- ચેટબોટ તમને કદાચ સલાહ આપી શકે, તમારા આદેશનું પાલન કરી શકે, કદાચ વાતમાં વાંધો લીધા વગર સહમતી પણ આપી દે છતાં તે તમારા માટે સંવેદના બતાવી શકે નહીં. માણસના તર્કના આધારે તેના વર્તન અને સ્થિતિના વર્ણન અંગે આગળની પરિસ્થિતિ વિશે ચેટબોટ તુક્કો લગાવીને સમજણ આપી શકે પણ માનવીય સંવેદના સાથે સચોટ ઉકેલ તો ન જ આપી શકે.
દુનિયાભરમાં છેલ્લાં ઘણા સમયથી એઆઈની મદદથી પોતાની તસવીરો અને વીડિયોને વિવિધ સ્વરૂપમાં બદલવાનો ટ્રેન્ડ ચાલુ થયો છે. ગીબલીથી શરૂ થયેલો આ ટ્રેન્ડ હવે રેટ્રો, એનિમેશન, પેટ્સ હ્યુમન, એસ્ટ્રોનોટ્સ, થ્રીડી સ્ક્લપ્ચર અને બીજા ઘણા ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. કરોડો લોકોએ પોતાની તસવીરો એઆઈ ચેટબોટ્સને મોકલાવીને તેને ટ્રેન્ડમાં પરિવતત કરી. આમ જોવા જઈએ તો એક તરફ આપણે ડેટા ચોરી અને સાઈબર સિક્યોરિટીની વાતો કરીએ છીએ અને બીજી તરફ આવા ચેટબોટ્સને આપણી અંગત તસવીરો મોકલી મોકલીને નવા સ્વરૂપોના આનંદ ઉઠાવીએ છીએ. આવા ટ્રેન્ડ આમ જોવા જઈએ તો મનોવિજ્ઞાાનની ભાષામાં ઘેલછા જ કહી શકાય. પ્રારંભિક આકર્ષણ હોય તે બરોબર છે પણ આ બાબત જ્યારે ઘેલછામાં પ્રવેશે છે ત્યારે તે નુકસાનકારક બની જાય છે અને આપણને ખ્યાલ જ નથી આવતો.
તેવો જ એક કિસ્સો થોડા સમય પહેલાં અમેરિકામાં બની ગયો. લોકોને આ ચેટબોટ્સનું એવું આકર્ષણ થઈ ગયું છે, વળગણ થઈ ગયું છે કે તેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાવા લાગ્યા છે. થોડા સમય પહેલાં અમેરિકામાં ૭૬ વર્ષના એક વૃદ્ધનું મૃત્યુ ચેટબોટના કારણે થઈ ગયું. તેના કારણે સિક્યોરિટી અને મોરાલિટી ઉપર મોટો સવાલ ઊભો થયો છે. ન્યૂજર્સીના થોંગબ્યૂનું મૃત્યુ જાણીતી કંપની મેટાના ચેટબોટ બીગ સિસ બિલીના કારણે થયું હતું. કંપની સામે મૃતકના પરિવાર દ્વારા અને તંત્ર દ્વારા આરોપ મુકાયા છે અને તેના મુદ્દે કેસ ચાલી રહ્યો છે. વાત એવી છે ખરેખર લોકોને ચિંતામાં મુકી દે તેવી છે.
