આહાહાહા શી ટાઢ, જાણે જમની દાઢ...
- અંતર - રક્ષા શુક્લ
અક્ષરો ઠંડીને લીધે ટૂંટિયું વાળી ખૂણામાં ભરાઈ ગયા છે...જો એ શિયાળાની સવારનો થોડો હુંફાળો તડકો ખાવા બહાર નીકળે તો શિયાળાની થોડી ખટ્ટમીઠ્ઠી રંગત માણીએ. ફિલ્મ 'પતિ, પત્ની ઔર વો'નું આનંદ બક્ષીએ લખેલું ગીત 'ઠંડે ઠંડે પાનીસે નહાના ચાહીએ...' પર મૂકાયેલા પ્રતિબંધથી લોકોના ટોળેટોળા રજાઈઓનું સુરક્ષા કવચ છોડી પથારીની બહાર આવવા લાગ્યા અને શ્રીમતીને એક ના બદલે ‘twocuptea - ગરમાગરમનો ઓર્ડર આપવા લાગ્યા. શ્રીમતીઓને 'તું કપટી' સંભળાયું અને વેલણબાજી શરુ કરવા ઉત્સુક દુર્ગાઓને ઠંડીથી ધુ્રજતા પતિઓ ધ્યાનમાં આવતા થોડી કરુણા ઉપજી અને તેઓ રસોડાની રાણી બનવા તરફ સંચર્યા. જો કે શિયાળામાં જે વાસણો ધોઈ શકે એ ગમે તે કરી શકે એટલે સાવચેત તો રહેવું જ.
રજાઈની હૂંફ ઓઢતા પહેલા એ કઈ બાજુથી લાંબી છે કે પહોળી એ જોવામાંય ક્યારેક મગજનું દહીં થઈ જાય. રજાઈને માથા સુધી ઓઢી લીધા પછી પણ સવારે કાનનાં પ્રવેશદ્વારમાંથી મગજમાં ઘુસી એલાર્મની ઘંટડી અનેક ચોંટિયા ભરે પણ કોઈની દેન નથી કે સૂર્યવંશીઓને પથારી છોડાવી શકે. ઘડીક તો 'શિયાળો એટલે કસરત કરી, 'બારેમાસ શરીર સારું રાખવાની તુ'ના બ્રહ્મજ્ઞાાનને ઊંધા કાને લટકાવી ઠંડા પાણીમાં ડૂબાડી દેવા સુધીની કુમતિ સળવળે. રોજ કસરતના કારસા કરીએ તો શિયાળાને ખોટું લાગવાની પણ પૂરી સંભાવના. પણ આપણને બરતરફ કરવાનો બગ(કીડો) બોસના મગજમાં સળવળે એ પહેલા આપણા કાઠિયાવાડી દુહા 'શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત...'ના જયજયકાર સાથે 'યા હોમ' કરીને રજાઈમાં ઢબૂરાયેલા દેહને શીતળ હવાના હવાલે કર્યે જ છૂટકો ! રજાઈને આધારકાર્ડ જોડે લિંક કરીએ તો વધુ સવલતો આપે ? રજાઈ કે ગોદડામાં ઘુસવા માટે મચ્છર પણ કોરા કાગળમાં કબુલાતનામું આપે કે 'હું હવેથી વેજીટેરિયન છું'. નાના હતા ત્યારે ઘણી વાર એવું બનતું કે શિયાળાની રાતે શરૂઆતમાં કંઈ ઓઢવાની ના પાડીએ પછી અર્ધી રાતે એકડામાંથી છગડો થઈ જતા સંતાનને મા આવીને હાથે સીવેલું ગોદડું ઓઢાડી જાય ત્યારે ઠંડી પણ માના વ્હાલ પાસે હાર માની લે. કાતિલ ઠંડીમાં કોઈના પ્રેમભર્યા શબ્દો તમને વૂલન બ્લેન્કેટ કરતાં પણ વધારે હૂંફ આપી શકે છે.
