કાળઝાળ ગરમીમાં શીતળતાનું સુખ આપતા
ઊનાળો શરૂ થઈ ગયો છે. બપોર પછી બહાર નીકળો તો મિનિટોમાં પરસેવામાં રેલા નીકળે છે. મુંબઈમાં તો આકો દિવસ બફારો થાય છે. અમદાવાદ, રાજકોટ જેવા શહેરમાં બપોરે પારાવાર ગરમી લાગે છે. દીવાનખંડ કે બેડરૂમમાં એર કન્ડીશનર મશીન મૂકાવનારા શ્રીમંતો તો વાતાનુકૂલિત કમરામાં ભરાઈ રહીને ગરમીને હાથતાળી આપી શકે છે. પરંતુ આમ-સાધારણ માનવી માટે એરકન્ડીશનની મઝા માણવી ગજા બહારની વાત છે. એ વાત જુદી છે કે, વાતાનુકૂલિત થિયેટરોમાં કોઈની ઓફિસમાં જઈને એ.સી. માણી શકાય.
જો કે , સરળ હપ્તાની પધ્ધતિથી ફ્રિજ કે કલક ટી.વી. ખરીદવાનું જેટલું સરળ થઈ ગયું છે. એટલી જ સહેલાઈથી મધ્યમ વર્ગનો માણસ પણ એરકન્ડીશનર ખરીદી શકે છે. પાકિટને પરવડતું હોય તો ઘરમાં અને ઓફિસમાં એ.સી. મશીન બેસાડવાનું હિતાવહ છે. એ.સી.ના ઘણા ફાયદા છે. વાતાનુકૂલિત ઈમારત ઠંડી અને આરામદાયક હોય છે. અંદરનું વાતાવરણ બહારના ધૂળિયા વાતાવરણથી અધિક સ્વચ્છ હોય છે.
કદાચ એ કારણસર જ ઘરમાં એ.સી. હોય એવા લોકો ગર્વ સાથે ઘણીવાર કહે છે કે ભાઈ, અમારું સિમલા તો અમારા ઘરની ચાર દિવાલો વચ્ચે છે. એરકન્ડીશનર ચલાવ્યું કે ઘર સિમલા બની ગયું. પરંતુ આવી શેખી કરનારા એ વાત જાણી લે કે, આધુનિક વિજ્ઞાન હવે એ.સી. યંત્રના વપરાશ સામે લાલબત્તી ધરે છે. વૈજ્ઞાનિક સંશોધનના આધારે જે વાત પ્રકાશમાં આવી ચે તે મુજબ આલિશાન વાતાનુકૂલિત ઈમારતના વાતાવરણમાં સૂુક્ષ્મ પ્રદૂષણ હોય છે. કેટલીકવાર આ પ્રદૂષણ અમદાવાદની ગંદી હવા કરતાંય અધિક હાનિકારક સાબિત થઈ શકે છે. એમ કહેવાય છે કે, વાતાનુકૂલનની જે પધ્ધતિથી હવાને ચાળીને સાફ કરવામાં આવે છે એનાથી થોડી ઘણી શુદ્ધ તાજી હવા મળે છે. એ વાત સૌએ સો ટકા સાચી નથી. સાધારણ તાજી હવામાં નાઈટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઈડ સિવાય આર્ગન, ઓઝોન તથા કેટલાંક ખનિજ અને અલ્પ માત્રામાં કાર્બનિક પદાર્થ હોય છે.
જ્યારે રૂમની ચાર દીવાલો કે મોટી ઈમારત, ખંડમાં પ્લાસ્ટિક રંગરોગાન, રસાયણ, દીવાલો, છત તથા ફર્શ પરની સિન્થેટીક પદાર્થ આધુનિક ફર્નીચર વગેરે ઘરની હવામાં પોતાના સૂક્ષ્મ કોષો ઠાલવતા રહે છે. કેટલીકવાર તો જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાથી બનેલી બે વિવિધ વસ્તુમાંથી ઝરતા આ કણોના સંયોજનથી એક નવા પ્રકારનું પ્રદૂષણ સર્જાય છે. અને આખા રૂમની હવા દૂષિત થાય છે.
આ રીતે આપણા વાતાનુકૂલિત ખંડ, દિવાનખાના કે બેડરૂમમાં કહેવાતી તાજી હવા વાસ્તવમાં નાઈટ્રોજન ઓક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડ તથા ફાર્માલિહાઈટ જેવા ઝેરી ગેસથી ઉભરાવા માંડે છે. તદુપરાંત એ.સી. રૂમમાં રેડોન નામનો રેડિયો એક્ટીવ ગેસ પણ મોજુદ હોય એ સંભવ છે. જેની અડધી આયુ આઠ દિવસની હોય છે. જ્યારે આ રેડિયો એક્ટીવ કણનો ક્ષય થાય ત્યારે તેનું એવા જ ખતરનાક આયનમાં રૂપાંતર થાય છે જે ધૂળની રજકણ સાથે ચોંટીને શ્વાસમાં જતાં ફેફસાને હાનિ કરે છે. તેમાંથી કેન્સર પણ થાય છે.
