના દર્દીઓ! સાવધાન : જે લોકોને કિડનીનો રોગ વકરી ગયો હોય એમને ડોક્ટર ખોરાકમાં પોટેશિયમનું પ્રમાણ લિમિટમાં રાખવાની સલાહ આપે છે. ટમેટાંમાં પુષ્કળ પોટેશિયમ હોવાથી એનું સેવન આવા દર્દીઓ માટે જોખમી બની રહે છે. બીજી વાત એકે ટમેટાંમાં ઓક્ઝેલેટની ઉચ્ચ માત્રા હોવાથી એ ખાવાથી કિડનીમાં પથરીઓ બની શકે છે એટલે જેમને પહેલેથી કિડનીમાં પથરીની તકલીફ હોય એમણે ટમેટાંને દૂરથી જ નમસ્કાર કરી દેવા જોઈએ. આ સંદર્ભમાં ડૉક્ટરની સલાહ ઉપયોગી બની રહે છે.

આધારશીશી નોતરે : હેલ્થ એક્સપર્ટસના ઓપિનિયનમાં ટમેટાં માયગ્રેન્સ (આધાશીશી)ની વ્યાધિ લાવે છે. ઈરાનમાં થયેલા એક અભ્યાસમાં આ વાતને પુષ્ટિ મળી છે. દરમિયાન, એક્સપર્ટસ એમ કહે છે કે ખોરાકમાં અમુક ફેરફાર કરવાથી માયગ્રેન પર અડધોઅડધ અંકુશ મેળવી શકાય છે એટલે કોઈને આધાશીશીનો દુખાવો પજવતો હોય તો એણે ટમેટાં ખાવા પર અંકુશશ રાખવો જરૂરી છે.

કેન્સર પેશન્ટસે ટમેટાં ખાવાનું ભૂલી જવું : ટમેટાં જો માપમાં ખવાય તો એમાં રહેલું લિકોપિન (લાલરંગનું દ્રવ્ય) સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. અલબત્ત, વિજ્ઞાાનીઓના અભ્યાસમાં એવો નિષ્કર્શ નીકળ્યો છે કે એ જ લિકોપિન પ્રોસ્ટેટ કેન્સરને વકરાવાનું કામ કરે છે. લિકોપિન કેન્સરના પેશન્ટસને અપાતી કિમોથેરપીની ટ્રિટમેન્ટમાં પણ અવરોધરૂપ બનતી હોવાનું જણાયું છે એટલે કેન્સરની સારવાર લેતા દર્દીઓએ ટમેટાં ખાવામાં સંયમ રાખવો જરૂરી બની જાય છે.

બીપી વધારી શકે : કાચા ટમેટાં ખાઈએ તો એમાંથી માંડ પાંચ મિલીગ્રામ સોડિયમ શરીરમાં જાય છે, જે બૉડીના બ્લડ પ્રેશરમાં દખલ નથી દેતું. એ ખરું જોતા હાય બ્લડ પ્રેશરનું જોખમ ઓછું કરે છે. એનાથી વિપરીત જો આપણે કેનમાં મળતું ટોમેટો જ્યુસ કે સુપર પીએ તો એમાં સોડિયમ ઊંચી માત્રામાં હોવાનું, જે કોઈ માટે હિતાવહ નથી. ખાસ કરીને જેમને કાયમ હાય બીપી રહેતું હોય એમણે ટમેટાંનું જ્યુસ કે સુપ પીવાનો ચાળો કરવો નહિ.

એલર્જીને આમંત્રણ : અમુક વ્યક્તિઓને હિસ્ટામાઈન નામના કમ્પાઉન્ડની એલર્જી હોય છે અને તેઓ જો ટમેટાં ખાય તો શરીરમાં એના એલર્જિક રિએક્શન્સ આવે. એલર્જીના લક્ષણોરૂપે  એમને ખરજવું, ત્વચા પર ફોલ્લીઓ, શીખસ, ઉપરાઉપરી છીક આવવી, ગળામાં ખજવાળ આવવી અને ચહેરો તથા જીભ સોજી જવા જેવી તકલીફો થઈ શકે. 

ટમેટાં ખાવાથી એલર્જિક રિએક્શન આવે તો અમુક જણને શ્વાસોચ્છવાસમાં પણ મુશ્કેલી આવે છે. 

સ્નાયુ ખેંચાય : ટમેટાંમાં રહેલું હિસ્ટેમાઇન કમ્પાઉન્ડ સાંધાના દુખાવા અને બૉડીમાં ઇન્ફ્લેમેશન (દાહ)નું નિમિત્ત બની શકે છે. ટમેટાંમાં હાજર પ્રોટિન્સ શરીરમાં પ્રવેશતા શરીરની રોગપ્રતિકારક યંત્રણા (ઇમ્યુન સિસ્ટમ) એની આ રીતે પ્રતિક્રિયા આપે છે. ખોરાકમાં ટમેટાંનો અતિરેક કરવાથી અમુક લોકોને સંધિવાનો રોગ થાય છે, જેને લીધે એમના સ્નાયુઓમાં અવારનવાર દુખાવો ઉપડે છે.

સુગર અચાનક ઘટાડી દે : હકીકતમાં ટમેટાં ડાયાબિટીસના દર્દીઓ માટે એના લો ગ્લિકેમિક ઇન્ડેક્સને કારણે લાભકારક છે. એ લોહીના પ્રવાહમાં ધીમી ગતિએ સુગર રિલિઝ કરતી હોવાથી બ્લડ સુગર લેવલને અચાનક ઊંચે જતા રોકે છે, પરંતુ લિમિટ કરતા વધુ ટમેટાં ખવાય તો આપણાં બ્લડ સુગરનું લેવલ ખતરનાક રીતે નીચે ચાલ્યું જાય છે, જે હાયપોગ્લિકેમિઆ નોતરે છે. એને કારણે દ્રષ્ટિમાં ઝાંખપ આવે છે, હૃદયના ધબકારા વધી જાય છે, ચક્કર આવે છે અને પસીનો વળે છે એટલે જો તમારી ડાયાબિટીસની દવા ચાલતી હોય તો ટમેટાં ખાવા કે નહિ એ બાબતમાં ડોક્ટરને પૂછી જોવું વધુ સારું.

- રમેશ દવે