માણસના શરીરમાંથી પરસેવા દ્વારા અશુદ્ધિઓ બહાર નીકળતી હોય છે. શિયાળામાં પરસેવો વળતો નથી આથી પરસેવો વળે તેવો શ્રમ કે કસરત દૈનિક કાર્યોમાં સામેલ કરવા જોઈએ. બાઈકને બદલે સાઈકલ વાપરવી એ શ્રેષ્ઠ ઓપ્શન છે. એકવાર અપનાવો, આ ચેઈન્જ ખૂબ ગમશે, તમારું ઘર જો ત્રીજા માળે હોય તો લિફ્ટમાં જવાના બદલે દાદરા ચડીને જાવ. આ કુદરતી કસરત રહેશે. દાદરા ચડ ઉતર કરવાની ટેવથી તમારા પગની સાથે તમારાં ફેફસાં પણ સારાં રહેશે. શિયાળાની રમણીય સવાર પછી તમને સ્ફૂત અને ઉત્સાહથી ભરી દેશે. વર્ષ આખાની શક્તિ-સ્ફૂતનો ખજાનો ગજવે ભરી લેવા માટેની સુવર્ણ તક ! 'શિયાળાની સવારનો તડકો' નિબંધ વાંચ્યા પછી થાય કે લેખકની જમાત જેના પર આટલી વારી જાય છે એ તડકો પીવા વહેલું ઊઠવું જ રહ્યું. પણ ઓઢેલી રજાઈના સમ, જો .... કદી ઉઠાયું હોય તો ! ગુલાબી ઠંડીમાં મોરપિચ્છની રજાઈ ઓઢી સૂતેલા બાળગોપાળને ઉઠાડતી જશોદાએ કૃષ્ણને ન ઉઠાડવાના બહાનાં જરૂર શોધ્યા હશે. 'જો સોવત હૈ, વો ખોવત હૈ...' ની ઐસી તૈસી યાર... શિયાળામાં જાતજાતનાં લીલાંછમ શાકભાજી બજારમાં ઠલવાય છે. એ જોતા જ ઊંધિયું બનાવવાના ઉામા ગૃહિણી આદરે. સુરતનું ઉમ્બાડિયું તો પ્રખ્યાત. ઘણા લોકો શિયાળામાં લોકો સૂકોમેવો, અડદિયા પાક અને જાતજાતનાં વસાણાંનું સેવન કરે છે. વહેલી સવારે ખાધેલો એક અડદિયો સ્વર્ગનો સ્વાદ આપે છે. વડીલો કહ્યા કરે કે 'ખાધું ખંધોેલે આવે'. કવિ મીનપિયાસી મોજમાં આવી લખે છે કે...
આહાહાહા શી ટાઢ !
જડબામાં જકડી લે સૌને,
જાણે જમની દાઢ,
ટાઢ કહે કે, હુંય ઠરું છું,
બહાર મને કાં કાઢ ?
શિયાળામાં ખાવા-પીવાની મજા નોખી અનોખી હોય છે. ખાણીપીણીના રસિયા સુરતીઓ શિયાળામાં ગરમ ગરમ પોંક, ઊંધિયું ને જલેબી ખાઈને ખુશીના ખોખારાં ખાય છે. શિયાળામાં ગરમાગરમ જલેબી ખાવાની મજા કૈંક અનોખી છે. વળી ગળચટ્ટા ગાજરના હલવાનો સ્વાદ શિયાળામાં જ આવે હો.શિયાળાના સ્વચ્છ આકાશમાં આકાશ દર્શનની મજા પણ નોખી હોય છે. હવા સુકી અને ઠંડી હોવાથી આકાશ દર્શન માટે આ સમય સૌથી સાનુકૂળ રહે છે. ખગોળશાી ધનંજય રાવલ કહે છે કે શિયાળામાં આકાશદર્શન ખૂબ સરસ રીતે થાય છે. રાત લાંબી હોવાથી તારાઓના અભ્યાસ માટે પૂરતો સમય મળી રહે છે. વળી આકાશ સ્વચ્છ હોવાથી બ્રહ્માંડમાં દૂરના તારાઓ સ્પષ્ટ જોઈ શકાય છે. શિયાળામાં સૂર્ય મોડો ઊગે છે પણ જો વહેલા ઉઠીએ તો તે વખતે આકાશમાં અસંખ્ય ટમટમતા તારલા જોવા મળે છે. શિયાળાના તારા-મંડળો સૌથી સુંદર હોય છે. સાબરમતીની જેલની કોટડીમાં એક નાનકડાં જાળિયામાંથી કાકાસાહેબે પ્રકૃતિની લીલાને માણી અને પ્રમાણી અને 'ઓતરાદી દીવાલો'નું સર્જન થયું. એક નાનકડાં જાળિયાએ તેમને આખા કોસમોસ સાથે જોડેલા. એ પુસ્તકમાં તેમણે આકાશદર્શન અને પક્ષીદર્શનનું અદભુત ચિત્રણ કરેલું છે. ત્યારે એક જાળિયાને હિસાબે જ જાણે તેઓ ટકી ગયા હતા. માણસ પાસે જો વિશાળ જીવનદ્રષ્ટિ હોય તો એક અંધારિયા ઓરડાની બારી પણ એને અસીમ આકાશ સાથે જોડે છે અને જીવનનો હકારાત્મક અભિગમ આપે છે.