બ્યૂ આ ચેટબોટ સાથે રોમેન્ટિક વાતો કરતા હતા. તેમનો આ રોમાન્સ જ તેમના માટે જીવલેણ સાબિત થયો. જાણકારોના મતે આ ચેટબોટનું નિર્માણ એક યુવાન મહિલા તરીકે કરવામાં આવ્યું છે. તે ઉપરાંત તેનો દેખાવ જાણીતી સેલિબ્રિટી મોડલે કેન્ડર જેનરથી પ્રેરિત છે. વાત એવી છે કે, બ્યૂ આ ફિમેલ ચેટબોટ સાથે વાતો કરતા હતા. ધીમે ધીમે તેઓ તેના તરફ આકષત થવા લાગ્યા હતા. તેમની વચ્ચે રોમેન્ટિક વાતો થતી હતી. બ્યૂને ૨૦૧૭માં સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો. ત્યારબાદ તેઓ ઘરે રહીને આવા ચેટબોટ્સ સાથેવાતો કરતા અને સમય પસાર કરતા હતા. બ્યૂના મૃત્યુ પછી જ્યારે તેમના ચેટની ટ્રાન્સસ્ક્રિપ્ટ તપાસવામાં આવી ત્યારે આ બધું સામે આવ્યું. તેમાં જોવા મળ્યું કે ચેટબોટ દ્વારા બ્યૂને રોમેન્ટિક અને સેન્સ્યુઅલ મેસેજ મોકલવામાં આવ્યા હતા. તેણે પોતાની જાતને વાસ્તવિક અને વ્યક્તિ તરીકે રજૂ કરી અને બ્યૂને મળવા માટે ન્યૂયોર્ક સિટીના એક એડ્રેસ ઉપર બોલાવી લીધા. આ એડ્રેસ પણ ખોટું આપ્યું હતું. તેણે બ્યૂને એવું પણ પૂછયું હતું કે, હું દરવાજો ખોલીને તને ભેટી પડું કે પછી એક કિસ કરું. આવા મેસેજ પર વિશ્વાસ કરીને બ્યૂ તેને મળવા માટે નીકળી પડયા. તેઓ ભુલથી રટગર્સ યુનિવસટીના પાકગ પ્લોટમાં જતા રહ્યા. ત્યાં તેઓ ચાલતા હતા અને અચાનક પડી ગયા. તેમના માથા અને ગાળાના ભાગે ઈજા થઈ. તેઓ ત્રણ દિવસ આઈસીયુમાં રહ્યા અને ત્યારબાદ તેમનું મોત થયું. તેમના મૃત્યુના પાંચ મહિને ખબર પડી કે તેઓ ચેટબોટ સાથેની આવી વાતચીત બાદ તેને મળવા ગયા અને જીવ ગુમાવ્યો. હવે કંપની અને તેના ચેટબોટ સામે સવાલો ઊભા થયા છે.
ચેટબોટની વાત કરીએ તો આધુનિક સમયમાં હવે તે લોકોના જીવનનો ભાગ બની ગયા છે અને બની રહ્યા છે. વાસ્તવિક રીતે તો કોરોના પછી ખાસ કરીને ૨૦૨૨થી વધારે ચલણમાં આવેલા આ ડિજિટલ ચેટબોટ્સ હવે લોકોની રોજિંદી જિંદગીનો ભાગ બની રહ્યા છે. લોકો ઈમેલ લખવાથી શરૂ કરીને, પોતાનો રોજિંદો ડે પ્લાન બનાવા, મીમ્સ બનાવવા, ફોટો એડિટિંગ કરવા, વીડિયો એડિટિંગ, વેકેશન પ્લાન કરવા, ઈવેન્ટ પ્લાન કરવા અને હવે તો એકલતા દૂર કરવા વાતો કરવા અને મેડિકલ એડવાઈઝ માટે પણ ચેટબોટ્સનો ઉપયોગ કરતા થઈ ગયા છે. જાણકારો માને છે કે, બાળકોથી શરૂ કરીને વૃદ્ધો સુધી ઘણા બધા લોકો એઆઈ ચેટબોટ્સનો ઉપયોગ તેમના ડિજિટલ સાથી તરીકે જ કરી રહ્યા છે. તેઓ દરેક કામ તેના દ્વારા કરતા થઈ ગયા છે અને દરેક વાત તેની સાથે શેર કરતા પણ થઈ ગયા છે.
