Get The App

મેટરનિટીવેઅરમાં ઑલ ટાઈમ ફેવરિટ મેક્સી ડ્રેસ, કફતાન ડ્રેસ, વન પીસ

Updated: Aug 5th, 2024

GS TEAM


Google News
Google News
મેટરનિટીવેઅરમાં ઑલ ટાઈમ ફેવરિટ મેક્સી ડ્રેસ, કફતાન ડ્રેસ, વન પીસ 1 - image


- ફેશન ડિઝાઈનરો  સગર્ભાઓ  સામે લાલ બત્તી ધરાવતાં  કહે છે  કે પ્રેગનન્સીમાં સ્ટાઈલિશ દેખાવામાં કંઈ ખોટું નથી.  પરંતુ સ્વાસ્થ્યના ભોગે નહીં. આ સમય  દરમિયાન જે કમ્ફર્ટેબલ  લાગે તે  જ પહેરો. 

 એ  સમય  વીતી ગયો જ્યારે યુવતીઓ  પોતાની ગર્ભાવસ્થા સંતાડતી.  આધુનિક  યુવતીઓને  એવું  નથી લાગતું  કે  ગર્ભવતી હોવું એ લાજ-શરમની વાત છે.  તેથી જ તેઓ દુપટ્ટા  વડે  કે અન્ય કોઈ રીતે પોતાનું ઉપસી  આવેલું પેટ  સંતાડવાનો પ્રયાસ  નથી કરતી.  તેવી જ રીતે એમ પણ  નથી વિચારતી  કે  ગર્ભાવસ્થામાં સ્ટાઈલિશ  દેખાવાનો   પ્રયાસ  ન કરી શકાય.  આ કારણે જ  ફેશન જગતમાં મેટરનિટીવેઅરે  પોતાનું ખાસ  સ્થાન બનાવ્યું  છે. 

વર્તમાન  સમયની  વાત કરીએ  તો અભિનેત્રી  દીપિકા  પાદુકોણના  મેટરનિટીવેઅર  ચારેકોર ચર્ચાઈ  રહ્યાં  છે.  પોતાની ગર્ભાવસ્થામાં પણ દીપિકાએ    સ્ટાઈલિશ દેખાવમાં  પાછીપાની  નથી કરી.  થોડાં દિવસ પહેલા તેના ઘૂંટણ  સુધીની લંબાઈ  ધરાવતા બૉડીકોન ડ્રેસ અને તેની ઉપર   પહેરેલા  પોઈન્ટ  કોલર  અને ફુલ સ્લીવ્ઝના  ડેનિમ  જેકેટે  આકર્ષણ જમાવ્યું હતું.  તેના આ પોશાકમાં  બંને બાજુ પોકેટ હતાં.  અને તેમાં  લગાવેલા  સિલ્વર  બટને આ ડ્રેસને વધુ આકર્ષક  બનાવ્યું હતું.  અભિનેત્રીએ  તેની સાથે  વાઈટ સ્નીકર્સ  પહેર્યા ંહતાં.  આમ બ્લેક ડ્રેસ અને  વાઈટ  સ્નીકર્સનું  કોમ્બિનેશન ગજબનું  સુંદર લાગી રહ્યું હતું.

અન્ય એક પ્રસંગે દીપિકાએ  સ્ટાઈલિશ દેખાવા કરતાં   ટ્રેડિશનલ દેખાવાનું પસંદ  કર્યું હતું.  તે વખતે  અદાકારાએ  ચેક્સ પ્રિન્ટના  ખુલતાં સલવાર-કુર્તા  પહેરીને  લોકોને  ચોંકાવી દીધાં  હતાં.  સામાન્ય  રીતે ક્યારેય  ટ્રેડિશનલ વસ્ત્રોમાં  નજરે ન પડતી  દીપિકાએ  કદાચ એમ  બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે ગર્ભાવસ્થામાં પરંપરાગત  વસ્ત્રો  કેટલાં આરામદાયક  લાગે છે.

ફેશન ડિઝાઈનરો  કહે  છે કે આ સીઝનનાં  મેટરનિટીવેઅરમાં  ઘણી નવી ડિઝાઈન  જોવા મળી રહી છે.  જો કે સૌથી વધુ માગ મેક્સી  ડ્રેસ અને બીજા ક્રમાંકે મલ્ટીકલર કફતાનની  છે.  જ્યારે  ફૂલોની પ્રિન્ટ ઓલટાઈમ  ફેવરિટ ગણાય  છે. તેઓ વધુમાં  કહે  છે કે દિવસ દરમિયાન  સ્લીવલેસ  બોડીકોન   ડ્રેસ અચ્છો વિકલ્પ છે.  જ્યારે સાંજની  પાર્ટી માંટે  શિમર  ડ્રેસ  બેસ્ટ  ગણાય.  તેની સાથે  ઈયરરિંગ  પહેરવાથી  વધારાનું આકર્ષણ  ઊભું થાય છે.  અલબત્ત,  તમે જે પહેરો તે આરામદાયક  અને તમારા  પેટને સહારો આપે  એવું હોવું  જોઈએ.  તમે  ચાહો તો કફતાન  સૂટ,  કો-ઓર્ડ સેટ પણ પહેરી શકો. 

