- વાળને સ્વચ્છ- ચળકતાં બનાવવા
આજની તારીખમાં વાળ ધોવા માટે શેમ્પૂના ઉપયોગ ન કરનારાઓ ભાગ્યે જ જડે. છેલ્લાં કેટલાક દશકથી બજારમાં વિવિધ પ્રકારના શેમ્પૂ સહેલાઈથી ઉપલબ્ધ થઈ રહ્યાં છે. આમ છતાં લોકોના વાળ મૂળમાંથી મજબૂત અને ચમકદાર બનતાં હોય એવું ઓછું જોવા મળે છે. આ કારણે જ લોકો, ખાસ કરીને મહિલાઓ હેર માસ્ક તેમ જ કેશને લગતી અન્ય ટ્રીટમેન્ટ પાછળ હજારો રૂપિયા ખર્ચતી થઈ ગઈ છે. પરંતુ જેમનામાં આવી ટ્રીટમેન્ટ કરાવવાની ધીરજ ન હોય કે જેમનેતેનો ખર્ચ ન પોસાતો હ ોય તેમના માટે પોતાના શેમ્પૂને જ વધુ કારગર બનાવવાની સાવ સહેલી રીતો પણ ઉપલબ્ધ છે. તજજ્ઞાો કહે છે કે સામાન્ય રીતે આપણા રસોડામાંથી જ કેટલીક એવી સામગ્રી મળી આવે છે જેને શેમ્પૂમાં ઉમેરીને આપણે આપણા વાળને ચમકદાર બનાવી શકીએ છીએ. જો સંબંધિત સામગ્રી ઘરમાં ન હોય તોયતે બજારમાંથી નજીવા દરે ખરીદી શકાય. હા, તમે જે શેમ્પૂમાં સંબંધિત વસ્તુઓ ઉમેરવાના હો તેમાં સલ્ફેટ અને પેરાબેન્સ ન હોય ે બાબતે સાવધાન રહેવું રહ્યું. આનું કારણ જણાવતાં દેઓ કહે છે કે શેમ્પૂમાં રહેલા વધારે પડતા રસાયણો માથાની ત્વચાને ભારે હાનિ પહોંચાડે છે. તેને કારણે માથામાં ખંજવાળ આવવી કે ખોડો જેવી સમસ્યાઓ સર્જાઈ શકે. શેમ્પૂમાં કઈ કઈ વસ્તુઓ શી રીતે ઉમેરી શકાય તેની જાણકારી આપતાં નિષ્ણાતો કહે છે..,
ગુલાબજળ :
જો તમને માથામાં સતત ખંજવાળ આવતી હોય તો તમારા શેમ્પૂમાં થોડું ગુલાબજળ ઉમેરીને તેનો ઉપયોગ કરો. ગુલાબજળ માથામાં ટાઢક પહોંચાડીને ખંજવાળ- બળતરામાં રાહત આપે છે. તમે જેટલી વખત શેમ્પૂ કરો એટલી વખત તેમાં થોડું ગુલાબજળ ભેળવીને તેનો ઉપયોગ કરો.
મધ :
શેમ્પૂમાં પ્રક્રિયા કર્યા વિનાનું મધ ભેળવીને વાળ ધોવાથી કેશ શુષ્ક થતા અટકશે અને તેમાં નવી ચમક આવશે, વળી તે માથામાં રહેલા બેક્ટેરિયાનો પણ નાશ કરશે તે છોગામાં. હા, શેમ્પૂમાં મધ ઉમેરીને વાળ ધૂઓ ત્યારે તે વ્યવસ્થિત રીતે ધોવાય તેની ખાસ કાળજી લો, જેથી વાળમાં ચીકાશન રહી જાય.
