For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સમારેલા શાકભાજીને સ્ટોર કરવાની સરળ રીત .

Updated: May 29th, 2023


રસોઇ કરતી વખતે સમય બચાવવા માટે શાક-ભાજીને અગાઉથી સમારીને રાખવામાં આવે છે. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે, શાકને પહેલાથી સમારીને રાખવાથી તેના પોષક તત્વોનો નાશ થઇ જાય છે. તેથી શાકને સમારીને રાખવાની યોગ્ય રીત અપનાવી જોઇએ જેથી શાકમાંના પોષક તત્વો જળવાઇરહે. 

પાંદડાયુક્ત ભાજી

પાલક, મેથી, તાંદળિયા, સુવા, કોથમીર વગેરે ભાજીઓ જલદી સડવા લાગે છે. તેથી તેને સમારીને ફ્રિજમાં રાખતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખવું :

-પાંદડાઓને વ્યવસ્થિત રીતે સાફ કરીને સમારવું. ફક્ત પાંદડા જે લેવા સાથે ડાળખી ઓ આવે  નહીં તેનું ધ્યાન રાખવું. ફક્ત પાનને જ સમારીને રાખવા. 

સુકા, સડેલા, ગળલા પાન કાઢી નાખવા.

પાંદડાયુક્ત ભાજીઓને હંમેશા કાગળમાં વીંટાડીને રાખવી. અખબારમાં વીટાડવું વધુ સલાહ ભરેલું છે. જો અખબાર ન હોય તો પાતળા કોટનના કપડામાં લપેટીને રાખી શકાય છે.  બે દિવસથી વધુ ફ્રિજમાં આ સમારેલી ભાજીઓ રાખવી નહીં. 

  કોળુ

કોળાને  બરાબર ધોઇને સમારી લેવું. આ પછી એરટાઇટ ડબામાં ભરીને ફ્રિજમાં રાખવું.

બીન્સવાળા શાક

બીન્સવાળા શાક જેવા કે ફણસી, ચોળી, વાલોરને સમારવામાં વાર લાગતી હોય છે. તેથી અગાઉથી સમારીને રાખવાથી સમયની બચત થાય છે. પહેલા આ શાકને બરાબર ધોઇ લેવા, સુકાઇ જાય પછી તેને સમારીને પ્લાસ્ટિક બેગ અથવા તો પ્લાસ્ટિકના ડબામાં રાખવા. 

કોલી ફ્લાવરઅને બ્રોકલી

કોબી અને બ્રોકલીને સમારીને તેના હળવા ભીના પેપર અથવા ટુવાલમાં લપેટીને રાખવા. જેથી શાકમાંની નમી અને જરૂરી પોષક તત્વો જળવાઇ રહે.  

 કોબી

કોબીને સમારીને એક પ્લાસ્ટિક બેગમાં રાખીને ફ્રિજમાં રાખવી.પ્લાસ્ટિકના ડબામાં પણ રાખી શકાય છે. 

ભીંડા

ભીંડાને સમારવામાં લાંબો સમય જતો હોય છે. તેથી તેને રાતના જ ધોઇને સમારીને ડબામાં અથવા તો નેટવાળી થેલીમાં રાખી શકાય છે. 

બટાટા, ગાજર વગેરે

બટાટા, ગાજર, મૂળા, બીટ જેવા શાકને સમારીને એેક બાઉલમાં થોડું પાણી લઇને તેમાં રાખી ઢાંકણઢાંકી દેવું. ડબામાં પણ પાણીમાં મુકીને રાખી શકાય છે. 

વટાણા

શિયાળાની સીઝનમાં વટાણા સસ્તા મળતા હોય છે. તેથીમોટા ભાગની ગૃહિણીઓ વટાણા સ્ટોર કરતી હોય છે. વટાણાને છોલી પ્લાસ્ટિક બેગ અથવા તો પ્લાસ્ટિકની બરણીઓ અથવા તો પ્લાસ્ટિકના ડબામાં રાખીને ફ્રિજરમાં રાખી શકાય છે. 

 કેપ્સિકમ

લાલ,લીલા અને પીળા શિમલા મરચાને સમારીને પ્લાસ્ટિક બેગ અથવા તો હવાચુસ્ત ડબામાં રાખીને ફ્રિજમાં મુકવા.તેને ભીના કપડામાં રાખવા નહીં.

ટામેટા અને રીંગણા

ટામેટા અને રીંગણાને અગાઉથી સમારીને ફ્રિજમાં રાખવા નહીં. આમ કરવાથી તેમાંની નમી જતી રહે છે. તેને ઉપયોગમાં લેવાના હોય ત્યારે જ સમારવા. 

કાંદા-લસણ

ગ્રેવી વાળા શાક અને કરી બનાવવા માચે કાંદા-લસણની પેસ્ટની જરૂર પડતી હોય છે. એવામાં કાંદાને ઝીણા અથવા તો લાંબા સમારીને હવાચુસ્ત ડબામાં ભરીને રાખવા. લસણને પણ છોલીને અથવા તો તેની પેસ્ટ બનાવીને ફ્રિજરમાં રાખી શકાય છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે કાંદાનો ઉપયોગ ૨૪ કલાકની અંદર કરવો અને લસણને બે દિવસમા ંઉપયોગમાં લેવું. પરંતુ લસણની પેસ્ટ હોય તો તેને ફ્રિજરમાં લાંબો સમય રાખી શકાય છે. 

- સુરેખા

Gujarat