Get The App

અમૃતફળ - આમળાં .

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
અમૃતફળ - આમળાં                                 . 1 - image

- આરોગ્ય સંજીવની

અત્યારે ફુલબહાર શિયાળાની મોસમ ચાલી રહી છે, અને અત્યારે આ સીઝનમાં આમળાં પુષ્કળ પ્રમાણમાં આવે છે. તો આજે આમળાંનાં ગુણો વિશે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ.

'આમળાં' એક ઉત્તમ સૌંદર્યવર્ધક ફળ છે. આમળાને ફળોમાં અત્યધિક શ્રેષ્ઠ ફળ તરીકે ઓળખવામાં આવે છે. આમળાને વય:સ્થાપન કહેલ છે. એટલે કે તે યુવાની ટકાવી રાખવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. ત્વચામાં કરચલી ના પડે, વાળ જલદીથી સફેદ ના થાય તથા એજિંગ પ્રોસેસ ઘટાડી સદા યુવાની ટકાવી રાખવા માટે આમળા ખૂબ જ આશીર્વાદ રૂપ છે.

આમળામાં લવણરસ સિવાયનાં પાંચેય રસ આવેલા છે. જેમાં અમલ-ખાટો રસ મુખ્ય છે. ત્રણેય દોષ વાત-પિત્ત-કફ પર આમળાનું અદ્ભુત વર્ચસ્વ રહેલું છે. આમળા અમ્લરસથી વાયુદોષનો પચ્યા પછી મધુર તથા ઠંડો હોવાથી પિત્ત દોષનો અને રૂક્ષ-તુરો હોવાથી કફ દોષનો પ્રકોપ મટાડે છે. આમ, અનેક અદ્ભુત ગુણોથી ભરપૂર એવા આમળાને પૃથ્વીલોકનું અમૃત કહેવામાં આવે તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. આમળા ત્રિદોષદન હોવાથી શરીરને તંદુરસ્ત રાખવાની સાથોસાથ અનેક રોગોને પણ મટાડવાની ક્ષમતા ધરાવે છે. ત્વચાને સુંદર રાખી, આંખોની જ્યોતિ વધારનાર અને વાળને સુંદર તથા કાળા બનાવનાર આમળા યુવાની ટકાવી રાખવા માટે ઘણા જ ઉપયોગી છે.

આમળા વાળ અને આંખો માટે તો સુંદર કામ કરે જ છે, પરંતુ તે સિવાય તે ઉત્તમ બુદ્ધિવર્ધક, યાદશક્તિ વધારનાર, નાડીઓ માટે બલ્બ તથા ઇન્દ્રિયો માટે શક્તિવર્ધક આમળા એક ઉત્તમ રસાયણ કર્મ કરે છે. એટલે કે યુવાની ટકાવી રાખીને નવયુવાની બક્ષે છે. ઘરડા ને પણ નવજુવાન બનાવે છે. આમળાં આંખ માટે પરમ હિતકારી છે. દાહશામક અને ચક્ષુષ્ય એવા આમળા નો સૌંદર્યવર્ધક ગુણ અને અણમોલ અને અદ્ભુત છે. શરીરની આધ ધાતુ રસ છે. આ રસધાતુનું તથા શરીરમાં તેને ફેરવનાર માર્ગો ધમનીઓ વગેરેને શુદ્ધ બનાવે છે. આથી આખા શરીરનું મેટાબોલિઝમ સુધારવાનો તથા શરીરને સ્વસ્થ રાખવાનો મુખ્ય ગુણ આમળામાં છે અને આથી જ તો બ્રાહ્મ રસાયણ, આમલકી રસાયણ, ચ્યવનપ્રાશ વગેરે જેવા ઔષધોમાં આમળાને દ્રવ્યરૂપ માનેલ છે.

આમળાનાં રસમાં નારંગીનાં રસ કરતાં વીસગણું વિટામીન 'સી' રહેલું છે. જે શરીરનાં પ્રત્યેક કોષોનાં સ્વાસ્થ્ય માટે ઉપકારક સિદ્ધ થયેલ છે. અને એટલે જ હજારો વર્ષો પહેલાં પણ આપણાં આયુર્વેદમાં આંમળાને 'વય:સ્થાપન' એટલે કે 'યુવાનીને ટકાવી રાખનાર' કહેલ છે.

આમળાનાં ગુણો એટલાં બધાં ઉપયોગી છે કે, આમળાનો ઉપયોગ નાના-મોટા, ગરીબ-તવંગર બધાને પરવડી શકે તેમ હોવાથી દરેકે-દરેક માનવીએ પ્રચુર માત્રામાં આમળાનો ઉપયોગ કરવો જોઈએ. આમળાનો વિવિધ રીતે આહારમાં અને ઔષધિદ્રવ્ય તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. આમળાનો મુરબ્બો, ચટણી, અથાણું, છુંદો અને સૂકા આમળાનો મુખવાસ તરીકે પણ છૂટથી ઉપયોગ કરી શકાય છે. તો દરેક વાચક મિત્રોને વિનંતી કે આજથી જ આપણે આવાં અમૃતફળ જેવા આમળાનો આ સીઝનમાં ભરપૂર ઉપયોગ કરીને શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિનો નવસંચાર કરીને ઘડપણને દૂર ધકેલી દઈએ. રસાયણકર્મ કરીને સદા નવયુવાન રહીને હંમેશા જુવાનીનો જોમ અને જુસ્સો અકબંધ રાખીએ. આમ, આયુર્વેદની અણમોલ અદ્ભુત જડીબુટ્ટી એવા આમળાં શરીર સૌંદર્ય અને સ્વાસ્થ્યને જાળવી રાખી વધતી વયને અટકાવવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

કોરોનાની મહામારીમાં જ્યારે કોરોનાની કોઈ દવા શોધાઈ નથી ત્યારે આ મહામારી સામે લડવા માટે જે-તે વ્યક્તિની ઇમ્યુનીટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ જ મહત્વનો ભાગ ભજવે છે. અને આ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કોવિડ-૧૯ની આયુષ મંત્રાલયે જાહેર કરેલી ગાઈડલાઈનમાં આમળાની મુખ્ય બનાવટ એવું 'ચ્યવનપ્રાશ' લેવાનું સૂચન કરાયું છે. આ ચ્યવનપ્રાશમાં 'આમળા' એ મુખ્ય દ્રવ્ય તરીકે વાપરવામાં આવે છે. આના ઉપરથી જ સાબિત થઈ શકે છે કે, આંમળા શરીરની ઇમ્યુનસિસ્ટમ માટે પણ કેટલા ઉપયોગી છે.

વય:સ્થાપન, કેશવર્ધન, ચક્ષુષ્ય અને ઇમ્યુન બુસ્ટર એવા 'આમળાં' આપણી સુંદરતા અને સ્વાસ્થ્યમાં નોંધપાત્ર પરિવર્તન લાવે છે, તે બાબતમાં હવે કોઈ શંકા કરવાની જરૂર છે ? 

- જહાનવીબેન ભટ્ટ