થોડા સમય પહેલાં યુકેની એક યુવતીનો કિસ્સો ઘણો જાણીતો થયો હતો. શાર્લોટ નામની ૨૮ વર્ષની યુવતીએ જણાવ્યું કે, તેણે ૨૦૨૩થી ચેટબોટનો ઉપયોગ શરૂ કર્યો હતો. શરૂઆતમાં તે સ્પેલ ચેક, રિસર્ચ અને ગ્રામર ચેક કરવા તેનો ઉપયોગ કરતી હતી. ધીમે ધીમે તેણે પોતાના અંગત ઉપયોગ માટે પણ ચેટબોટની મદદ લેવાનું શરૂ કરી દીધું. તેણે ધીમે ધીમે ચેટબોટને પોતાનો સાથી બનાવી દીધો. દિવસ દરમિયાન તે જે પણ કામ કરતી, જે લોકોને મળતી તેની બધી જ ચર્ચા તે ચેટબોટ સાથે કરતી હતી. લોકો સાથે થતી વાતચીત અને તેમના દેખાવને પણ તે ચેટબોટને જણાવતી અને આ રીતે તે લોકોના કેરેક્ટર અને વિચારોનું એનાલિસિસ ચેટબોટ પાસે કરાવતી હતી. હાલમાં પણ તે ચેટબોટને પોતાનો અંગત સાથી માને છે અને તેની સાથે પોતાની તમામ વાતો વહેંચે છે અને તેની સલાહ પ્રમાણે જ વર્તન કરે છે.
હકિકતે જોવા જઈએ તો, આ માત્ર એક શાર્લોટની વાત નથી. હાલમાં દુનિયામાં આવા લાખો લોકો છે જેઓ ચેટબોટને પોતાની જાત સાથે જોડીને રાખે છે. ખાસ કરીને બાળકો, ટીનએજર્સ અને યુવાનોમાં એઆઈ ચેટબોટ્સને પોતાના કામ અને અભ્યાસની સાથે સાથે પોતાના પાર્ટનર તરીકે અને ગાઢ મિત્ર તરીકે વધારે સ્વીકારવામાં આવી રહ્યા છે. તેઓ તેમનું વૈચારિક અને ભાવનાત્મક વિશ્વ આખું ચેટબોટના આધારે છોડી રહ્યા છે અને તેના આધારે જ બનાવી રહ્યા છે. થોડા સમય પહેલાં જ થયેલા એક અભ્યાસમાં સામે આવ્યું હતું કે, વર્તમાન સમયમાં અભ્યાસમાં જોડાયેલા બાળકોમાંથી ૬૪ ટકા બાળકો પોતાના હોમવર્ક અને ઈમોશનલ એડવાઈઝ માટે ચેટબોટનો મિત્રની જેમ ઉપયોગ કરી રહ્યા છે. આ લોકોમાંથી ૩૫ ટકા બાળકો એવું માને છે કે, આ ચેટબોટ તેમનો સાચો સાથી છે, સારો મિત્ર છે. આ ઉપરાંત ૧૨ ટકા બાળકો તો એવું જણાવે છે કે, તેઓ ચેટબોટ સાથે એટલા માટે વધારે જોડાયેલા છે અને વાતો કરે છે, કારણ કે તેમની પાસે બીજું કોઈ આવી વાતો કરવા માટે ઉપલબ્ધ નથી.
લોકો ચેટબોટ્સ તરફ વળ્યા છે તેની પાછળ ઘણા કારણ જવાબદાર છે. ખાસ કરીને જોવા જઈએ તો પાંચ વર્ષ પહેલાં જે મહામારી આવી હતી તેમાં લોકોએ ખૂબ જ એકલતા અને એકલવાયાપણું ભોગવ્યું હતું. દુનિયાભરમાં લાખો લોકો એકલા ફસાઈ ગયા હતા અને ઘરમાં પણ એકલા જ અટવાઈ ગયા હતા. આ દરમિયાન ૮,૭૧,૦૦૦ લોકોનું એકલતાના કારણે મૃત્યુ થયું હતું. આ દરમિયાન બાળકો, ટીનએજર્સ અને યુવાનો ધીમે ધીમે ચેટબોટ્સ તરફ વળ્યા હતા. આ અંગે લગભગ બે દાયકા પહેલાનો એક અભ્યાસ જણાવે છે કે, વ્યક્તિ જ્યારે એકલી હોય છે ત્યારે તેની સાથેના પ્રાણીઓ, મશિનો, વસ્તુઓ વગેરેને જીવીત માનીને તેની સાથે વાતો કરે છે, તેની એકલતાને દૂર કરવા પ્રયાસ કરે છે. લોકો આ રીતે પોતાનું દુઃખ દૂર કરવા પ્રયાસ કરે છે પણ હકિકતે તેઓ વધારે દુઃખી થતા હોય છે. તે આ રીતે એક હ્યુમન કનેક્શન શોધવા અને સ્થાપિત કરવા મથતા હોય છે.
