અનિલ મહેતા એક નામાંકિત કંપનીમાં કામ કરે છે. થોડો વખત પહેલાં જ તે પોતાના લગ્ન હોવાથી ઓફિસમાં રજા લઈ દિલ્હી ગયો. પંદર દિવસ પછી પોતાની નવવધૂ સાથે પાછો ફર્યો તો પાડોશીઓ અને તેના સહકર્મચારીઓને ગપશપ માટે નવો વિષય મળી ગયો કારણ કે અનિલની પત્ની તેના કરતા છ વર્ષ મોટી હતી.
જોવાની વાત તો એ છે કે અનિલને આ વાતથી કોઈ ફરક નથી પડયો કે, એની પત્ની એના કરતા ઉંમરમાં મોટી છે પણ દુનિયાને મોઢે તાળાં કેમ દેવાય? આજના યુગમાં લગ્નના સ્વરૂપમાં ઘણું પરિવર્તન થયું છે. લગ્નસંબંધી કેટલીયે માન્યતાઓ સમાજમાં પ્રવર્તમાન હતી જે હવે નામશેષ થઈ રહી છે. એમાંની જ એક છે. વર-વધુની ઉંમર વચ્ચેનું અંતર.
લગ્નની બાબતમાં વ્યક્તિની ઉંમર હવે એટલી મહત્ત્વની નથી રહી. ઉચિત પસંદગીની દ્દષ્ટિએ અપેક્ષાઓ એટલી વધી ગઈ છે કે ઉંમરની વાત આવે ત્યારે થોડું ઘણું સમાધાન હવે ગૌણ બની ગયું છે. કોઈ વ્યક્તિએ જો પોતાના કરતા મોટી કે નાની ઉંમરની વ્યક્તિ સાથે લગ્ન કર્યા હોય તો હવે તેને 'સાહર્સી નિર્ણય' ગણવામાં નથી આવતો.
આજના સમયમાં છોકરા-છોકરી બંને કારકિર્દી તરફ વધુ ધ્યાન આપતાં થયા છે. કારકિર્દીમાં એક ખાસ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ પોતાની ઉંમરનો એક મોટો હિસ્સો કારકિર્દી ઘડવામાં આપવો પડે છે. એના સિવાય થોડો ઘણો સમય પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે ખર્ચાય છે એનો અર્થ એ કે ઉંમરનો શરૂઆતનો ભાગ આ બંને ઉદ્દેશોને પૂરા કરવામાં જ પૂરો થઈ જાય છે. છતાં પણ જો વ્યક્તિ ઉંમરમાં મોટો વર કે નાની વહુની જ જીદ પકડીને બેસી રહે તો કુંવારા રહેવાનો વારો આવી જાય છે.
લગ્નમાં ઉંમરના તફાવત પર ધ્યાન ન આપવાનાં ઘણાં કારણો હોઈ શકે છે, પરંતુ આ બધાનો આધાર 'મનોવૈજ્ઞાાનિક પરિવર્તન' છે. માનવજીવનમાં ઘણી બાબતો એવી છે જે પોતાનું અસ્તિત્વ ખોઈ રહી છે, એને આપણે પરિસ્થિતિની માંગ કહી શકીએ અથવા તો લગ્ન પરથી ઉઠતો વિશ્વાસ અથવા બિન્દાસપણું
નીરાની જ વાત કરીએ... ઊંચા પ્રશાસનિક પદ પર કામ કરી રહી નીરા સ્વતંત્ર અને દબાવમુક્ત જીવનશૈલીથી ટેવાઈ ગઈ છે. તેને લગ્ન કરવા એટલે સ્વતંત્રતા ખોઈ નાખવા જેવું લાગે છે. તે પોતાના કામમાં કે દિનચર્ચામાં પતિની રોક-ટોક નથી ઈચ્છતી. અને તેને પોતાના કરતા નાની ઉંમરના પાત્ર સાથે લગ્ન કરવામાં આ વાતનો વિકલ્પ દેખાય છે. અસ્તિત્વની બાબતમાં ઉંમરની મુખ્ય ભૂમિકા હોય છે અને એ જો સ્ત્રીના પક્ષમાં હોય તો વૈવાહિક જીવનમાં તેનો પક્ષ વધુ પ્રબળ ગણાય છે. આજની સ્વાવલંબી અને સશક્ત માનસિકતા ધરાવતી સ્ત્રીને પતિના રૂપમાં 'સંરક્ષક'ની જરૂર નથી રહી, જે પ્રાચીન સમયમાં હતી. સાચા અર્થમાં તેને એક 'સાથી' (મિત્ર)ની આવશ્યક્તા છે અને તેથી જ પતિની ઉંમર પોતાના કરતા નાની હોવી એ વાત તેને માટે કોઈ મહત્ત્વ નથી ધરાવતી.
