Get The App

ઓલ ધ વર્લ્ડ એ સ્ટેજ : જિંદગીનું જગલિંગ અને જજમેન્ટ

Updated: Nov 3rd, 2025

GS TEAM

Google News
Google News
ઓલ ધ વર્લ્ડ એ સ્ટેજ : જિંદગીનું જગલિંગ અને જજમેન્ટ 1 - image

- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ

- પેટ કરાવે વેઠ કહેવત દરેકને લાગુ પડે છે. અબજોપતિથી માંડીને આમ આદમી સુધી દરેકને પેટ માટે જ કમાવું પડે છે. આપણું બેલી જ આપણને જિંદગીના તમામ બેલે ડાન્સ શીખવે છે અને કરાવે. ક્યારેક આગ જેવી પરિસ્થિતિમાંથી પસાર કરાવે છે તો ક્યારેક ખાંડાની ધાર ઉપર ચાલવા પણ મજબૂર કરે છે 

દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશન આવતાની સાથે જ વિવિધ સ્થળોએ સર્કસના શો થવા લાગે છે. તાજેતરમાં અખબારમાં એક સર્કસની જાહેરાત વાંચી. તેમાં લખ્યું હતું કે, અવનવા ખેલ થશે, જાતભાતના સ્ટંટ જોવા મળશે, દેશ-વિદેશના કરતબબાજો લઈને આવ્યા છીએ, નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી તમામને આનંદ કરાવશે તેવા ખેલ કરવામાં આવશે. અંગ્રેજી ભાષાના મહાન નાટયકાર શેક્સપિયર કહે છે તેમ આ દુનિયા આખે જ એક સ્ટેજ છે અને આપણને એન્ટ્રી મળે ત્યારે આવવાનું અને એક્ઝિટ થાય ત્યારે ચુપચાપ નીકળી જવાનું. દુનિયાના આ સર્કસમાં આપણી એન્ટ્રી અને એક્ઝિટ વચ્ચે જે પણ પાત્રો મળે તે આરામથી ભજવી લેવાના અને આનંદ કરી લેવાનો. બાકી તો આપણા પછી પણ જિંદગીનું આ સર્કસ ચાલતું જ રહેવાનું છે. આપણા પછી પણ યુગો સુધી દુનિયામાં પાત્રો આવતા રહેશે અને જતા રહેશે. આ સર્કસ ક્યારેય અટકવાનું નથી કે ક્યારેય બંધ થવાનું નથી. 

જન્મથી મૃત્યુ વચ્ચેના માણસના કરતબો એટલે જિંદગીનું સર્કસ. દુનિયામાં તમારી એન્ટ્રી થાય અને ફરી પાછા તમે દુનિયામાંથી એક્ઝિટ લો ત્યાં સુધી વિશ્વ ફલક ઉપર ભજવાતા પાત્રો થકી જ આપણે અમરત્વ પ્રાપ્ત કરીએ છીએ. સર્કસની વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં જ એન્ટ્રી પડે છે જોકર્સની. ટોળામાં આવતા આ કલાકારો દર્શકોને હસાવવાનું કામ કરે છે. પોતે રડે છે પણ તેને જોઈને બીજા હસે છે. આપણી જિંદગી પણ એવી જ છે. આપણે જન્મતાની સાથે જ રડીએ છીએ જ્યારે આપણને રડતા જોઈને બીજાને હસવું આવે છે, આનંદ આવે છે. જીવનનો ખાલિપો ભરાઈ ગયાની લાગણી થાય છે. જિંદગીનું આ પહેલું સત્ય છે કે, તમારું રડવું કાયમ બીજાને દુ:ખી કરે તે જરૂરી નથી, બીજાને તેનાથી આનંદ પણ મળે છે. તમારામાં જાતે રડીને બીજાને આનંદ આપવાની ક્ષમતા હોવી જોઈએ. 

