Get The App

નિસર્ગનો વૈભવ ઘરબારણે લાવતો ટેરેસ ગાર્ડન

Updated: Jan 5th, 2026

GS TEAM

Google News
Google News
નિસર્ગનો વૈભવ ઘરબારણે લાવતો ટેરેસ ગાર્ડન 1 - image

- શહેરીકરણના જુવાળમાં કુદરત સાથેનો સંબંધ જાળવવામાં સેતુ બનતો ટેરેસ ગાર્ડન 

શહેરીકરણના જુવાળમાં ઘસડાયે જતા માનવ અને પ્રકૃતિ વચ્ચે ભલે અંતર વધતું ગયું પરંતું પ્રકૃતિ સાથેનો સંબંધ જાળવવાના  તમામ પ્રયાસ તે કરતો રહ્યો છે.શક્ય એટલું  હરિયાળી સાથે રહેવું અને કંઈ નહીં તો  ઘરની આસપાસ નાનાં વૃક્ષો,ફૂલછોડ,ફૂલવેલ ઉગાડીને અને એ પણ ન થાય તો છેવટે  આંગણામાં તુલસીનો છોડ વાવીને પણ પોતે  પ્રકૃતિની સમીપે રહ્યાનો  સંતોષ માને છે! છેવટે  મૂળ તો તે અડાબીડ જંગલમાં રહેનારો વનવાસી-ગુફાવાસીને!

ઘરપરિસર ફૂલછોડની સજાવટથી શોભી ઊઠે,આંગણું તુલસીક્યારાથી દીપી રહે એ માટે મહિલાઓ વધુ હોંશિલી હોય છે.એ પર્શ્ચાતભૂમાં ઘરની આસપાસની જમીનમાં નાનકડો બગીચો કે થોડાક પણ બારમાસી ફૂલછોડ હોય તો વાતાવરણ જીવંત લાગે છે અને મન પ્રસન્ન રહે છે.જમીન પછી બીજો વિકલ્પ ટેરેસનો છે.જોકે, ટેરેસ ગાર્ડન હોય એ એક ફેશન પણ છે.જમીન હોય કે ટેરેસ (ધાબુ) પણ મનગમતો બગીચો તૈયાર કરવો મુશ્કેલ નથી. પણ તેમાં નાના બાળકને ઉછેરવા જેટલી કાળજી અને માવજત રાખવી પડે છે.બગીચા માટે છોડ, વેલ, બિયારણ વગેરેની પસંદગી,તેને વાવવાં, ખાતરપાણી આપવાં, છોડવા બરાબર જામી જાય,બિયારણ કોળી ઊઠે એ પછીની કાળજી અને માવજત જહેમત માગી લે છે પણ તે વનસ્પતિ જેવા પ્રકૃતિના જીવંત પ્રતિનિધિનો ઉછેર કર્યાનો અનન્ય અને અલૌકિક આનંદ આપે છે.                                     

જમીન પરના બગીચાની તુલનાએ ટેરેસ ગાર્ડન તૈયાર કરવામાં કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે કેમકે એ  મકાનના જ એક હિસ્સામાં હોય છે.આવી કેટલીક બાબતોની જાણકારી માર્ગદર્શક બની  રહેશે.

સૌથી મહત્વનો મુદ્દો એ કે ટેરેસ ગાર્ડન માટે ઝાઝી જગ્યા જરૂરી નથી.બાલ્કની, ઓસરી(વરંડો) કે નાની અમથી ખુલ્લી જગ્યા પણ આઉટડોર ગાર્ડન માટે યોગ્ય છે.

જોકે,બંગલોમાં રહેનારાઓમાં ટેરેસ ગાર્ડન  તૈયાર કરવાનો ઝોક વધુ હોય તે સ્વાભાવિક છે.પરંતુ,તમારા નગરનું વાતાવરણ ઘરના પરિસરમાં હરિયાળી ખીલવવાને યોગ્ય હોય  તો યોગ્ય જગ્યા પસંદ કરી મનમોહક  પ્રકૃતિને ઘરઆંગણે લાવવાનો પ્રયાસ શરુ કરો.

હ૧) લેઆઉટ ડિઝાઇન : ટેરેસ ગાર્ડન માટે  મહત્વનો મુદ્દો ઉપલબ્ધ જગ્યા મુજબ તેની ડિઝાઇન(રચના) નક્કી કરવાનો છે.ટેરેસમાં દિવાલ ઉપલબ્ધ હોય તો તેના પર ફૂલવેલ ચડાવવાનું કે વાલ પોટ મૂકવાનું પણ વિચારી શકાય.ડિઝાઇનની વિચારણા વખતે કૂંડામાં થાય તેવા ફૂલછોડ, બોન્સાઈ જેવાં નાનાં વૃક્ષોની સંખ્યા પણ નક્કી કરી લેવી.ટેરેસ ગાર્ડન માટે માટી,કૂંડાં, સુશોભન માટે મૂકાતાં નાનાં શિલ્પ,પ્રતિમા,કૃત્રિમ ફૂવારા,રંગબેરંગી પથ્થર (પેબલ) તથા ખાતરપાણીનું વજન  સહી શકે એવી જગ્યા  પસંદ કરવી જોઈએ.

સ્ટ્રક્ચરલ એન્જિનિયરની સલાહ લઈ ગાર્ડનનું પ્લાનિંગ કરવું વધુ યોગ્ય છે.