લીંબુનો રસ :
કેશને સારી રીતે ધોવા માટે લીંબુનો રસ પણ કારગર નીવડે છે. તમારા શેમ્પૂમાં એક ટી.સ્પૂન જેટલો લીંબુનો રસ ભેળવીને તેના વડે વાળ ધૂઓ. ખાસ કરીને જેમના વાળમાં વિવિધ પ્રકારના પ્રોડક્ટના પડ જામી ગયા હોય તેમને માટે આ ઉપાય સોંઘો અને સહેલો બની રહેશે. કેશ પર જામી બેઠેલા વિવિધ પ્રોડક્ટને લીંબુનો રસ દૂર કરી દેશે જેથી વાળ ફરીથી ચમકવા લાગશે.
લેવેન્ડર એસેન્શિયલ ઓઈલ :
તમારા શેમ્પૂમાં થોડાં ટીપાં લેવેન્ડર ઓઈલ ભેળવીને તેનાથી વાળ ધૂઓ. આ તેલ વાળ વધારવામાં, મગજની તાણ ઓછી કરીને દિલોદિમાગ શાંત કરવામાં મદદ કરે છે. જો તમે બહુ થાકેલા- કંટાળેલા કે ટેન્સનમાં હો તો લેવેન્ડર ઓઈલ ઉમેરેલા શેમ્પૂથી વાળ ધોવાથી માથામાં ચોક્કસ પ્રકારની હળવાશ અનુભવાશે. વળી તે વાળને ચમકદાર બનાવસે અને તેની સુગંધ તમને દિવસભર પ્રફુલ્લિત પણ રાખશે.
એલોવેરા જેલ :
એલોવેરા જેલના ફાયદાઓથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. તે વાળને સુંવાળ અને ચમકદાર બનાવવા સાથે માથામાં ટાઢક પહોંચાડે છે જેને પગલે કેશ વધવા લાગે છે. તમારા શુષ્ક અને ખરબચડા વાળ ધોતી વખતે તમારા શેમ્પૂમાં થોડું એલોવેરા જેલ ઉમેરી દો. તેનાથી માથાની ત્વચામાં ભીનાશ જળવાઈ રહેશે તેમ છતાં કેશ તૈલીય નહીં લાગે. વળી તે વાળને તૂટતાં અટકાવીને સ્વચ્છ બનાવવામાં મદદ કરશે.
આમળાનો રસ :
વાળની સમસ્યા માટે આમળાં શ્રેષ્ઠ ગણાય છે. આમલા વાલ કાળા રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.વળી તે કેસને લિસ્સા રાખવામાં પણ સહાયક બને છે. તેથી જેટલી વખત શેમ્પૂ કરો તેટલી વાર તેમાં એક ટી.સ્પૂન જેટલો આમળાનો રસ ભેળવી દો. થોડા વખત સુધી આ પ્રયોગ જારી રાખવાથી તમારા વાળમાં આવેલી ચમક તુરંત નજરે પડશે. સાથે સાથે તમારા વાળ વધશે અને સફેદ થતાં પણ અટકશે.
ટી ટ્રી ઓઈલ :
ટી ટ્રી એસેન્શિયલ ઓઈલ શેમ્પૂમાં ઉમેરવાથી વાળને અનેક પ્રકારના ફાયદા થાય છે. ટી ટ્રી ઓઈલમાં રહેલા ફંગસવિરોધી અને બેક્ટેરિયાવિરોધી ગુણો માથામાં રહેલી આ સમસ્યાઓ દૂર કરે છે. શેમ્પૂમાં ટી ટ્રી ઓઈલના થોડાં ટીપાં ઉમેરીને વાળ ધોવાથી માથામાં રહેલી ફંગસ અને બેક્ટેરિયાનો નાશ થાય છે, જે છેવટે ખોડો દૂર કરવામાં સહાયક બને છે. અઠવાડિયામાં એક વખત શેમ્પૂમાં ટી ટ્રી એસેન્શિયલ ઓઈલ ભેળવીને કેશ ધોવાથી થોડા સમયમાં તેના સરસ પરિણામ જોવા મળશે.