મેટરનિટીના  વસ્ત્રોમાં  રંગોની વાત કરીએ તો પીળો કલર  ટોચના સ્થાને છે.  છેલ્લા કેટલાક સમયમાં  સોશ્યલ  મીડિયા પર તેમ જ અખબારો - સામયિકોમાં અભિનેત્રી  દીપિકા પાદુકોણ સનશાઈન  યેલો  કલરના ફ્રોકમાં  જોવા મળી રહી છે.  રખે  એમ માની લેતાં કે દીપિકા  વારંવાર  આ ડ્રેસ જ પહેરે છે.  હકીકતમાં  આ ફ્રોકમાં તે ગજબની સુંદર લાગી રહી હોવાથી  તેના એ પોશાકના ફોટા સર્વત્ર  વાઈરલ  થયાં  છે.

જો કે દીપિકાથી  પહેલા આલિયા ભટ્ટે પણ પોતાની ગર્ભાવસ્થા દરમિયાન  યેલો કલરનો મિની ડ્રેસ પહેરીને  આકર્ષણ જમાવ્યું હતું.  આ  પરિધાન  સાથે  તેણે  ગુલાબી રંગના પગરખાં પહેર્યાં  હતા. તેવી જ રીતે નેહા  ધૂપિયાએ  પણ પોતાની  પ્રેગનન્સી  દરમિયાન  પીળા રંગનો ગાઉન પહેર્યો  હતો.  ટૂંકમાં  એમ કહેવું વધારે પડતું નહીં ગણાય  કે  સગર્ભા  સ્ત્રીઓને  પીળો રંગ વધુ પ્રિય  લાગે છે.

ફેશન ડિઝાઈનરો  કહે છેકે મેટરનિટી  ફેશન પણ દર વર્ષે બદલાય છે.  વર્ષ ૨૦૧૯માં  લોંગ ડ્રેસ, ખાસ કરીને લોંગ મેક્સી  ડ્રેસનું ચલણ હતું. ૨૦૨૦ની  સાલમાં મેક્સી  ડ્રેસ અને ડાંગરીનો ટ્રેન્ડ શરૂ થયો હતો.  ત્યાર પછીના વર્ષે   મેક્સી ડ્રેસનું ચલણ અકબંધ રહ્યું.  પણ તેની  સાથે ખુલતા ટોપ પણ ફેશનમાં  આવ્યાં. વર્ષ ૨૦૨૨ માં સ્ટાઈલ   સ્ટેટમેન્ટ તરીકે ઓફ શોલ્ડર  ડ્રેસ સગર્ભાઓને ખૂબ ગમવા લાગ્યા હતાં અને હવે  બે વર્ષથી  ગાઉન, મેક્સી, કફતાન ડ્રેસ મેટરનિટી  ફેશનના મહત્ત્વના  ભાગ બની ગયાં છે.

જો કે ફેશન ડિઝાઈનરો  સગર્ભાઓ  સામે લાલ બત્તી ધરાવતાં  કહે છે  કે પ્રેગનન્સીમાં સ્ટાઈલિશ દેખાવામાં કંઈ ખોટું નથી.  પરંતુ સ્વાસ્થ્યના ભોગે નહીં. આ સમય  દરમિયાન જે કમ્ફર્ટેબલ  લાગે તે  જ પહેરો. તેઓ  આ  વાત વિગતવાર  સમજાવતાં કહે છે....

*  સુતરાઉ  વસ્ત્રો પહેરો. ગર્ભાવસ્થામાં મૂડ વારંવાર બદલાય  છે અને  પુષ્કળ  પરસેવો  આવે છે. આવી  સ્થિતિમાં કોટનના કપડાં સૌથી  આરામદાયક  રહે  છે.

*  સગર્ભા  નારીના શરીરમાં હોર્મોન્સમાં પુષ્કળ  બદલાવ આવે  છે.  તેનેકારણે ત્વચા અત્યંત  સંવેદનશીલ   બની જાય છે.  બહેતર  છે  કે ત્વચા  પર અકળામણ પેદા ન કરે એવા  વસ્ત્રો  પહેરવામાં આવે.

*  ગર્ભાવસ્થામાં  ઉપસી આવેલા પેટને ટેકો મળે એવા ટોપ અને બોટમ પણ મળે છે.  તમે ચાહો તો આવી જોડી  ખરીદો.

*  પોતાના માપ કરતાં એક કે બે  માપ મોટા વસ્ત્રો ખરીદો.  તે આરામદાયક  રહેશે.

*  મુલાયમ  ફેબ્રિકની  સ્પોર્ટ્સ  બ્રા પહેરો.

*  તમને ચાલવામાં  ફાવે એવાં જ પગરખાં  પહેરો.

-  વૈશાલી ઠક્કર

Tags :