Get The App

સીનિયર સિટીજન્સને સતાવતી પ્રોસ્ટેટની સમસ્યાનો સહેલો ઉપાય

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
સીનિયર સિટીજન્સને સતાવતી પ્રોસ્ટેટની સમસ્યાનો સહેલો ઉપાય 1 - image

પુરુષો સાઠીમાં પ્રવેશ્યા બાદ રેગ્યુલર હેલ્થ ચેકઅપ્સ અને સ્કીનિંગ્સ કરાવે છે પણ એમાં મોટાભાગે પ્રોસ્ટેટ ગ્રંથિ ભૂલાઈ જાય છે. મોટી વયના પુરુષોમાં પ્રોસ્ટેટ મોટી થવી અથવા તો ફુલી જવી એક આમ સમસ્યા છે. મેડિકલ જારગોનમાં એને બ્રેનિન પ્રોસ્ટેટિક હાયપરપ્લેસિયા (બીપીએચ) કહેવાય છે. બ્લેડર એટલે કે મૂત્રાશયની નીચે આવેલી આ ગ્રંથિ મોટી થઈ ગયા બાદ મૂત્ર નળીને દબાવી દે છે, જેને કારણે પેશાબની તકલીફો ઊભી થાય છે. થોડા અરસા પહેલા બ્રિટનના કિંગ ચાર્લ્સે પણ પણ પ્રોસ્ટેટ સર્જરી કરાવી હતી.

જો બીપીએચ એટલે કે મોટી થયેલી પ્રોસ્ટેટની સારવાર ન કરાય તો એને લીધે મૂત્રાશયની પથરી થવાનું, મૂત્રમાર્ગમાં ઇન્ફેક્શન લાગવાના અને કિડની ડેમેજ થવાનું જોખમ રહે છે. એટલે જ ડોક્ટરો રેગ્યુલર ચેક અપ્સમાં પ્રોસ્ટેટનું વહેલાસર પરીક્ષણ કરવાની સલાહ આપે છે. પ્રોસ્ટેટની સમસ્યા વહેલી જાણમાં આવી જાય તો એની વ્યવસ્થિત સારવાર થઈ શકે અને બીજા કોમપ્લીકેશન્સથી પણ બચી શકાય. પ્રોસ્ટેટને સ્વસ્થ રાખી વયસ્ક વડિલો ઘણી બધી તકલીફોથી બચી શકે છે.

બીપીએચના લક્ષણો : બીપીએચ અથવા તો પ્રોસ્ટેટ ફુલી જવાની સમસ્યા એક સામાન્ય વ્યાધિ છે, જે સાઠીની ઉંમરના અડધો-અડધ પુરુષોને નડે છે. એંસીની વય પછી મોટાભાગના માણસોને એ પજવે છે : એના જુદા જુદા લક્ષણો કે ચિન્હો છે, જેમાં સૌથી કોમન છે અટકીઅટકીને અથવા થોડો થોડો પેશાબ થવો, પેશાબનો પ્રવાહ શરૂ થવામાં મુશ્કેલી પડવી, વારંવાર અને ખાસ કરીને રાતે ઘડીઘડી પેશાબ જવું પડે, મૂત્રાશય પુરું ખાલી ન થાય, પેશાબ લાગ્યા પછી તરત જવું પડે અને જાણ વગર પેશાબ થઈ જાય. નવાઈની વાત એ છે કે આ બધી સમસ્યાઓ નડતી હોવા છતાં માત્ર ૫ ટકા પુરુષો જ પ્રોસ્ટેટની સારવાર કરાવે છે. કદાચ એમાં શરમ અને સંકોચ પણ ભાગ ભજવતો હોય એવું બને. પરંતુ જૈફ વયે સ્વસ્થ અને મસ્ત રહેવું હોય તો પ્રોસ્ટેટની ટ્રિટમેન્ટ જેટલી જલદી કરાવો એટલું સારું.

પ્રોસ્ટેટથી બચવું કઈ રીતે?

એક મેડિકલ સ્ટડીમાં જાણવા મળ્યા પ્રમામે ભારત કરતા દુનિયાના સૌથી શ્રીમંત દેશો પૈકીના એક અમેરિકામાં પ્રોસ્ટેટની બીમારી વધુ વ્યાપક છે. આ અસંગતિ માટે ઘણી બધી બાબતો જવાબદાર છે. એ કોઈને વારસામાં મળી હોઈ શકે, પરંતુ મુખ્યત્વે એમાં જીવનશૈલીની પસંદગી મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રોસ્ટેટનું રિસ્ક મીનીમમ કરવું હોય તો હેલ્ધી વેઈટ જાળવો, ફળો, શાકભાજી અને હોલ ગ્રેન્સથી ભરપુર બેલેન્સ્ડ ડાયટ અપનાવો, નિયમિત એકસરસાઇઝ કરો અને આલ્કોહલ તથા ચા-કોફીનું પ્રમાણ સીમિત રાખો. અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે પ્રોસેસ્ડ વાનગીઓ અને ખાંડનું વધુ પ્રમાણ ધરાવતા વેસ્ટર્ન ફુડસ ખાવાના ભયજનક રીતે વધતા ચલણને લીધે ભારતમાં પ્રોસ્ટેટના કેસ વધતા જાય છે. એટલે જ રેગ્યુલર પ્રોસ્ટેટ સ્ક્રીનિંગ જરૂર બની ગયું છે. એને કારણે સમસ્યાની વહેલી જાણ થઈ જતા દવાઓ, જીવનશૈલીમાં બદલાવ અને નાનકડી સર્જરી મારફત એનો ઈલાજ કરી ગંભીર સમસ્યા ટાળી શકાય છે.

ટ્રિટમેન્ટ : પ્રોસ્ટેટના હળવાથી મધ્યમ લક્ષણો દર્દીમાં જોવા મળે તો ડોક્ટર એ માટે દવાઓ પ્રિસ્કાઈલ કરે છે. આ દવાઓ પ્રોસ્ટેટના સ્નાયુને ઢીલા કરી ગ્રંથિને ફરી સંકોચાવી દે છે, એને લીધે પેશાબનો પ્રવાહ સુધરી જાય છે અને દર્દીને એના લક્ષણોમાંથી છુટકારો મળી જાય છે. પરંતુ જેમાં દવાઓ પુરતું કામ ન કરે એવા કેસમાં એડવાબ્લેશન જેવી રોબોટિક સર્જરી સારો વિકલ્પ બની રહે છે. એમાં હાઈપ્રેશર વોટર જેટથી વધારાની શિરાઓ દૂર કરી દેવાય છે.

- રમેશ દવે