Get The App

એલોપ્સીયા : સમાધાન આયુર્વેદથી

Updated: Aug 16th, 2021

GS TEAM

Google News
Google News
એલોપ્સીયા : સમાધાન આયુર્વેદથી 1 - image

- આરોગ્ય સંજીવની - જહાનવીબેન ભટ્ટ

વ્યક્તિની પર્સનાલિટીમાં તેના વાળનો ખૂબ મહત્ત્વનો રોલ હોય છે. આથી જ વાળના સ્વાસ્થ્ય માટે પ્રત્યેક વ્યક્તિએ જાગૃત રહેવું ખૂબ જરૂરી છે. વાળ એ સૌંદર્યવૃદ્ધિ તો કરે જ છે. પણ સાથે સાથે શરીરને ઠંડી અને ગરમીથી ખરાબ અસરથી તથા કિટાણુઓથી રક્ષણ પણ કરે છે. વાળ તથા રોગને શરીરમાં સ્વાસ્થ્ય સુરક્ષાનું ખૂબ મહત્ત્વનું અંગ માનવામાં આવેલ છે વાળથી માથાની ગરમી, લૂ અને ઠંડી વગેરેની ખરાબ અસરો સામે રક્ષણ પ્રાપ્ત થાય છે. આવી જ રીતે નાક અને કાનની અંદર રહેલ વાળથી અંદર જતી હવા, રજકણો તથા કિટાણુઓ સામે રક્ષણ મળે છે આંખની પાંપણો પરના વાળ પણ આ રીતે આંખનું રક્ષણ કરે છે નેત્રના વાળ પણ સુંદરતા તથા આંખોના રક્ષણનું કામ કરે છે.

વાળ નિષ્ણાતોના મતે વાળની લંબાઈ કરતા વધારે મહત્ત્વ વાળના સ્વાસ્થ્યને આપવું ખૂબ જરૂરી છે. આજે આપણે વાળનો એક રોગ કે જેને 'એલોપ્સીયા' કહે છે તે ઉંદરી રોગ જેનું બીજું નામ ઇન્દ્રલુપ્ત છે એવા નામથી પણ ઓળખવામાં આવે છે.

એલેપ્સીયામાં વાળ ખરી જાય છે અને વાળ ખરી પડયાની જગ્યાએ નવા વાળ આપમેળે ઉગતા નથી અને ગોળાકારમાં કે ઇંડા જેવા આકારમાં ગોળ ગોળ ચકામા પડી જાય છે. આયુર્વેદિક ચિકિત્સા કરવાથી  રોગ અવશ્ય મટી જાય છે.

આયુર્વેદમાં આચાર્ય સુશ્રુતના મત મુજબ રૂંવાટીના છિદ્રોમાં રહેલું પિત્ત વાયુ સાથે મળી જઈને પ્રકુપિત થઈને રૂંવાડાને ખોરવી નાખે છે. પછી રક્ત તથા કફ છિદ્રોને રોકી દે છે જેથી તે જગ્યાએ બીજા વાળ ઉત્પન્ન થતા નથી તેને 'એલોપ્સીયા' કે 'ઇન્દ્રલુપ્ત' કહે છે. આયુર્વેદમાં માથા સિવાયની જગ્યાએથી વાળ ખરી જાય તેને 'રુહ્યા' કહે છે. ફક્ત દાઢી-મૂછના વાળ જે રોગમાં ખરી પડે તેને 'કાર્તિક' કહે છે. વાળ ધીરે- ધીરે ખરે તેને 'ખલિત્વ' કહેવાય છે. જ્યારે આપોઆપ એકદમ માથાના વાળ ખરે અને ફરી ચિકિત્સા કરવાથી જ ઉગે તેને 'ઇન્દ્રલુપ્ત' કહે છે.

નિદાન :

ખરતા વાળ માટે જેટલા કારણો જવાબદાર છે તે બધા જ કારણો 'ઇન્દ્રલુપ્ત' એલોપ્સીયા (ઉંદરી) માટે પણ જવાબદાર છે.