શિયાળાની પેટા તુ એટલે હેમંત અને શિશિર. ગુજરાતી સાહિત્યમાં તુઓનું વર્ણન વિધ વિધ રૂપે જોવા મળે છે. સારું છે કે વરસાદમાં વકરતી કવિઓની પેનને શિયાળામાં ય કવિતાનો ગર્ભ તો રહે છે. આજે પણ કવિઓના શબ્દોથી તુઓ રળિયાત છે. શિયાળા પર નર્મદ-દલપત યુગમાં ઘણાં સુંદર કાવ્યોની રચના થઈ છે. પંડિતયુગના કવિ કલાપીની શાર્દૂલવિક્રીડિતમાં લખાયેલી આ પંક્તિઓ હેમંતની સવાર નજર સામે ખડી કરી દે છે.
ઊગે છે સુરખી ભરી
રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ,
દીસતી એકે નથી વાદળીત
ઠંડો હિમભર્યો વહે અનિલ શો,
ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં,
મીઠાં ગીતડાં !
સુધારક યુગ કે ગાંધીયુગની કવિતાઓમાં શિક્ષણ એ મુખ્ય તત્વ હતું. દલપતરામે બાળકોને શિયાળામાં હવામાન કેવું હોય, કયો પાક થાય વગેરે સુંદર રીતે શિખવવાનો પ્રયત્ન કર્યોે છે. વળી 'ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ'માં કવિની સંવેદનશીલતા સુપેરે જણાઈ આવે છે. તો ઉમાશંકર જોષીએ શિયાળાની ઋતુનો અદ્ભુત ચિતાર આપ્યો છે. હેમંત માટે કવિ કહે છે :
'હેમંતમાં કોમળ સૂર્યતાપ,
વૃક્ષો મહીં વાયુ કરે વિલાપ.
ઝરે નિશાએ હિમ ભૂમિ-ખોળે,
લીલાં તૃણે ઝાકળબિંદુ ડોલે.'
ઠંડીની તીવ્રતા કવિ કેવી સચોટ રીતે વર્ણવે છે કે માણસ તો શું પણ ઝાડ પણ ઠંડીથી વિલાપ કરે છે. કોમળ સૂર્યતાપ, હિમપાત કે ઝાકળ વગેરેને સ્પર્શતા કવિ કશુંય ભૂલ્યા નથી.
કોઈને ઠંડીનો ચમકારો ઉર્જાથી ભરપૂર લાગે તો કોઈને એ જ ઠંડી ચાબુકની જેમ ચામડી પર વાગી પણ શકે. ઠંડી ગુલાબી હોય ત્યાં સુધી વાંધોે નહીં પણ ઠંડી હાડ ગાળી નાખનારી કે ગાત્ર ગાળનારી હોય ત્યારે ચાની ચુસકીની ચાનક ન ચડે તો જ નવાઈ. સાથે ગરમાગરમ ભાવનગરી ગાંઠિયા હોય તો તો જલસાઘર હો. શિયાળાનો કૂમળો તડકો સૌને ગમે છે. શિયાળામાં તાપણાં ફરતા બેઠેલા માણસવલ્લા લોકો વચ્ચે અલકમલકની હૂંફાળી વાતોનો પટારો ખૂલતો હોય છે. જ્યોર્જ માટન નામના લેખક કહે છે કે ઉનાળાની મૈત્રી ઓગળી જાય છે પણ શિયાળામાં જે મૈત્રી બંધાય છે તે કાયમની હોય છે. “Winter friends are friends forever.” મુંબઈની મજામાં ગુજરાતનો તળપદિયો શિયાળો બધબેસતો નથી. ત્યાં એને ચગળવો કેમ ? શિયાળાની રાત ભલેને લાંબી હોય. શું કરવાનું ? પ્રેમીજન સાથેનું સામીપ્ય જ શિયાળાને રળિયાત કરે છે. ફ્રેંચ કવિ, લેખક એન્ટોઈન ડી સેન્ટ-એક્સ્યુપરી “Love does not consist of gazing at each other, but in looking outward together in the same direction.” જો કે એ દિશા એટલે 'ઈડિયટ્ બોક્ષ'(ટીવી) તો નથી ને એ જોવું રહ્યું. શિયાળાની ટાઢીબોળ રાતે સ્નેહીજન સાથે 'ટાઢા પહોરના ગપ્પા'માં ટેસડો તો આભને અડે. હૂંફાળા હૈયાનો સહવાસ વૂલનના બ્લેન્કેટ કરતા વધારે હૂંફ આપે છે. તાપણાં સાથે 'આપણા'નો પ્રાસ એટલે શિયાળો. તાપણાંમાંથી બીડી સળગાવાની મોજ પણ જુદી હશે ? શિયાળામાં પંખો ચાલુ કરી જુઓ, ને માણો ઘરના બધા સભ્યોની વેધક દ્રષ્ટિ...તમે આતંકવાદી છો એવું પોતે જ માની લેશો.