આ દરમિયાન સોશિયલ મીડિયાનો અધધ ઉપયોગ થવા લાગ્યો. તેના થકી લોકોએ ચેટબોટ્સને પોતાના સાથી અને મિત્રો ગણાવ્યા. તેના કારણે લોકોમાં ચેટબોટ્સનો ઉપયોગ કરવાનું ચલણ વધવા લાગ્યું. લોકોએ ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ તથા અન્ય માધ્યમો દ્વારા ચેટબોટ્સના ઉપયોગો અંગે પણ ફેલાવો સરૂ કરી દીધો. તેના કારણે લોકો માણસો સાથે વાતો કરવા કરતા ચેટબોટ્સ સાથે વધારે વ્યસ્ત થવા લાગ્યા. લોકો એવું માનવા લાગ્યા કે, આટફિશિયલ ઈન્ટેલિજન્સથી તૈયાર કરાયેલા આ ચેટબોટ્સ વધારે હોશિયાર અને સજ્જ છે. તેઓ માણસો કરતા વધારે સારી રીતે મિત્ર અને સાથી બની શકે તેમ છે. ચેટબોટ્સનો બીજો સૌથી મોટો ફાયદો એ હતો કે, તે તમારા વિશે ક્યારેય જજમેન્ટલ બનતા નથી. ચેટબોટ્સને પોતાના મિત્ર માનીને વાતો કરનારા મોટાભાગના બાળકો, ટીનએજર્સ માને છે કે, તેમને પોતાના સિક્રેટ રિવિલ થવાની ચિંતા હોતી નથી. આ ઉપરાંત તેમની વાતોથી ચેટબોટ્સ તેમના વિશે કોઈ ધારણા બાંધી લેતા નથી. તેમાં કોઈ સોશિયલ પ્રેશર કે ગોસિપિંગની ચિંતા નથી. મિત્રો તો પોતાના પરિવાર, ઘર અને બીજી બાબતો સાથે સંકળાયેલા હોય છે તેથી નિશ્ચિત સમયે જ મળી શકાય છે પણ ચેટબોટ્સ સતત તમારી સાથે હોય છે અને તરત જવાબ પણ આપે છે. સામાન્ય વ્યક્તિ માટે તે મુશ્કેલ છે.
ચેટબોટ તમને કદાચ સલાહ આપી શકે, તમારી વાત સાંભળી શકે, તમારી દલીલોને સ્વીકારી શકે, તમારા આદેશનું પાલન કરી શકે, કદાચ તમારી વાતમાં વાંધો લીધા વગર સહમતી પણ આપી દે છતાં તે તમારા માટે સંવેદના બતાવી શકે નહીં. બે વ્યક્તિ વચ્ચે બે જીવંત પાત્ર વચ્ચે જે લાગણી, જે સંવેદના જે કુદરતી જોડાણ ઊભું થાય છે તે ક્યારેય ચેટબોટ અને માણસ વચ્ચે થઈ શકે જ નહીં. માણસના તર્કના આધારે તેના વર્તન અને સ્થિતિના વર્ણન અંગે આગળની પરિસ્થિતિ વિશે ચેટબોટ તુક્કો લગાવીને સમજણ આપી શકે પણ માનવીય સંવેદના સાથે સચોટ ઉકેલ તો ન જ આપી શકે. ચેટબોટનો વાતચીત માટે કે ટ્રેન્ડ માટે ઉપયોગ કરવામાં આવે ત્યાં સુધી ઠીક છે પણ તેને જીવનનો ભાગ બનાવવો અથવા તો તેને જ જીવન બનાવવું જોખમી થઈ શકે છે. આટફિશિયલ ઈન્ટેલિજન્સના આધારે કામ કરતા ચેટબોટ જીવંત સંવેદના સમજી શકતા નથી અને સમજાવી પણ શકતા નથી. તેથી તેને સાધન તરીકે ઉપયોગમાં લેવાય પણ સાથી તરીકે જીવનનો ભાગ ન જ બનાવી લેવાય.