સર્કસમાં વિવિધ કરતબ આવે છે. તેમાં એક જોખમી કરતબ આવે છે દોરડા ઉપર સંતુલન રાખવાનું અને એક છેડેથી બીજા છેડે ઝુલીને જવાનું. જિંદગીનું આ કરતબ લગભગ આપણે દરેક તબક્કે ભજવવું પડે છે. આ કરતબનો સૌથી મોટો બોધપાઠ છે સામેની વ્યક્તિ ઉપર વિશ્વાસ રાખવાનો. ઝુલો પકડીને સામેની વ્યક્તિ તરફ છલાંગ મારવી અને તે આપણને ઝીલી લેશે તે વિશ્વાસ જ આ કરતબને ટકાવી રાખે છે. જિંદગીમાં પણ આવું જ છે, આપણી સાથે રહેલી વ્યક્તિ ગમે તેવી કપરી સ્થિતિમાં આપણો હાથ નહીં છોડે તેવો વિશ્વાસ આવી જાય પછી આપણે ગમે તેવી છલાંગ લગાવવા તૈયાર થઈ જઈએ છીએ. તેમાં સાથ આપનાર વ્યક્તિની જવાબદારી બેવડાઈ જાય છે. તેણે પોતાનું સંતુલન જાળવીને બીજાની જિંદગીને પણ ટકાવવાની છે. આ જવાબદારી કદાચ સ્ત્રીઓ સારી રીતે નિભાવી જાણે છે. સમાજ જીવન અને ગૃહસ્થી કદાચ આ કરતબના પાયા ઉપર રચાયેલી છે. પુરુષ ગમે ત્યારે અને ગમે ત્યાં છલાંગો મારે પણ સંસારને ટકાવવાનું કામ કાયમ સ્ત્રીઓ કર્યું જ છે. 

સર્કસમાં પછી આવે છે એક્રોબેટિક ખેલ કરતી છોકરીઓ. શરીરને વિવિધ રીતે વાળીને તેનું સંતુલન રાખીને આપણને મનોરંજન પૂરું પાડે છે. આ બાબત શીખવે છે કે તમારે જિંદગીનું સંતુલન સાધવું હોય તો ક્યાયં વળવું પડે છે, ક્યાંક નમવું પડે છે અને ક્યાંક ટટ્ટાર બનીને પણ ઊભા રહેવું પડે છે. માત્ર સીધી લીટીમાં રહેવાથી જિંદગીનું સંતુલન સાધી શકાતું જ નથી. ઘણી વખત એક જ જગ્યાએ ગોળગોળ પણ ફરવું પડે છે, એકાદ હાથ, એકાદ સહારો છોડવો પડે છે અથવા તો છૂટી જાય છે પણ આપણે આપણી ગતિ અટકાવવાની નથી. આપણે તો સતત આગળ વધતા જ જવાનું છે. 

આ ખેલ પૂરો થયા પછી કેટલાક વિદેશી કલાકારો આવે છે. આ કલાકારો મલખમ અને પોલ બેલેન્સિંગના ખેલ બતાવે છે. મલખમ અને પોલ ઉપર બેલેન્સ કરીને પોતાના આવડતનો પરિચય આપે છે. આમ જોવા જઈએ તો આ ખેલ એકબીજાનો હાથ ઝાલીને બંનેની જિંદગીને સાચવવી તેનો સંદેશ છે. જો એકનો પણ હાથ છૂટયો તો બધું જ પૂરું થઈ જવાનું છે. જિંદગીમાં નીચેથી ઉપર જાવો કે પછી ઉપરથી નીચે આવો પણ એકબીજાનો હાથ નહીં છોડીએ તો ક્યારેય કોઈ તકલીફ નહીં પડે. તમામ સ્થિતિમાં સાથે રહીને ટકી જવાની ભાવના આ ખેલ શીખવી જાય છે. સંબંધ ટકાવવા માટે એકબીજાને પકડા રાખવા અને જકડી રાખવા ખૂબ જ જરૂરી છે. બંનેમાંથી એકનો પણ હાથ છુટશે તો સમગ્ર ખેલ બગડી જશે અને ત્યારબાદ બધું જ વિખરાઈ જશે.  

ત્યારબાદ સ્ટેજ ઉપર એન્ટ્રી થાય છે જગલરની. ક્યાંક બોટલનું બેલેન્સ કરે છે તો ક્યારેક હાથમાં પાંચ-પાંચ બોલ ઉછાળીને પકડી લે છે, ક્યારેક હેટ ઉછાળીને પહેરી લે છે તો ક્યારેક ચપ્પા વડે ખેલ કરે છે. વ્યક્તિને આગળ વધવા માટે આ કરતબ આવડવો ખૂબ જ જરૂરી છે. ભણતર સાથે ગણતરની વાત છે. ભણતર વ્યક્તિને નોકરી અપાવે છે જ્યારે ગણતર તેની આ કારકિર્દીને આગળ વધારે છે. જ્યાં સુધી જિંદગીનું જગલિંગ નહીં આવડે ત્યાં સુધી કોઈ તમારી કિંમત નહીં કરે. સામેની વ્યક્તિની આંખનો પલકારો વાગે તે પહેલાં કામ કરવાની આવડત જ સફળતા અપાવશે. 