એરકન્ડીશનર યંત્રને કારણે થતી આ નુકસાનીનો અંદાજ પહેલીવાર સન ૧૯૭૭માં મળ્યો. એ વર્ષે સ્વીડનના સ્ટોકર્હામ નગરની બે આધુનિક ડે કેર નર્સલી સ્કૂલમાં અસાધારણ ઘટના સર્જાઈ હતી.
આ નર્સરી સ્કૂલમાં નવ મહિનાના બાળકથી માંડીને છ વર્ષની ઊંમરના ભૂલકાઓ રહેતા હતા. ઊનાળાના દિવસો હતા બહાર ગરમી વધુ હતી તેથી આ ડે-કેર સેન્ટરના એરકન્ડીશનર મશીનોને 'ફૂલ' પર મૂકીને કેન્દ્રના ખંડને વધુ વાતાનુકૂલિત બનાવાયા. થોડા દિવસ પછી બાળકો નાક, કાન, અને ગળામાં બળતરા થતી હોવાની ફરિયાદ કરવા લાગ્યાં. તેમના હાથે, પગે લાલ ચકામા ઉપસી આવ્યા. આ જ પ્રકારની ફરિયાદ બે દિવસ બાદ નાની ઉંમરની શિક્ષિકા તથા બીજા કર્મચારીઓ પણ ફરવા લાગ્યા. જ્યારે આ ડે-કેર સ્કૂલ એટલે કે ઘોડિયા ઘર વત્તા બાલમંદિર પાંચ દિવસ પછી શનિવારની રજામાં બંધ રહેતું ત્યારે બળતરા થવાની કે, શરીર પરના લાલ ચકામાની ફરિયાદ દૂર થઈ જતી કારણ કે બાળકો એરકન્ડીશનર કમરામાંથી બહાર નીકળીને રમતા અથવા પોતાના ઘરે જતાં રહેતાં હતાં.
આ રીતે લાગલગાટ ચાર વર્ષ સુધી ૪૦ થી વધુ વાતાનુકૂલિત નર્સરી સ્કૂલોના ૨૦૦૦ બાળકો આ રહસ્યમય ઘટનાનો શિકાર બનતાં રહ્યાં. પરંતુ સ્વાસ્થ્ય અધિકારીઓ, તબીબોને આ બિમારીનું કારણ જાણવા મળ્યું નહોતું. છેવટે આ વિચિત્ર ઘટના પાછળનું વિજ્ઞાન શોધી કાઢવા પર્યાવરણવિન્દો અને વૈજ્ઞાનિકોનો સહારો લેવાયો. પ્રારંભમાં તો સંશોધનકર્તાઓને એવો સ્વપ્નેય ખ્યાલ નહોતો આવ્યો કે. સ્કૂલના ખંડમાંની હવા પ્રદૂષિત હોવાને કારણે આવું થતું હશે. એ લોકો તો એમ જ સમજતા હતા કે, સ્કૂલમાં એ.સી. મૂકેલું છે. એટલે હવા ચોખ્ખી હોવા બાબતે કોઈ શંકા રહેતી જ નથી. પરંતુ આવી શોધખોળ ચાલુ હતી ત્યારે એક રસાયણ વિજ્ઞાની સુઝી જ્હોનસન બપોરે એક નર્સરી સ્કૂલમાં તેના બે બાળક સાથે પ્રવેશી તો એ પોતે અને બાળકો પણ પેલી રહસ્યમય બિમારીનો ભોગ બન્યાં અને ત્યારે સૂઝીને ખ્યાલ આવ્યો કે હવા પ્રદૂષિત હોવાનેકારણએ જ આમ બન્યું હશે. ત્યારબાદ વૈજ્ઞાનિકો એ જાણીને ચોંકી ઉઠયા કે જે વાતાનુકૂલિત ઈમારતોમાં આપણે દિવસનો ૮૦ થી ૯૦ ટકા સમય ગાળીએ છીએ તેમાં આ સૂક્ષ્મ પ્રદૂષણ છવાયેલું હોય છે. આ હકીકત જાણ્યા પછી વૈજ્ઞાનિકો હવે એવી સલાહ આપે છે કે એરકન્ડીશનર મશીનનો વપરાશ શક્ય એટલો ઘટાડવો. અથવા જે રૂમમાં એ.સી. બેસાડયું હોય તે ખંડમાં સિન્થેટીક ચીજનો વપરાશ શક્ય એટલો ઓછો કરવો. સતત કલાકો સુધી એ.સી. રૂમમાં બેસવાનું ટાળવું જોઈએ. એ.સી.નો વપરાશ કરતાં ન હોઈએ ત્યારે એ રૂમનાં બારીબારણાં ખોલી નાંખવા.