એક તથ્ય એ પણ છે કે સુંદરતા અને સૌષ્ઠવ પ્રત્યે વધતી જતી જાગૃતિને કારણે સ્ત્રીઓ હવે પોતાની ઉંમરને અંગૂઠો દેખાડી શકે છે. આજે સ્ત્રીઓ પોતાના દેખાવ અને આરોગ્યની બાબતે ઘણું ધ્યાન આપતી થઈ છે. ક્યારેક તો એવું પણ જોવા મળે છે કે ત્રીસ-પાંત્રીસ વર્ષની મહિલા કમનીય કાયા વાળી યુવતીને પણ લજવી દે. આ જ આકર્ષણને લીધે ૨૭-૨૮ વર્ષનો યુવક ૩૦-૩૫ વર્ષની મહિલાના પ્રેમમાં પડી જાય છે. વિવિધ કારણોને લીધે લગ્નની અવસ્થા ખોઈ ચૂકેલી મહિલાઓ માટે યોગ્ય વર મળવો મુશ્કેલ બની જાય છે અને તેથી જ તેઓ પોતાના કરતાં નાની ઉંમરના યુવક સાથે લગ્ન કરવાનો નિર્ણય લે છે.
વ્યક્તિની ઉંમર વધતાની સાથે તેના સ્વભાવમાં પણ પરિપકવતા નિર્માણ થાય છે. નાની ઉંમરની છોકરીઓનાં સ્વભાવમાં અસ્થિરતા અને ચંચળતા હોય છે જ્યારે મોટી ઉંમરની સ્ત્રીઓના સ્વભાવમાં સ્થિરતા અને ગંભીરતા હોય છે. તેઓ પોતાના જીવન પ્રત્યે એક નિશ્ચિત અને સંતુલિત દ્દષ્ટિકોણ ધરાવે છે. આકાંક્ષાઓની મર્યાદા તેઓ જાણે છે તેથી જ કેટલીયે સમસ્યાઓનો સફળતાપૂર્વક સામનો કરી શકે છે. તેઓનો આ ગુણ યુવકોને તેમની પ્રત્યે આકર્ષિત કરે છે. પોતાના કરતા આઠ વર્ષ મોટી ઉંમરની સ્ત્રી સાથે લગ્ન કરનાર એક પતિનું કહેવું છે કે, ''મને લાગે છે કે, છોકરીઓ માત્ર ફેશન, હરવા-ફરવા અને શણગાર સજવાને જ મહત્ત્વ આપે છે તેઓની ચંચળતા જોઈ મને ચીડ આવે છે. વાત વાતમાં રિસાઈ જવું અને પછી મનાવવા જવું આ બધું મને બિલકુલ પસંદ નથી.'' મનોચિકિત્સકોના મતે પુરુષોમાં એક છુપાયેલી ગ્રંથિ હોય છે, જેની પ્રેરણાથી તેઓ પોતાની પત્નીમાં 'મા'ને શોધવાનો પ્રયાસ કરતા હોય છે. આ તથ્ય જ મોટી ઉમરની મહિલાઓ સાથે લગ્ન કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આજની ભાગદોડવાળી અને યાંત્રિક જીવનશૈલીમાં પુરુષો પાસે સમયની ભારે ખેંચતાણ છે. નોકરી માટે દેશ-પરદેશ આવતાં જતાં અથવા તો વેપાર અને કારકિર્દીને સમર્પિત યુવાનો પાસે પોતાની માટે પણ ફૂરસદની ક્ષણો નથી હોતી. શારીરિક અને માનસિક માંગને લીધે તેઓ લગ્ન કરવા ઈચ્છે છે પણ પત્નીનાં નખરા સહન કરવા અને તેની ફરિયાદો સાંભળવા માટે સમય ફાળવવા તેઓ તૈયાર નથી. આવી સ્થિતિમાં પરિપક્વ મહિલા સાથે લગ્ન કરવામાં જ તેઓ ખુશ છે. કારણ કે પોતાના કરતા મોટી ઉંમરની પત્ની હોય તો તે નાની-મોટી વસ્તુઓ માટે પતિ પર બિલકુલ આધાર નથી રાખતી અને તે મુશ્કેલીઓનો સામનો કરવામાં પણ પતિની સાથે જ હોય છે. આજના યુવાનો એવી પત્ની ઈચ્છે છે, જે તેમના કામકાજની તેમ જ તેમની પોતાની મુંઝવણો પતિ સાથે વહેંચી શકે.