સર્કસમાં વચ્ચે વચ્ચે જોકરોની તો એન્ટ્રી અને એક્ઝિટ થતી જ રહે છે. તે જિંદગીના કડવા સત્યો અને સહજ વાતોને વ્યક્ત કરતા જ રહે છે. જગલરના ખેલ બાદ સર્કસમાં કેટલીક યુવતીઓ આગના સળીયાની નીચેથી પસાર થવું, તલવાર ઉપર બેલેન્સ જાળવવું અને બેલે ડાન્સ જેવા ખેલ કરે છે. પેટ કરાવે વેઠ કહેવત દરેકને લાગુ પડે છે. અબજોપતિથી માંડીને આમ આદમી સુધી દરેકને પેટ માટે જ કમાવું પડે છે. આપણું બેલી જ આપણને જિંદગીના બેલે ડાન્સ શીખવે છે અને કરાવે. ક્યારેક આગ જેવી પરિસ્થિતિમાંથી પસાર કરાવે છે તો ક્યારેક ખાંડાની ધાર ઉપર ચાલવા પણ મજબૂર કરે છે. આ સ્થિતિમાંથી પસાર થાઓ ત્યારે જ જિંદગીની સાચી ભુખ ઠરતી હોય છે, સફળતા મળતી હોય છે અને સુખ મળતું હોય છે. ત્યારબાદ સ્કેટિંગ પહેરીને ગોળ ફરતા ટેબલ ઉપર બેલેન્સ જાળવતી યુવતીઓ કરતબ બતાવે છે. તે પણ આપણને શીખવે છે કે જીવન સતત ફરતું રહે છે અને ફરતું રહેશે તેમાં આપણું સંતુલન આપણે જાતે જ જાળવવાનું છે. આપણે માત્ર એકબીજાનો હાથ પકડી શકીએ. કોઈ એક વ્યક્તિ આધાર બને તો બીજાના જિંદગી આપોઆપ જળવાઈ જાય છે. 

અંતે ખેલ આવે છે ઘોડા, કૂતરા, પોપટ અને હાથીઓનો. આ જાનવરો તેમના રિંગમાસ્ટરના કહ્યા પ્રમાણે વિવિધ ખેલ કરતા હોય છે. આ ખેલ જીવન માટે ખૂબ જ મહત્વનો છે. તે સૌથી પહેલો પાઠ શીખવે છે કે, તમારી જિંદગી બીજાના હાથમાં હશે તો તમારા ઉપર જોખમ વધારે હશે. બીજાનો આદેશ માનીને ચાલવામાં જોખમ વધારે છે. ખરેખર કોઈને આધિન રહેવું હોય તો ઈશ્વરને આધિન રહેવું. આ એવો રિંગમાસ્ટર છે જે ક્યારેય આપણને જોખમમાં નહીં નાખે, અને કદાચ જોખમ હશે તો તેમાંથી ઉગારવાની ક્ષમતા પણ તેની પાસે છે. 

સમજવા જેવી વાત એવી છે કે, સર્કસનો ત્રણ કલાકનો શો હોય છે. તેમાં વિવિધ લોકો વિવિધ કરતબ કરતા હોય છે. તેની સામે આપણી જિંદગી આવી જ છે. જિંદગીમાં આપણો જન્મ થતાની સાથે જ આપણું પાત્ર ખેલ ભજવવાની શરૂઆત કરે છે. તે જન્મે ત્યારે કાલુઘેલું જોકર જેવું હોય છે જે બીજાને આનંદ આપે છે અને મૃત્યુ પહેલાં ફરી અબોધ બાળક જેવું જિદ્દી હોય છે જે બીજાને આનંદની પળો આપતું જાય છે. આ બે પાત્રો વચ્ચે બીજા અનેક પાત્રો આપણે સમયાંતરે ભજવતા રહેવાના હોય છે. આપણા આ તમામ પાત્રોની સમયમર્યાદા હોય છે અને જો તેમાં આપણે પૂરતું કામ ન કરી શક્યા તો આપણને બીજો અવસર મળતો નથી. સમગ્ર વિશ્વ રંગમંચ જેવું છે અને તેમાં જન્મ લેતા અને મૃત્યુ પામતા દરેક લોકો માત્ર ખેલ કરે છે. ધરતી ઉપર જિંદગીનું જગલિંગ જ એવું છે કે, જજમેન્ટલ બનીને રહેશો તો ક્યારેય આનંદ નહીં આવે પણ જજમેન્ટ લઈને કામ કરશો તો પોતાને પણ આનંદ આવશે અને દુનિયાને પણ આવશે.