અવાંછિત ગર્ભાધાનને રોકવામાં બહુપયોગી ગોળી
બળાત્કાર અથવા અસલામત જાતીય સંબંધ પછી અવાંછિત ગર્ભાધાનને રોકવામાં આ ગોળીઓ ખૂબ જ ઉપયોગી છે, પણ તે લેતાં પહેલાં ડોક્ટરની સલાહ તેમજ કેટલીક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.
સ્ત્રીઓને આજે પણ સુરક્ષિત ગર્ભપાત તથા ગર્ભનિરોધકો સંબંધી જાણકારી જરૂરી છે. બધાં ગર્ભનિરોધક સેક્સ પહેલાં અથવા સેક્સ દરમિયાન ઉપયોગમાં લેવાય છે, પણ છેલ્લાં થોડાં વર્ષોમાં એવા કેટલાંક ગર્ભનિરોધકો બજારમાં આવ્યા છે જે અસલામત સેક્સ પછી પણ નિશ્ચિત સમય સુધી અસર કરે છે.
આમાં તાત્કાલિક સુરક્ષાનો ઉપાય ગર્ભનિરોધક ગોળી છે. આ ગોળીને ઈમર્જન્સી કન્ટ્રાસેપ્ટિવ પિલ અથવા મોર્નિંગ આફ્ટર પિલ પણ કહેવાય છે. સામાન્ય ગર્ભનિરોધક જ્યારે અસફળ થઈ જાય અથવા કટોકટીની સ્થિતિમાં જ્યારે સ્ત્રી ગર્ભનિરોધક વાપરી ન શકી હોય ત્યારે આ ગોળી ખૂબ જ સહાયક સિદ્ધ થાય છે.
સ્ત્રીઓ દ્વારા તાત્કાલિક ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ અસલામત સેક્સ પછી ગર્ભાધાનને રોકવા માટે ઉપયોગમાં લેવાય છે જેનાથી અવાંછિત ગર્ભથી બચી શકાય. આમ છતાં એવું જણાયું છે કે સ્ત્રીઓને આ ગોળીઓ વિશે વધારે જાણકારી નથી હોતી.
તાત્કાલિક ગર્ભનિરોધક ગોળી શું છે?
* અસલામત જાતીય સંબંધ પછી ગર્ભાધાનથી બચવા માટેનો આ સુરક્ષિત ઉપાય છે.
* અસલામત જાતીય સંબંધ પછી આ ગોળી ખાવાથી ગર્ભાધાનની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે.
* જો ગર્ભાધાન થઈ ગયું હોય તો આ ગોળી અસર નથી કરતી.
* ઈમર્જન્સી કન્ટ્રાસેપ્ટિવ પિલને ઘણીવાર મોર્નિંગ આફ્ટર પિલ કહેવાય છે. જે એક જાતનો ભ્રમ ઊભો કરે છે કારણ કે સ્ત્રીઓ અસલામત જાતીય સંબંધ પછી ૭૨ કલાક સુધી આ ગોળી લઈ શકે છે.
* ઈમર્જન્સી કન્ટ્રાસેપ્ટિવ ગોળીથી ગર્ભપાત નથી થતો.
* આ ગોળીથી ગર્ભધારણને લગતી પરિસ્થિતિઓ ઓવ્યૂલેશન, ફર્ટિલાઈઝેશન અને ઇમ્પ્લાન્ટેશનથી બચી શકાય છે.
ગોળી ક્યારે અસર નહીં કરે
* જાતીય સંબંધ કર્યા પછી ૭૨ કલાક બાદ ગોળી લેવાથી.
* ગોળી લીધા પછી ફરીથી અસુરક્ષિત સેક્સ કરવાથી.
* પૂરી માત્રામાં ન લેવાને કારણે.
* ગોળી લીધા પછી બે કલાકમાં ઊલટી થઈ જાય તો.