હ૨) છોડની પસંદગી : ટેરેસ ગાર્ડનમાં કે તે માટેનાં કૂંડામાં ઝાઝી માટી ન હોય એ ધ્યાનમાં રાખી ટેપ રુટ(ખીલા મૂળ) હોય એવા છોડ પસંદ ન કરાય,કેમકે આવાં મૂળ ઊંડે સુધી ફેલાય છે.આથી છતને નુકસાન થવાની તથા સરવાળે બિલ્ડીંગનું માળખું  (સ્ટ્રક્ચર)નબળું પડવાની શક્યતા છે.એટલે તંતુમય(ફાયબ્રસ)મૂળવાળા છોડવા યોગ્ય છે.જેને વૃદ્ધિ માટે ઝાઝી માટી જોઈતી નથી.

હ૩)પાણીના નિકાલની વ્યવસ્થા : ટેરેસ  ગાર્ડન માટે અન્ય એક મહત્ત્વની બાબત તે પાણીના નિકાલ(ડ્રેનેજ)ની યોગ્ય વ્યવસ્થા.

છોડવાને પીવડાવવા દરમિયાન ઢોળાયેલું અને છોડવાની આસપાસની જમીનમાં પચી ગયા પછીનું પાણી યોગ્ય રીતે વહી જવાને બદલે ટેરેસમાં જમા થયેલું રહેશે તો જતે દિવસે ઘાબુ તથા દિવાલને નુકસાન થવાની અને ટેરેસ ગાર્ડનની નીચેના ઘરના હિસ્સામાં

પાણી ઝમવાની સમસ્યા થઈ શકે છે.એટલે  પાણી વહી જાય એવી ડ્રેનેજ  વ્યવસ્થા ગાર્ડન  ફરતે કરવી જોઈએ.

હ૪) ટેરેસની સુરક્ષા : ટેરેસ ગાર્ડનને રોજ પાણી આપવાને કારણે ટેરેસને નુકસાન ન થાય એ માટે ગાર્ડન તૈયાર કરતાં પહેલાં ટેરેસનું વોટરપ્ફિંગ કરાવવું જોઈએ.ક્યાંય પાણીનું ગળતર ન થાય,તે ઝમે નહીં એ નિશ્ચિત કરો જેથી છત કે દિવાલોમાં ભેજ ન થાય.

હ૫) ટેરેસ ગાર્ડન માટે ખાતર: આવા ગાર્ડન માટે હળવા વજનનું ખાતર યોગ્ય છે કેમકે આવા ખાતરથી જમીન છિદ્રાળુ રહે છે અને આવી જમીનમાં હવા તથા સૂર્યનાં કિરણો સરળતાથી પ્રવેશી શકે છે. 

આ ગાર્ડનનો વધુ એક લાભ તે તેમાં ઔષધીય છોડ,ફળ,શાકભાજી,કોથમીર વગેરે પણ ઉગાડી શકાય છે.ટમેટા,રીંગણ,

કુંવાર પાઠુ (એલોવેરા) કોથમીર, ફૂદીનાજેવી પેદાશો માટે કૂંડાનો ઉપયોગ કરાય,જે,ટેરેસ ગાર્ડનની શોભા બનવા સાથે રસાયણમુક્ત (ઓર્ગેનિક) શાકભાજી ઉગાડવાનો તથા આહારમાં તેનો સમાવેશ કર્યાનો એમ બન્ને પ્રકારના સંતોષ આપે છે.

  આ જ કારણસર ઘણા લોકો ઘર ખરીદતા પહેલાં ત્યાં ટેરેસ ગાર્ડન બનાવી શકાય તેમ છે કે નહીં તે ખાસ જુએ છે.નોંધપાત્ર બાબત એ કે આવો ગાર્ડન બિલ્ડીંગને ગરમી અને ઠંડી સામે રક્ષણ આપે છે.અભ્યાસ મુજબ તેનાથી ઘરનું તાપમાન છથી આઠ ડિગ્રી ઓછું રહે છે અને પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે.

સમય જવા સાથે આથક જરૂરિયાત અને એ માટેની દોડમાં આપણા સૌનું જીવન  એવી વ્યાવસાયિક પ્રવૃતિઓનું અને એવી  જવાબદારીઓનું કેન્દ્ર બનતું ગયું છે કે ઈચ્છીએ તો પણ બધા માટે લાંબો સમય પ્રકૃતિ વચ્ચે રહેવું મુશ્કેલ છે.આ સ્થિતિમાં માતા પછીના સ્થાને આપણી જન્મદાત્રી અને આપણું ભરણપોષણ કરનાર અન્ય કોઈ હોય તો તે પ્રકૃતિ-કૂદરત છે.ટેરેસ ગાર્ડન સહિતના ઘરપરિસરમાંના ફૂલછોડ, ફૂલવેલ  વગેરે ઘરનું ઘરેણું બની ઘરની શોભા વધારી, વાતાવરણને પ્રસન્નતાપૂર્ણ બનાવી,કુદરતના વૈભવને ખોળે રહ્યાનો સંતોષ આપી આપણને સમગ્ર જીવસૃષ્ટિની જન્મદાત્રી પ્રકૃતિ સુધી લઈ જાય છે!ત્યારે,ભલા, જીવનનો એ આનંદ લેવો કોને ન ગમે?!

- મહેશ ભટ્ટ