અનિલ જોશી કહે છે તેમ 'જળની જન્મોતરીમાં બરફ નડે છે ને બરફની કુંડળીમાં પાણી' એમ આપણે પણ કહી શકીએ કે શિયાળાની જન્મોતરીમાં થર્મલ વો અને રૂમ હીટર નડે છે...ગોદડીમાં ગોટમોટ વિંટાળેલું બાળક વધુુ વ્હાલું લાગે છે. દેહની ભૂગોળમાં પ્રવાહીનો ટ્રેક જાણવો-માણવો હોય તો ઠંડુ પાણી પીવો. લોકેશન તરત મળી જશે. કાકાસાહેબ કાલેલકરે એમના 'હિમાલયના પ્રવાસ'માં કુમાંઉંના ભીમતાલ સરોવર વિશે વર્ણનમાં લખ્યું છે કે 'એનું નિર્મળ નીર જોઈ એમાં ઊતરી નાહવાનું કર્યું, તો એ એવું ઠંડું લાગેલું કે કાકાને કહેવું પડેલું કે આ તે પાણી કે સહસ્ર વીંછી ?'કુમાઉંનું અસલ રૂપ ભીમતાલ સરોવર પહોંચતા જ પ્રકટ થાય છે.
આજના યુગમાં લોકો વધુ હેલ્થ કોન્સીયસ જોવા મળે છે. શિયાળાની વહેલી સવારે વધુુ યુવાનો, બાળકો તેમજ વૃદ્ધો ચાલવા અને દોડવા નીકળી પડે છે. શિયાળો એ તુઓનો રાજા છે. શિયાળામાં કરેલી મહેનત આખું વરસ રંગ અને ઉમંગ લાવે છે. જેમ ઉનાળામાં છાશની બાદશાહી હોય એમ શિયાળામાં ગરમાગરમ કેસરિયા દૂધને દાદ મળે છે. તો ગાજર-આમળાના રસને તો કેમ ભૂલાય ! અર્ધી રાતે સડક પર ધુ્રજતા લોકોને ધાબળો ઓઢાડી જતા લોકો માટે ભગવાનને પણ ગૌરવ થાય છે. ફ્રેંચ કવિ, નિબંધકાર અને નવલકથાકાર વિક્ટર હ્યુગોનું નેગેટીવ વિધાન “Winter changes into stone the water of heaven and the heart of man.”ને આવા પરોપકારી વિરલાઓ ખોટું પાડે છે. જેના હૃદય બીજાની વેદનામાં પીગળે છે. હાડ થીજાવે તેવી ઠંડીમાં પણ ગરમાવો આપે તેવી, ઝુંપડામાં રહેતા એક નિર્દોેષ બાળકના મુખેથી કહેવાયેલી નરવી વાતને વાગોળી સુખની વ્યાખ્યા બદલવા જેવી છે.
બાળક : 'મા, આપણે કેટલા સુખી છીએ. આપણી પાસે ઠંડીમાં ઓઢવા છાપાં તો છે ! સામેની ફૂટપાથ પર સૂતેલા છોટુ પાસે તો કંઈ નથી'.
ઇતિ
ઠંડા પહોરે જો આગળ નહીં વધોે તો તડકામાં હેરાન થઈ જશો.
-રવીન્દ્રનાથ ટાગોર