કેવી રીતે કામ કરે છે
તાત્કાલિક ગર્ભનિરોધક ગોળીનું મુખ્ય કાર્ય ઈંડાંને બનતા રોકવાનું અને ગર્ભધાન રોકવાનું છે. તે ઓવરીથી ગર્ભાશય સુધી ઈંડાંની પહોંચવાની ગતિને સામાન્યથી વધારે ઝડપી બનાવી દે છે. જેનાથી ઈંડું ગર્ભાશયમાં સમય કરતાં પહેલાં પહોંચી જાય છે. પરિણામે તેને જરૂરી વાતાવરણ કે વ્યવસ્થા નથી મળતી અને તે નષ્ટ થઈ જાય છે.
આ ગોળી ગર્ભાશયના વાતાવરણને પણ ઠીક નથી રહેવા દેતું જેના કારણે ગર્ભાધાન થતું નથી.
ઈમર્જન્સી કન્ટ્રાસેપ્ટિવ માટે ડો. સવિતા મિશ્રાનું કહેવું છે કે આ ગોળી સાધારણ ગર્ભનિરોધક ગોળી જેવી જ હોય છે અને એ સમાન પ્રક્રિયાથી જ ગર્ભનિરોધકનું કામ કરે છે. તેની બે માત્રા લેવી પડતી હોય છે. પહેલી માત્રા અસલામત જાતીય સંબંધના ૭૨ કલાકમાં લેવાની હોય છે અને બીજી માત્રા પહેલી માત્રા લીધા પછી ૧૨ કલાક પછી લેવાની હોય છે.
આ ગોળીને ભૂલમાં પણ આર.યુ.૪૮૬ સમજવી ન જોઈએ. આ ગોળીથી ક્યારેય ગર્ભપાત થતો નથી. આ ગોળી અસલામત જાતીય સંબંધ પછી ૭૨ કલાકમાં જેટલી વહેલી લઈ શકાય તેટલી વધારે ફાયદેમંદ સાબિત થાય છે.
જે સ્ત્રીઓ માલા ડી, ઓવરલ એલ વગેરે ગર્ભનિરોધક ટેબ્લેટનો ઉપયોગ કરે છે, તેઓ અચાનક લેવાનું જો ભૂલી જાય તો એવા સંજોગોમાં પણ ગર્ભનિરોધક ટેબ્લેટની મદદ લઈ શકાય છે.
સામાન્ય રીતે ગર્ભનિરોધક ગોળીઓમાં હોર્મોન્સની જ વધુ દવા અપાતી હોય છે અને તાત્કાલિક ગર્ભનિરોધકમાં તેની માત્રા ઘણી અધિક હોય છે એટલે કદાચ ઉબકા અથવા ઊલટી પણ થઈ શકે છે. થોડો માથાનો દુખાવો અને સ્તનમાં શિથિલતાનો પણ અનુભવ થઈ શકે છે. ઉબકા કે ઊલટીથી બચવા માટે આ ગોળી ખાતાં પહેલાં અથવા સાથે ઉબકાથી બચવાની દવા અવશ્ય લેવી જોઈએ કારણ કે ઉબકાને કારણે દવા બહાર નીકળી જઈ શકે છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે આ દવા ખાધા પછીના માસિક ધર્મ વખતે વધારે રક્તસ્ત્રાવ કે પીડા થઈ શકે છે.
આ તાત્કાલિક ગર્ભનિરોધક સાથે જોડાયેલી સૌથી વધારે અગત્યની વાત એ છે કે આ ગોળી ખાવાની આદત પાડવી ન જોઈએ. જો કે આની પ્રતિકૂળ અસર એક સામાન્ય ગર્ભનિરોધક જેટલી જ હોય છે અને તેનું સેવન પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે તો પણ સ્ત્રીઓએ આ ગોળી નિયમિત ન લેવી જોઈએ. જે સ્ત્રીઓની સેક્સ લાઈફ એક્ટિવ હોય તેમણે જોખમથી બચવા માટે વ્યવસ્થિત ગર્ભનિરોધક લેવા માટે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. અસલામત જાતીય સંબંધ પછી પાંચ દિવસમાં જો કોપટ-ટી લગાડાય તો તે પણ તાત્કાલિક ગર્ભનિરોધકનું કામ કરે છે.
કોના માટે વધારે ઉપયોગી
બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓ માટે તાત્કાલિક ગર્ભનિરોધક ગોળીઓ વધારે ઉપયોગી છે. બળાત્કારનો શિકાર બનેલી સ્ત્રીઓને માલાડીની ઘણીબધી ગોળીઓ એકસાથે આપવામાં આવે છે કારણ કે આવી વાતને દબાવી રાખવાની હોય છે.