એક અન્ય મનોવૈજ્ઞાાનિક બાબત એ પણ છે કે પુરુષ નાની ઉંમરની છોકરીઓ સામે એક વિશેષ દબાવ અનુભવતા હોય છે અને એ છે બધી જ રીતે 'હીરો' બનવાનો દબાવ. તેમને લાગે છે કે જીવનસાથીની કસોટી પર જો તેઓ ખરા નહીં ઉતરે તો શું થશે? તેમની પ્રતિભા પર પાણી ફરી જશે. પણ મોટી ઉંમરની પત્ની હોય તો પતિ ઉપર આવો કોઈ દબાવ નથી રહેતો કે તેણે બધી રીતે હીરો બની રહેવાનું છે. અહીં તો પત્ની જ શિક્ષકની ભૂમિકામાં હોય છે અથવા તો જીવનને નજીકથી જોવાને અને અનુભવવાને કારણે પતિ પાસેથી વધારે અપેક્ષાઓ એ રાખતી જ નથી.
આથી જ લગ્નસંબંધોમાં બધું ગૂંચવણભર્યુ ં જ હોય છે, એવું નથી. આવા લગ્ન જો કોઈ ચોક્કસ કારણસર કરવામાં આવ્યા હોય તો પતિ-પત્ની બંને હીનભાવના અનુભવે છે. પ્રચલિત માપદંડોના વિરોધમાં પગલું ભરવા માટે એક ખાસ પ્રકારની હિંમત હોવી જોઈએ. અને જો એ ન હોય તો દંપતિ સમાજનો સામનો કરતા કતરાય છે. આવા જ એક દંપતિનું કહેવું છે કે તેમની વચ્ચે સમજણ અને વિશ્વાસ છે પણ જ્યારે તેઓ પાર્ટીઓમાં જાય છે ત્યારે લોકો તેમને એક વિશિષ્ટ નજરે જુએ છે. આનાથી બચવા તેમણે એવી જગ્યાઓએ જવાનું જ છોડી દીધું કે જ્યાં લોકો તેમની આ વાત જાણતા હતા.
ક્યાંક પત્નીમાં પોતાની ઉંમરને લીધે હીન ભાવના જન્મે છે તો ક્યાંક પતિને લાગે છે કે પત્ની તેના પર અંકુશ જમાવવા માગે છે. ક્યાંક તો શારીરિક સામર્થ્ય પણ બાધારૂપ બની જતું હોય છે. પોતાનાથી દસ વર્ષ મોટી સ્ત્રીના પતિ વિવેકનું પ્રકરણ આવું જ છે. લગ્ન સમયે તેની પત્ની યુવાન અને આકર્ષક હતી પણ કાલાંતરે વિવેકતો એવો જ આકર્ષક અને યુવાન રહ્યો જ્યારે એની પત્ની પહેલાં જેવી સ્ફૂર્તિલી રહી નહતી. શારીરિક અસંતુલન જાતીયજીવનમાં અસંતોષ જન્માવી શકે છે અને વાત છૂટાછેડા સુધી પણ પહોંચી શકે છે.
આ કારણોને લીધે આવાં લગ્નો ઘણી વાર તૂટી જતાં હોય છે, પણ આ જરૂરી નથી. કેટલીયે પ્રસિદ્ધ વ્યક્તિઓનું આનું ઉદાહરણ છે.
સત્ય તો એ છે કે પ્રેમ ભલે હૃદયનો વિષય છે પણ વિવાહને યથાર્થતાની કસોટી પર કસતી વખતે હૈયાની સાથે થોડી બુદ્ધિનું મિશ્રણ કરવામાં આવે તો ખુશી તમારાથી બચીને ક્યાંય નહીં જઈ શકે.