આ ઉપરાંત ઉંદરી પડવાનું એક કારણ રક્તગત કૃમિ છે જેનો ફંગસ, બેક્ટેરીયા અને વાયરલમાં સમાવેશ કરી શકાય. કેશાદ અને રોમાદ નામના રક્તકૃમિ સિવાય માથાની ચામડીમાં કુષ્ઠજ અને પરિસર્પજ કૃમિને કારણે પણ ઉંદરી થાય છે. આ ઉપરાંત માથામાં ખોડો થઈ જવો, માથાની ચામડીમાં નાની નાની ફોલ્લીઓ થઈ જવી, અરુંષિકા થવી, માથાની અસ્વચ્છતા, કુપોષણ અનિયમિત આહાર-વિહાર વગેરેના કારણે વાળ ખરી જઈ ત્યાંની ચામડી ચમકીલી બનીને ગોળ-ગોળ નાના ચકરડા થઈ જાય છે, જેને ઉંદરી કહેવાય છે.

આધુનિક મતાનુસાર ઇન્દ્રલુપ્ત કે (icatraial alpoecia) અથવા Patchy Hair loss કહેવાય છે. આયુર્વેદના મતે ઉંદરીમાં વાત- પિત્ત કફ અને રક્તની દ્રષ્ટિ હોવાથી આ રોગને કષ્ટસાધ્ય કહી શકાય.

આ રોગ કષ્ટસાધ્ય હોવાથી ધીરજપૂર્વકની સારવાર માંગી લે છે. પથ્યપાલન અને નિયમિત દવાઓ તથા શિરોધારા સારવારથી ઉંદરીની સારવાર અવશ્ય થઈ શકે છે. આથી આ રોગની શરૂઆત થાય કે વાળ ખરવાના વધી જાય તો તરત જ નિષ્ણાત વૈદ્યની સલાહ લઈને સારવાર શરૂ કરી દેવાથી રોગ કાબૂમાં આવી જાય છે. ઉંદરીમાં અભ્યાંતર અને બાહ્ય એમ બંને ઉપચાર પદ્ધતિ કરવી જરૂરી છે.

* અભ્યાંતર દવાઓ :

(૧) કૃમિને દૂર કરનાર ઔષધો જેવા કે કૃમિકુઠાર રસ, વિડંગચૂર્ણ, પલાશબીજ ચૂર્ણ, કાળીજીરી ચૂર્ણ, વિહંગારિષ્ટ વગેરે દવાઓ વૈદકીય સલાહ લઈને આપી શકાય છે.

(૨) ઉંદરી ત્વચાજન્ય વિકાર પણ કહી શકાય આથી લોહી શુદ્ધ કરનાર ઔષધો જેવા કે ગંધક રસાયણ, મંજીષ્ઠા ચૂર્ણ, નિમ્બ ચૂર્ણ, આરોગ્યવર્ધિની વટી વગેરેમાંથી કોઈ પણ એક કે બેનું વૈદ્યકીય સલાહ લઈને સેવન કરવું જોઈએ.

* બાહ્ય પ્રયોગમાં

(૧) નિમ્બ તેલનું ઉંદરીની જગ્યા ઉપર મસાજ કરવું જોઈએ (૨) અંકોલીની છાલને પાણીમાં ઘસી વાળમાં લેપ કરવો. (૩) ભાંગરાના રસમાં ચણોઠીનું ચૂર્ણ મેળવીને લેપ કરવાથી વાળ ઉગે છે. (૪) ભોયરીંગણીના રસનું માથાની ચામડી પર માલિશ કરવાથી ઉંદરી મટે છે. (૫) પરવળના પાનનો રસ માથા પર લગાવવાથી ઉંદરી મટે છે. (૬) જાસુદના ફૂલની પેસ્ટ બનાવીને નિયમિત માથામાં લગાવવાથી વાળ ઉગે છે. (૭) કડવા લીમડાના પાનને ધોઈને પેસ્ટ બનાવી માથામાં લગાવવાથી ફાયદો થાય છે.

* નસ્યની સારવાર :

ષડબિંદુ તેલ, નિમ્બતેલ, ભૃંગરાજ તેલ, જેઠીમધનું તેલમાંથી કોઈ પણ એક તેલના વૈદ્યની સલાહ મુજબ નાકમાં નિયમિત ટીપા નાખવાથી પણ એલોપ્સીયા ઉંદરી રોગમાં ખૂબ ફાયદો થાય છે.

શિરોધારાની સારવાર પણ ઉંદરીના રોગમાં ખૂબ જ આશીર્વાદરૂપ છે. 

આમ, આયુર્વેદિક ઔષધોપચાર અને સારવાર તેમજ યોગ્ય પથ્યાપથ્ય એલોપ્સિયાની સારવારમાં અસરકારક સાબિત થાય છે, જેમાં બે મત નથી અને શંકાને સ્થાન નથી.