આ એક ભયંકર સ્થિતિ છે. સ્ત્રીઓએ જાણવું જોઈએ કે આવી સ્થિતિથી બચવા માટે હવે સલામત ગોળીઓ મળે છે, પણ તે ડોક્ટરની સલાહ મુજબ જ લેવી જોઈએ.
આ ગોળીઓની નિષ્ફળતાનો દર ઘણો જ ઓછો છે. બજારમાં આ ગોળીઓ પિલ-૭૨, નોરલીવો, જર્મન રેમીડિઝની ઈસી-૨, નેમસ્ટ્રાલ નામથી મળે છે. અવાંછિત ગર્ભથી બચવું ખૂબ જ જરૂરી છે એટલે સ્ત્રીઓમાં પોતાની સમસ્યાઓ સંબંધિત જાણકારી હોવી જરૂરી છે. તાત્કાલિક ગર્ભનિરોધક એ દિશામાં એક સારું પગલું છે. મહિલાઓએ સમજવું જોઈએ કે ગર્ભધારણની દ્રષ્ટિએ ૧૦૦ ટકા સુરક્ષિત એવી કોઈ સ્થિતિ નથી હોતી જેને 'સેફ પિરિયડ' કહી શકાય એટલે જરૂરી ગર્ભનિરોધકનો ડોક્ટરની સલાહ મુજબ ઉપયોગ કરવો જોઈએ અને ઈમર્જન્સી કન્ટ્રાસેપ્ટિવનો આકસ્મિક આવશ્યકતા વખતે જ પ્રયોગ કરવો જોઈએ.
ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે મહિનામાં માત્ર એક વખત લેવાની ગર્ભનિરોધક ગોળી
સંશોધકોની એક ટુકડીએ મોઢા વાટે લેવાની એવી ગર્ભનિરોધક ગોળી ડિઝાઇન કરી છે જ ે મહિલાઓને પ્રજનન પર અંકુશ મૂકવા પર વધારાનો વિકલ્પ આપશે. આ ગોળીની વિશેષતા એ છે કે તે મહિનામાં એક જ વખત લેવાની રહેશે. પરિણામે મહિલાઓને રોજેરોજ ગર્ભનિરોધક ગોળી લેવાની ચિંતામાંથી મુક્તિ મળી રહેશે.
'સાયન્સ ટ્રાન્સલેશન મેડિકલ જર્નલ'માં રજૂ કરવામાં આવેલા અભ્યાસમાં તેના લેખક અને મેસાચુસેટ્સ ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં પોતાના સહયોગીઓ સાથે મળીને આ ગોળી વિકસિત કરનાર ડૉ.જિયોવાની ટ્રેવર્સોએ કહ્યું હતું ક ે અમારું આ સંશોધન મહિલાઓને રોજેરોજ ગર્ભનિરોધક ગોળી ગળવાની ચિંતામાંથી મુક્તિ અપાવશે. કદાચ આ વાત કોઇને માનવામાં નહીં આવે, પરંતુ અમારું પ્રીકિલનિકલ ડાટા ઉત્સાહપ્રેરક છે.
કેપ્સ્યુલ સ્વરૂપની આ ગોળી ગળ્યા પછી તે પેટમાં તારા જેવો આકાર ધારણ કરી લે છે અને તેના છ ભાગમાંથી (કિરણો જેવા હિસ્સામાંથી)લાગલગાટ ગર્ભનિરોધક હોર્મોન્સનો સ્ત્રાવ થતો રહે છે. આ તારો એટલો મોટો હોય છે કે તે તુરંત પેટમાંથી બહાર ફેંકાઇ નથી જઇ શક્તો. તેથી જ્યાં સુધી તેનું કામ પૂરું ન થાય ત્યાં સુધી તે પેટમાં જ રહે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે મહિલાઓને વધુ આસાન અને વધારાનો ગર્ભનિરોધક વિકલ્પ આપવા માગતા હતાં. અમને એ વાતનો આનંદ છે કે અમે અમારા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યાં છીએ.